You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : જૂની સોસાયટીઓની પ્રૉપર્ટી ટ્રાન્સફરમાં સ્ટૅમ્પડ્યૂટીમાં 80 ટકા રાહત, પરંતુ હકીકતમાં ફાયદો કેટલો?
ગુજરાત સરકારે જૂની સોસાયટીઓની મિલકતોના ટ્રાન્સફર મામલે એક મહત્ત્વનો નિર્ણય લઈને સ્ટૅમ્પડ્યૂટીમાં 80 ટકા સુધી રાહત આપવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં વેચાણ દસ્તાવેજ વગર ઍલૉટમેન્ટ લેટર્સ અને શૅર સર્ટિફિકેટથી થયેલી પ્રોપર્ટી ટ્રાન્સફરમાં આ રાહત લાગુ થશે.
જાણકારોના કહેવા પ્રમાણે આ નિર્ણયથી એવી સોસાયટીઓ, હાઉસિંગ ઍસોસિએશનો અને નૉન-ટ્રેડિંગ કૉર્પોરેશનોને ફાયદો થશે જેમને વેચાણ દસ્તાવેજ કે વેચાણ પ્રક્રિયા કર્યા વગર જ પ્રૉપર્ટી ફાળવવામાં આવી હતી.
ગુજરાતમાં વર્ષ 1981થી 2001નો સમયગાળો એવો હતો જે દરમિયાન બિલ્ડરોએ આ રીતે ઘણાં મકાનો વેચ્યાં હતાં.
જૂના અમદાવાદમાં અને બીજા શહેરી વિસ્તારોમાં એવાં હજારો મકાનો છે જેમાં દસ્તાવેજનું કોઈ સત્તાવાર રજિસ્ટ્રેશન કરવામાં નથી આવ્યું. માત્ર શૅર સર્ટિફિકેટ અથવા ઍલૉટમેન્ટ લેટર્સના આધારે બિલ્ડરોએ મકાનો સોંપ્યાં હતાં.
સ્ટૅમ્પડ્યૂટીનો આખો મુદ્દો શું છે?
બીબીસી ગુજરાતીએ આ વિશે સ્ટૅમ્પડ્યૂટી અને પ્રૉપર્ટીને લાગતા મામલાના જાણકાર ઍડ્વોકેટ દીપક પટેલ સાથે વાત કરીને આ મુદ્દો સમજવા પ્રયાસ કર્યો હતો.
દીપક પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "આ વર્ષે એપ્રિલ મહિનામાં સરકારે એક નૉટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે જૂની સોસાયટીઓએ પ્રૉપર્ટી ટ્રાન્સફર માટે ચાર ગણી સ્ટૅમ્પડ્યૂટી ભરવી પડશે. તેના કારણે તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી."
તેમણે કહ્યું કે "2001 પછી બનેલી સોસાયટીઓના રહેવાસીઓને વેચાણ દસ્તાવેજ મળ્યા છે. પરંતુ 1 સપ્ટેમ્બર, 1981થી 2001 સુધીમાં બનેલી સોસાયટીઓને સરકારનો નિર્ણય અસર કરતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે "1981થી દરેક રાજ્યમાં શૅર સર્ટિફિકેટ, ઍલૉટમેન્ટ લેટર સાથે સોસાયટીઓ બની હતી, જેમાં ગુજરાત પણ સામેલ હતું. તેમાં બિલ્ડરો પોતાના ફાયદા માટે સભાસદોને દસ્તાવેજ કરી આપતા ન હતા. તેઓ મકાન માલિકને માત્ર શૅર સર્ટિફિકેટ અને ઍવૉટમેન્ટ લેટર જેવા કાગળો આપીને રૂપિયા લઈને નીકળી જતા હતા."
તેમણે આ સમસ્યા વિશે વધુમાં જણાવ્યું કે "ત્યાર પછી સરકારના ધ્યાનમાં આવ્યું કે કો-ઑપરેટિવ સોસાયટીના કાયદા પ્રમાણે પ્રૉપર્ટીનો પ્રથમ દસ્તાવેજ હોવો જરૂરી છે. હવે 1975માં કોઈએ મકાન ખરીદ્યું હોય અને હવે દસ્તાવેજ કરવો હોય તો કેવી રીતે કરી શકે, કારણ કે હવે બિલ્ડર હાજર નથી."
સરકારના હાલના નિર્ણય લેવાનું કારણ સમજાવતા દીપક પટેલે કહ્યું, "તેથી સરકારે રસ્તો કાઢ્યો કે તમે સૌથી પહેલા જે દસ્તાવેજ કર્યો હોય, તેની સ્ટૅમ્પડ્યૂટી ભરી દો. તેમાં સમસ્યા પેદા થઈ. ઉદાહરણ તરીકે અમદાવાદમાં કોઈ સોસાયટી છે જેમાં કોઈને મકાન વેચવું છે અને તેની પાસે માત્ર શૅર સર્ટિફિકેટ છે. પરંતુ સરકારના નિયમ પ્રમાણે પ્રથમ સ્ટૅમ્પડ્યૂટી ભરવી પડે અને ત્યાર પછી જ પ્રૉપર્ટીનો દસ્તાવેજ થાય."
અગાઉ માત્ર દંડ ભરી દેવાથી બધું કાયદેસર થઈ જતું હતું પરંતુ હવે દંડની રકમ વધારી દેવામાં આવી. આ વિશે સમજાવતા તેઓ કહે છે, "તે વખતે ડેપ્યુટી કલેક્ટર જે રકમ નક્કી કરે તેના ઉપરાંત 250 રૂપિયા દંડ ભરવો પડતો હતો. આટલું ભરવાથી કાયદેસર થઈ જતું હતું. પરંતુ 10 એપ્રિલ 2025થી 250 રૂપિયાનો દંડને બદલે હવે તેને વધારીને ચાર ગણો દંડ નક્કી કરવામાં આવ્યો."
દીપક પટેલ કહે છે કે, "આ નવો દંડ મકાનની વૅલ્યૂના આધારે હતો. ધારો કે મકાન પર 40 હજાર રૂપિયા સ્ટૅમ્પડ્યૂટી ભરવાની હોય તો તેના ચાર ગણા એટલે કે 1.60 લાખ દંડ થાય. તેથી લોકોમાં હોબાળો મચી ગયો અને વિરોધ થયો."
આ મામલે સરકારને ફરિયાદો થતા સરકારે હવે જાહેરાત કરી છે કે સ્ટૅમ્પડ્યૂટીમાં 80 ટકા રાહત આપીશું.
અસલમાં કેટલી રાહત મળશે
મકાનની સ્ટૅમ્પડ્યૂટીમાં 80 ટકા રાહતનો આંકડો મોટો દેખાય છે, પરંતુ હકીકતમાં એવું નથી.
ઍડ્વોકેટ દીપક પટેલ સ્પષ્ટતા કરતા કહે છે કે, "પહેલો દસ્તાવેજ ચૂકી ગયા છો તેની સ્ટૅમ્પડ્યૂટી ભરવા જાવ ત્યારે તે રકમના 80 ટકા રાહત મળે છે."
દીપક પટેલ કહે છે કે દંડમાંથી રાહત અપાઈ હોત તો વધારે ફાયદો થયો હોત.
તેઓ કહે છે કે, "આ જરાય મોટી રાહત નથી. અગાઉ 250 રૂપિયા દંડ હતો. તેથી 40 હજાર પર એક હજાર રૂપિયા ઉમેરતા 41 હજાર ભરવાના થતા હતા."
તેમના કહેવા પ્રમાણે આ રાહતને કારણે વધારે ફાયદો નથી.
તેઓ કહે છે, "પરંતુ એપ્રિલથી 40 હજાર વત્તા તેના ચાર ગણો દંડ મળીને બે લાખ રૂપિયા ભરવાના થતા હતા. રાહત મળ્યા પછી 40 હજારના 20 ટકા ભરવાના રહેશે. તેના ઉપરાંત 1.60 લાખ તો ભરવાના જ છે."
સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા તેઓ કહે છે, "સરકાર કોઈ પણ સંજોગોમાં પોતાની આવક ગુમાવવા માંગતી નથી. સરકારે ચાર ગણો દંડ રદ કર્યો હોત તો મોટી રાહત મળી હોત."
"પહેલી જાન્યુઆરી 2000થી બનેલા મકાનોમાં બિલ્ડરો દસ્તાવેજ બનાવી જ આપે છે. પરંતુ તેની અગાઉનાં 20 વર્ષમાં બનેલી સોસાયટીઓ માટે આ મુદ્દો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન