ક્રિકેટ વર્લ્ડ કપ : રોહિત શર્માની ટીમ વિરાટ કોહલીને વર્લ્ડ કપ જીતીને ભેટ આપી શકશે?

સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિધાંશુ કુમાર
    • પદ, બીબીસી માટે

2011ના વર્લ્ડકપની સૌથી યાદગાર ક્ષણોમાંની એક ટ્રૉફી જીત્યા બાદ દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચીન તેંડુલકરને ખભા પર બેસાડીને મેદાનમાં ફરવાની હતી

બે દાયકાથી ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચીન તેંડુલકર પાસે વર્લ્ડકપ સિવાયની તમામ ટ્રૉફી હતી.

તેથી જ્યારે તેમને તેમની છેલ્લી વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં વર્લ્ડકપની ટ્રૉફી મળી હતી, ત્યારે તેમની આંખોમાં પાણી આવી ગયાં હતાં.

હાથમાં ભારતીય તિરંગો અને ખભા પર સચીનને લઈને મેદાનનો મહત્તમ ભાગ પૂર્ણ કરનાર યુવા ખેલાડી બીજું કોઈ નહીં પણ વિરાટ કોહલી હતા.

જ્યારે કૉમેન્ટેટર નાસિર હુસૈને તેમને આ વિશે પૂછ્યું ત્યારે વિરાટે જવાબ આપ્યો કે દાયકાઓથી સચીન કરોડો ભારતીય ચાહકોની અપેક્ષાઓનો બોજ પોતાના ખભા પર લઈને ફરી રહ્યા હતા, આજે તેમને ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન માટે સલામી આપવામાં આવે છે.

એક મહાન ખેલાડીને આનાથી વધુ સારું સન્માન ભાગ્યેજ બીજા મહાન ખેલાડી પાસેથી મળ્યું હશે.

વિરાટ કોહલી કારકિર્દીના એ મુકામ પર પહોંચી ગયા છે કે જ્યાં એવું કહી શકાય કે આ વર્ષે ભારતમાં રમાનાર વનડે વર્લ્ડકપ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે.

સવાલ એ છે કે જે રીતે સચીન તેંડુલકરે તેમની છઠ્ઠી અને અંતિમ વર્લ્ડકપમાં ટ્રૉફી જીતી હતી, તે રીતે શું વર્તમાન ભારતીય ટીમ કોહલીને ભેટ આપી શકશે?

બીબીસી ગુજરાતી

સહેવાગને પણ છે વિશ્વાસ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે પણ તાજેતરના જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે જે પ્રકારે 2011ની ટીમે સચીન માટે વર્લ્ડકપ રમી હતી, તેવી જ ભાવના વર્તમાન ટીમ પણ બતાવે.

તેમણે કહ્યું કે, “અમે 2011ની એ વર્લ્ડકપ તેંડુલકર માટે રમી હતી. જો અમે વર્લ્ડકપ જીત્યા હોત તો સચીન પાજી માટે તે શાનદાર વિદાય હોત. વિરાટ કોહલી પણ હવે એજ જગ્યાએ છે, ભારતીય ટીમના તમામ ખેલાડી તેમના માટે વર્લ્ડકપ જીતવા માગશે.”

સહેવાગે કહ્યું કે, “કોહલી પોતે હંમેશાં સો ટકાથી વધુ આપે છે. મને લાગે છે કે વિરાટ કોહલીની નજર પણ આ વર્લ્ડકપ પર છે. લગભગ 100,000 લોકો તમને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા આવશે, વિરાટને ખબર છે કે પીચ કેવું વર્તે છે. મને ખાતરી છે કે તેઓ ઘણા રન બનાવશે અને ભારતને કપ જીતાડવાના તમામ પ્રયાસ કરશે.”

જોકે આગામી વર્લ્ડકપના પ્રબળ દાવેદાર બનવા માટે ભારતીય ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડશે.

બીબીસી ગુજરાતી

ડાબોડી બૅટ્સમૅનની જરૂરિયાત

સચીન તેંડુલકર અને સહેવાગ

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડકપમાં ભારતીય ટીમની દાવેદારી પર પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્માની ટીમમાં એક મોટી નબળાઈ બતાવી.

શાસ્ત્રી અનુસાર, ભારતીય ટૉપ ઑર્ડરમાં કોઈ ડાબોડી બૅટ્સમૅનની ગેરહાજરીને કારણે ટીમના બૅલેન્સમાં સમસ્યા છે.

