'મારા પતિના મૃત્યુનાં બે વર્ષ પછી હું ગર્ભવતી થઈ છું'

    • લેેખક, ઍમ્મા એલ્ગી
    • પદ, બીબીસી ન્યૂઝ, પશ્ચિમ ઈંગ્લેન્ડ

એક મહિલાનાં પતિનું મૃત્યુ બે વર્ષથી પણ વધુ સમય પહેલાં મગજની ગાંઠની બીમારીથી થયું હતું. તેઓ હવે ગર્ભવતી થયાં છે. આઈવીએફ (IVF)ના દસ રાઉન્ડ પછી તેઓ પ્રથમ વખત ગર્ભવતી બન્યાં છે.

ચેલ્ટનહામના 40 વર્ષીય સ્ટુઅર્ટ બાથર્સનું 21 નવેમ્બર 2021ના રોજ ગ્લિઓબ્લાસ્ટોમાના સ્ટેજ- ચારની સારવાર દરમિયાન પલ્મોનરી એમ્બોલિઝમથી મૃત્યુ થયું હતું.

તેમણે અને તેમનાં પત્ની એસ્થર બાથર્સે (44) તેમનાં મૃત્યુ પહેલાં આઈવીએફ(IVF)નાં બે રાઉન્ડ પૂરા કર્યા હતા. તેમના મૃત્યુના કિસ્સામાં તેમના પતિએ વધુ રાઉન્ડની સંમતિ પહેલાથી જ આપેલી હતી.

એસ્થરે કહ્યું, "આ એક ચમત્કાર જેવું લાગે છે".

"મારો મતલબ એ છે કે દરેક બાળક એક ચમત્કાર છે. પરંતુ મને વ્યક્તિગત રીતે આ એક ચમત્કાર જેવું લાગે છે. ભૂતકાળમાં બે કસુવાવડ અને સતત નિરાશાઓ અને નિષ્ફળતાઓ પછી આટલું દૂર સુધી આવવું તે ચમત્કાર છે."

દંપતીએ 2021માં આઈવીએફ (IVF)ની સારવાર શરૂ કરી હતી. સ્ટુઅર્ટ બાથર્સને કૅન્સર હોવાનું નિદાન થયાના માત્ર બે મહિના પછી પલ્મોનરી એમબોલિઝમથી મૃત્યુ પામ્યા તે પહેલાં બે રાઉન્ડ પૂરા કરી ચૂક્યા હતા. જે તેમની કૅન્સરની સારવાર સાથે કરાયા હતા.

એસ્થર બાથર્સે પછી આઈવીએફ માટે વધુ આઠ પ્રયાસો કર્યાં. 'ઇનસાઇડ સ્ટુઅર્ટ્સ હેડ' અભિયાન પર કામ કરવાનું તેમણે ચાલુ રાખ્યું. આ એક વેબસાઇટ છે. જેમાં એનએચએસના વિકલ્પો સમાપ્ત થયા પછી સારવારમાં મદદ માટે શોધી રહેલા કૅન્સરના દર્દીઓને મદદ કરવા માટે ભંડોળ ઊભું કરવામાં આવે છે.

પ્રેમ થયો અને માતાપિતા બનવાનું નક્કી કર્યું

બાથર્સે કહ્યું કે, તેમની કહાણી એક "આશા"ની કહાણી છે. તેઓ કહે છે, તેઓ ખુશ છે કારણ કે, તેમણે આઈવીએફનું પોતાની જાતે જ ભંડોળ ઊભું કરવા પાછળના ભાવનાત્મક અને નાણાકીય દબાણો છતાં હાર માની નહોતી.

તેમણે કહ્યું, "હું આશ્ચર્યમાં હતી કે શું મારી ઉંમરને કારણે મારું શરીર નિષ્ફળ થઈ રહ્યું છે? અથવા તે એટલા માટે છે કેમકે મારે આ નહોતું કરવું જોઈતું? તે બધી બાબતો તમારા મગજમાં ચાલતી હોય છે."

"મારા પતિ સ્ટુઅર્ટ મારી સાથે હતા. તેમનો મને ખૂબ જ સાથ હતો. અમારી પાસે તમામ સંમતિ ફૉર્મ્સ હતાં અને બધું પૂર્ણ થયું હતું.'

"જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું ત્યારે મને ક્રિસમસના તહેવાર જેવું લાગ્યું છે. સ્ટુઅર્ટના મૃત્યુ પછીના તમામ ઉતાર-ચઢાવ અને દુઃખને કારણે હું દુખી રહેવા લાગી હતી. પરંતુ આ નવો બદલાવ તેની સાથે ઘણી બધી લાગણીઓ અને તણાવ અને ભાવનાઓ લઈને આવ્યો છે. આખરે તે આનંદદાયી રહેશે કેમકે અમારી પાસે એક નાનું બાળક હશે."

આ દંપતી જૂન 2020માં મળ્યું હતું અને ચેલ્ટનહામના પિટવિલે પાર્કમાં પિકનિકની પ્રથમ ડેટ પછી તેઓ પ્રેમમાં પડ્યાં હતાં.

એસ્થર કહે છે, "અમારા સંબંધો ઝડપથી વિકસી ગયા. અમે ખરેખર અમારી પ્રથમ ડેટ પર માતાપિતા બનવાની ઇચ્છા વિશે વાત કરી હતી."

લગ્ન પછી અચાનક આવેલા બદલાવો

જાન્યુઆરી 2021માં સ્ટુઅર્ટ બાથર્સ ડોરફ્રેમ સાથે ટકરાઈ ગયા અને નામો યાદ રાખવામાં મુશ્કેલી પડી. સીટી સ્કેનમાં તેમના મગજમાં ગાંઠ જોવા મળી.

કૅન્સરના નિદાનના બે અઠવાડિયાથી ઓછા સમયમાં આ જોડીએ સગાઈ કરી અને લગ્ન કર્યાં. તેઓ એકબીજાને માત્ર એક વર્ષથી જ ઓળખતાં હતાં.

બાથર્સે કહ્યું, "મારી પાસે કપડાં અથવા કંઈપણ લેવાનો સમય નહોતો. મારા મિત્રએ મને ASOS માંથી કંઈક મંગાવી આપ્યું અને બીજા મિત્રએ મારા માટે ફૂલોની વ્યવસ્થા કરી."

"તે ખરેખર નાનો અને પ્રેમભર્યો દિવસ હતો. અમારો એ દિવસ અદ્ભુત હતો."

બાથર્સે કહ્યું કે, તેઓ 24 સપ્તાહથી ગર્ભવતી હોવાની વાત તેમને "અવિશ્વસનીય" લાગે છે અને તેમણે ક્યારેય "આ રીતે" માતાપિતા બનવાનું વિચાર્યું નહોતું.

તેમણે કહ્યું કે, તેમના પતિ સૌથી "ખાસ, દયાળુ અને પ્રેમાળ વ્યક્તિ હતા અને છે એક અદ્ભુત પિતા બન્યા હોત."

તેમણે કહ્યુ, "હું હાર માની શકું એવો કોઈ રસ્તો ન હતો કારણ કે મા બનવું મારા માટે ખરેખર મહત્ત્વનું છે. પરંતુ સ્ટુઅર્ટનું બાળક હોવું એ મારી પ્રાથમિકતા છે. હું હંમેશાં જાણતી હતી કે તેના મૃત્યુ પછી હું ત્યાં સુધી કોશિશ ચાલુ રાખીશ જ્યાં સુધી હું એ કરવા માટે સક્ષમ હોવ."

મૃત્યુ પામ્યા તે પહેલાં સ્ટુઅર્ટ બાથર્સ અન્યને મદદ કરવા અને વેબસાઇટ દ્વારા અન્યો માટે ભંડોળ ઊભું કરવા માંગતા હતા જેથી એવા કુટુંબો જેમને કૅન્સર માટે આર્થિક સહાયની જરૂર છે તેમને તેઓ મદદરૂપે સહાય "પાછી આપી શકે."

તેમાં સ્ટુઅર્ટ બાથર્સ ફંડનો સમાવેશ થાય છે. જે મગજનું કૅન્સર ધરાવતા અન્ય લોકોને ACT Above & Beyond નામની કંપની દ્વારા સલાહ અને મદદ મેળવવામાં મદદ કરે છે.

એસ્થર બાથર્સે કહ્યું કે, તેઓ ફાઉન્ડેશન દ્વારા મિસ્ટર બાથરનો વારસો ચાલુ રાખવા અને તેમના પુત્રને તેમના પિતાના પ્રયાસથી માહિતગાર રાખવા માટે સક્રિય છે.

એસ્થર બાથર્સે કહ્યું, "સ્ટુઅર્ટ હંમેશાં અમારા બાળકનાં જીવનનો એક મોટો ભાગ રહેશે અને હું ખાતરી કરીશ કે તે તેની કહાણી અને વારસો જાણે."

"તેના જન્મ માટે બધા જ ઉત્સાહિત છે અને તેને ખૂબ જ પ્રેમ મળશે."