કચરો નાખી જાવ અને ભરપેટ સ્વાદિષ્ટ જમો, ભારતના શહેરમાં આવું ચલણ કેમ છે?

ઇમેજ સ્રોત, Ritesh Saini/ Ambikapur Municipal Corporation
- લેેખક, હાજરા ખાતૂન
- પદ, બીબીસી ફ્યૂચર
સમગ્ર ભારતમાં ગાર્બેજ કાફે એક વધતો જતો ટ્રેન્ડ છે. પ્લાસ્ટિક અને લોકો પર આ કાફેની શું અસર થાય છે તે જાણવા માટે બીબીસીએ અંબિકાપુર શહેરની મુલાકાત લીધી.
2025માં શિયાળાની શરૂઆતમાં ધુમ્મસવાળા દિવસે, હું ભારતના પહેલા ગાર્બેજ કાફેમાં ગઈ. ગરમા ગરમ સમોસાંની સુગંધથી તરત જ આ સ્થળ સાથે પોતીકી ભાવના જન્મી. અંદર, લોકો લાકડાંની બૅન્ચ પર બેઠા હતા.
સ્ટીલની થાળીઓમાં ગરમાગરમ ભોજન હતું. કેટલાક વાતો કરી રહ્યા હતા, જ્યારે કેટલાક શાંતિથી ખાવામાં વ્યસ્ત હતા.
છત્તીસગઢ રાજ્યના અંબિકાપુર શહેરમાં આવેલા આ કાફેમાં દરરોજ લોકો પોતાની ભૂખ સંતોષવા માટે આવે છે.
તેઓ ગરમાગરમ ભોજન મેળવવાની અપેક્ષાએ આવે છે. પરંતુ તેઓ તેના માટે પૈસા ચૂકવતા નથી.
તેના બદલે, તેઓ પ્લાસ્ટિકના બંડલ જેમ કે જૂની પ્લાસ્ટિકની થેલીઓ, ફૂડ રેપર અને પાણીની બૉટલો આપે છે.
એક કિલો અને અડધો કિલો પ્લાસ્ટિકમાં કેટલું જમવાનું મળે?
અંબિકાપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC) વતી કાફે ચલાવતા વિનોદ કુમાર પટેલ કહે છે, "એક કિલો પ્લાસ્ટિકના કચરાના બદલામાં, તેમને સંપૂર્ણ ભોજન મળે છે, જેમાં ભાત, બે શાકભાજી, દાળ, રોટલી, સલાડ અને અથાણુંનો સમાવેશ થાય છે. અડધા કિલો પ્લાસ્ટિક માટે, તેમને સમોસાં અથવા વડાપાંવ જેવા નાસ્તા મળે છે."
અંબિકાપુર શહેરે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાને ભૂખમરો દૂર કરવાના સાધનમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2019 માં, અહીં "ગાર્બેજ કાફે" શરૂ કરવામાં આવ્યું હતું, જેનું સૂત્ર હતું - "જેટલો વધુ કચરો, તેટલો વધુ સ્વાદિષ્ટ ખોરાક."
આ પહેલ અંબિકાપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્વચ્છતા બજેટમાંથી ચલાવવામાં આવે છે. આ કાફે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલું છે.
ગાર્બેજ કાફે

ઇમેજ સ્રોત, Ritesh Saini/ Ambikapur Municipal Corporation
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિનોદ કુમાર પટેલ કહે છે, "આ વિચાર અંબિકાપુરની બે હાલની સમસ્યાઓ - પ્લાસ્ટિક કચરો અને ભૂખમરો - ને ઉકેલવા માટે આવ્યો."
આ યોજનાનો ઉદ્દેશ્ય એ હતો કે ગરીબ લોકો, ખાસ કરીને બેઘર અને કચરો ઉપાડનારાઓ, શેરીઓ અને કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક એકઠું કરે અને બદલામાં તેમને ગરમ ખોરાક મળે.
સ્થાનિક મહિલા રશ્મિ મંડલ દરરોજ કાફેમાં પ્લાસ્ટિક લાવે છે. દરરોજ સવારે તે અંબિકાપુરના રસ્તાઓ પર જાય છે અને જૂનાં ફૂડ રૅપર અને બૉટલ જેવાં નકામાં પ્લાસ્ટિક એકત્રિત કરે છે.
તેમના માટે, કચરો એકઠો કરવો એ તેમના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન છે.
તેમણે એકઠા કરેલા પ્લાસ્ટિકના નાના ઢગલા તરફ જોઈને રશ્મિ મંડલ કહે છે, "હું વર્ષોથી આ કરી રહી છું,"
પહેલા, તે આ પ્લાસ્ટિક સ્ક્રેપ ડીલરોને માત્ર 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતી હતી, જે આજીવિકા માટે પણ પૂરતું ન હતું.
તે કહે છે, "પણ હવે હું પ્લાસ્ટિકના બદલામાં મારા પરિવાર માટે ભોજન ખરીદી શકું છું. આનાથી અમારા જીવનમાં મોટો ફરક પડ્યો છે."
શરૂઆતથી અહીં કામ કરતા શારદા સિંહ પટેલના જણાવ્યા અનુસાર, "કાફેમાં આવતા મોટાભાગના લોકો ગરીબ વર્ગના હોય છે. જો અમને પ્લાસ્ટિકના બદલામાં ખોરાક મળી રહ્યો છે, તો અમે ફક્ત ભૂખ્યા લોકોનું પેટ જ ભરી રહ્યા નથી, પરંતુ પર્યાવરણને સ્વચ્છ કરવામાં પણ મદદ કરી રહ્યા છીએ."
વિનોદ પટેલના મતે, આ કાફેમાં દરરોજ સરેરાશ 20 થી વધુ લોકો ભોજન કરે છે.
વર્ષ 2014 માં, ભારત સરકારે સ્વચ્છ ભારત મિશન અર્બનની પહેલ શરૂ કરી હતી.
આ અંતર્ગત, શહેરમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન કાર્ય જોઈ રહેલા રિતેશ સૈની કહે છે કે કાફેએ લેન્ડફિલમાં જતા પ્લાસ્ટિક કચરાના જથ્થાને પણ અસર કરી છે.
તેમના મતે, 2019 થી અહીં લગભગ 23 ટન પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું છે.
આ કારણે, 2019માં અંબિકાપુરમાં લૅન્ડફિલમાં પહોંચતું પ્લાસ્ટિકનું પ્રમાણ વાર્ષિક 5.4 ટન હતું, જ્યારે 2024 સુધીમાં તે ઘટીને વાર્ષિક 2 ટન થઈ ગયું હતું.
જોકે, સૈનીના મતે, આ અંબિકાપુરના કુલ પ્લાસ્ટિક કચરાનો એક નાનો ભાગ છે, જે 2024માં 226 ટન હતો.
પરંતુ કાફેનો ઉદ્દેશ્ય મુખ્ય સંગ્રહ નેટવર્ક દ્વારા ચૂકી ગયેલા પ્લાસ્ટિકને એકત્રિત કરવાનો છે, તેમજ લોકોને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ પહેલ શહેરમાં પ્લાસ્ટિક ઘટાડવા અને રિસાયક્લિંગ વધારવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.
આ પ્લાસ્ટિક કચરામાંથી શું બને છે?

ઇમેજ સ્રોત, Ritesh Saini/ Ambikapur Municipal Corporation
આ પહેલથી અંબિકાપુરને ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોમાંના એક તરીકે ઓળખ મળી છે.
સૈની કહે છે કે શહેરમાં દરરોજ 45 ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે અને તેને શહેરથી સાડા ત્રણ કિલોમીટર દૂર 16 એકરમાં ફેલાયેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે.
પરંતુ 2016 માં, AMC એ ડમ્પિંગ ગ્રાઉન્ડને પાર્કમાં રૂપાંતરિત કર્યું અને "ઝીરો વેસ્ટ" વિકેન્દ્રિત સિસ્ટમ રજૂ કરી, તેથી શહેરને હવે મોટા ડમ્પિંગ ગ્રાઉન્ડની જરૂર નથી.
સરકારી અહેવાલ (2020) મુજબ, અહીં એકત્ર કરાયેલા પ્લાસ્ટિકને ગ્રેન્યુઅલ્સમાં બદલીને તેનો ઉપયોગ રસ્તાના બાંધકામમાં થાય છે અથવા રિસાયકલર્સને વેચવામાં આવે છે. આનાથી સ્થાનિક સંસ્થાને આવક પણ થાય છે.
ભીના કચરાને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને રિસાયકલ ન કરી શકાય તેવા કચરાને થોડી માત્રામાં સિમેન્ટ ફૅક્ટરીઓમાં બળતણ તરીકે મોકલવામાં આવે છે.
આ પ્રયાસોને કારણે, અંબિકાપુર "ઝીરો લૅન્ડફિલ" શહેર તરીકે જાણીતું બન્યું છે.
