અમેરિકામાં ભારતીય મૂળના એશ્લે ટેલિસની ધરપકડ, તેમના ઘરેથી હજારો 'ટૉપ સીક્રેટ' દસ્તાવેજો જપ્ત, શું છે મામલો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, યુએસએ, અમેરિકા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એશ્લે ટેલિસે વર્ષ 2001માં અમેરિકન વિદેશ મંત્રાલયમાં કામ શરૂ કર્યું હતું (ફાઇલ તસવીર)

અમેરિકાના વર્જીનિયાના પૂર્વ જિલ્લાનાં ઍટર્ની લિંડસે હૅલિગને જણાવ્યું કે વર્જીનિયાના વિયના 64 વર્ષના એશ્લે ટેલિસની સપ્તાહાંત દરમિયાન ધરપકડ કરાઈ હતી. તેમની સામે ગેરકાયદેસર રીતે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી જાણકારી રાખવાના આરોપમાં ગુનાહિત ફરિયાદ દાખલ કરાઈ છે.

વર્જીનિયાના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની અમેરિકન ઍટર્ની ઑફિસે આ વાતની પુષ્ટિ કરી છે.

લિંડસે હૅલિગને કહ્યું, "અમે અમેરિકન જનતાને દેશ અને વિદેશી જમીન સાથે સંકળાયેલા તમામ પ્રકારના ખતરા સામે સુરક્ષિત રાખવાનું ધ્યાન રાખીએ છીએ. આ મામલામાં લગાવાયેલા આરોપ અમારા નાગરિકોની સુરક્ષા અને સંરક્ષણ માટે એક ગંભીર ખતરો બતાવે છે."

"આ મામલામાં તથ્ય અને કાયદો સ્પષ્ટ છે, અને અમે ન્યાય સુનિશ્ચિત કરવા માટે તેનું પાલન કરતા રહીશું."

જો આ મામલે ભારતીય મૂળના એશ્લે ટેલિસને દોષિત ઠેરવવામાં આવ્યા, તો તેમને વધુમાં વધુ દસ વર્ષની કેદ અને અઢી લાખ ડૉલર સુધીનો દંડ થઈ શકે છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, કોર્ટને સોંપાયેલા દસ્તાવેજો અનુસાર, ટેલિસના ઘરેથી એક હજાર કરતાં વધુ પાનાંના ટોચના ગુપ્ત દસ્તાવેજ મળી આવ્યા છે.

64 વર્ષીય ટેલિસ પૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબ્લ્યૂ બુશના કાર્યકાળમાં નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, યુએસએ, અમેરિકા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એફબીઆઇ

રૉયટર્સ અનુસાર, એફબીઆઇના સોગંદનામામાં તેમને વિદેશ વિભાગના બિનપગારી સલાહકાર અને સંરક્ષણ મંત્રાલય (પેન્ટાગન)ના કૉન્ટ્રેક્ટર તરીકે સૂચિબદ્ધ કરાયા છે.

દસ્તાવેજો અનુસાર, તેમની ધરપકડ શનિવારે કરાઈ અને સોમવારે તેમની સામે ઔપચારિકપણે આરોપ ઘડાયા.

ટેલિસ વૉશિંગટનસ્થિત થિંક ટૅન્ક કાર્નેગી એન્ડોમેન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસમાં વરિષ્ઠ ફેલો પણ છે.

રૉયટર્સ પ્રમાણે, સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તે કોર્ટમાં વિચારાધીન હોય એવા મામલા પર ટિપ્પણી નથી કરતું.

ઘરે મળી આવ્યા ગુપ્ત દસ્તાવેજ

એફબીઆઇના સોગંદનામા પ્રમાણે, સપ્ટેમ્બર અને ઑક્ટોબર વચ્ચે ટેલિસ સંરક્ષણ અને વિદેશ મંત્રાલયની ઇમારતોમાં પહોંચીને, ગુપ્ત દસ્તાવેજોને પ્રિન્ટ કરીને બૅગમાં લઈ જતા દેખાયા હતા.

શનિવારે વર્જીનિયાસ્થિત તેમના ઘરની તલાશીમાં હજાર કરતાં વધુ પાનાંના દસ્તાવેજ મળ્યા, જેના પર 'ટૉપ સિક્રેટ' અને 'સિક્રેટ'નાં નિશાન હતાં.

કોર્ટમાં એફબીઆઇએ આપેલા દસ્તાવેજો પ્રમાણે, "ટેલિસ પાછલાં અમુક વર્ષો દરમિયાન ચાઇનીઝ સરકારના અધિકારીઓને અનેક વખત મળી ચૂક્યા છે. જે પૈકી એક બેઠક 15 સપ્ટેમ્બર વર્જીનિયાના ફેરફૅક્સ રેસ્ટોરાંમાં થઈ હતી, જ્યાં તેઓ એક પરબીડિયું લઈને પહોંચ્યા હતા, જે જતી વખતે તેમની પાસે નહોતું."

સોગંદનામામાં કહેવાયું છે કે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ વિભાગમાં પોતાની ભૂમિકાને કારણે ટેલિસ પાસે "ટૉપ સિક્રેટ" સુરક્ષા મંજૂરી હતી, જેની અંતર્ગત તેમની સંવેદનશીલ સૂચનાઓ સુધી પહોંચ હતી.

