ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ પાસે શું-શું અપેક્ષા હતી, કેવા-કેવા ચુકાદા આપ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ 10 નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશના પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. તાજેતરનાં વર્ષોમાં દેશના સૌથી વધુ પ્રભાવશાળી મુખ્ય ન્યાયાધીશો પૈકી એક રહેલા ચંદ્રચૂડના કાર્યકાળની ઘણાં કારણોથી ટીકા થઈ રહી છે.
ઘણા લોકોને એવી આશા હતી કે તેઓ સુપ્રીમ કોર્ટમાં કામકાજની પદ્ધતિ બદલશે, ‘બહુમતવાદી સરકાર’ પર બંધારણીય નિયંત્રણ રાખશે અને સામાન્ય નાગરિકો માટે ન્યાય મેળવવાનું વધુ સરળ બનાવશે.
તેમની પાસેથી કદાચ અપેક્ષાઓ જ એટલી વધારે હતી કે ન્યાયતંત્ર પર નજર રાખનારા ઘણા લોકો તેમના મુખ્ય ન્યાયાધીશ તરીકેના કાર્યકાળને નિરાશાથી જોઈ રહ્યા છે. તેમના ન્યાયિક નિર્ણયોની સાથે સાથે તેમના અંગત વર્તનની પણ ચર્ચા થઈ રહી છે.
જસ્ટિસ ચંદ્રચૂડ તેમનાં ભાષણો અને ઇન્ટરવ્યૂ દ્વારા મીડિયાની હેડલાઇન્સમાં ચમકતા રહ્યા છે, જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળ્યું છે.

ટીકા કેમ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરની બે ઘટનાઓને કારણે એક જસ્ટિસ તરીકેના તેમના વ્યવહારની ટીકા કરવામાં આવી. સૌપ્રથમ, તેમણે કહ્યું કે જ્યારે અયોધ્યા કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે તેમણે 'ભગવાનની સામે બેસીને મદદ માટે પ્રાર્થના કરી હતી'. ત્યાર પછી વડા પ્રધાન મોદી જસ્ટિસ ચંદ્રચૂડના ઘરે ગણેશપૂજા કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો, જેનાથી બીજો વિવાદ થયો.
આ બંને વાતો એવી હતી જેની ન્યાયાધીશ પાસેથી અપેક્ષા રાખવામાં નથી આવતી. પહેલું, પોતાના નિર્ણયોનો જનતાની વચ્ચે બચાવ કરવો, અને બીજું, કોઈ ધાર્મિક કાર્યક્રમમાં રાજકીય નેતૃત્વ સાથે જોડાયેલા લોકોને મળવું.
આવી કેટલીક ઘટનાઓ ઉપરાંત જસ્ટિસ ચંદ્રચૂડ પોતાની પાછળ એક જટિલ વારસો છોડી જાય છે. આવામાં તેમના કાર્યકાળને સ્પષ્ટ રીતે મુલવવો મુશ્કેલ છે.
જસ્ટિસ ચંદ્રચૂડ પોતાના માટે નિર્ધારિત કર્યા હોય તેવા ઘણા ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તેમણે એવા કેટલાક ચુકાદા પણ આપ્યા, જે સરકારના પ્રભુત્વની વિરુદ્ધ હતા અને જેનાથી લોકોના અધિકારક્ષેત્રમાં વધારો થયો.
સાથે સાથે ચંદ્રચૂડે એવા પણ ઘણા નિર્ણયો લીધા, જેનાથી નાગરિકોના અધિકારો પર એવી અસર પડી જેને ઘણા લોકો પ્રતિકૂળ માને છે.
જસ્ટિસ ચંદ્રચૂડના કેટલાક નિર્ણયોએ ભવિષ્ય માટે આદર્શવાદી પાયો નાખ્યો હતો, પરંતુ ઘણા ચુકાદામાં તેઓ તાત્કાલિક રાહત આપી શક્યા નથી.
આ ઉપરાંત, સરકાર પહેલાંની જેમ જ ન્યાયતંત્રમાં નિમણૂકો માટે સતત દબાણ કરતી રહી અને ઘણા રાજકીય રીતે સંવેદનશીલ કેસોના લિસ્ટિંગ માટે પણ તેમની ટીકા પણ કરવામાં આવી હતી.
‘માસ્ટર ઓફ ધ રોસ્ટર’ તરીકે ચંદ્રચૂડનો વ્યવહાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક જજ તરીકે જસ્ટિસ ચંદ્રચૂડ શાંત રહીને વકીલને પૂરી ધીરજ સાથે પોતાની વાત કહેવાની તક આપતા હતા, ભલે પછી વકીલ સિનિયર હોય કે ન હોય.
ભારતીય ન્યાયતંત્રમાં ચીફ જસ્ટિસ સૌથી ટોચ પર બેસે છે અને તેમની પાસે વ્યાપક અધિકારો હોય છે.
તેઓ ‘માસ્ટર ઑફ ધ રોસ્ટર’ હોય છે. તેમની પાસે એ કયા કેસની સુનાવણી કઈ બેન્ચ કરશે, અને કયા જજ કયા કેસની સુનાવણી કરશે તે નક્કી કરવાની પૂરી સત્તા હોય છે.
ઘણી વખત કેસની સુનાવણી કયા જજ કરે છે તેની અસર કેસના ચુકાદા પર પણ પડે છે. કેટલાક જજ રૂઢિચુસ્ત હોય છે, જ્યારે કેટલાક ઉદારવાદી હોય છે. સુપ્રીમ કોર્ટના અનુભવી લોકોને ઘણી વખત ન્યાયાધીશોના વૈચારિક ઝુકાવની ખબર હોય છે.
આવામાં 'માસ્ટર ઑફ ધ રોસ્ટર'ની સત્તાનો ઉપયોગ કરીને મુખ્ય ન્યાયાધીશ કેટલાક કેસમાં અંતિમ નિર્ણય પર અસર પાડી શકે છે.
2017માં દીપક મિશ્રા જ્યારે મુખ્ય ન્યાયાધીશ હતા, ત્યારે સુપ્રીમ કોર્ટના ચાજ જજની એક બેન્ચે ઐતિહાસિક પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે આરોપ મૂક્યો કે મુખ્ય ન્યાયાધીશ રાજકીય રીતે સંવેદનશીલ મામલા કેટલીક ચોક્કસ બેન્ચને જ ફાળવી રહ્યા છે.
ત્યારથી કયા મામલાની સુનાવણી કઈ બેન્ચમાં થશે તે એક સંવેદનશીલ વિષય બની ગયો છે.
જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળમાં પણ કેટલાક મહત્ત્વના કેસને કોઈ ખાસ બેન્ચ સમક્ષ લિસ્ટિંગ કરવાની ટીકા થઈ હતી.
તેઓ જ્યારે ચીફ જસ્ટિસ બન્યા, ત્યારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ અદાલતોને વધુ પારદર્શક બનાવવા માગે છે.
જોકે, મહત્ત્વના કેસના લિસ્ટિંગની વાત આવી ત્યારે તેમની આ વાત વ્યવહારુ રીતે સંપૂર્ણપણે લાગુ થતી જોવા ન મળી.
કાર્યકાળની મહત્ત્વની વાત

ઇમેજ સ્રોત, Getty Images
તેમના કાર્યકાળમાં એક મહત્ત્વની વાત એ રહી કે બંધારણીય બેન્ચ સાથે સંકળાયેલા 33 મામલાનો નિકાલ થયો.
આ એવા કેસ હતા જે કાયદાના વ્યાપક પ્રશ્નો સાથે સંકળાયેલા હતા અને તેના માટે પાંચ અથવા તેનાથી પણ વધુ જજની બેન્ચની જરૂર હતી. જસ્ટિસ ચંદ્રચૂડે કલમ 370 રદ કરવા જેવા કેટલાય કેસની સુનાવણી માટે 5, 7 અને 9 જજની બેન્ચોનું ગઠન કર્યું.
બંધારણીય બેન્ચની રચના કરવામાં કેટલાક કેસને બીજા કરતાં વધુ મહત્ત્વ આપવા વિશે પણ સવાલ ઊઠ્યા હતા. ઉદાહરણ તરીકે સમલૈંગિક દંપતીનાં લગ્નને લગતા કેસ.
જસ્ટિસ ચંદ્રચૂડ એવી બેન્ચોમાં સામેલ હતા જેમના પ્રાઇવસીના અધિકારને મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો અને સમલૈંગિકતાને અપરાધ ગણવાનું બંધ કરવામાં આવ્યું હતું.
આ કારણસર તેમની પાસેથી એવી ઘણી અપેક્ષા હતી કે હવે તેઓ સમલૈંગિકોનાં લગ્નના અધિકારના મુદ્દે પણ ધ્યાન આપશે. આ કેસ સૂચિબદ્ધ કરવામાં આવ્યો અને તરત જ તેને પાંચ ન્યાયાધીશોની બેન્ચને સોંપવામાં આવ્યો હતો.
ત્યારપછી સુપ્રીમ કોર્ટે દેશભરમાં ચાલી રહેલા આવા તમામ કેસને પોતાના હાથમાં લીધા. જોકે, સમલૈંગિક સમુદાય માટે આ કેસનું અંતિમ પરિણામ તેમની અપેક્ષા પ્રમાણે ન આવ્યું.
પાંચેય ન્યાયાધીશોએ સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે લગ્ન કરવા એ મૂળભૂત અધિકાર નથી.
આમ તો કેટલાક કેસની સુનાવણી બહુ ઝડપથી થઈ, પરંતુ અમુક મહત્ત્વના ગણાતા કેસ અદાલતોમાં લટકતા રહ્યા.
ઉદાહરણ તરીકે નાગરિકતા સંશોધન કાયદા સાથે જોડાયેલા કેસ અને મૅરિટલ રેપને લગતા સવાલ.
જામીનના કેસ

ઇમેજ સ્રોત, ANI
નાગરિકોની સ્વતંત્રતાના કેટલાક મામલામાં પણ જસ્ટિસ ચંદ્રચૂડે બહુ ઝડપ દેખાડી. ઉદાહરણ તરીકે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડને જ્યારે ગુજરાત હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે શનિવારે એક વિશેષ સુનાવણી કરીને તેમને જામીન આપ્યા હતા.
પરંતુ, જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળમાં જ ભીમા કોરેગાંવ કેસના આરોપી મહેશ રાઉત છેલ્લાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી જેલમાં પૂરાયેલા છે. આ મામલે 16 કાર્યકરો અને બુદ્ધિજીવીઓ પણ જાતિ આધારિત હિંસાને પ્રોત્સાહન આપવા અને પ્રતિબંધિત કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માઓવાદી) સાથે સંબંધોના આરોપસર જેલમાં છે.
2023માં મહેશ રાઉતને બૉમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ પછી તેમના જામીન સામે સ્ટે આવી ગયો અને હજુ પણ મામલો સુપ્રીમ કોર્ટમાં અનિર્ણિત છે.
સામાન્ય રીતે હાઈકોર્ટ જામીન આપી દે પછી સુપ્રીમ કોર્ટ તેને અટકાવતી નથી. પરંતુ આ મામલો જસ્ટિસ બેલા ત્રિવેદીની બેન્ચમાં હજુ સુધી લટકેલો છે.
ટીકાકારોનું એમ પણ કહેવું છે કે આ કેસ બે જજની એક બેન્ચ સમક્ષ સુનાવણી માટે લિસ્ટ થયો હતો, જેમાં જુનિયર જજ તરીકે જસ્ટિસ બેલા ત્રિવેદી પણ સામેલ હતાં. પરંતુ લિસ્ટિંગના નિયમોથી વિપરીત જઈને આ કેસ બેલા ત્રિવેદી સિનિયર જજ હતાં તે બેન્ચમાં મોકલી દેવાયો.
જામીનને જ લગતો એક કેસ ઉમર ખાલિદનો છે જે દિલ્હી રમખાણ કેસમાં આરોપી છે. તેઓ છેલ્લાં ચાર વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે. જસ્ટિસ બેલા ત્રિવેદીની બેન્ચમાં સુનાવણી અગાઉ તેમનો કેસ અગાઉ બીજી બેન્ચોમાં પણ લિસ્ટ થયો હતો.
બીજો એક કેસ ઋતુ છાબડિયાનો છે. ઋતુ છાબડિયાના કેસમાં બે જજની એક બેન્ચે કહ્યું હતું કે અધૂરી ચાર્જશીટ ફાઇલ કરવી એ આપોઆપ જામીનનો આધાર બની જાય છે.
માત્ર મૌખિક રીતે ઉલ્લેખ કરવામાં આવ્યા પર બે જજની બેન્ચમાં બેસેલા જસ્ટિસ ચંદ્રચૂડે આ કેસ પોતાની બેન્ચમાં ટ્રાન્સફર કરી લીધો અને અંતે આ નિર્ણય પર સ્ટે આપી દીધો.
તેમનો આ ચુકાદો ન્યાયિક નિયમોની વિરુદ્ધ હતો તેમ કહીને તેમની ટીકા પણ કરવામાં આવી. આ કેસ હજુ સુધી સુપ્રીમ કોર્ટમાં પૅન્ડિંગ છે.

ઇમેજ સ્રોત, Getty Images
સિનિયર વકીલ દુષ્યંત દવેએ ચીફ જસ્ટિસ તરીકે ચંદ્રચૂડના કાર્યકાળ વિશે લખ્યું, "બેન્ચોની રચના અને કેસની ફાળવણીના મામલે બહુ ખામીઓ જોવા મળી."
એવાં કેટલાંય ઉદાહરણો છે જેમાં કેસનું લિસ્ટિંગ ન થવાના કારણે નાગરિકોની સ્વતંત્રતા અને સુપ્રીમ કોર્ટની જવાબદારીને લઈને સવાલ ઊઠ્યા હતા.
પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટની સમીક્ષા માટે દાખલ કરાયેલી અરજી પણ ચંદ્રચૂડના કાર્યકાળ દરમિયાન અટવાયેલી રહી. સરકારના ટીકાકારો અને વિપક્ષ સામે આ કાયદાના દુરુપયોગના આક્ષેપો સતત કરવામાં આવી રહ્યા છે.
2022ના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ધરપકડ, તપાસ અને જામીન અંગે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ખુલ્લી છૂટ આપી હતી. આ નિર્ણય લેવામાં આવ્યા બાદ તેની સમીક્ષા માટે અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ ન્યાયાધીશે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, “પીએમએલએ મામલે જે રીતે સુનાવણી થઈ, તેના પરથી લાગ્યું કે અદાલત આ મુદ્દે સરકારના વલણને સ્વીકારી રહી છે."
તેમણે એમ પણ કહ્યું કે જે રીતે જામીનના કેટલાક કેસની સુનાવણી કરવામાં આવી, તે પણ ‘ચિંતાજનક’ છે.
જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળમાં પૅન્ડિંગ રહેલો અન્ય એક કેસ ચંદીગઢના મેયરની ચૂંટણી વખતે પ્રિસાઇડિંગ ઑફિસર અનિલ મસીહની કામગીરીને લગતો હતો.
જસ્ટિસ ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે અનિલ મસીહે ભાજપના ઉમેદવારને જિતાડવા માટે ચૂંટણીમાં ગરબડ કરી હતી. આ વર્ષે તેમની સામે અદાલતમાં ખોટું નિવેદન આપવાનો મામલો શરૂ કરવામાં આવ્યો હતો.
આ કેસની સુનાવણી ચાલુ થઈ ત્યારે જસ્ટિસ ચંદ્રચૂડે અનિલ મસીહની ઝાટકણી કાઢી. તેના પરથી લાગ્યું કે તેઓ અનિલ મસીહને દંડ કરશે, પરંતુ ત્યાર પછી તે મામલો ક્યારેય સુનાવણી માટે લિસ્ટ જ ન થયો.
વરિષ્ઠ વકીલ સંજય હેગડેના કહેવા મુજબ, "આપણે સ્વતંત્રતા અને ઉત્તરદાયિત્વ નક્કી કરવાની બાબતમાં જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળને એક વાક્યમાં વર્ણન કરીએ, તો તમે કહી શકો કે ઉમર ખાલિદ જેલમાં છે અને અનિલ મસીહ ખુલ્લેઆમ ફરે છે."
આમ તો જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળમાં બંધારણીય બેન્ચે અગાઉ કરતાં ઘણા વધારે કેસ ઉકેલ્યા, પરંતુ તેમના કાર્યકાળમાં પૅન્ડિંગ કેસની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો.
ચંદ્રચૂડે જ્યારે કામ સંભાળ્યું, ત્યારે સુપ્રીમ કોર્ટમાં 69 હજાર કેસ પૅન્ડિંગ હતા. હવે તેઓ રિટાયર થયા છે ત્યારે પૅન્ડિંગ કેસની સંખ્યા 82 હજાર સુધી પહોંચી ગઈ છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મદન લોકુર કહે છે, “મને લાગે છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશની વહીવટી ક્ષમતા એવી હોવી જોઈએ કે તેઓ કોર્ટમાં પૅન્ડિંગ કેસોમાં ઘટાડો કરે. હાલના ચીફ જસ્ટિસે બંધારણીય બેન્ચનો પડકાર સ્વીકાર્યો હતો, પરંતુ પૅન્ડિંગ કેસોની સંખ્યાને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યા છે.”
કૉલેજિયમના વડા તરીકે

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકોનું કહેવું છે કે ન્યાયિક નિમણૂકોના સંદર્ભમાં જસ્ટિસ ચંદ્રચૂડનો કાર્યકાળ નિષ્ફળ રહ્યો છે.
ન્યાયતંત્રની નિમણૂકોમાં ઉચ્ચ ન્યાયતંત્રના વરિષ્ઠ ન્યાયાધીશોના બનેલા કૉલેજિયમનો અભિપ્રાય અંતિમ હોય છે એવા પ્રકારની વ્યવસ્થા છે.
જો સરકારને કૉલેજિયમ દ્વારા સૂચવવામાં આવેલાં નામોમાં વાંધો હોય, તો પણ તે તેમને માત્ર એક જ વાર કૉલેજિયમને સમીક્ષા માટે પરત મોકલી શકે છે. પરંતુ કૉલેજિયમ તે નામની ભલામણ બીજી વખત કરે, તો સરકારે તે સ્વીકારવું જ પડે.
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન સરકારોએ તેનો આકરો વિરોધ કર્યો છે અને ન્યાયાધીશોની નિમણૂકમાં પોતાની વાત મનાવવા કોશિશ કરી છે. તેના કારણે ઘણી વખત ન્યાયાધીશોની નિમણૂક અટકી જાય છે, અથવા તો સરકારની પસંદગીવાળા જજ નિયુક્ત થઈ જાય છે.
જસ્ટિસ ચંદ્રચૂડ જ્યારે ચીફ જસ્ટિસ બન્યા, ત્યારે તેમણે પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમનું એક લક્ષ્ય ન્યાયતંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ પર અલગ-અલગ પૃષ્ઠભૂમિના જજોની નિમણૂક કરવાનું છે.
ઘણા કાયદાકીય નિષ્ણાતોમાં વ્યાપક રીતે સહમત છે કે જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળ દરમિયાન ન્યાયાધીશોની નિમણૂકના મામલે સરકારના પ્રભાવને રોકી શકાયો નથી.
જસ્ટિસ ચંદ્રચૂડ સાથે કામ કરનારા સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ જજે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, “તેઓ સરકાર પર પૂરતું દબાણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. નિમણૂકની પ્રક્રિયામાં આ એક મોટી સમસ્યા છે. સરકારની સામે ઝૂકતા રહ્યા છે."
સુપ્રીમ કોર્ટના આ ભૂતપૂર્વ જજે કહ્યું કે ચંદ્રચૂડનો કાર્યકાળ ઘણો લાંબો હતો. તેમની પાસે પૂરતો સમય હતો કે તેઓ ન્યાયાધીશોની નિમણૂકમાં ન્યાયતંત્રના પ્રભાવને ફરીથી સ્થાપિત કરી શકે.
તેઓ કહે છે, "જેમનો કાર્યકાળ ટૂંકો હોય તેવી ચીફ જસ્ટિસ પાસે તમે સરકારના દબાણનો સામનો કરવાની આશા કેવી રીતે રાખી શકો?"
તેમણે કહ્યું કે, “હાઈકોર્ટ બહુ મુશ્કેલ સ્થિતિમાં છે.”
ન્યાયાલયોમાં 351 પદ ખાલી
જસ્ટિસ ચંદ્રચૂડ જ્યારે મુખ્ય ન્યાયાધીશ બન્યા, ત્યારે હાઈકોર્ટમાં જજનાં 323 પદ ખાલી હતાં. આજે બે વર્ષ પછી ખાલી પદની સંખ્યા વધીને 351 સુધી પહોંચી ગઈ છે.
તેમના કાર્યકાળનો એક મામલો ઘણો રસપ્રદ છે. સુપ્રીમ કોર્ટ અદાલતના તિરસ્કારના એક કાનૂની પાસાની સુનાવણી કરતી હતી કે ન્યાયાધીશોની નિમણૂકના મામલે સરકાર કાયદાનું પાલન નથી કરતી.
આ મામલાની સુનાવણી જસ્ટિસ સંજય કિશન કૌલ કરતા હતા. સુનાવણી દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે સરકાર કાનૂની પ્રક્રિયાનું પાલન નહીં કરે, તો તેઓ સરકારી અધિકારીઓને કોર્ટની અવહેલના બદલ દોષિત માનશે. જસ્ટિસ કૌલના કાર્યકાળના અંતિમ દિવસોમાં આ કેસ લિસ્ટ થવા છતાં સૂચિમાંથી ગાયબ થઈ ગયો.
જસ્ટિસ સંજય કિશન કૌલ સ્વયં આ વાતથી આશ્ચર્યચકિત હતા. તેમણે તે વખતે કહ્યું હતું કે, "મેં આ કેસને હટાવ્યો નથી. કેટલાક મામલે ચૂપ રહેવામાં આવે તો જ સારું છે. મને વિશ્વાસ છે કે ચીફ જસ્ટિસને આ વાતની માહિતી છે."
આ એક વિચિત્ર સ્થિતિ હતી, કારણ કે જસ્ટિસ સંજય કિશન કૌલે આ મામલાને 5 ડિસેમ્બરે પોતાની બેન્ચમાં લિસ્ટ કરવા માટે કહ્યું હતું. ત્યારપછી હજુ સુધી આ કેસની સુનાવણીનો વારો નથી આવ્યો.
આ મામલે જ્યારે સુનાવણી થતી હતી, ત્યારે ન્યાયતંત્રે કેન્દ્ર સરકાર વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી હતી. ત્યારપછી જજોની નિમણૂક બાબતો થોડી પ્રગતિ થઈ હતી. હવે તો હાઈકોર્ટમાં નિમણૂકના મામલા અટકી ગયા છે.
કાનૂની મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે ત્યારપછી હાઈકોર્ટમાં 30થી પણ ઓછા જજની નિમણૂક થઈ છે.
જે નિમણૂક થઈ છે, તેમાં પણ કેટલાકને નિમણૂક કરવા અને અમુકને હાઈકોર્ટના જજ ન બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ કેસ ચર્ચામાં રહ્યા

ઇમેજ સ્રોત, ANI
એક મામલો મદ્રાસ હાઈકોર્ટના એક જજ વિક્ટોરિયા ગૌરીનો હતો. તેમના શપથગ્રહણ સમારોહ અગાઉ એવો આરોપ લાગ્યો હતો કે તેમણે લઘુમતી વિરુદ્ધ નફરતભર્યા નિવેદન આપ્યાં હતાં.
સુપ્રીમ કોર્ટમાં આ અંગે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે આ વાત કૉલેજિયમના ધ્યાન પર લાવવામાં આવી ન હતી. તેમણે બીજા દિવસે આ મામલાની સુનાવણી નક્કી કરી.
જ્યારે સુનાવણી થઈ, ત્યારે એક તરફ બેન્ચે કહ્યું કે કૉલેજિયમે બધી વાતોને ધ્યાનમાં રાખીને જસ્ટિસ વિક્ટોરિયા ગૌરીની નિમણૂક કરી હતી અને આ અરજીને ફગાવી દેવામાં આવી.
કેટલાક જજ વિશે એવું કહેવામાં આવે છે કે સરકાર વિરોધી ચુકાદા આપવાના કારણે તેમને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરાયા ન હતા.
જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળમાં આવો જ એક કેસ જસ્ટિસ મુરલીધરનો હતો. દિલ્હી હાઈકોર્ટના સૌથી સિનિયર જજ પૈકીના એક જસ્ટિસ મુરલીધરને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાના બદલે તેમની ઓડિશા બદલી કરી નાખવામાં આવી.
મહત્ત્વની હાઈકોર્ટ ગણાતા મદ્રાસ હાઈકોર્ટમાં તેમના ટ્રાન્સફર વિશે પણ કહેવાય છે કે કેન્દ્ર સરકારને વાંધો હતો, ત્યારપછી કૉલેજિયમે બીજી વખત તેમના નામની ભલામણ કરી ન હતી.
તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં ન આવ્યા તેના વિશે કાયદાના ત્રણ મોટા જાણકારોએ લેખ લખીને સવાલ ઉઠાવ્યો કે, "જસ્ટિસ મુરલીધરને સુપ્રીમ કોર્ટના જજ કેમ બનાવવામાં ન આવ્યા? ખાસ કરીને જ્યારે સુપ્રીમ કોર્ટમાં બે પદ ખાલી હતા ત્યારે."
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રિટાયર્ડ જસ્ટિસ મદન લોકુરના કહેવા મુજબ કૉલેજિયમ વ્યવસ્થા ન્યાયતંત્રની સ્વતંત્રતાનું પ્રતીક છે. તેઓ કહે છે, "આજે એવું લાગે છે કે સંભવિત જજોના ભાગ્યનો નિર્ણય સરકાર લઈ રહી છે."
જસ્ટિસ ચંદ્રચૂડ અમુક અંશે સફળ રહ્યા હોય તેવું એક ક્ષેત્ર સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકનું છે. તેમના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટમાં 18 ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી.
જોકે, આવું કરતી વખતે તેમણે વિવિધતાના માપદંડ લાગુ કરવાનું વચન પાળ્યું ન હતું. તેમના સમયમાં સુપ્રીમ કોર્ટમાં એક પણ મહિલા જજની નિમણૂક કરવામાં આવી ન હતી.
ચંદ્રચૂડની મીડિયામાં ચર્ચા

ઇમેજ સ્રોત, @NARENDRAMODI
સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ દુષ્યંત દવે કહે છે કે, "મીડિયામાં તેમનો જબરો પ્રભાવ રહ્યો છે."
તેમની લોકપ્રિયતાના કારણે ઑનલાઇન ટ્રોલ્સે પણ જસ્ટિસ ચંદ્રચૂડને નિશાન બનાવ્યા હતા. તેમને ‘હિંદુવિરોધી’ અને ‘નકલી મહિલાવાદી’ ગણાવવામાં આવ્યા.
જોકે, ઘણા લોકો સવાલ ઉઠાવે છે કે શું કોઈ જજે આટલા પ્રમાણમાં ચર્ચામાં રહેવું જોઈએ? કારણ કે જજે સમાજથી અલગ રહીને, વર્તમાન પ્રવાહથી દૂર રહીને માત્ર ન્યાયસંગત નિર્ણય લેવો જોઈએ.
દુષ્યંત દવે સવાલ ઉઠાવે છે, “તમે મીડિયાથી આટલા બધા હળીમળી જાવ છો, ત્યારે તમે એવું કામ કરવા ઇચ્છશો જેથી લોકો તમને પસંદ કરે, તો પછી તમે સખત નિર્ણયો નહીં લઈ શકો.”
મીડિયા સાથે વાતચીતમાં જસ્ટિસ ચંદ્રચૂડે પોતાની હિંદુ તરીકેની ઓળખને ખૂલીને પ્રસ્તુત કરી હતી.
જાન્યુઆરીમાં તેઓ ગુજરાતમાં દ્વારકા મંદિરે ગયા હતા, ત્યારે ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘મંદિરની ધ્વજા આપણને બધાને એકજૂથ રાખે છે.' તેમણે મંદિરની ધ્વજાની સરખામણી બંધારણ સાથે પણ કરી હતી.
આ વર્ષે ગણેશચતુર્થીના તહેવાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગણપતિની પૂજા કરવા તેમના ઘરે ગયા હતા. આ વાતની આકરી ટીકા થઈ હતી.
ઑક્ટોબર મહિનામાં લોકોને સંબોધિત કરતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન તેનો ઉકેલ લાવવા માટે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
આ બધાની ટીકા કરવામાં આવી અને તેને પણ જસ્ટિસ ચંદ્રચૂડના વારસાનો હિસ્સો ગણવામાં આવશે.
ટોચના સત્તાધીશો અને ન્યાયતંત્રના વડા વચ્ચે નિકટતા હોય તે જટિલ બાબત છે. અદાલતોમાં સૌથી વધુ કેસમાં સરકાર જ પક્ષકાર હોય છે. આવામાં ચીફ જસ્ટિસનું વલણ નીચલી અદાલતો માટે અને જનતા વચ્ચે એક ખાસ પ્રકારનો સંદેશ આપે છે.
પોતાનું નામ જાહેર ન કરવાની શરતે સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ ન્યાયાધીશે પૂછ્યું, "તમારે તમારા ઘરમાં વડા પ્રધાન સાથે આરતી કરવાની શી જરૂર છે? તમે આરતી કરો તો પણ, તેની તસવીરો જાહેર કરવાની કઈ જરૂર હતી?"
એક પૂર્વ જજે કહ્યું કે "મેં ઈશ્વરને પ્રાર્થના કરી" એમ કહેવું તમને 'અતાર્કિકતા'ના ક્ષેત્રમાં પહોંચાડી દે છે અને ન્યાયાધીશોએ તેનાથી દૂર રહેવું જોઈએ.
આટલું જ નહીં, રિટાયર્ડ જસ્ટિસ મદન લોકુરે કહ્યું, “જજ સરકારી પદાધિકારીઓને મળતા હોય છે, પરંતુ તેઓ મોટા ભાગે સરકારી કાર્યક્રમોમાં મળે છે. સાથે પૂજા કરવા માટે ક્યારેય નથી મળતા.”
એક પૂર્વ ન્યાયાધીશ કહે છે, “તેઓ બહુ હેતાળ હોઈ શકે છે, તેઓ બહુ વિવેકી હોઈ શકે છે. આમ છતાં તેઓ એટલા આત્મમુગ્ધ રહી શકે છે કે બીજાને નુકસાન થાય.”
તેમણે એમ પણ કહ્યું કે, "તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં નવી ઇમારતના નિર્માણનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ હતો. પરંતુ તેનો પ્લાન પણ તૈયાર નથી ત્યારે આવું કરવાની શી જરૂર હતી."
ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના લોગોમાં ફેરફાર કર્યો અને ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરી, જેમાં તેની આંખ પરથી પાટો હટાવી દેવામાં આવ્યો છે અને ન્યાયની દેવીના હાથમાં બંધારણ છે.
વકીલોના સંગઠને પણ મુખ્ય ન્યાયાધીશ તરીકે ચંદ્રચૂડની કામગીરીને લઈને અનેક ફરિયાદો કરી હતી.
સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશને ચીફ જસ્ટિસને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે તેમણે 'બાર ઍસોસિયેશન સાથે વિચારવિમર્શ કર્યા વગર સુપ્રીમ કોર્ટનો લોગો બદલવાનો અને ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવાનો નિર્ણય લીધો છે.'
ઑલ ઇન્ડિયા બાર ઍસોસિયેશને પણ ચીફ જસ્ટિસને પત્ર લખીને આરોપ લગાવ્યો કે તેઓ વકીલોના સન્માનનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
આ સાથે પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું કે ચંદ્રચૂડનો "અત્યંત કિંમતી સમય કાર્યક્રમોમાં હાજરી આપવામાં જાય છે. જો તેઓ પોતાનું વર્તન નહીં બદલે તો બાર ઍસોસિયેશન એવું કહેશે કે ચીફ જસ્ટિસને પોતાના હોદ્દાની જવાબદારીઓ પૂરી કરવા કરતાં 'પબ્લિસિટી' મેળવવાની વધુ ચિંતા છે.
ચર્ચામાં રહેલા નિર્ણયો

ઇમેજ સ્રોત, Getty Images
એક જજ અને મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ જસ્ટિસ ચંદ્રચૂડ આવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોનો એક હિસ્સો હતા. આ ચુકાદાઓએ એવા મૂળભૂત સિદ્ધાંતોનો પાયો નાખ્યો, જે આવનારા સમયમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાના છે.
વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ જણાવ્યું કે, "લોકોને તેમના નિર્ણયોની અસર આવનારા લાંબા સમય સુધી અનુભવાતી રહેશે."
ભારતમાં ગોપનીયતાના અધિકાર અંગે તેમણે 9 જજોની બેન્ચનો બહુમતી નિર્ણય લખ્યો હતો.
દેશના જાહેર જીવનનાં અનેક પાસાં પર તેની ઊંડી અસર થવાની છે. તેઓ દેશમાં સમલૈંગિકતા અને લગ્નેત્તર સંબંધોને ગુનો ગણાવતી જોગવાઈઓને નાબૂદ કરતી બંધારણીય બેન્ચના સભ્ય પણ હતા.
તેમણે સુપ્રીમ કોર્ટમાં એવા નિર્ણય પણ લખ્યા, જેમાં અપરિણીત મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો હતો તથા મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.
જસ્ટિસ ચંદ્રચૂડે નવ જજની અન્ય એક બંધારણીય બેન્ચનો બહુમતી નિર્ણય લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારને કોઈ પણ ખાનગી સંપત્તિને સામુદાયિક સંસાધન ગણવાનો અને તેનું પુનઃવિતરણ કરવાનો અધિકાર નથી.
આમ કરીને કોર્ટે છેલ્લા ઘણા દાયકાથી ચાલતા ન્યાયિક વલણથી આગળ જવાનું પગલું લીધું, જેમાં એવું કહેવાયું હતું કે તમામ ખાનગી મિલકત એક સામુદાયિક સંસાધન છે.

ઇમેજ સ્રોત, Getty Images
જસ્ટિસ ચંદ્રચૂડે પોતાના નિર્ણયો દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિના આરક્ષણમાં પેટા-શ્રેણીઓ બનાવવાની મંજૂરી આપી.
તેમણે જેલમાં જાતિના આધારે ભેદભાવને ગેરબંધારણીય જાહેર કર્યો. આસામ કરારની બંધારણીય માન્યતાને બહાલી આપી.
ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ ચલાવવાનું ચાલુ રાખવાની મંજૂરી આપી અને સુપ્રીમ કોર્ટના 57 વર્ષ જૂના નિર્ણયને ઉલટાવી દીધો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થાના દરજ્જાનો દાવો કરી શકે નહીં.
જસ્ટિસ ચંદ્રચૂડ આવા ઘણા કેસોની સુનાવણીમાં સામેલ હતા, જે ટૅક્સ અને વાતચીત દ્વારા વિવાદોના સમાધાનને લગતા હતા.
તેમના ઘણા ચુકાદામાં મીડિયા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ભાર મૂકવાનો પ્રયાસ જોવા મળ્યો.
તેમણે મલયાલમ ન્યૂઝ ચેનલ મીડિયા વનના પ્રસારણ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો.
કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક એકમ પર પ્રતિબંધ મૂક્યો. સાથે સાથે તેમણે અર્ણવ ગોસ્વામી અને ઝુબેર અહમદને પણ જામીન આપ્યા હતા.
જોકે, જસ્ટિસ ચંદ્રચૂડના ઘણા ચુકાદામાં એવું પણ બન્યું છે કે જે મૂળભૂત સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા છે, તે આવનારી પેઢીઓ માટે ઉપયોગી બનશે. પરંતુ ઘણા કાનૂની જાણકારો પ્રશ્ન ઉઠાવે છે કે આ નિર્ણયોથી આખરે ફાયદા કેવા થશે.
સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ જજે કહ્યું, “તેમના ઘણા નિર્ણયોની આ વિશેષતા રહી છે. તેમની પાસે એવા સિદ્ધાંતો શોધવાની અને તેમને આધાર બનાવવાની ક્ષમતા છે, જે આવનારી પેઢીઓ માટે ઉપયોગી થશે. આ બધું તો ઠીક છે. પરંતુ, સવાલ એ પણ ઊભો થાય છે કે આખરે કોર્ટે શું કર્યું?
આ ભૂતપૂર્વ ન્યાયાધીશે એમ પણ કહ્યું, "મને લાગે છે કે તેઓ નુકસાન પહોંચાડવા તો તૈયાર હતા, પરંતુ કોઈને ઘાયલ કરવાથી ડરતા હતા, જે એક પરેશાન કરનારી બાબત છે."
દાખલા તરીકે તેમનો એક નિર્ણય ઇલેક્ટોરલ બૉન્ડ અંગે હતો, જેની પ્રશંસા કરવામાં આવી હતી.
આ મામલામાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમને રદ કરી હતી અને સરકાર પર તેનો ડેટા જાહેર કરવા દબાણ કર્યું હતું, જેથી દાન આપનારાઓનાં નામ રાજકીય પક્ષોને મળેલા દાન સાથે સરખાવી શકાય.
જોકે, ત્યારપછી કોર્ટે કોઈ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. લેવડદેવડના ઘણા મામલા સામે આવ્યા, તપાસ એજન્સીઓના દરોડા પછી ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા દાન આપવામાં આવ્યું હતું.
અથવા તો બૉન્ડ મારફત દાન આપ્યા પછી સરકારી કૉન્ટ્રાક્ટ મળ્યા હતા. પરંતુ કોર્ટે આવા મામલાઓ પર કોઈ કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
આ મામલે કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરતી અરજી દાખલ કરનાર સંગઠનના વકીલ પ્રશાંત ભૂષણ હતા. આ કેસની સુનાવણી ચાર મહિના પછી નક્કી કરવામાં આવી, અને એક જ સુનાવણી બાદ અરજી ફગાવી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ ન્યાયાધીશે આ અંગે જણાવ્યું, "ઇલેક્ટોરલ બૉન્ડ્સ રદ થયા પછી જે કાર્યવાહી થવી જોઈતી હતી તેમાં ઘણી ખામીઓ રહી ગઈ હતી."
દુષ્યંત દવે કહે છે, "આ એવો કેસ હતો કે ઑપરેશન તો સફળ થયું, પણ દર્દી મરી ગયો."

ઇમેજ સ્રોત, ANI
એવા ઘણા કેસ હતા જેમાં જસ્ટિસ ચંદ્રચૂડે તેને મહત્ત્વપૂર્ણ માનીને તેમની નોંધ લીધી હતી અને કોર્ટની દેખરેખ હેઠળ તપાસના આદેશ આપ્યા હતા.
તેમણે કોલકાતાની આરજી કર હૉસ્પિટલમાં બળાત્કાર અને હત્યાના કેસ તથા મણિપુરના જાતીય હિંસાના કેસની સુનાવણી જાતે સંજ્ઞાન લઈને કરી હતી. મણિપુર હિંસા કેસમાં તેમણે વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસનો આદેશ પણ આપ્યો હતો.
પરંતુ તેઓ કેવા પ્રકારના કેસોની જાતે નોંધ લેશે અથવા કોર્ટની દેખરેખ હેઠળ તે કેવા પ્રકારના કેસોની તપાસ કરવાનો આદેશ આપશે તેમાં કોઈ સ્પષ્ટ પૅટર્ન જોવા મળી ન હતી.
ઉદાહરણ તરીકે તેમણે શૉર્ટ-સેલિંગ કંપની હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપની કંપનીઓ સામે કરવામાં આવેલા આરોપોની કોર્ટની દેખરેખ હેઠળ તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ ચંદ્રચૂડે પોતાના ચુકાદામાં કહ્યું કે સેબીની તપાસ પર 'વિશ્વાસ ઊભો થાય છે' અને આવા કેસની તપાસ સેબી પાસેથી લઇને અન્ય કોઈને સોંપવાની જરૂર નથી.
જોકે,આની ટીકા કરવામાં આવી, કારણ કે સેબીની તટસ્થતા સામે જ સવાલો પેદા થઈ રહ્યા હતા.
તેવી જ રીતે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 39 ધારાસભ્યો એકનાથ શિંદે જૂથમાં જોડાયા તે પણ આવો કેસ હતો જેના કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર જૂન 2022માં પડી ગઈ હતી.
આમ તો ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ નહોતા બન્યા ત્યારે કોર્ટે આ મામલાની સુનાવણી કરી હતી, પરંતુ આ મામલે નિર્ણય ચંદ્રચૂડના ચીફ જસ્ટિસ બન્યાના છ મહિનામાં આવી ગયો હતો.
આમ તો નિર્ણય અંતે ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં આવ્યો હતો, પરંતુ કોર્ટે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેએ પહેલેથી રાજીનામું આપી દીધું છે, તેથી અદાલત કંઈ કરી ન શકે.
સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ જજ કહે છે, “મહારાષ્ટ્રમાં એ વાતનું જીવંત ઉદાહરણ હતું કે સરકાર કામ કરી રહી હતી. આવામાં તેઓ (ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી તરીકે પુનઃસ્થાપિત કરીને) ઇતિહાસ રચી શક્યા હોત, પરંતુ તેમણે તેમ કર્યું નહીં."
ચંડીગઢના મેયરની ચૂંટણીના કિસ્સામાં આનાથી સાવ વિપરીત થયું, તેમાં કોર્ટે આ મામલે ઝડપથી સુનાવણી કરી અને ચૂંટણીનાં પરિણામોને બદલાવી દીધાં.