ગાર્બેજ કાફેમાં આવતું પ્લાસ્ટિક AMCના સમર્પિત સ્થાનિક કચરો વ્યવસ્થાપન કેન્દ્રોમાં મોકલવામાં આવે છે.
અંબિકાપુરમાં આવા 20 કેન્દ્રો છે, જ્યાં મહત્તમ રિસાયક્લિંગ કરવા માટે કચરાને 60થી વધુ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.
આ કેન્દ્રોમાં 480 મહિલાઓ કામ કરે છે, જેમને "સ્વચ્છતા દીદી" કહેવામાં આવે છે.
કચરો અલગ કરવાની સાથે, આ મહિલાઓ દરરોજ ઘરે-ઘરે જઈને કચરો પણ એકત્રિત કરે છે.
તે દર મહિને 8,000 થી 10,000 રૂપિયાની કમાણી કરે છે.
આ કચરા વ્યવસ્થાપન કેન્દ્રોમાંથી એકને ચલાવતાંં સોના ટોપ્પો કહે છે, "દરરોજ 30 થી 35 લોકો અહીં પ્લાસ્ટિક લાવે છે. કેટલાક નિયમિત આવે છે તો કેટલાક સમયાંતરે આવે છે."
તેઓ કહે છે કે અહીં પ્લાસ્ટિક આપનારા લોકો વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે જેમાં કચરો વીણનારા, દુકાનદારો અને મજૂરો પણ સામેલ છે.
સૈનીના જણાવ્યા મુજબ, કચરા વ્યવસ્થાપન કેન્દ્રોમાં કામ કરતા કર્મચારીઓને કચરો સંભાળતી વખતે સ્વાસ્થ્યના જોખમો ઘટાડવા માટે હાથમોજાં, માસ્ક અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
જોકે, કચરો એકત્ર કરનારાઓને આવી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી.
અંબિકાપુર મૉડેલ
અમદાવાદ યુનિવર્સિટીનાં ઍસોસિએટ પ્રોફેસર અને શહરી વિસ્તારોમાં જળવાયુ પરિવર્તન પર કામ કરતાં મીનલ પાઠક કહે છે કે મૂળભૂત સુરક્ષા ઉપકરણો વગર કચરો વીણનારાઓ દરરોજ બૅક્ટેરિયા, અણીદાર વસ્તુઓ અને ઝેરી કચરાના સંપર્કમાં આવે છે જેનાથી તેમને બીમારીઓનો ખતરો રહે છે.
કચરો ભેગો કરતી મહિલાઓને સંગઠિત કરવા અને સારસંભાળ માટે બનેલી એક કોઑપરેટિવ સોસાયટી સ્વચ્છ અંબિકાપુર મિશન સિટી લેવલ ફૅડરેશનનાં અધ્યક્ષ શશિકલા સિન્હા કહે છે, "2016થી અત્યાર સુધી આ કેન્દ્રોએ લગભગ 50 હજાર ટન સૂકો કચરો જેમકે પ્લાસ્ટિક, કાગળ – કાર્ડબોર્ડ, ધાતુ અને ઈ-કચરો એકઠો કરીને રિસાઇકલિંગ કર્યું છે."
ઘરે-ઘરેથી કચરો ભેગો કરવાનું આ મૉડલ એટલે સફળ રહ્યું કારણ કે હવે આખા છત્તીસગઢ રાજ્યનાં 48 વૉર્ડોમાં આને "અંબિકાપુર મૉડલ" ના નામથી અપનાવાયું છે.
અંબિકાપુરમાં "ઝીરો-વેસ્ટ" મૉડલને આગળ લઈ જનારાં સરકારી અધિકારી ઋતિ સૈણે 2025માં પ્રિન્સટન યુનિવર્સિટી માટે લખેલા એક બ્લૉગમાં કહ્યું હતું કે , "લક્ષ્ય માત્ર અંબિકાપુરની સમસ્યાનું સમાધાન કરવાનું નહોતું, પણ તેવાં મધ્યમ આકારનાં શહેરોને સમાધાન આપવાનું હતું જેમની સામે આવા પડકારો છે."
"અમારો હેતુ એક એવું મૉડલ બનાવવાનો હતો જે કામ કરવા લાયક હોય, જળવાયુના હિસાબથી ટકાઉ હોય અને આર્થિક રૂપથી વ્યાવહારિક હોય."
ભારતના અન્ય ભાગોમાં પણ ગાર્બેજ કાફે શરૂ કરવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં 2019માં એક યોજના શરૂ થઈ જેમાં પ્લાસ્ટિક કચરાના બદલે મફત ભોજન અપાતું હતું.
તે વર્ષે તેલંગાણાના મુલુગુ શહેરમાં એક નવી યોજના શરૂ થઈ જેમાં એક કિલો પ્લાસ્ટિકના બદલે ચોખા અપાતા હતા.
કર્ણાટકના મૈસૂરમાં 2024માં એક યોજના શરૂ કરી જેમાં લોકો રાજ્ય સરકાર તરફથી સંચાલિત ઇંદિરા કૅન્ટીનમાં 500 ગ્રામ પ્લાસ્ટિક આપીને મફત નાસ્તો અથવા એક કિલો પ્લાસ્ટિક આપીને મફત ભોજન મેળવી શકે.
ત્યારે ઉત્તર પ્રદેશમાં એક અભિયાનમાં મહિલાઓને પ્લાસ્ટિક કચરાના બદલામાં સૅનિટરી પૅડ આપવામાં આવે છે.
દિલ્હીમાં કેમ નિષ્ફળ થયું આ મૉડલ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આવી યોજનાઓ હંમેશાં કોઈ અડચણ વગર ચાલી હોય એવું નથી. દિલ્હી નગર નિગમે પણ 2020માં "ગાર્બેજ કાફે" મારફત પ્લાસ્ટિક કચરો ભેગો કરવાની પહેલ શરૂ કરી હતી જેમાં 20થી વધારે આઉટલેટ સામેલ હતાં. પરંતુ ધીમ-ધીમે આ યોજના બંધ થઈ ગઈ.
કેટલાંક કાફેએ બીબીસીને જણાવ્યું કે આમાં સાર્વજનિક જાગરૂકતાની કમી, કચરાને અલગ કરવાની નબળી વ્યવસ્થા અને રિસાઇકલિંગ સ્ટ્રક્ચર માટે પર્યાપ્ત સમર્થન ન મળવા જેવા પડકારો સામે આવ્યા.
સેનીનું માનવું છે કે દિલ્હીમાં ગાર્બેજ કાફે પ્રત્યે ઓછા ઉત્સાહનું કારણ એ હોઈ શકે કે ત્યાં અંબિકાપુરની સરખામણીમાં એટલી ગરીબી નથી.
ભારતની બહાર કંબોડિયાએ પણ આ પ્રકારની યોજના શરૂ કરી છે જેથી કચરો અને ભૂખ બંને સમસ્યાઓનું એક સાથે સમાધાન કરી શકાય.
દાખલા તરીકે, પ્લાસ્ટિકથી પ્રદૂષિત ટોનલે સૅપ લેકની આસપાસની વસાહતોમાં લોકો પ્લાસ્ટિક ભેગું કરીને તેના સામે ચોખા લઈ શકે છે.
પાઠકનું કહેવું છે કે અંબિકાપુર જેવી યોજનાઓ પ્લાસ્ટિક કચરાની નકારાત્મક અસર વિશે જાગરૂકતા વધારવામાં પણ મદદ કરે છે.
પણ તેમના અનુસાર, સરકારે વધારે ડેટા ઉપલબ્ધ કરાવવો જોઈએ જેથી બીજા શહેર એ અંદાજ મેળવી શકે કે ગાર્બેજ કૅફે તેમના માટે સારું મૉડેલ છે કે નહીં.
પાઠક ઉમેરે છે કે જોકે આવી યોજનાઓની અસર થઈ છે પણ તે પ્લાસ્ટિતના અતિ-ઉત્પાદન, નૉન રિસાઇક્લેબલ પ્લાસ્ટિક અને ભારતીય ઘરોમાં કચરાને સરખી રીતે અલગ કરવા જેવી મોટી સમસ્યાનો ઉકેલ નથી લાવી શકતી.
તેઓ કહે છે કે, "આ વધુમાં વધુ સપાટી પરનું સમાધાન છે, જે સમસ્યાના મૂળ સુધી નથી જતી."
તો પણ તેમનું માનવું છે કે આ પ્રયાસ મદદરૂપ છે. આ લોકોની સમસ્યા વિશે શીખવે છે અને બતાવે છે કે સ્થાનિક સ્તર પર પણ સમાધાન અસર કરી શકે છે.
તેઓ કહે છે, "આ એક સારી શરૂઆત છે પણ આપણને વધારે મોટા ફેરફારની જરૂર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












