અમિત શાહ: થોડીક પણ ભૂલ કરી તો રામ મંદિર પર બાબરી નામનું તાળું લાગી જશે

અમિત શાહ

ઇમેજ સ્રોત, X@BJP4INDIA

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક ચૂંટણી સભાને સંબોધતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો ભૂલથી પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો રામમંદિર પર બાબરી નામનું તાળું લાગી જશે.

અમિત શાહ લખીમપુર ખીરીથી વર્તમાન સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કરેલાં અડધા કલાકનાં ભાષણમાં સમાજવાદી પાર્ટીના સંસદ સભ્ય ગોપાલ યાદવના એક નિવેદનને રેખાંકિત કરીને કહ્યું, “તેમણે કહ્યું હતું કે રામમંદિર બેકાર છે. એટલે યાદ રાખજો કે જરા પણ ભૂલ કરી તો આ લોકો રામમંદિર પર બાબરી નામક તાળું લગાડવાનું કામ કરશે.”

રામગોપાલ યાદવે શું કહ્યું હતું?

એક ખાનગી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં રામગોપાલ યાદવને પૂછ્યું હતું કે વડા પ્રધાન રામમંદિરે દર્શન ન કરવા જવાની વાતને મોટો મુદ્દો બનાવી રહ્યા છે. તેઓ કહી રહ્યાં છે કે આ રામનુ અપમાન છે.

આ વાત પર યાદવે કહ્યું, “અમે દરરોજ રામનાં દર્શન કરીએ છીએ. તે મંદિર તો બેકાર છે. મંદિરો આવી રીતે બનાવવામાં આવશે? મંદિર આવી રીતે બને નહીં. ઉત્તરથી દક્ષિણનાં જૂના મંદિરો જોઈ લો કેવી રીતે બને છે. રામમંદિરનો નકશો સારી રીતે બન્યો નથી. મંદિરને વાસ્તુની રીતે બરોબર બનાવ્યું નથી.”

અમિત શાહે રામમંદિર વિશે બીજું શું કહ્યું?

શાહે રામમંદિર વિશે કહ્યું, “કૉંગ્રેસ પાર્ટી કોર્ટ કેસના નામે 70 વર્ષ સુધી દગો આપતી રહી. મોદીજીને તમે બીજી વખત વડા પ્રધાન બનાવ્યા તો કેસ પણ જીત્યો, ભૂમિ પૂજન પણ કર્યું અને 24 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને જય શ્રીરામ કરી દીધું. જ્યારે પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે ટ્રસ્ટે અખિલેશ, ડિમ્પલ, રાહુલ, પ્રિયંકા, સોનિયા, ખડગે.... બધાને નિમંત્રણ આપ્યું હતું. જોકે, તેઓ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ ન આવ્યાં. કારણ કે તેઓ પોતાની વોટબૅન્કથી ડરે છે.”

ત્યારબાદ અમિત શાહે સભામાં હાજર લોકોને પૂછ્યું, “તેમની વોટબૅન્ક કોણ છે, જાણો છો ને? તમે નથી, ખોટા ભ્રમમાં ન રહેતા.”

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન પર શું કહ્યું?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર જવાબ આપ્યો છે, જેમાં તેમણે (મોદીએ) અદાણી અને અંબાણીનું નામ લઈને કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “નમસ્કાર મોદીજી, થોડાક ગભરાઈ ગયા છો કે શું? તમે સામાન્ય રીતે બંધ બારણે જ અંબાણી અને અદાણીની વાત કરો છો. તમે પહેલી વખત જાહેરમાં અદાણી, અંબાણી બોલ્યા. તમને તો એ પણ ખબર છે કે આ લોકો ટૅમ્પોમાં પૈસા મોકલે છે. તમને અનુભવ લાગે છે?”

તેમણે કહ્યું, “એક કામ કરો. સીબીઆઈ અને ઈડીને તેમની પાસે મોકલી દો. જલદી તપાસ કરાવો. ગભરાશો નહીં મોદીજી. હું ફરીથી કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદીએ જેટલા પૈસા આ લોકોને આપ્યા છે તેટલા જ રૂપિયા અમે દેશના ગરીબોને આપીશું. આ લોકોએ 22 અબજપતિઓ બનાવ્યા છે. અમે કરોડો લાખોપતિ બનાવીશું.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગણાના કરીમનગરમાં અદાણી, અંબાણીનું નામ લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું, "કૉંગ્રેસના શાહજાદા ગત પાંચ વર્ષથી સવારે ઊઠતાં જ માળા જપવાનું શરૂ કરતા હતા. જ્યારથી તેમનો રફાલ મામલો ગ્રાઉન્ડેડ થઈ ગયો, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કર્યું. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ. ધીરેધીરે કહેવા લાગ્યા, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી."

"પણ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે, તેમણે અંબાણી, અદાણીને ગાળો દેવાનું બંધ કરી દીધું છે. હું આજે તેલંગણાની ધરતીને પૂછવા માગું છું કે શાહજાદા જાહેર કરે કે ચૂંટણીમાં અંબાણી, અદાણી પાસેથી કેટલો માલ ઉપાડ્યો છે. કાળા ધનની કેટલી બોરીઓ ભરી રાખી છે. આજે ટૅમ્પો ભરાઈને નોટ કૉંગ્રેસ માટે પહોંચી છે શું?

તેમણે ઉમેર્યું, "શું સોદો થયો છે? તમે રાતોરાત અંબાણી, અદાણીને ગાળો દેવાનું બંધ કરી દીધું છે. ચોક્કસથી દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી, અદાણીને ગાળો કાઢી અને રાતોરાત ગાળો બંધ થઈ ગઈ. મતલબ કે કોઈને કોઈ ચોરીનો માલ ટૅમ્પો ભરીને તમે મેળવ્યો છે. દેશને જવાબ આપવો પડશે."

નોંધનીય છે કે અંબાણી-અદાણીને લઈને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી લાંબા સમયથી પીએમ મોદીને નિશાન બનાવતા રહ્યા છે. તેમનો સરકાર પર આરોપ છે કે અદાણી સમૂહને આગળ વધારવા માટે ખોટી રીતે નિર્ણય લઈ રહ્યા છે.

એક વર્ષ પહેલાં રાહુલ ગાંધી સંસદમાં પોતાની સાથે તસવીર લઈ આવ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી, ગૌતમ અદાણી એક સાથે વિમાનમાં બેઠેલા દેખાતા હતા. તસવીર બતાવતાં રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી સાથે પીએમ મોદીના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા.

સામ પિત્રોડાએ પોતાના નિવેદનને કારણે થયેલા વિવાદ બાદ ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું

સામ પિત્રોડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સામ પિત્રોડા

ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ પોતાના એક નિવેદનને લઈને થયેલા વિવાદ બાદ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જયરામ રમેશે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. પિત્રોડાનું રાજીનામું કૉંગ્રેસ પ્રમુખે સ્વીકારી લીધું છે.

અંગ્રેજી અખબાર સ્ટેટ્સમૅનને આપેલા ઇન્ટરવ્યુમાં સામ પિત્રોડાએ ઉત્તર ભારતના લોકોની સરખામણી ગોરાઓ સાથે, પશ્ચિમમાં રહેતા લોકોની તુલના આરબો સાથે, પૂર્વમાં રહેતા લોકોની ચીનીઓ સાથે અને દક્ષિણ ભારતમાં રહેતા લોકોની તુલના આફ્રિકન સાથે કરી હતી.

કૉંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને અલગ કરી હતી અને તેના સાથી પક્ષોએ પણ નિવેદનને ખોટું ગણાવ્યું છે.

કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, "સામ પિત્રોડા દ્વારા ભારતની વિવિધતા માટે આપવામાં આવેલી સામ્યતાઓ ખોટી, દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. કૉંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે અને તેનું ખંડન કરે છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં સામ પિત્રોડાના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસને ઘેરી હતી.

પીએમ મોદીએ કહ્યું, "આજે હું ખૂબ જ ગુસ્સે છું. જો કોઈ મારી સાથે દુર્વ્યવહાર કરે તો હું ગુસ્સે થતો નથી. હું તેને સહન કરી શકું છું. પરંતુ આજે શહઝાદાના ફિલોસોફર (સામ પિત્રોડા)એ એટલો બધો દુર્વ્યવહાર કર્યો છે કે હું ગુસ્સાથી ભરાઈ ગયો છે."

"કોઈ મને કહે કે શું મારા દેશમાં મેરિટ ત્વચાના રંગના આધારે નક્કી થશે? બંધારણને માથે રાખીને નાચનારા લોકો ચામડીના રંગના આધારે મારા દેશવાસીઓનું અપમાન કરી રહ્યા છે.”

ઍસ્ટ્રાઝેનેકાએ સમગ્ર વિશ્વમાંથી કોવિડની રસી પાછી ખેંચી

એસ્ટ્રાઝેનેકા

ઇમેજ સ્રોત, Reuters

ફાર્મા કંપની ઍસ્ટ્રાઝૅનેકાએ કહ્યું કે કંપની દુનિયાનાં બધાં જ બજારોમાંથી પોતાની કોવિડ વૅક્સિન પાછી ખેંચી રહી છે.

કંપનીએ પોતાના નિવેદનમાં આ નિર્ણયને સંપૂર્ણ રીતે એક વ્યાવસાયિક નિર્ણય ગણાવ્યો છે.