ઇમેજ સ્રોત, ANI
તેવી જ રીતે જસ્ટિસ ચંદ્રચૂડે એ નિર્ણય પણ આપ્યો કે દિલ્હીની સિવિલ સેવાઓ પર ઉપ-રાજ્યપાલનો નહીં, પણ દિલ્હીની ચૂંટાયેલી સરકારનું નિયત્રંણ રહેશે.
જોકે, તેમના આ નિર્ણયને ઊથલાવવા માટે સરકાર દસ દિવસો પછી એક વહહુકમ લાવી, જે ત્યાર બાદ કાયદામાં રૂપાંતરિત કરી દેવાયો. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, પરંતુ ચંદ્રચૂડના સમગ્ર કાર્યકાળમાં આ મામલો પૅન્ડિંગ જ રહ્યો.
જસ્ટિસ ચંદ્રચૂડ જ્યારે જજ હતા, ત્યારે સામાન્ય રીતે તેમને ગર્ભપાતના સમર્થક તરીકે જોવામાં આવતા હતા, કારણ કે 2022માં તેમણે ચુકાદો આપ્યો હતો કે અપરિણીત મહિલાઓને પણ ગર્ભપાતનો અધિકાર હોવો જોઈએ.
જસ્ટિસ ચંદ્રચૂડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, "માત્ર મહિલાને જ પોતાના શરીર પર અધિકાર છે અને ગર્ભપાત માટે માનસિક સ્વાસ્થ્ય સહિત અનેક કારણો હોઈ શકે છે."
જોકે, વર્ષ 2023માં તેમણે બીજો એક બહુચર્ચિત નિર્ણય આપ્યો, જેમાં સુપ્રીમ કોર્ટે પહેલા એક પરિણીત મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી જેને 26 અઠવાડિયાનો ગર્ભ હતો.
પરંતુ આખરે જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચે ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. મહિલાએ કહ્યું કે તે ભયંકર માનસિક અને શારીરિક સમસ્યાથી પીડાઈ રહી છે અને તેને પોતાની ગર્ભાવસ્થા વિશે ખૂબ મોડી ખબર પડી હતી, તેથી તે કોર્ટમાં વહેલી આવી શકી ન હતી.
આમ છતાં, સુપ્રીમ કોર્ટે એમ કહીને મહિલાને ગર્ભપાતની મંજૂરી ન આપી કે તેનાથી “ગર્ભમાં રહેલા બાળકના જીવિત રહેવાના અધિકારનું હનન” થશે.
ટીકાકારોએ આ નિર્ણયને ભારતમાં ગર્ભપાતના અધિકારોનાં સંદર્ભે ઊંધી દિશામાં જતો નિર્ણય ગણાવ્યો હતો, જેણે મહિલાના પોતાના શરીર પરના અધિકારોને નબળો બનાવી દીધો.
ફેડરેલિઝમની જ્યારે વાત આવી, ત્યારે જસ્ટિસ ચંદ્રચૂડે ખનિજોનાં ખોદકામ અને ઔદ્યોગિક આલ્કોહોલ પર ટૅક્સ વસૂલવાનાં રાજ્યોના અધિકાર પર મહોર મારી હતી. પરંતુ કલમ 370ના કિસ્સામાં તેમણે તેમણે આ કલમ નાબૂદ કરવા અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાને યોગ્ય ગણાવ્યું હતું.
આવો નિર્ણય આપતી વખતે જસ્ટિસ ચંદ્રચૂડે એ સવાલને બાજુમાં રાખી દીધો કે શું કેન્દ્ર સરકાર કોઈ રાજ્યનું વિભાજન કરી શકે? અને તે પણ એવા સમયે જ્યારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન હોય અને રાજ્યની વિધાનસભા કાર્યરત્ ન હોય ત્યારે?
તેમના નિર્ણયની ટીકા કરવામાં આવી હતી અને તેને સંઘવાદને નબળો પાડતા નિર્ણય તરીકે જોવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યા મામલે પણ જસ્ટિસ ચંદ્રચૂડની ભૂમિકા વિશે ઘણું બધું લખાઈ ચૂક્યું છે. ચંદ્રચૂડ આ વિશે ચુકાદો આપનાર બેન્ચમાં સામેલ હતા, જેના પર ઘણા સવાલો ઉઠાવાયા હતા.
કોર્ટે પોતાના નિર્ણયમાં મસ્જિદને તોડી પાડવાની ઘટના ગેરકાયદે ગણાવી અને એ પણ સ્વીકાર્યું હતું કે પુરાતાત્ત્વિક સર્વેક્ષણમાં એ સાબિત નથી થતું કે બાબરી મસ્જિદને કોઈ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. છતાં કોર્ટે વિવાદિત જમીન હિંદુઓને આપી અને મુસલમાનોને એક અન્ય મસ્જિદ બનાવવામાં માટે પાંચ એકર જમીન બીજી જગ્યાએ આપવાનો આદેશ આપ્યો.
તેમાં આશ્ચર્યની વાત એ હતી કે ચુકાદો લખનારા જજના નામનો ક્યાંય ઉલ્લેખ પણ ન હતો. આ એક નવાઈની વાત છે.
ત્યારબાદ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ચંદ્રચૂડે જણાવ્યું કે આ એવો નિર્ણય હતો, જેના વિશે સુપ્રીમ કોર્ટની બેન્ચે નક્કી કર્યું હતું કે તેને લખનારા જજનું નામ હોવું ન જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે, તે કોઈ પણ બેન્ચ આપે, છતાં તેને સર્વોચ્ચ અદાલતનો નિર્ણય જ કહેવામાં આવે છે.
જોકે, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદવાળા નિર્ણયમાં 1991નાં 'પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ'ની જોગવાઈઓ પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે.
આ કાયદો અયોધ્યા વિવાદ પછી બનાવવામાં આવ્યો હતો, જેથી આઝાદીના સમયે કોઈ ધાર્મિક સ્થળની જે સ્થિતિ હોય તેને યથાવત્ રાખવામાં આવે. આ કાયદામાં કોઈ ધાર્મિક સ્થળનાં સ્વરૂપને બદલવાની મનાઈ કરવામાં આવી હતી. ઘણા લોકોને લાગ્યું હતું કે આનાથી ભવિષ્યમાં મંદિર-મસ્જિદના કોઈ અન્ય વિવાદને ઊભો થતો રોકી શકાશે.
જોકે, જ્યારે જ્ઞાનવાપી મંદિરનો વિવાદ જસ્ટિસ ચંદ્રચૂડ સમક્ષ સુનાવણી માટે આવ્યો, ત્યારે તેમણે તેનાથી જોડાયેલા મામલાને ચાલવા દીધા.
તેમણે એમ કહ્યું કે પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ એ બાબતની તપાસ માટે સર્વે કરવાને અટકાવતો નથી કે આઝાદી સમયે કોઈ ધાર્મિક સ્થળનું સ્વરૂપ કેવું હતું.
આજે પણ જ્ઞાનવાપીનો વિવાદ અને આવા કેટલાય કેસ અદાલતોમાં વિચારાધીન છે.
આમ તો જસ્ટિસ ચંદ્રચૂડે પ્રાઇવસીના અધિકારને લગતો ચુકાદો પણ લખ્યો હતો અને આધારના મામલે બહુમતીથી અલગ નિર્ણય પણ લખ્યો હતો જેની કેટલાક લોકો ઘણી પ્રંશસા કરે છે.
આ ચુકાદામાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે સરકાર જે 12 આંકડાવાળાં ઓળખપત્ર લાવી છે, તે “ગેરબંધારણીય” છે અને તેને ખતમ કરવાં જોઈએ.
પરંતુ તેનાથી વિપરીત સરકારની ટીકા કરનારાઓની જાસૂસી માટે પેગાસસ સૉફ્ટવૅરના ઉપયોગના કેસ તેમના કાર્યકાળમાં પૅન્ડિંગ જ રહ્યા. તેના પર એક પણ વખત સુનાવણી ન થઈ.
આધાર ઉપરાંત જસ્ટિસ ચંદ્રચૂડને કેટલાય અન્ય મામલે પણ બહુમતીથી અલગ નિર્ણય આપવા માટે યાદ કરવામાં આવે છે.
જેમ કે ભીમા કોરેગાંવનો મામલો. તેમાં બહુમતીથી અલગ નિર્ણય આપતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસની કામગીરી તેની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવે છે, તથા ભીમા કોરેગાંવ કેસની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ફરીથી તપાસ થવી જોઈએ.
જોકે, ચંદ્રચૂડનો કાર્યકાળ ખતમ થવા સુધી પણ ભીમા કોરેગાંવને લગતા કેસમાં ટ્રાયલ હજુ શરૂ નથી થઈ. જ્યારે, તેમના ચીફ જસ્ટિસ કાર્યકાળમાં (બીજી બેન્ચોએ) આ મામલામાં પકડાયેલા ઓછામાં ઓછા ત્રણ લોકોને જામીન ચોક્કસ આપી દીધા છે.
પરંતુ તેની સરખામણીમાં એક ડિસ્ટ્રિક્ટ જજ બીએચ લોયાના મૃત્યુના કેસમાં જસ્ટિસ ચંદ્રચૂડે તેની સ્વતંત્ર તપાસની માગ કરતી તમામ અરજીઓને રદ કરતો નિર્ણય આપ્યો હતો.
મૃત્યુના સમયે જસ્ટિસ લોયા સોહરાબુદ્દીનના ઍન્કાઉન્ટર સાથે સંકળાયેલા બધા કેસની સુનાવણી કરતા હતા, જેમાં ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય આરોપી હતા.
આ મામલાની સુનાવણી જે રીતે થઈ અને તેના પછી ચંદ્રચૂડના આ નિર્ણયની વ્યાપક ટીકા થઈ હતી. તેના લિસ્ટિંગ અને કોર્ટમાં સુનાવણી દરમિયાન આપવામાં આવેલા તર્ક પર સવાલ પેદા થયા હતા.
કાયદાકીય મામલાઓના જાણકાર વરિષ્ઠ પત્રકાર મનુ સેબેસ્ટિયને આ ચુકાદાની સરખામણી કરતા તેને આજના સમયનો “એડીએમ જબલપુર કેસ” ગણાવ્યો હતો.
એડીએમ જબલપુર કેસની ઘણી ટીકા કરવામાં આવે છે. કટોકટી સમયે સામાન્ય લોકોના અધિકારોને ખતમ કરતા આ બહુચર્ચિત મામલાની સુનાવણી કરનારી સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટિસ ચંદ્રચૂડના પિતા પણ સામેલ હતા, જેમણે અધિકારો રદ કરવાના પગલાને યોગ્ય ગણાવ્યું હતું.
ટેકનિકલ સુધારા
જસ્ટિસ ચંદ્રચૂડ બહુ મોટું પરિવર્તન લાવ્યા હોય તેવી એક બાબત અદાલતોના આધુનિકીકરણની છે. સુપ્રીમ કોર્ટની ઇ-સમિતિના અધ્યક્ષ તરીકે જસ્ટિસ ચંદ્રચૂડે ઘણાં પગલા લીધાં હતાં.
હવે બંધારણીય બેન્ચની સુનાવણીની ટ્રાન્સક્રિપ્ટ ઉપલબ્ધ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ચુકાદાઓને બધી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે છે. સુપીમ કોર્ટ બધી અદાલતોની સુનાવણીના જીવંત પ્રસારણ માટે તૈયારી કરી રહી છે.
સિનિયર વકીલ સંજય હેગડેએ કહ્યું, “અદાલતોના આધુનિકીકરણમાં તેમણે ઘણું સારું કામ કર્યું છે. વીડિયો કૉન્ફરન્સની વ્યવસ્થાને વધુ સારી બનાવી છે. ઇ-ફાઇલિંગની સ્વીકાર્યતા વધારી છે. તેઓ સુપ્રીમ કોર્ટને આધુનિક બનાવવા અને સરકાર પાસેથી ફંડિંગ પ્રાપ્ત કરવાનો એક સારો વારસો છોડીને જઈ રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટની બારીકાઈથી સાર્વજનિક તપાસ કરવાના દરવાજા પણ ખોલ્યા છે.”
જસ્ટિસ ચંદ્રચૂડનો વારસો
વરિષ્ડ વકીલ દુષ્યંત દવે કહે છે, "તેમનો કાર્યકાળ બરબાદી લાવનારો રહ્યો છે. તેઓ પોતાની પાછળ ઘણા લોકોને નાખુશ કરે તેવો એક ખરાબ વારસો છોડીને જઈ રહ્યા છે."
જોકે, ઘણા લોકો એમ પણ માને છે કે ચંદ્રચૂડનો કાર્યકાળ ઠીકઠાક કહી શકાય તેવો રહ્યો છે.
સંજય હેગડે કહે છે, "જ્યાં સુધી ટેકનિકલ સુધારા અને પ્રજાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચની વાત છે, ત્યારે તેમણે ખરેખર સારા સુધારા કર્યા છે. પરંતુ નૈતિકતાવાળા પ્રભુત્વની વાત આવે, ત્યારે એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ તેમાં બહુ આગળ નથી વધી. જોકે, સુપ્રીમ કોર્ટના પ્રભાવમાં કેટલો ઘટાડો થયો છે અને તેની છબીને કેટલું નુકસાન થયું છે, તે તો આગામી સમયમાં જ ખબર પડશે."
સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ મદન લોકુર કહે છે, "કેટલાક શકાંસ્પદ નિર્ણયો હોવા છતાં ન્યાયિક બાબતોના મામલે તેમનો કાર્યકાળ સારો રહ્યો છે. વહીવટી બાબતની વાત કરીએ, તો તેમાં હજુ સારું કામ થઈ શકે તેમ હતું."
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ માને છે, "ચંદ્રચૂડને આ અદાલત જે સ્થિતિમાં મળી હતી, તેને તેઓ વધુ સારી સ્થિતિમાં છોડીને નથી જઈ રહ્યા. અમને બધાને જસ્ટિસ ચંદ્રચૂડ પાસે ઘણી અપેક્ષાઓ હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












