ટૅનિસ : નોવાક જોકોવિચને હરાવીને ઇતિહાસ સર્જનારા 20 વર્ષીય કોર્લોસ અલ્કારાફ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જોનાથન જરેજ્કો
- પદ, બીબીસી સ્પૉર્ટ, વિંબલડન
કાર્લોસ અલ્કારાફે એક આશ્ચર્યચકિત કરી દેનારા વિજય સાથે નોવાક જોકોવિચના પ્રભુત્વને સમાપ્ત કરીને પ્રથમ વખત વિંબલડનો પુરુષ એકલનો ખિતાબ પોતાને નામે કરી લીધો છે.
સ્પેનના 20 વર્ષીય ખેલાડી અલ્કારાફે ખરાબ શરૂઆત બાદ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4ના અંતરે હાલના ચૅમ્પિયનને માત આપી છે.
જોકોવિચ સતત પાંચમી વખત વિજેતા બનવાની રાહે આગેકૂચ કરી રહ્યા હતા, જો તેઓ આ ખિતાબ મેળવવામાં સફળ થયા હોત તો આ તેમની પુરુષ એકલ સ્પર્ધામાં આઠમી જીત હોત તેમજ પ્રમુખ ટુર્નામેન્ટોમાં તેમની આ 24મી જીત હોત. પરંતુ ટૉપ સીડ ખેલાડી અલ્કારાફે 36 વર્ષીય સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચને હરાવ્યા. અલ્કારાફની પ્રમુખ ટુર્નામેન્ટોમાં આ બીજી જીત છે.
લીલાં ઘાસવાળા મેદાન પર પોતાની કારકિર્દીની ચોથી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા અલ્કારાફે પોતાના વિજય બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું, “આ મારા માટે કોઈ સ્વપ્ન પૂર્ણ થવા જેવું છે.”
“જો હું હારી જાત તો પણ મને પોતાના પર ગર્વ હોત. આ સ્તરે રમવું, એ પણ એક 20 વર્ષના છોકરા માટે, આ બધું ખૂબ ઝડપથી થયું. મને મારી જાત પર ગૌરવનો અનુભવ થઈ રહ્યો છે.”
અલ્કારાફે ગત વર્ષ યુએસ ઓપન દરમિયાન પોતાનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. વિંબલડનમાં જોકોવિચને હરાવ્યા બાદ તેઓ મેદાન પર જ ચતા લેટી ગયા, અને ખુશ થઈને બૉલ દર્શકો તરફ ઉછાળી દીધો.
વિંબલડનનાન સેન્ટ્રલ કોર્ટ ખીચોખીચ ભરેલો હતો. પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ સિવાય અભિનેતા બ્રાડ પિટ અને બે વખતના વિજેતા એન્ડી મરે પણ દર્શકોમાં સામેલ હતાં. તમામ દર્શકો ઑલ ઇંગ્લૅન્ડ ક્લબના નવા ચૅમ્પિયનના સન્માનમાં ઊભા થઈ ગયા. તે બાદ પરંપરા પ્રમાણે, અલ્કારાફ સીડીઓ પર દોડીને ચઢીને પોતાના બૉક્સમાં પહોંચ્યા અને પોતાના કોચ હ્વાન કાર્લોસ ફેરેરો, પરિવારજનો અને મિત્રોને ગળે મળ્યા.

ત્રીજા સૌથી વધુ યુવાન વિજેતા

ઇમેજ સ્રોત, Getty Images
અલ્કારાફ ઓપન એરામાં વિંબલડન ખિતાબ જીતનારા ત્રીજા સૌથી યુવાન ખેલાડી બન્યા છે. વર્ષ 1985માં 17 વર્ષીય બોરિસ બૅકર અને 1976માં 20 વર્ષીય બિયોન બહૉગે આ ખિતાબ જીત્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હાર બાદ 23 વખત ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા ચૅમ્પિયન ખેલાડી જોકોવિચે કહ્યું, “તમે ક્યારેય આ પ્રકારની મૅચ હારવા નથી માગતા, પરંતુ મને લાગે છે કે જ્યારે તમામ ભાવનાઓ શાંત પડશે તો પણ હું આના માટે આભારી રહીશ.”
મેદાન પર નિવેદન આપતાં નોવાક જોકોવિચ ભાવુક થઈ ગયા અને તેમની આંખમાં આંસુ હતાં.
તેમણે કહ્યું, “અહીં મેં ઘણી સ્પર્ધાઓમાં જીત મેળવી છે. મેં હારની નજીક પહોંચીને ઘણી મૅચોમાં જીત હાંસલ કરી છે. તેથી મારા માટે આ મામલો બરોબરીનો જ રહ્યો.”
“જ્યારે તમે આટલા નિકટ હો તો આને પચાવી શકવું મુશ્કેલ હોય છે. હું એક બહેતર ખેલાડી સામે હાર્યો છું, મારે એમને અભિનંદન પાઠવીને આગળ વધવાનું છે, આશા છે કે હું મજબૂતી સાથે આગળ વધીશ.”

દર્શકો માટે મિજબાની જેવો રહ્યો મુકાબલો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બે ટૉપ સીડ ખેલાડીઓ વચ્ચે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવા મુકાબલા પહેલાં, જોકોવિચે એવું કહીને રોમાંચ વધારી દીધો કે આ મુકાબલો એવા બે ખેલાડીઓ વચ્ચે એક ‘મિજબાની’ જેવો હશે જેઓ ‘એકસરખા પ્રમાણમાં ભૂખ્યા’ છે.
મુકાબલા પહેલાં બનેલા માહોલ જેટલી જ શાનદાર ખરી મૅચ પણ રહી – શાનદાર રમત, નાટકીય પળ અ પછી જોરદાર પ્રહાર, તેમાં બધું હતું, જેનો દર્શકો ઇંતેજાર કરી રહ્યા હતા.
એટીપી ટૂરમાં આ વર્ષે આ બંને ખેલાડીઓ ટૉપ પર રહ્યા અને તેમની વચ્ચે નંબર વન સ્થાન માટે ટક્કર થઈ હતી.
જોકોવિચ ઑસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન જીતીને રાફેલ નડાલના 22 ખિતાબી મુકાબલા જીતવાના રેકૉર્ડથી આગળ નીકળી ગયા હતા.
જોકોવિચ જાણતા હતા કે જો તેમણે વધુ એક ખિતાબી મુકાબલો જીતવામાં સફળ રહ્યા હોત તો તેમણે ટેનિસનાં મહાન ખેલાડી માર્ગરેટ કોર્ટના 24 એકલ ખિતાબ જીતવાના રેકૉર્ડની બરાબરી કરી લીધી હોત.
આજ સુધી કોઈ પણ ટેનિસ ખેલાડી ઑસ્ટ્રેલિયન મહિલા ખેલાડી માર્ગરેટ કોર્ટના આ રેકૉર્ડની બરાબરી નથી કરી શક્યો. પરંતુ કારકિર્દીના ત્રાજવાના બીજા પલ્લે રહેલા અલ્કારાફ એ સાબિત કરવા માટે રમી રહ્યા હતા કે યુવાન પેઢીના તમામ ખેલાડી જોકોવિચની મહાનતાના પ્રભાવ સામે અભિભૂત નહીં થાય.