તેમણે 2011ની વર્લ્ડકપ વિજેતા ટીમનું ઉદાહરણ આપતા કહ્યું કે એ ટીમમાં ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ અને સુરેશ રૈના જેવા ડાબોડી બૅટ્સમૅન હતા.

તેના કારણે ટીમના બેટિંગ લાઇનઅપમાં ડાબા-જમણા હાથના બૅટ્સમૅનનું સારું મિશ્રણ હતું.

લેફ્ટ-રાઇટ કૉમ્બિનેશનને કારણે બૉલરોને સતત તેમની લાઇન અને લેન્થ બદલવાની જરૂર પડે છે. સાથે જ દરેક રન સાથે ફીલ્ડીંગ પણ બદલવી પડે છે.

જો ઑસ્ટ્રેલિયાની વિજેતા ટીમો પર પણ નજર કરીએ તો ખબર પડશે કે બેટિંગ ઑર્ડરમાં પ્રથમ છમાં બે કે ત્રણ લેફ્ટ હૅડર્સ જરૂર રહેતા હતા.

શાસ્ત્રી અનુસાર આ ફૉર્મ્યુલા અજમાવતી વખતે ભારતીય ટીમે ઓપનિંગ જોડીમાં પણ ફેરફાર કરવા જોઈએ.

રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ સિવાય આમાંથી કોઈ એક ડાબોડી બૅટ્સમૅનને સ્થાન આપવું જોઈએ.

બીબીસી ગુજરાતી

આ ખેલાડીઓને મળવી જોઈએ તક

ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, ANI

જોકે સમસ્યા એ છે કે ભારતીય ક્રિકેટમાં ડાબોડી બૅટ્સમૅનનો દુકાળ છે.

જો પસંદગીકારો લીકથી હટીને વિચારે તો કદાચ ઋષભ પંતને ટૉપ 3માં કે ઓપનિંગમાં અજમાવી શકાય.

પરંતુ કાર અકસ્માત પછી તેઓ ફરી રમી શક્યા નહીં અને ઑક્ટોબર પહેલાં તેમના સાજા થવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

બે લેફ્ટ હૅન્ડ ઑલરાઉન્ડર્સ- રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટૉપ ઑર્ડરમાં બેટિંગનો અનુભવ નથી.

સિલેક્ટર્સ સામે આઈપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર નજર રાખવી પડશે અને તેમની પાસે યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન અને તિલક વર્મા જેવા વિકલ્પો હશે.

આ ત્રણેય ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને તેઓએ ટીમમાં યુવાનોને સામેલ કરવા વર્લ્ડકપ માટે તૈયાર રહેવું જોઈએ.

આગામી સિરીઝોમાં આ ખેલાડીઓને વધુમાં વધુ તક આપવી જોઈએ, જેથી ટૉપ છમાં ઓછામાં ઓછા 2 ડાબોડી બૅટ્સમૅનનું શાસ્ત્રીનું સપનું પુરુ કરી શકાય.

બીબીસી ગુજરાતી

રોહિત શર્માનું ફૉર્મમાં આવવું ખૂબ જરૂરી

યશસ્વી જયસ્વાલ

ઇમેજ સ્રોત, ANI

બેટિંગ સમસ્યાને કાબૂમાં રાખવા માટે જરૂરી એ છે કે ટીમના કપ્તાન જૂની લય અને ફૉર્મમાં જોવા મળે.

ઇંગ્લૅન્ડમાં રમાયેલી છેલ્લી વર્લ્ડકપમાં તેમણે ત્રણ શાનદાર સદી ફટકારીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.

50 ઓવરની ક્રિકેટમાં ટીમને આત્મવિશ્વાસ આપવા માટે રોહિતને મોટી ઇનિંગ્સ રમવી પડશે, જેના માટે તેઓ જાણીતા છે.

છેલ્લી વર્લ્ડકપ પછીની ક્રિકેટમાં તેમની બેટિંગમાં આટલું ઊંડાણ ભાગ્યેજ જોવા મળ્યું હતું અને એ દિવસોમાં ભલે તે વનડે હોય કે ટી20 તેમની એવરેજ વધવાને બદલે ઘટી છે.

રોહિત શર્માએ આ વર્ષે ન્યૂઝીલૅન્ડમાં તેમની છેલ્લી વનડે સદી ફટકારી હતી. વનડેમાં 30 સદી ફટકારીને તેઓ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે અને વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર તેઓ એકમાત્ર ખેલાડી છે.

કોહલીની જેમ રોહિતની પણ આ છેલ્લી વનડે વર્લ્ડકપ હોઈ શકે છે.

ભારતીય ક્રિકેટમાં કોહલી અને રોહિતની જોડી ફિલ્મ શોલેની જય-વીરુની જોડી જેવી જ છે, જે ટીમ વર્કમાં નંબર વન છે અને કોઈ પણ શક્તિશાળી વિરોધને હરાવવામાં સક્ષમ છે.

એ કહેવમાં બિલકુલ શંકા નથી કે કોહલીને વર્લ્ડકપની જીતની ટ્રૉફી અપાવવામાં રોહિત શર્મા મુખ્ય હશે.

બીબીસી ગુજરાતી

સ્પિનર્સ પાસે બેવડી ભૂમિકાની આશા

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય પરિસ્થિતિઓમાં સ્પિનર્સની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે. ભારતીય ટીમ કોઈ પણ ત્રણ અનુભવી રવિ અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને પસંદ કરવા ઇચ્છે છે.

જોકે આધુનિક ક્રિકેટમાં સ્પિનરો પાસેથી માત્ર વિકેટ લેવાની અપેક્ષા રાખવામાં આવતી નથી, પરંતુ જરૂર પડે ત્યારે તેમની પાસે રન બનાવવાની અપેક્ષા પણ રાખવામાં આવે છે.

એ રીતે અશ્વિન, જાડેજા અને પટેલ ફિટ બેસે છે, પરંતુ ધોનીની પ્રિય ‘કુલ-ચા’ જોડી નબળી પડી છે.

વર્તમાન ફૉર્મને જોતા કદાચ અશ્વિન, જાડેજા, ચહલ અને પટેલમાંથી ત્રણને ટીમમાં સ્થાન મળી શકે છે.

બીબીસી ગુજરાતી

ઝડપી બૉલિંગની સમસ્યા

રવીન્દ્ર જાડેજા અને અશ્વીન

ઇમેજ સ્રોત, Getty Images

આગામી વર્લ્ડકપમાં ભારતીય મૅનૅજમૅન્ટ માટે ફાસ્ટ-બૉલિંગ લાઇનઅપ તૈયાર કરવી સૌથી મોટી સમસ્યા બની રહેશે.

જસપ્રીત બુમરાહના રમવા પર શંકા છે, આવી સ્થિતિમાં ઝડપી બૉલિંગ નબળી દેખાવા લાગે છે.

મોહમ્મદ સિરાજે તેમની બૉલિંગમાં ઘણો સુધારો કર્યો છે, પરંતુ શમી ઉંમરના એવા તબક્કામાં છે, જ્યાં તેઓ દસ ઓવરની બૉલિંગમાં ભૂલો કરી શકે છે.

ત્રીજા ખેલાડી કોણ હશે, તેની પર ચર્ચા થશે. શું યુવા અર્શદીપ સિંહ વનડે માટે તૈયાર છે કે પછી બૅટ્સમૅનોએ હવે આઈપીએલમાં તેમની બૉલિંગનું રહસ્ય જાણી લીધું છે?

ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ કારકિર્દીના પતન પર છે, સાથે નવદીપ સૈની પણ તેમને આપેલા વચન પર ખરા ઊતર્યા નથી.

ભારતીય પરિસ્થિતિમાં બપોર પછી રિવર્સ સ્વિંગ માટે પણ સારો અવકાશ છે.

શું ભારતીય સીમર્સ આનો ફાયદો ઊઠાવી શકશે?

બીબીસી ગુજરાતી

વર્ક ઇન પ્રોગ્રેસ?

અર્શદીપ સિંહ અને રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

કોહલીને ટ્રૉફી અપાવનારી ટીમનું કામ હજુ પ્રગતિમાં કહી શકાય. આ ટીમના ઘણા સિનિયર ખેલાડીઓ માટે છેલ્લી વર્લ્ડકપ હશે અને એ તમામ ચોક્કસપણે જીત સાથે બહાર જવા માટે આતુર હશે.

વર્ષ 2017માં ચૅમ્પિયન ટ્રૉફી જીત્યા બાદ ભારત પાસે આઈસીસી ટ્રૉફીના દુષ્કાળને દૂર કરવાની સારી તક છે.

પરંતુ ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાન જેવી ટીમો તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે.

ભારતીય ટીમનો વિજય ત્યારે જ શક્ય બનશે, જ્યારે એક કે બે ખેલાડીઓને બદલે આખી ટીમ એક થઈને રમે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી