આપણી આસપાસનો એ 'સાઇલન્ટ કિલર' જે વર્ષે 40 લાખ લોકોને શિકાર બનાવે છે

વાયુપ્રદૂષણ

ઇમેજ સ્રોત, Getty Images

આપણા રસ્તાઓ અને શેરીઓમાં એક સાઇલન્ટ કિલર છે. તેને પકડવો અશક્ય છે અને તેનાથી સંતાઈ શકો એવી કોઈ જગ્યા નથી.

દર વર્ષે 40 લાખ લોકોનો ભોગ લેનાર આ સાઇલન્ટ કિલર છે વાયુપ્રદૂષણ. 99 ટકા વૈશ્વિક જનતા વાયુપ્રદૂષણની ચપેટમાં છે અને સમગ્ર વિશ્વમાં તે એક મોટી જાહેર આરોગ્ય કટોકટી બની ગઈ છે.

પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો બહુ દૂર સુધી જઈ શકે છે, જેના કારણે પ્રદૂષણના મૂળ સ્રોતથી દૂર એવા વિસ્તારોમાં પણ તેઓ ગંભીર અસર કરતા હોય છે.

પ્રદૂષણને અટકાવવા માટે એક વ્યક્તિ પાસે મર્યાદિત શક્તિ હોય છે. સમસ્યાના કાયમી નિવારણ માટે સરકાર અને મોટા ઉદ્યોગગૃહોએ પગલાં લેવાનાં હોય છે.

સાલ 2020માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં નક્કી થયું હતું કે 7મી સપ્ટેમ્બરે ‘ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લિન ઍર ફૉર બ્લૂ સ્કાઇઝ’ તરીકે ઊજવવામાં આવશે.

અમે સમસ્યાના વ્યાપ પર એક નજર નાખી અને જાણ્યું કે સમસ્યાના સમાધાન માટે નિષ્ણાતો શું સૂચવે છે.

વાયુપ્રદૂષણ કેટલી મોટી સમસ્યા છે?

વાયુ પ્રદૂષણથી બચવા માટે દિલ્હી પોલીસનો જવાન માસ્ક પહેરીને કામ કરતો નજરે પડે છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વાયુપ્રદૂષણથી બચવા માટે દિલ્હી પોલીસનો જવાન માસ્ક પહેરીને કામ કરતો નજરે પડે છે

ધ યુનાઇટેડ નેશન્સ ઍન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) વાયુપ્રદૂષણને "વૈશ્વિક જાહેર આરોગ્ય માટે સૌથી મોટું પર્યાવરણીય જોખમ" ગણાવે છે. UNEPની ગણતરી પ્રમાણે 70 લાખ લોકો વાયુપ્રદૂષણના કારણે અકાળે મૃત્યુ પામ્યા છે. વાત માત્ર જીવ ગુમાવનારા લોકોના આંકડા સુધી સીમિત નથી.

વિશ્વ બૅન્કના એક અંદાજ પ્રમાણે સાલ 2019માં વાયુપ્રદૂષણથી આરોગ્યને લગતી સમસ્યાઓ પાછળ સમગ્ર વિશ્વમાં 1.8 ટ્રિલિયનનો ખર્ચ થયો હતો. આ રકમ વિશ્વની કુલ જીડીપીનો 6.1 ટકા થાય છે.

જીડીપી એટલે કે ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ. તે અર્થવ્યવસ્થાનો એક આર્થિક અને પ્રાથમિક માપદંડ છે. જીડીપી એટલે કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમત.

UNEP અનુસાર, "વાયુપ્રદૂષણ વૈશ્વિક સમસ્યા હોવા છતાં તેની સૌથી વધુ અસર વિકાસશીલ રાષ્ટ્રોમાં રહેતા લોકો, ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો પર થાય છે."

સરકારો સામે કયા પડકારો છે?

જાકાર્તા એવા દેશોમાં સામેલ છે જ્યાં વાયુ પ્રદૂષણની સ્થિતી ગંભીર છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જાકાર્તા એવા દેશોમાં સામેલ છે જ્યાં વાયુપ્રદૂષણની સ્થિતિ ગંભીર છે

UNEP આયોજિત ક્લાઇમેટ ઍન્ડ ક્લીન ઍર કોએલિશન સચિવાલયના વડા માર્ટિના ઓટ્ટો કહે છે, "વાયુપ્રદૂષણ વિવિધ રીતે થાય છે, જેમાં કુદરતી અને માનવીય કારણો પણ સામેલ છે. તેના કારણે વાયુપ્રદૂષણને કાબૂમાં લાવવું મુશ્કેલ બની જાય છે.

“ઘણા દેશોમાં હવાની ગુણવત્તાની મૉનિટરિંગ કરવા માટે જરૂરી સુવિધાનો અભાવ છે. આ સુવિધા આપવી અને જાળવવી ખર્ચાળ હોય છે.

તેમના અનુસાર ચોખ્ખી હવા એક મહત્ત્વની સંપત્તિ છે અને તેમાં રોકાણ કરવું જોઈએ એવી માનસિકતા લાવવા માટે આપણે બધાએ પોતાના વલણમાં મોટો ફેરફાર લાવવો પડશે.

"જે નિયમો છે તે કેટલીક જગ્યાએ અસરકારક હોઈ શકે છે અને કેટલીક જગ્યાએ નહીં. કેટલીક જગ્યાએ વાયુપ્રદૂષણ માટેના જરૂરી કાયદા નથી અથવા અમલ કરાવી શકે એવાં તંત્ર નથી."

"રાજકીય ઇચ્છાશક્તિ અને ભંડોળ પણ નિર્ણાયક અવરોધો પૈકીના એક છે."

વાયુપ્રદૂષણ કેમ થાય છે?

ઢાકામાં લોકો વાયુ પ્રદૂષણથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડે છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઢાકામાં લોકો વાયુપ્રદૂષણથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડે છે

વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર વાયુપ્રદૂષણ એ ઘન કણો, પ્રવાહી ટીપાં અને વાયુઓનું જટિલ મિશ્રણ છે.

આ સૂક્ષ્મ કણોને પાર્ટિક્યુલેટ મેટર (PM)માં માપવામાં આવે છે. 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછા વ્યાસ (PM2.5) ધરાવતા કણો માનવ સ્વાસ્થ્ય માટે સૌથી જોખમી હોય છે.

નાના કદના હોવાના કારણે કણો લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. હૃદય, મગજ અને અન્ય અવયવોમાં એકઠા થઈ શકે છે.

માનવ વાળની સરેરાશ લંબાઈ 70 માઇક્રોમીટર હોય છે. સૂક્ષ્મ કણો એક વાળની લંબાઈની ત્રીસમાં ભાગની લંબાઈ ધરાવે છે. આ કણોમાં ધુમાડો, માટીની ધૂળ, સલ્ફેટ જેવી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે.

ઈંધણમાંથી વીજળી ઉત્પન્ન કરવી, પરિવહન અને રહેણાકનું પ્રદૂષણ એ સૂક્ષ્મ કણોના મુખ્ય સ્રોત છે.

પરિવહનમાં ટાયર અને બ્રૅક સામેલ છે જ્યારે સહિત રહેણાકના પ્રદૂષણમાં મોટા ભાગે રસોઈ અને ગરમી સામેલ હોય છે.

રણની નજીકનાં સ્થળોએ પવનથી ઊડતી ધૂળ પણ વાયુપ્રદૂષણનો મુખ્ય સ્રોત હોઈ શકે છે.

આફ્રિકા, પશ્ચિમ એશિયા અને યુરોપમાં વાયુપ્રદૂષણ પાછળ સૌથી મોટું કારણ ધૂળવાળા પવનો છે. તો ઉત્તર અમેરિકામાં વાહન વ્યવહાર વાયુપ્રદૂષણનો મુખ્ય સ્રોત છે.

લેટિન અમેરિકા અને કૅરેબિયન દેશોમાં ઉદ્યોગો જવાબદાર છે જ્યારે એશિયા-પેસિફિક વિસ્તારમાં રહેણાક પ્રદૂષણ એ પ્રદૂષણનો મુખ્ય સ્રોત છે.

સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે?

શરીરમાં સૂક્ષ્મ કણોની હાજરીથી આપણાં અંગો પર હાનિકારક અસર થઈ શકે છે. આપણાં અંગોની કામગીરી પર તેની અસર થાય છે.

સાલ 2019નો ડેટા દર્શાવે છે કે જે છ મુખ્ય બીમારીના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેમાં વાયુપ્રદૂષણ એક પ્રમુખ કારણ છે.

દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં 17 લોકોનું મૃત્યુ સ્ટ્રોક આવવાના કારણે થાય છે. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર સ્ટ્રૉક આવવા પાછળ વાયુપ્રદૂષણમાં હાજર સૂક્ષ્મ કણો મુખ્ય કારણોનું પૈકી એક છે.

PM 2.5ના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ઍક્સપોઝરથી આરોગ્ય સંબંધી સમસ્યા ઊભી થાય છે.

ટૂંકા ગાળાના ઍક્સપોઝરથી વર્તમાન આરોગ્ય સ્થિતિ વધુ બગડે છે. લાંબા ગાળાના ઍક્સપોઝરથી બીમારીઓ થાય છે જે સમય જતાં વધુ ગંભીર બને છે.

શું આપણે કોઈ પ્રગતિ કરી છે?

મેક્સિકોમાં વાયુ પ્રદુષણના કારણે વાહનો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મૅક્સિકોમાં વાયુપ્રદુષણના કારણે વાહનો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માર્ટિના ઓટ્ટો અનુસાર યુરોપ, અમેરિકા, કૅનેડા અને જાપાને ઉત્સર્જનને મર્યાદિત કરવા માટે અસરકારક પગલાં લીધાં છે.

તેઓ લંડનના અલ્ટ્રા લૉ એમિશન ઝોન (Ulez)નું ઉદાહરણ આપે છે. તેના કારણે સૅન્ટ્રલ લંડનમાં ટ્રાફિકના ભારણમાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે બ્રિટનના પાટનગરમાં પ્રદૂષણમાં 50 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.

જો લાંબા ગાળાની વાત કરીએ તો સાલ 1900 બાદ લંડનના વાયુપ્રદૂષણમાં 97 ટકાનો ઘટાડો આવ્યો છે.

મૅક્સિકો સિટી અને બીજિંગ એવાં બે શહેરો છે જ્યાં સરકારની અમલવારીને કારણે વાયુપ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

માર્ટિના ઓટ્ટો કહે છે, "પ્રાદેશિક સુધારાઓ ઘણી વખત સામાજિક અને આર્થિક વિકાસ સાથે સંબંધ ધરાવે છે. તેનો સક્રિય રાષ્ટ્રીય નીતિઓ સાથે પણ ગાઢ નાતો હોય છે."

"અત્રે નોંધનીય છે કે દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ એશિયા, ઓસનિયા, મધ્ય અને પૂર્વ યુરોપ અને મધ્ય એશિયા જેવા પ્રદેશોમાં છેલ્લા બે દાયકામાં PM 2.5ના ઍક્સપોઝરમાં ઘટાડો જોવા મળ્યો છે."

સાલ 2020માં ફિનલૅન્ડ એક માત્ર એવો દેશ હતો જ્યાં વસતી પ્રમાણે સરેરાશ વાર્ષિક PM 2.5 એ 5 μg/m3 કરતાં ઓછું હતું.

માર્ટિના ઓટ્ટો જણાવે છે, "જ્યારે સમસ્યાનો પૂર્ણ રીતે ઉકેલ આવવાની વાર છે ત્યારે સૂચિત પ્રયત્નોથી નોંધપાત્ર સુધારો આવી શકે છે."

બીજી તરફ વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશોમાં PM 2.5ના ઍક્સપોઝરનું સ્તર સતત ઊંચું રહ્યું છે. છેલ્લા એક દાયકાથી આવી જ સ્થિતિ છે.

માર્ટિના ઓટ્ટો કહે છે, "સમગ્ર વિશ્વમાં સૌથી વધુ PM2.5 ઍક્સપોઝર ધરાવતા દસ દેશોમાંથી આઠ દેશો આફ્રિકામાં છે. બાકીના બે દેશો મધ્ય-પૂર્વના દેશો છે."

''હવા ગુણવત્તા નિયંત્રણ માટે મજબૂત માળખાનો અભાવ, કાયદાના નબળા અમલીકરણ અને અપૂરતા ભંડોળના કારણે આ દેશો હજુ પણ વાયુપ્રદૂષણ સામે ઝૂમી રહ્યા છે."

તેઓ વધુમાં જણાવે છે કે ઈંધણ પર ભારે નિર્ભરતા, ઘરોમાં પરંપરાગત બાયોમાસનો ઉપયોગ, બિસમાર વાહનોના કાફલા, જાહેર પરિવહનનો અભાવ અને પૂરતા કચરાના વ્યવસ્થાપનના અભાવે આ સમસ્યા વધુ વકરી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.