ઍસ્ટ્રાઝૅનેકાએ કહ્યું કે કોવિડના નવા વેરિઅન્ટ માટે ઉપયોગી બીજી વૅક્સિન બજારમાં ઉપલબ્ધ છે, તેને કારણે આ વૅક્સિનની જરૂર ઘટી ગઈ છે.

ઍસ્ટ્રાઝૅનેકાએ થોડા દિવસો પહેલાં બ્રિટનની કોર્ટમાં જમા કરેલા દસ્તાવેજોમાં પહેલી વખત સ્વીકાર્યું હતું કે કોરોનાની વૅક્સિનને કારણે કેટલાક લોકોએ અસામાન્ય આડઅસર થઈ શકે છે.

બ્રિટનમાં કોરોનાની વૅક્સિન લેનાર કેટલાય લોકોએ મળીને ફાર્મા કંપની પર આડઅસરોને કારણે થયેલાં નુકસાનનું વળતર મેળવવા કેસ દાખલ કર્યો છે.

આ કેસ દાખલ કરનાર કેટલાક લોકોનું કહેવું છે કે તેમણે વૅક્સિનને કારણે પોતાના કેટલાક સંબંધીઓને ગુમાવ્યા હતા. અન્ય કેટલાક મામલાઓમાં કંપનીએ કોરોનાની વૅક્સિનને કારણે કેટલાક લોકોને ગંભીર નુકશાન થયું હતું.

જોકે, તમામ અભ્યાસો દાવો કરે છે કે ઍસ્ટ્રાઝૅનેકા સહિત બધી જ કંપનીની કોરોના વૅક્સિને વિશ્વમાં કરોડો લોકોનો જીવ બચાવ્યો છે. ઍસ્ટ્રાઝૅનેકાએ પહેલા વર્ષમાં 60 લાખથી વધારે લોકોનાં જીવન બચાવ્યાં હતાં.

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને લોકસભાનું મતદાન પૂર્ણ થયા બાદ શું કહ્યું?

લોકસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Parshottam Rupala fb

ઇમેજ કૅપ્શન, રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ મુદ્દે કરાયેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને રૂપાલાનો મોટા પાયે વિરોધ કરાયો હતો.

ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમ દરમિયાન તેમના ભાષણનો એક વીડિયો વાઇરલ થયો હતો જેને લઈને ભારે વિવાદ થયો. એવામાં રાજકોટ બેઠક પર મતદાન યોજાઈ ગયા બાદ પરશોત્તમ રૂપાલાએ પત્રકારપરિષદ યોજીને ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે.

રૂપાલાએ કહ્યું હતું, "આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું."

તેમણે એવું પણ ઉમેર્યું હતું કે તેમનું આ રાજકીય નિવેદન નથી અને કહ્યું હતું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઘટના અંગે સાંભળવું પડ્યું હશે. હું ક્ષત્રિય સમાજને વિનંતી કરવાના મતનો છું. મારા લીધે મારા સાથીઓને પણ સહન કરવવું પડ્યું એ બદલ પણ હું દિલગીર છું."

લોકસભા ચૂંટણી દરમિયાન પરશોત્તમ રૂપાલાનો વિવાદ

લોકસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Parshottam Rupala fb

નોંધનીય છે કે એમના કથિત વિવાદાસ્પદ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એ સમયે મહારાજાય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રુખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો.”

ત્યાર બાદ પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય-રાજપૂત સમાજે વિરોધ શરૂ કર્યો હતો. તેમનું કહેવું હતું કે 'રોટી-બેટી જેવા શબ્દો વાપરીને મહારાજાઓ અને ક્ષત્રિય સમાજની દીકરીઓનું તેમણે અપમાન કર્યું હતું.'

ક્ષત્રિય સમાજે એક તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ચાલુ રાખીને ઉપવાસ, સંમેલનોનું આયોજન કર્યું હતું. તો બીજી તરફ ભાજપે પણ નમતું જોખ્યું નહોતું. જોકે, પરશોત્તમ રૂપાલાએ ઘણી વાર જાહેરમાં માફી માગી હતી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ માફી માગી હતી.

આ વિવાદમાં તક જોઈ કૉંગ્રેસે પણ રાજકોટ બેઠક પર દાવ રમ્યો અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને રાજકોટથી ટિકિટ આપી હતી. બીજી તરફ રૂપાલાની ટિકિટ રદ ના થતાં ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું મન બનાવી લીધું લીધું હતું.

રાજકોટમાં મતદાન કરવા પહોંયેલા ક્ષત્રિય સમાજના લોકોએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "આ મતદાનમાં ક્ષત્રિયોની અસ્મિતાનો મુદ્દો અમારા માટે મહત્ત્વનો છે. અમારી બહેનદીકરીઓ માટે આદર રાખે એવા ઉમેદવારને અમે પસંદ કરવા માગીએ છીએ."

વ્યૂહરચનાના ભાગરૂપે પ્રારંભિક કલાકોમાં ક્ષત્રિયોનું મતદાન થઈ જાય તે માટે 'ક્ષત્રિય સંકલન સમિતિ' દ્વારા દરેક વૉર્ડમાં દરેક બૂથ ઉપર 'અસ્મિતા સૈનિક' તરીકે ક્ષત્રિય યુવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. જેઓ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી જ કામે લાગી ગયા હતા.

ક્ષત્રિય આગેવાન રમજુભાએ કહ્યું હતું કે, “દરેક બૂથ પર અમારા અસ્મિતા સૈનિકો તહેનાત છે અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે.”

મંગળવારનાં અખબારોમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત આપવામાં આવી હતી.

નોંધનીય છે કે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજની બહેનો રસ્તા પર ઊતરી હતી અને તેમણે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ ઘણી વાર જાહેરમાં માફી માગી હતી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ માફી માગી હતી.

મોદી બોલ્યા, 'શાહજાદાએ અંબાણી-અદાણીને ગાળો કાઢવાનું બંધ કરી દીધું, દાળમાં કંઈક કાળું છે'

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગણાના કરીમનગરમાં અદાણી, અંબાણીનું નામ લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે.

તેમણે કહ્યું, "કૉંગ્રેસના શાહજાદા ગત પાંચ વર્ષથી સવારે ઊઠતાં જ માળા જપવાનું શરૂ કરતા હતા. જ્યારથી તેમનો રફાલ મામલો ગ્રાઉન્ડેડ થઈ ગયો, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કર્યું. પાંચ વર્ષથી એક જ માળા જપતા હતા. પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ. ધીરેધીરે કહેવા લાગ્યા, અંબાણી-અદાણી, અંબાદી-અદાણી, અંબાણી-અદાણી."

"પણ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે, તેમણે અંબાણી, અદાણીને ગાળો કાઢવાનું બંધ કરી દીધું છે. હું આજે તેલંગણાની ધરતીને પૂછવા માગું છું કે શાહજાદા જાહેર કરે કે ચૂંટણીમાં અંબાણી, અદાણી પાસેથી કેટલો માલ ઉપાડ્યો છે. કાળા ધનની કેટલી બોરીઓ ભરી રાખી છે. આજે ટેમ્પો ભરાઈને નોટ કૉંગ્રેસ માટે પહોંચી છે શું?

તેમણે ઉમેર્યું, "શું સોદો થયો છે? તમે રાતોરાત અંબાણી, અદાણીને ગાળો દેવાનું બંધ કરી દીધું છે. ચોક્કસથી દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી, અદાણીને ગાળો કાઢી અને રાતોરાત ગાળો બંધ થઈ ગઈ. મતલબ કે કોઈને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરીને તમે મેળવ્યો છે. દેશને જવાબ આપવો પડશે."

નોંધનીય છે કે અંબાણી-અદાણીને લઈને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી લાંબા સમયથી પીએમ મોદીને નિશાન બનાવતા રહ્યા છે. તેમનો સરકાર પર આરોપ છે કે અદાણી સમૂહને આગળ વધારવા માટે ખોટી રીતે નિર્ણય લઈ રહ્યા છે.

એક વર્ષ પહેલાં રાહુલ ગાંધી સંસદમાં પોતાની સાથે તસવીર લઈ આવ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી, ગૌતમ અદાણી એક સાથે વિમાનમાં બેઠેલા દેખાતા હતા. તસવીર બતાવતાં રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી સાથે પીએમ મોદીના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા.

સાતમી મેના રોજ લોકસભાનું મતદાન થયું

લોકસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, ani

લોકસભા ચૂંટણીના આ ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 93 બેઠકો પર મતદાન યોજાયું. આ માટે કુલ 1.85 લાખ મતદાનમથકો તૈયાર કરાયાં હતાં અને 17.24 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ મતદારોમાં 8.85 કરોડ પુરુષ 8.39 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કા માટે મંગળવારે 11 રાજ્યોમાં 93 લોકસભા સીટો પર મતદાન થયું હતું.

ચૂંટણીપંચ અનુસાર, ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું 59.51 ટકા મતદાન થયું છે.

ગુજરાતમાં મતદાનની વાત કરીએ તો વલસાડમાં સૌથી વધુ 72.24 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમરેલી બેઠક પર સૌથી ઓછું 49.44 ટકા મતદાન થયું છે.

તો દેશમાં આસામમાં સૌથી વધુ 81.71 ટકા મતદાન થયું છે અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 57.34 મતદાન થયું છે.

ગુજરાતની કુલ 25 બેઠકો પર અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું હતું.

ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન યોજાયું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે.

બીબીસી