કુખ્યાત ડ્રગમાફિયાના પુત્રની ધરપકડ, મૅક્સિકોમાં હિંસા બાદ શું સ્થિતિ છે?

  • મૅક્સિકોની પોલીસે છ મહિનાના ગુપ્તચર અભિયાન બાદ કુલિયાકનમાં કુખ્યાત ડ્રગ માફિયા અલ ચાપોના પુત્ર ઓવીડિયો ગૂસમૅન લોપેઝની ધરપકડ કરી છે
  • ઓવીડિયોની ધરપકડ બાદ મૅક્સિકોના સીનાલોઆ પ્રાંતમાં હિંસા ફાટી નીકળી છે
  • ગૅંગના સભ્યોએ વિવિધ સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરીને હિંસા આચરી હતી જેમાં ઓછામાં ઓછા ત્રણ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે
  • ડઝનબંધ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી છે
  • ધરપકડને કારણે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 29 લોકોનાં મોત થયાં છે
  • સેંકડો ફ્લાઈટો રદ કરવામાં આવી છે
  • અમેરિકાએ ઓવીડિયો ગૂસમૅન લોપેઝ પર 50 લાખ ડૉલરનું ઇનામ જાહેર કર્યું હતું

મૅક્સિકોની પોલીસે છ મહિનાના ગુપ્તચર અભિયાન બાદ કુલિયાકનમાં કુખ્યાત ડ્રગમાફિયા અલ ચાપોના પુત્ર ઓવીડિયો ગૂસમૅન લોપેઝની ધરપકડ કરી લીધી.

ઓવીડિયોની ધરપકડ બાદ મૅક્સિકોના સીનાલોઆ પ્રાંતમાં હિંસા ફાટી નીકળી. તેમની ગૅંગના સભ્યોએ વિવિધ સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરીને હિંસા આચરી હતી જેમાં ઓછામાં ઓછા ત્રણ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.

ડઝનબંધ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ધરપકડને કારણે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 29 લોકોનાં મોત થયાં છે.

સીનાલોઆ પ્રાંતના એક ઍરપૉર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો છે અને ઊડવા જઈ રહેલા વિમાનોને ગોળીઓ મારવામાં આવી છે. જેના કારણે સેંકડો ફ્લાઈટો રદ કરવામાં આવી છે.

અલ ચાપોના પુત્ર ઓવીડિયો કોણ છે?

32 વર્ષીય ઓવીડિયો ગૂસમૅન ગુનેગારોની આલમમાં 'ધ માઉસ' તરીકે ઓળખાય છે. ઓવીડિયો તેમના પિતાના ડ્રગના કારોબારની એક શાખા સંભાળી રહ્યા છે.

સીનાલોઆ ડ્રગ કાર્ટેલ એ વિશ્વનું એક સૌથી મોટું ડ્રગમાફિયા નેટવર્ક છે.

ઓવીડિયોના પિતા, ખ્વાકીન અલ ચાપો ગૂસમૅન હાલમાં અમેરિકાની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

તેમને 2019માં ડ્રગની હેરાફેરી અને મની લૉન્ડરિંગના દોષી ઠેરવવામાં આવ્યા હતા.

ઓવીડિયોની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેમની ધરપકડ બાદ શરૂ થયેલી ભીષણ હિંસા રોકવા તેને છોડી દેવામાં આવ્યા. હવે ફરી એક વાર તેમની ધરપકડ બાદ હિંસા શરૂ થઈ છે.

ઓવીડિયોની ધરપકડ

મૅક્સિકોની સુરક્ષા એજન્સીઓ અમેરિકી અધિકારીઓની મદદથી ઓવીડિયો પર નજર રાખી રહી હતી.

સુરક્ષા એજન્ટોએ ડ્રગ કાર્ટેલના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ગૂસમૅન અને તેની ગૅંગ વિશે નક્કર માહિતી એકઠી કરી.

ગૂસમૅનની હાજરીની પુષ્ટિ થયા બાદ તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બુધવારે રાત્રે કુલિયાકનથી ઓવીડિયોની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પહેલાં પણ આ જ શહેરમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઉત્તર-પશ્ચિમ મૅક્સિકોના આ શહેરમાં સુરક્ષાદળોના દરોડા આખી રાત ચાલ્યા હતા, જે પછી વહેલી સવારે ઓવીડિયોની ધરપકડ કરવામાં આવી હતી.

ઓવીડિયોને પકડવાની કાર્યવાહી દરમિયાન એક સુરક્ષા અધિકારીનું મોત થઈ ગયું અને ઓછામાં ઓછા 31 અન્ય ઘાયલ થયા હતા.

સંરક્ષણમંત્રીના જણાવ્યા અનુસાર, જ્યારે ઓવીડિયો ગૂસમૅનની ધરપકડ કરવામાં આવી ત્યારે તે સશસ્ત્ર લોકોના સમૂહ સાથે ટ્રકોમાં મુસાફરી કરી રહ્યા હતા.

ઓવીડિયોના સાથીઓએ સ્થળ પર તહેનાત મૅક્સિકોના નેશનલ ગાર્ડ પર ગોળીબાર પણ કર્યો હતો.

બીજા દિવસે મૅક્સિકોના સંરક્ષણમંત્રી ક્રેસેન્સિયો સેન્ડાવલે પ્રેસ-કૉન્ફરન્સમાં તેમની ધરપકડની માહિતી આપી.

ધરપકડ બાદ ઓવીડિયોને મૅક્સિકો સિટી લઈ જવામાં આવ્યા, જ્યાંથી આલ્ટીપ્લાનો મૅક્સિમમ સિક્યૉરિટી જેલમાં મોકલી દેવામાં આવ્યા. અગાઉ તેમને જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

રક્ષામંત્રીએ પ્રેસ-કૉન્ફરન્સમાં એ નથી જણાવ્યું કે ઓવીડિયો ગૂસમૅન સામે કયા આરોપો ઘડવામાં આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું ન હતું કે ઓવીડિયોને અમેરિકા પ્રત્યર્પણ કરવામાં આવશે કે નહીં.

અમેરિકાએ વર્ષ 2019થી ઓવીડિયોના પ્રત્યાર્પણની માગ કરી છે. જોકે મૅક્સિકોના વિદેશમંત્રી મારસેલો એબરાર્ડે કહ્યું છે કે પ્રત્યપર્ણ તરત નહીં થાય, પ્રત્યર્પણ માટે કાયદાકીય પ્રક્રિયાને અનુસરવામાં આવશે.

હિંસાનો ઘટનાક્રમ

ઓવીડિયો ગૂસમૅનની ધરપકડ પછી ગૂસમૅનની ગૅંગના સભ્યોએ હિંસા શરૂ કરી દીધી.

સંરક્ષણમંત્રીએ ઓછાંમાં ઓછાં 19 સ્થળોએ હુમલા અને સશસ્ત્ર નાકાબંધીની પુષ્ટિ કરી છે.

હિંસાનો ઘટનાક્રમ શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો અને પોલીસદળો પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કુલિયાકનના વહીવટીતંત્રે લોકોને તેમના ઘરની અંદર જ રહેવા કહ્યું છે જેથી તેઓ ગોળીબારીની ચપેટમાં ન આવે.

સીનાલોઆમાં જનસુરક્ષા સચિવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "શહેરમાં વિવિધ સ્થળોએ નાકાબંધી ચાલુ છે, લોકોએ જ્યાં સુધી અતિ આવશ્યક ન હોય ત્યાં સુધી ઘર બહાર નીકળવું નહીં."

સળગી રહેલા વાહનો અને ફાયરિંગના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.

હિંસક કાર્યવાહી બાદ કુલિયાકન અને મઝતાલાનના ઍરપૉર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.

ઍરલાઇન એરોમૅક્સિકોના અધિકારીઓએ તેમના એક વિમાન પર ગોળીબારની પુષ્ટિ કરી છે.

કુલિયાકનમાં ઍરફોર્સનું એક વિમાન પણ આગની ચપેટમાં આવ્યું છે.

વિમાનમાં સવાર એક મુસાફરે રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, "વિમાન ટૅક ઑફ કરવા માટે રનવે પર દોડી રહ્યું હતું ત્યારે અમને ગોળીબારનો અવાજ સંભળાયો. અમે બધા બચવા માટે વિમાનના ફ્લોર પર ઢળી ગયા હતા."

અમેરિકાનું એલર્ટ

મૅક્સિકોમાં યુએસ ઍમ્બૅસીએ પણ દેશમાં રહેતા પોતાના નાગરિકોને ઍલર્ટ કરી દીધા છે.

ગૂસમૅન યુએસમાં વૉન્ટેડ છે અને તેમને પકડવા અથવા તેમના વિશેની માહિતી માટે 50 લાખ ડૉલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

ગૂસમૅનની ધરપકડ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની મૅક્સિકો મુલાકાતના થોડા દિવસો પહેલાં થઈ છે.

યુએસના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, ઓવીડિયો અને તેમના ભાઈ ખ્વાકીનની દેખરેખ હેઠળ સીનાલોઆ પ્રાંતમાં હાલમાં 11 ડ્રગ (મેથાફેટામીન અથવા મૅથ) બનાવવાની લૅબ ચાલી રહી છે. આ લૅબમાં દર મહિને 1300થી 2200 કિલો જેટલા ડ્રગનું ઉત્પાદન થાય છે.

આ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાએ ઓવીડિયો લોપેઝ અને તેમના ત્રણ ભાઈઓ વિશે માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી હતી.

એવું માનવામાં આવે છે કે ઓવીડિયો ઉપરાંત તેમના ભાઈ પણ આ ડ્રગ સ્મગલિંગ નેટવર્કમાં ભૂમિકા ભજવી રહ્યા છે અને મોરચો સંભાળી રહ્યા છે.