ચાઇનીઝ અધિકારીઓ સાથે મુલાકાત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, યુએસએ, અમેરિકા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સંરક્ષણ વિભાગે હાલ આ મામલા પર કોઈ ટિપ્પણી નથી કરી (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફૉક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, અમેરિકન વિદેશ મંત્રાલયના એક કર્મચારી પર આરોપ છે કે તેમણે વર્ષ 2023થી સુરક્ષિત સ્થળોએથી ગુપ્ત દસ્તાવેજો હઠાવ્યા અને ચાઇનીઝ અધિકારીઓ સાથે મુલાકાત કરી.

અમેરિકન ન્યાય વિભાગ અનુસાર, ટેલિસ વિદેશ મંત્રાલયના બિનપગારી વરિષ્ઠ સલાહકાર અને સંરક્ષણ વિભાગની ઑફિસ ઑફ નેટ ઍસેસમેન્ટ (હવે "ડિપાર્ટમેન્ટ ઑફ વૉર")ના કૉન્ટ્રેક્ટર હતા.

તેમને ભારત અને દક્ષિણ એશિયન મામલાના વિશેષજ્ઞ માનવામાં આવતા હતા.

અદાલતી દસ્તાવેજોમાં કહેવાયું છે કે ટેલિસે વર્ષ 2001માં વિદેશ મંત્રાલયમાં કામ શરૂ કર્યું હતું. તેમના પર ગેરકાયદેસર રીતે દેશની સુરક્ષા સાથે સંકળાયેલી જાણકારી રાખવાનો આરોપ છે. તેમના ઘરની તલાશીમાં "ટૉપ સિક્રેટ" અને "સિક્રેટ" નિશાન લાગેલાં હજાર કરતાં વધુ પાનાં મળી આવ્યાં.

12 સપ્ટેમ્બરના રોજ તેમણે સરકારી કાર્યાલયમાં પોતાના એક સહયોગી પાસેથી ઘણા ગુપ્ત દસ્તાવેજો પ્રિન્ટ કરાવ્યા હતા. 25 સપ્ટેમ્બરના રોજ તેમણે અમેરિકન વાયુ સૈન્યની ક્ષમતા સંબંધિત દસ્તાવેજો પ્રિન્ટ કર્યા હતા.

આરોપો મુજબ, તેમણે પાછલાં ઘણાં વર્ષોમાં ચાઇનીઝ સરકારના અધિકારીઓ સાથે ઘણી વાર મુલાકાત કરી. સપ્ટેમ્બર 2022માં તેઓ એક રેસ્ટોરાંમાં ચાઇનીઝ અધિકારીઓને મળ્યા હતા, જ્યારે એપ્રિલ 2023માં એક બેઠકમાં તેઓ ઈરાન-ચીન સંબંધો અને નવી તકનીકો પર ચર્ચા કરતા સંભળાયા.

ફૉક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર 2 સપ્ટેમ્બરની વધુ એક બેઠકમાં તેમને ચાઇનીઝ અધિકારીઓ પાસેથી એક ગિફ્ટ બૅગ પણ મળી હતી.

એશ્લે ટેલિસ કોણ છે?

એશ્લે જે ટેલિસે શિકાગો યુનિવર્સિટીથી રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું છે.

તેમણે આ જ યુનિવર્સિટીમાંથી એમ.એ. પણ કર્યું છે.

એશ્લે જે. ટેલિસ બૉમ્બે યુનિવર્સિટીથી બી.એ. અને એમ.એ.(અર્થશાસ્ત્ર) ભણ્યા છે.

ટેલિસ કાર્નેગી એન્ડોમેન્ટ ફૉર ઇન્ટરનૅશનલ પીસમાં ટાટા ચૅર ફૉર સ્ટ્રૅટેજિક અફેર્સ અને વરિષ્ઠ ફેલો છે. તેઓ ખાસ કરીને એશિયા અને ભારતીય ઉપમહાદ્વીપ સાથે સંકળાયેલા મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને અમેરિકાની વિદેશ અને સંરક્ષણ નીતિના વિશેષજ્ઞ છે.

તેમની અમેરિકન વિભાગમાં રાજકીય મામલાના અંડર સેક્રેટરીના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક થઈ હતી, જ્યાં તેમણે ભારત સાથે અસૈનિક પરમાણુ સંધીની વાતચીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (એનસીસી)માં રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબ્લ્યૂ બુશના વિશેષ સહાયક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

સરકારી સેવા પહેલાં, તેઓ આરએનડી કૉર્પોરેશનમાં વરિષ્ઠ નીતિ વિશ્લેષક અને આરએનડી ગ્રૅજ્યુએટ સ્કૂલમાં પૉલિસી ઍનાલિસિસના પ્રોફેસર હતા.

તેઓ નૅશનલ બ્યૂરો ઑફ એશિયન રિસર્ચ કાઉન્સિલર છે, તેના સ્ટ્રૅટેજિક એશિયા કાર્યક્રમના તેઓ ડાયરેક્ટર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન