ચૂંટણી પરિણામો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વારાણસી પહોંચ્યા - ન્યૂઝ અપડેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના લોકસભા મતવિસ્તાર વારાણસીની મુલાકાત માટે પહોંચ્યા. વડા પ્રધાન પોતાના વારાણસી પ્રવાસ દરમિયાન ‘પ્રધાનમંત્રી-કિસાન સ્કીમ’નો 17મો હપ્તો આપશે.

આ હપ્તામાં નવ કરોડથી વધારે ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે બાબતપુરસ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઊતર્યા. ત્યાર બાદ વડા પ્રધાન તેમણે "કિસાન સમ્માન સંમેલન"માં ભાગ લીધો.

વડા પ્રધાન મોદી ત્યારબાદ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લઈને કાશી વિશ્વનાથ મંદિર જશે.

વડા પ્રધાન મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટાઈને સંસદસભ્ય બન્યા છે. જોકે, આ વખતે તેમની જીતનું અંતર માત્ર દોઢ લાખથી થોડું વધારે હતું, જે કોઈ પણ વડા પ્રધાનની જીતનું સૌથી ઓછું અંતર છે. વારાણસી બેઠક પર બીજા નંબરે ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અજય રાય હતા.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક જાહેરસભામાં કહ્યું હતું કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડ્યાં હોત તો વડા પ્રધાન મોદી ચૂંટણી હારી ગયા હોત.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 24 વર્ષમાં પહેલી વખત ઉત્તર કોરિયાની મુલાકાત લેશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે 24 વર્ષોમાં પહેલી વખત ઉત્તર કોરિયાની મુલાકાત લેશે. પુતિન ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે.

બંને નેતાઓની મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રશિયાના શહેર વ્લાદિવેસ્તોકમાં પણ થઈ હતી. પુતિન વર્ષ 2000 પછી પહેલી વખત ઉત્તર કોરિયા જશે.

અમેરિકાએ કહ્યું કે બંને દેશો વચ્ચે સારા સંબંધો ચિંતાનું કારણ છે.

રશિયાએ આ આયોજનને એક મૈત્રીપૂર્ણ રાજકીય મુલાકાત ગણાવી હતી. રશિયાના મીડિયા પ્રમાણે, પુતિન અને કિમ જોંગ સુરક્ષાના મુદ્દાઓ સહિત ભાગીદારીઓની સમજૂતી પર હસ્તાક્ષર કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતા મીડિયાને એક નિવેદન પણ આપશે.

પુતિન પ્યોંગયાંગમાં ઑર્થોડૉક્સ ચર્ચ ઑફ ધી લાઇફ-ગિવિંગ ટ્રિનિટીની મુલાકાત કરી શકે છે. આ ઉત્તર કોરિયાનું એકમાત્ર ઑર્થોડૉક્સ ચર્ચ છે.

ખબર છે કે પુતિન પ્યોંગયાંગના કુમસુસન ગેસ્ટહાઉસમાં રોકાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ વર્ષ 2019માં પોતાની ઉત્તર કોરિયાની યાત્રા દરમિયાન કુમસુસન ગેસ્ટહાઉસમાં રોકાયા હતા.

આશા રાખવામાં આવે છે કે પુતિન પોતાના નવા રક્ષા મંત્રી આંદ્રેઈ બેલૌસોફ સાથે યાત્રા કરશે. આ ઉપરાંત વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફ અને ઉપવડા પ્રધાન ઍલેક્સઝેન્ડર નોવક પણ પુતિન સાથે જનારા પ્રતિનિધિમંડળનો ભાગ રહેશે.

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ વૉર કૅબિનેટ ભંગ કરવાનો નિર્ણય કેમ કર્યો?

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ છ સભ્યોવાળી વૉર કૅબિનેટને ભંગ કરી દીધી.

ઇઝરાયલ સરકારના પ્રવક્તા ડેવિડનું કહેવું છે કે નેતન્યાહૂએ રવિવારે વૉર કૅબિનેટ ભંગ કરવાનો નિર્ણય લીધો હતો.

નેતન્યાહૂએ વૉર કૅબિનેટમાં નવા સભ્યોને જગ્યા આપનાવી બદલે વૉર કૅબિનેટને ભંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ડેવિડે કહ્યું, "વૉર કૅબિનેટ બેની ગૅન્ટ્ઝની સાથે એક સમજૂતીના આધારે બનાવવામાં આવી હતી. બેની ગૅન્ટ્ઝે સરકારનો સાથ છોડી દીધો છે. અને ઇઝરાયલની સરકારને વધારાની એક બ્રાન્ચની જરૂર નથી."

તેમણે કહ્યું,"સરકારે સિક્યૉરિટી કૅબિનેટને નિર્ણયો લેવાની પરવાનગી આપેલી હતી."

બેની ગૅન્ટ્ઝ અને ગાદી ઇસેનકોટે એક અઠવાડિયા પહેલાં વૉર કૅબિનેટથી પોતાને અલગ કર્યા હતા. આ બંને વૉર કૅબિનેટના મહત્ત્વપૂર્ણ સભ્યો હતા.

કૅબિનેટમાં ઘોર દક્ષિણપંથી સહયોગીની માંગણીઓથી નેતન્યાહૂની મુશ્કેલીઓ સતત વધી રહી હતી. આ માંગણીઓને કારણે અમેરિકા સહિત બીજા આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે પણ ઇઝરાયલના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો હતો.

ઇઝરાયલની સેનાએ કહ્યું કે આ નિર્ણયને કારણે અમારા અભિયાન પર કોઈ અસર પડશે નહીં.

બેની ગૅન્ટ્ઝ અને ગાદી ઇસેનકોટે વૉર કૅબિનેટમાંથી રાજીનામું આપતી વખતે આરોપ લગાવ્યા હતા કે ગાઝામાં તણાવની સ્થિતિ ખતમ કર્યા પછી નેતન્યાહૂ પાસે કોઈ યોજના નથી.

ગયા વર્ષે સાત ઑક્ટોબરે હમાસના હુમલા પછી નેતન્યાહૂએ વૉર કૅબિનેટનું ગઠન કર્યું હતું. વૉર કૅબિનેટમાં બે પૂર્વ સેના અધ્યક્ષો પણ સભ્ય બન્યા હતા.

સાત ઑક્ટોબરે હમાસના લડવૈયાઓએ ઇઝરાયલમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200 લોકોનું મૃત્યુ થયું હતું.

હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલી માહિતી પ્રમાણે, સાત ઑક્ટોબર પછી થયેલા ઇઝરાયલી હુમલાઓમાં 37 હજારથી વધારે પેલેસ્ટિનયનોના મોત થયાં છે.