ડૉલર સામે રૂપિયો નવા તળિયે પહોંચ્યો, હવે કઈ છ ચીજો મોંઘી પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકન ડૉલરની સામે ભારતીય રૂપિયામાં ઘસારો જારી છે. ત્રીજી ડિસેમ્બરે રૂપિયાએ પહેલી વખત 90ની સાઇકોલૉજિકલ સપાટી તોડી હતી અને ડૉલરનો ભાવ 90.12 રૂપિયાને સ્પર્શી ગયો હતો.
ત્યાર પછી ચોથી ડિસેમ્બરે પણ રૂપિયામાં ઘસારો ચાલુ રહ્યો અને ડૉલર સામે 90.43ના ઐતિહાસિક નીચલાસ્તરે પહોંચ્યો હતો.
નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય રૂપિયો ડૉલરની તુલનામાં લગભગ સાત ટકા ઘટી ચૂક્યો છે.
રૂપિયો ઘસાય ત્યારે તેની સીધી અસર મોંઘવારી પર પડતી હોય છે. તેથી રુપિયાએ 90ની સપાટી તોડી તેના કારણે ઘણી ચીજો મોંઘી થવાની શક્યતા છે. અહીં આવી છ ચીજોની વાત કરી છે જેના માટે ગ્રાહકોએ વધારે રૂપિયા ચુકવવાની તૈયારી રાખવી પડશે.
ક્રૂડ ઑઇલ પર સૌથી મોટી અસર

ઇમેજ સ્રોત, Getty Images
ભારત એ ક્રૂડ ઑઇલના સૌથી મોટા આયાતકાર દેશો પૈકી એક છે અને ક્રૂડની મોટા ભાગની જરૂરિયાત ઇમ્પૉર્ટ દ્વારા સંતોષે છે. તેથી ડૉલરની મજબૂતીથી ભારતને આંચકો લાગશે. ઇંધણ મોંઘું થવાથી ટ્રાન્સપૉર્ટેશનનો ખર્ચ વધે છે અને સરવાળે તમામ ચીજો મોંઘી થાય છે.
અમદાવાદસ્થિત ઇકૉનૉમિક્સનાં પ્રોફેસર નેહા શાહે જણાવ્યું કે "આપણી આયાતમાં ક્રૂડ ઑઇલનો મોટો હિસ્સો છે. રૂપિયો ઘસાવાથી ઇંધણના ભાવ વધે તો દરેક ચીજમાં મોંઘવારી જોવા મળશે કારણ કે ટ્રાન્સપૉર્ટેશનનો ખર્ચ વધી જશે."
તેઓ માને છે કે "હાલમાં ભારતનું ફૉરેન કરન્સીનું રિઝર્વ મજબૂત છે, તેના કારણે રિઝર્વ બૅન્ક કદાચ રૂપિયાના ઘટાડો રોકવા મોટા પાયે દરમિયાનગીરી નથી કરી રહી."
"આ ઉપરાંત રૂપિયો નરમ પડવાથી કેટલાક સેક્ટરમાં ભારતની નિકાસ વધી શકે છે. અમેરિકા અને બીજા ઘણા દેશોમાં ભારતનો માલ સસ્તો પડી શકે છે," તેમ તેઓ કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85 ટકા ઑઇલની આયાત કરે છે. અત્યાર સુધી ભારત રશિયા પાસેથી સસ્તા દરે ઑઇલ મેળવતું હતું, પરંતુ અમેરિકાએ ટેરિફ ઝીંક્યા પછી રશિયા પાસેથી ઑઇલની આયાત એક તૃતિયાંશ જેટલી ઘટી ગઈ છે.
ફૉરેન ઍજ્યુકેશન માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રૂપિયાની સરખામણીમાં ડૉલર મોંઘો થાય એટલે વિદેશમાં શિક્ષણ મેળવવાનો ખર્ચ વધી જાય છે. તેથી ડૉલરની મજબૂતીના કારણે સૌથી વધારે અસર થવાની હોય તેવા સેક્ટરમાં ફૉરેન ઍજ્યુકેશનનો સમાવેશ થાય છે. જે માતાપિતા પોતાનાં સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલતાં હોય, તેમણે હવે વધારે રૂપિયા ખર્ચ કરવાં પડશે.
અમદાવાદસ્થિત પાથેય બજેટ સેન્ટરના અર્થશાસ્ત્રી મહેન્દર જેઠમલાણીએ જણાવ્યું કે "ડૉલરનો વધતો ભાવ મોટી સંખ્યામાં એવા ભારતીયોને અસર કરશે જેઓ પોતાનાં બાળકોને ભણવા માટે વિદેશ મોકલવાના છે."
ભારતીય શિક્ષણ મંત્રાલયના આંકડા પ્રમાણે 2024માં લગભગ 7.6 લાખ ભારતીય વિદ્યાર્થીઓ હાયર ઍજ્યુકેશન માટે વિદેશ ગયા હતા.
જેઠમલાણીએ કહ્યું કે "રૂપિયો ઘસાવાથી ભારતીયો માટે વિદેશમાં શિક્ષણનો ખર્ચ વધતો જાય છે અને હવે તેમાં વધુ મોટો ઉછાળો આવશે."
ઘણા વાલીઓ પોતાનાં સંતાનોને અમેરિકા, યુકે, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અથવા સિંગાપોર જેવા દેશોમાં ભણાવવા માટે મોટી ઍજ્યુકેશન લોન લેતા હોય છે. તેમના પર બોજ વધી જશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ રહેવા અને જમવા માટે જે ખર્ચ કરે છે, તે પણ મોંઘો પડશે.
ઉદાહરણ તરીકે, વિદેશમાં કોઈ કોર્સનો કુલ ખર્ચ એક લાખ ડૉલર હોય તો એક વર્ષ અગાઉ રુપિયામાં તેનો ખર્ચ 85 લાખ રૂપિયા થતો હતો. પરંતુ હવે આ જ કોર્સનો કુલ ખર્ચ 90 લાખ રૂપિયાને પાર કરી જશે.
કોવિડના સમયગાળાને બાદ કરતાં દર વર્ષે વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. 2023માં લગભગ નવ વાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.
મકાન અને કારના EMI પણ વધી શકે

ઇમેજ સ્રોત, Getty Images
રૂપિયો ઘસાવાના કારણે ફુગાવો વધે ત્યારે ફુગાવાને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) વ્યાજના દર વધારતી હોય છે. તેના કારણે હોમ લોન અને ઑટો લોનથી લઈને દરેક પ્રકારની લોનના દર વધી જાય છે.
એટલે કે મકાન કે કાર ખરીદનારે વધારે મોટો હપતો ભરવાની તૈયારી રાખવી પડશે. છેલ્લા કેટલાક સમયથી રિઝર્વ બૅન્કે ગ્રોથને ઉત્તેજન આપવા માટે વ્યાજના દર સતત ઘટાડ્યા છે અને હાલમાં વ્યાજદર રેકૉર્ડ નીચા સ્તરે છે. પરંતુ હવે કદાચ ફરીથી લોનના હપતા વધી જાય તેવો સમય આવશે.
વિદેશ ફરવા જવાનો ખર્ચ વધશે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીયો જે સુવિધા માટે રૂપિયાને ડૉલરમાં કન્વર્ટ કરશે તે બધી ચીજો મોંઘી થવાની છે. એટલે કે વિદેશ પ્રવાસ કરવાનો ખર્ચ પણ વધી જશે. ઍર ટિકિટથી લઈને હોટલ બુક કરવા સુધી દરેક ચીજો મોંઘી પડશે. વિદેશ જતી વખતે તમારે જે મેડિકલ ઇન્સ્યૉરન્સ ખરીદવો પડે છે, તેનો ખર્ચ પણ વધી જશે.
ભારતીયો વિદેશ પ્રવાસના શોખીન છે અને 2024માં 3.89 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો જે એક રેકૉર્ડ છે. 2023ની તુલનામાં 2024માં લગભગ 11 ટકા વધુ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો.
ફૉરેન ટ્રાવેલ માટે સૌથી વધુ ભારતીયો યુએઈ જાય છે. ત્યાર પછી સાઉદી અરેબિયા, અમેરિકા, થાઇલૅન્ડ, સિંગાપોર, યુકે, કતાર અને કૅનેડાનો વારો આવે છે.
ઇલેક્ટ્રૉનિક્સ આઇટમો પર અસર
ભારત 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ પોતાને ત્યાં ચીજવસ્તુઓનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, છતાં ભારતમાં વિદેશી ઇલેક્ટ્રૉનિક્સની આયાત વધતી જાય છે. નાણાકીય વર્ષ 2025માં ભારતે 8.35 લાખ કરોડ (ટ્રિલિયન) રૂપિયાનાં ઇલેક્ટ્રૉનિક ઉત્પાદનોની આયાત કરી હતી.
ડૉલરની મજબૂતીના કારણે ભારતને સ્માર્ટફોન, લૅપટૉપ , ટીવી, ગેમિંગ કૉન્સોલ વગેરેની આયાત મોંઘી પડશે. તેથી ભારતીય બજારમાં પણ આ ચીજોના ભાવ વધવાની શક્યતા છે.
ભારત દ્વારા વિદેશથી કમ્પ્યુટર હાર્ડવેર, ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ અને ટેલિકૉમનાં સાધનોની વધારે આયાત કરવામાં આવે છે.
લક્ઝરી ગૂડ્સના ભાવ વધશે
વિદેશથી તમે પ્રીમિયમ ચીજ વસ્તુઓ અથવા લક્ઝરી ગૂડ્સને આયાત કરો ત્યારે તેનો ભાવ વધી જશે. તેમાં પૅકેજ્ડ ચૉકલેટ્સ, ચામડાંની પ્રીમિયમ આઇટમો, લક્ઝરી કાર, અમુક પ્રીમિયમ ઍપ્લાયન્સિસ, સોનું, ચાંદી વગેરેનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી નબળાં ચલણોમાં રૂપિયાનો સમાવેશ
એશિયાના સૌથી ખરાબ દેખાવ કરનારાં ચલણોમાં રૂપિયાનો સમાવેશ થાય છે.
ચાલુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમાં પાંચ ટકા ઘટાડો થયો છે. અમેરિકાએ ભારતીય માલ પર 50 ટકા સુધી ટેરિફ ઝીંક્યા તેની અસર જોવા મળી રહી છે. ટેરિફના કારણે વિદેશી રોકાણકારો માટે ભારતનું આકર્ષણ ઘટ્યું છે.
રૉયટર્સના અહેવાલ પ્રમાણે રૂપિયાને 80થી 85 સુધી જવામાં જે સમય લાગ્યો, તેના કરતાં અડધા સમયમાં 85થી ઘટીને 90 પર આવી ગયો છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