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેનના આ યુવાન ખેલાડી ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલ મૅચમાં જોકોવિચ સામે અગાઉ કપરા અનુભવોનો સામનો કરી ચૂક્યા હતા. કદાચ એ સમયે અલ્કારાફ પર ગભરાટ છવાયેલો હતો અને તેમને શરીરમાં માંસપેશીઓને લગતી સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો.
વિંબલડનની ફાઇનલમાં મૅચ પહેલાં અલ્કારાફની મન:સ્થિતને લઈને પણ ચર્ચા થઈ રહી હતી.
અલ્કારાફને વિશ્વાસ હતો કે રવિવારે જ્યારે તેઓ જોકોવિચ સામે ટકરાશે ત્યારે તેમને ગભરાટ તેમના પર હાવી નહીં થાય. પરંતુ મૅચનો પ્રથમ સેટ એકતરફી રહ્યો અને એવું લાગી રહ્યું હતું કે ફરી એક વાર અલ્કારાફ પર જોકોવિચ હાવી થઈ ગયા છે. જોકોવિચે પ્રથમ સેટ માત્ર 34 મિનિટમાં જ જીતી લીધો હતો.
જોકોવિચે સતત રિટર્ન શૉટ મારીને પોતાના પ્રતિસ્પર્ધીના પરસેવા છોડાવી દીધા. અલ્કારાફ ઉતાવળમાં રિટર્ન શૉટ મારવાની વધુ ને વધુ ભૂલો કરવા મજબૂર બની ગયા.
જોકે, ધીરે ધીરે અલ્કારાફે મૅચમાં વાપસી કરી, તેમણે લય મેળવી અને જબરદસ્ત ગ્રાઉન્ડસ્ટ્રોક લગાવ્યા. તેમણે વધુ સંખ્યામાં ડ્રૉપ શૉટ રમ્યા. એ શૉટ હવે તેમની ઓળખ બનતા જઈ રહ્યા છે.
એક સમયે પાછળ રહેલા અલ્કારાફે ત્રીજા સેટને 27 મિનિટમાં જીતીને સરસાઈ મેળવી લીધી પરંતુ ચોથા સેટમાં તેમણે બે ભારે ભૂલો કરી અને જોકોવિચ બરાબરી પર આવી ગયા. પરંતુ નિર્ણાયક સેટમાં અલ્કારાફે જબરદસ્ત વાપસી કરી.
તેમણે જોકોવિચની 2-1ની સરસાઈને તોડી નાખી. જોકોવિચ એટલા ખિન્ન થઈ ગયા કે તેમણે પોતાનું રૅકેટ નેટ તરફ ફેંકી દીધું. અહીંથી અલ્કારાફે વધુ બહેતરીન રમતનું પ્રદર્શન કર્યું અને અંતે ચાર કલાક અને 42 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં તેઓ વિજેતા તરીકે સામે આવ્યા.

હજુ પણ ઇતિહાસ રચી શકે છે જોકોવિચ

ઇમેજ સ્રોત, Getty Images
આ હાર બાદ જોકોવિચની આંખમાંથી પડી રહેલાં આંસુ સ્પષ્ટપણે જણાવે છે કે આ ઐતિહાસિક પળ સુધી પહોંચવા માટે તેમણે કેટલી શારીરિક અને માનસિક મહેનત કરી હતી.
આ હારનો અર્થ એ થયો કે તેઓ રોજર ફેડરરના વિંબલડનમાં આઠ એકલ ખિતાબી મુકાબલા જીતવાના રેકૉર્ડની બરાબરી ન કરી શક્યા. તેઓ માર્ગરેટ કોર્ટના 24 ખિતાબી મુકાબલા જીતવાના રેકૉર્ડની બરાબરી કરવાથી પણ ચૂકી ગયા.
અલ્કારાફે જોકોવિચની વર્ષ 2017 બાદથી સતત 34 મૅચ જીતવાના અને વર્ષ 2013 બાદ સેન્ટર કોર્ટમાં સતત 45 મૅચ જીતવાની લયનો અંત આણ્યો. આ નિરાશાજનક હાર છતાં એવું કહી શકાય કે તેઓ હજુ ફેડરર અને માર્ગરેટ કોર્ટના રેકૉર્ડોની બરાબરી કરી શકે છે. તેમની રમત, શારીરિક મજબૂતી અને લવચીકપણું હજુ પણ પહેલાં જેવું જ છે.
અલ્કારાફ સામે ભવિષ્યમાં વધુ મૅચ રમવાની સંભાવના અંગે તેમણે કહ્યું, “મને લાગે છે કે આ અમારા બંને વચ્ચે પ્રતિદ્વંદ્વિતાની શરૂઆત છે અને એ મારા હિતમાં જ છે.”
“તેઓ લાંબા સમય સુધી ટૂર પર રહેશે પરંતુ હું નથી જાણતો કે હું હજુ કેટલા સમય સુધી છું. હું આશા રાખું છું કે અમે યુએસ ઓપન રમીશું. હું માનું છું કે રમત માટે એ સારું હશે કે વિશ્વના પ્રથમ અને બીજા ક્રમના ખેલાડીઓ પાંચ કલાક સુધી, પાંચ સેટવાળા રોમાંચક મુકાબલામાં એકબીજાની સામે હોય.”














