You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૃદ્ધોને મફત સારવાર આપતી નવી 'આયુષ્માન ભારત યોજના'નો લાભ કેવી રીતે મેળવી શકાય?
- લેેખક, સાજિદ હુસૈન
- પદ, બીબીસી માટે
સરકારે આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવક મર્યાદાના કોઈપણ નિયમ વિના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વૃદ્ધ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા કવર આપવાની શરૂઆત કરી છે.
આ યોજના હેઠળ તમામ વૃદ્ધોને 'આયુષ્માન વય વંદના' કાર્ડ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે ગત મહિને 11 સપ્ટેમ્બરના રોજ 70 વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધ નાગરિકોને 'આયુષ્માન ભારત' યોજનામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો.
સરકાર દ્વારા આપવામાં આવેલી પ્રેસનોટમાં જણાવાયું હતું કે આ યોજનાથી સાડા ચાર કરોડ પરિવારને લાભ થશે, જેમાં 6 કરોડ વૃદ્ધ નાગરિકો છે.
આ નિર્ણય પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર એક પોસ્ટમાં લખ્યું, અમે દરેક ભારતીય માટે સસ્તી અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય? આ યોજનાનો લાભ કોને નહીં મળી શકે? જેવા આ યોજના સાથે જોડાયેલા એ પ્રશ્નો જેના વિશે જાણવું જરૂરી છે. અહીં આપેલા 15 સવાલોના જવાબમાં આ યોજના વિશેની માહિતી મેળવો.
1. આ યોજનાનો લાભ કોને મળશે?
આ યોજનાનો લાભ 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને મળશે. આ યોજનાનો લાભ પરિવારમાં કોઈ પણ નાની ઉંમરના સભ્ય સાથે વહેંચી નહીં શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2. શું આ યોજનામાં કોઈ નિશ્ચિત વય મર્યાદા છે?
નેશનલ હેલ્થ ઑથૉરિટી અનુસાર આ યોજનામાં કોઈપણ વય મર્યાદા નથી. જો તમારી ઉંમર 70 વર્ષ કે તેનાથી વધુ છે, તો તમે કોઈ પણ આર્થિક મર્યાદા વગર આ યોજનાનો લાભ લઈ શકો છો.
એટલે કે આટલી ઉંમરના કોઈ પણ વૃદ્ધ માણસની આવક ગમે તેટલી હોય છતાં તે લાભ લઈ શકે છે.
3.આ યોજના હેઠળ લોકોને કેટલા રૂપિયા સુધીની મફત સારવાર મળી શકે છે?
આ યોજના અંતર્ગત સરકાર લોકોને પાંચ લાખ સુધીની મફત સારવાર કરાવી આપશે. જેમાં આયુષ્માન ભારત યોજનાથી અલગ વૃદ્ધ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીનું વધારાનું ટૉપ-અપ હૅલ્થ કવર પણ મળશે.
4. યોજનાનો લાભ લેવા માટે ક્યું કાર્ડ જોઈએ ?
આ યોજનાનો લાભ લેવા વૃદ્ધોને 'આયુષ્માન વય વંદના કાર્ડ' બહાર પાડવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન ભારત કાર્ડ માન્ય નહીં ગણવામાં આવે.
5. જો કોઈ પાસે આયુષ્માન કાર્ડ છે, તો શું તેમણે નવા કાર્ડ માટે અરજી કરવી પડશે?
હાં, જો કોઈ વ્યક્તિ પાસે પહેલાંથી જ આયુષ્માન કાર્ડ છે, તો પણ તેને આ નવા કાર્ડ માટે અરજી કરવી પડશે.
6. આયુષ્માન વય વંદના કાર્ડ માટે અરજી કઈ રીતે કરી શકાય?
આ કાર્ડ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય પૉર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. સાથે જ કાર્ડને ચાલુ કરાવવા માટે કેવાયસી (KYC) પણ કરાવવું પડશે. આ ઉપરાંત તમે આયુષ્માન ઍપ દ્વારા પણ આ કાર્ડ માટે અરજી કરી શકો છો.
7. શું કોઈ પાસે પહેલાંથી જ આયુષ્માન કાર્ડ છે, તે છતાં પણ તેમણે ઈ-કેવાયસી કરાવવું પડશે?
હા, હોવા છતાં ઈ-કેવાયસી કરવવું પડશે, કારણ કે તે કર્યા પછી જ કાર્ડને ઍક્ટિવેટ કરી શકાય છે.
8. 70 વર્ષ કે તેનાથી વધું ઉંમરના વદ્ધો કે જેમણે પહેલાંથી જ પોતાનો વીમો કરાવેલો છે, શું તેઓને પણ આયુષ્માન વય વંદના કાર્ડ મળવા પાત્ર છે?
હા, નેશનલ હેલ્થ ઑથૉરિટી અનુસાર, એ લોકોને પણ આયુષ્માન વય વંદના કાર્ડ મળવા પાત્ર છે.
9. જો ભવિષ્યમાં કોઈ વૃદ્ધ પોતાનો વીમો લેવા માગે છે તો શું તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે?
હા, ભવિષ્યમાં પણ જો કોઈ વૃદ્ધ પોતાનો વીમો લેવા માંગે છે, ત્યારે પણ તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
10. લોકો આ યોજના હેઠળ ક્યાં સારવાર લઈ શકે છે?
લોકો આ યોજના હેઠળ બધી જ સરકારી હૉસ્પિટલો અને યોજના અંતર્ગત પેનલમાં આવતી અન્ય ખાનગી હૉસ્પિટલોમાં પણ સારવાર લઈ શકે છે.
11. શું આ યોજના અંતર્ગત લોકોને કોઈ પણ પ્રકારે પૈસા આપવા પડશે?
ના, આ યોજના બિલકુલ મફત છે. આ યોજના હેઠળ સારવાર કરાવવા બદલ કોઈ પણ રીતે પૈસા આપવાની જરૂર નથી.
12. આ યોજનામાં અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
આ યોજનામાં અરજી કરવા માટે તમારે ફક્ત આધાર કાર્ડની જરૂર પડશે.
13. જો તમારો પરિવાર પહેલાંથી જ આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ રહ્યો હોય, તો શું પરિવારના એ વૃદ્ધ કે જેઓની ઉંમર 70 કરતાં વધારે છે, તો તેમને આ યોજનાનો લાભ મળશે?
ના, તેમને અલગથી 5 લાખનું કવરેજ આપવામાં આવશે,પરતું તેના માટે આધાર ઈ-કેવાયસી ફરીવાર કરાવવું જરૂરી છે.
14. શું પરિવારના દરેક વૃદ્ધને 5 લાખનું કવરેજ મળશે?
ના, 5 લાખનું કવરેજ પરિવારના ધોરણે આપવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે તમે પરિવારના એક કરતાં વધારે વૃદ્ધોનું નામ નોંધાવો છો, તો 5 લાખ રૂપિયા તેમની વચ્ચે એક પરિવાર દીઠ આપવામાં આવશે.
15. જો તમારા ઘરમાં એક કરતાં વધારે વૃદ્ધ લોકો રહે છે, તો શું બન્નેનાં નામોની નોંધણી અલગ અલગ કરાવવાની રહેશે ?
નહીં, અલગ નોંધણી કરાવવાની જરૂર નથી. પહેલા સભ્યની નોંધણી કર્યા પછી બીજા સભ્યનું નામ તેમાં જ નોંધાવવું પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન