ગુજરાત : લિવ ઇન પાર્ટનરે 12 કરોડ માટે ઘડ્યો અપહરણનો પ્લાન, વૉશિંગ મશીન પાછળથી કેવી રીતે મળ્યો યુવક?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'મારા ઉપર મારા દીકરાના નંબરથી વૉટ્સઍપ કૉલ આવ્યો અને કહ્યું કે મારા ઉપર અલગ-અલગ પાંચ રાજ્યમાં બળાત્કારની પોલીસ ફરિયાદ થઈ છે."
"આ કૉલમાં સામેની વ્યક્તિ કહેવા લાગી કે મને છોડાવો નહીંતર હું આ આખી જિંદગી જેલમાં રહીશ. દીકરાનો અવાજ સાંભળી મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ અને થોડા દિવસમાં મારા દીકરાની કાર લઈને એક જણ મુંબઈથી આવ્યો."
"એને અમે પૈસા આપ્યા પછી એ ફરી પૈસા માંગવા લાગ્યો. હું ઘરબાર વેચીને પૈસા આપવા તૈયાર હતો, પણ અમારા મિત્રે પોલીસને જાણ કરવા કહ્યું તો અમારા દીકરો વૉશિંગ મશીન પાછળ બાંધી રાખેલો મળ્યો"
આ શબ્દો છે નિવૃત્ત ફેકટરી ઇન્સ્પેક્ટર રજનીકાંત પરમારના.
વડોદરા પોલીસે થોડા દિવસ પહેલાં 32 વર્ષીય ફંડ મૅનેજરને મહારાષ્ટ્રના ઉલ્વે વિસ્તારમાં આવેલા ફ્લૅટમાંથી છોડાવ્યા હતા. કથિતપણે આ ફંડ મૅનેજર નિખિલ પરમાર તેમનાં ભૂતપૂર્વ લિવ ઇન પાર્ટનર અને તેમના સાથીદારોએ ગોંધી રાખ્યા હતા.
ગત ગુરુવારે નિખિલ પરમારના પિતા રજનીકાંત પરમારના જણાવ્યા મુજબ દીકરાને ગોંધી રાખનાર લોકોએ તેમની પાસેથી 12 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જોકે, વડોદરા પોલીસે સફળતાપૂર્વક નિખિલને રેસ્ક્યૂ કરી આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ પણ કરી હતી.
આ સમગ્ર મામલા અંગે વધુ વિગતો મેળવવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
વડોદરાના નિવૃત ફેક્ટરી ઇન્સ્પેક્ટર રજનીકાંત પરમાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સમગ્ર મામલો જણાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે તેમનો દીકરો નવી મુંબઈનમાં બની રહેલા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પાસે ઉલવેમાં મકાન રાખીને ફંડ ડેવલપરનું કામ કરતો હતો.
" બે વર્ષ પહેલાં એક પ્રીતિસિંહ સાથે કામ કરતાં બંને લિવ ઇન રિલેશનમાં હતા અને પછી છૂટાં પડ્યાં હતાં. એ પછી અચાનક 20 ફેબ્રુઆરીએ મારા પર મારા દીકરાના નંબર પરથી ફોન આવ્યો કે પ્રીતિસિંહે અલગ-અલગ પાંચ રાજ્યોમાં એની વિરુદ્ધ બળાત્કારની પોલીસ ફરિયાદ કરી છે અને એ ફરિયાદ પર પોલીસ મને પકડી જાય એમ છે, એટલે 12 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી આપો. કપિલ રાજપૂત અને ગિરીશ ભોલે એમની દિલ્હીની ઓળખાણોથી મને બચાવી લેશે."
રજનીકાંતભાઈ સંપૂર્ણ કેસ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, "આવું થતાં હું ગભરાઈ ગયો હતો. 28 ફેબ્રુઆરીએ ગિરીશ ભોલે મુંબઈથી મારા દીકરાની સિડાન કાર લઈને વડોદરા આવ્યો હતો. મને થયું કે દીકરાએ જ એને મોકલ્યો છે એટલે મેં બૅન્કમાંથી 86 લાખ રોકડા ઉપાડ્યા અને બે લાખ મારા સંબંધી પાસેથી ઊછીના લઈને એમને આપ્યા હતા."
રજનીકાંતભાઈ જણાવે છે કે આ બાદ ફરી એક વાર તારીખ પાંચ માર્ચે તેમણે ગિરીશ ભોલેને વધુ 80 લાખ રૂપિયા જેટલી રકમ આપી.
"એ સમયે મેં અને મારી પત્નીએ મારા દીકરાને મળવાની આજીજી કરી એટલે અમને મુંબઈ મારા દીકરાની કારમાં લઈ ગયા, ત્યાં એક ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યો અને મારા દીકરાને એક વાર ફોન પર દેખાડ્યો, એની હાલત દયનીય હતી, અમને બંનેને ધમકી અપાઈ કે જો બાકીના સાડા દસ કરોડ નહીં આપો તો મારો દીકરો કાયમ માટે જેલમાં રહેશે."
ધાકધમકી બાદ પોતાને પોલીસને જાણ કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "વડોદરા આવીને હું પૈસાની વ્યવસ્થા કરતો હતો ત્યારે મારા એક સંબંધીએ કહ્યું કે આવી રીતે કોઈ સમાધાન ના થાય પોલીસમાં ફરિયાદ કરો એટલે અમે વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ કરી."
પોલીસે નિખિલને કેવી રીતે છોડાવ્યો?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
વડોદરા ઝોન 2ના ડીસીપી અભય સોનીએ આ મામલામાં પોલીસની કામગીરી અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "રજનીકાંતભાઈના સગાએ આ વાતની પોલીસને 18 માર્ચે જાણ કરતાં પોલીસ ઍલર્ટ થઈ ગઈ હતી. અમે વૉચ રાખી હતી અને જ્યારે ફરી વખત સિડાન કારમાં ગિરીશ ભોલે અહીં પૈસા લેવા આવ્યો અને રજનીકાંતભાઈ સાથે બૅન્કમાં ગયો ત્યારે અમે એને ઝડપી પડ્યો હતો."
તેઓ પોલીસે આ કેસમાં કરેલી કામગીરી અંગે વાત કરતાં કહે છે કે ત્યાર બાદ વડોદરા પોલીસે ઉલ્વે પોલીસની મદદ લીધી અને ગિરીશ ભોલેને લઈને મુંબઈ પહોંચ્યા.
"મુંબઈ પોલીસની મદદથી અમે નિખિલ પરમારને જ્યાં ગોંધી રાખવામાં આવ્યો હતો એ ફ્લૅટ પર ગયા તો ત્યાં તે ફ્લૅટની ગૅલેરીમાં કપડાં ધોવાની જગ્યાએ વૉશિંગ મશીન પાછળ બાંધી રાખેલી અવસ્થામાં મળી આવ્યો. અમે તરત જ નિખિલને રેસ્ક્યૂ કર્યો. ત્યાં એનું અપહરણ કરી ગોંધી રાખનાર કલ્પેશ રાજપૂત અને એની સાથીદાર મધુમિતા પોતદારની ધરપકડ કરી. અમે આમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર વડોદરા લાવ્યા છીએ."
"'અલગ રાજ્યમાં બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે અને એ આજીવન જેલમાંથી બહાર નહીં આવે એમને દિલ્હીની હોમ મિનિસ્ટ્રીમાં ઓળખાણ છે, 12 કરોડ રૂપિયામાં કેસ દબાવી દઈશું, અને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું,' એમ કહી એનાં વૃદ્ધ માતાપિતા પાસેથી પૈસા પડાવ્યા હતા."
તેઓ આગળ કહે છે કે, "એમાંથી અમે એક કરોડ અને એક લાખ રોકડા રૂપિયા મેળવ્યા છે અને નિખિલની કાર એમના કબજામાંથી મેળવી છે."
પોલીસ અનુસાર હાલ નિખિલ ટ્રૉમામાં હોવાથી તેમની થોડા સમય પછી વધુ પૂછપરછ કરવામાં આવશે.
પોલીસે ત્રણ આરોપીના રિમાન્ડ લીધા છે અને રિમાન્ડ બાદ એમને બીજા કેટલાક લોકોને આવી રીતે ધમકાવીને પૈસા લીધા છે એ અંગે પોલીસ આગળ કાર્યવાહી કરશે.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ઉલ્વેના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન રાજાને એ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાત પોલીસ સાથે રહીને નિખિલને રેસ્ક્યુ કરવામાં મદદ કરી હતી. પ્રીતિ સિંહ હજુ મળી નથી ગુજરાત પોલીસ સાથે રહીને અમે એની ધરપકડની કાર્યવાહી આગળ વધારી રહ્યા છીએ."
આરોપીઓએ નિખિલ અને તેમનાં માતાપિતાને ધમકાવવા માટે અમલમાં મૂકેલી કથિત મોડસ ઑપરેન્ડી અંગે વાત કરતાં અર્જુન રાજા કહે છે:
"આ લોકોએ નિખિલને અલગ-અલગ રાજ્યોમાં તેમની સામે બળાત્કારની ફરિયાદ કરાઈ છે એવું કહીને ધમકાવ્યા હતા. તેમજ દિલ્હીના ગૃહમંત્રાલયમાં પોતાની ઓળખાણ હોવાની વાત કરી 12 કરોડ રૂપિયાના બદલામાં તમામ કેસ સગેવગે કરાવી દેવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જો એવું નહીં થાય તો તેને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી."
"પ્રીતિસિંહ હજુ મળી નથી, ગુજરાત પોલીસ સાથે રહીને અમે એની ધરપકડની કાર્યવાહી આગળ વધારી રહ્યા છીએ."
શું કહે છે નિખિલના પરિચિત?
વડોદરાના પૉશ ગણાતા વિસ્તાર વાસણા ભાયલીમાં શબરી સ્કૂલ પાસે આવેલા આશીર્વાદ ડુપ્લેક્સ બંગલોમાં રહેતા રજનીકાંત પરમારના અંગત મિત્ર મહેશ પટેલ કહે છે કે, "રજનીકાંતભાઈ આમ ખાધેપીધે સુખી છે, એમના દીકરાએ એની બિઝનેસ પાર્ટનર સાથે લિવ ઇનમાં રહેવાનું નક્કી કર્યું એ એમને પસંદ નહોતું. પણ દીકરાની મરજીને એમણે માન આપ્યું હતું."
મહેશભાઈ પ્રમાણે રજનીકાંતભાઈએ ક્યારેય કોઈની સામે હાથ લાંબો કર્યો નહોતો, પણ ફેબ્રુઆરી મહિનાથી એ લોકો પાસેથી ઉધાર પૈસા માંગતા હતા. પણ કોઈને કારણ કહેતા નહોતા.
"તેઓ અને એમનાં પત્ની નિરંજનાબહેન સતત ડરેલાં દેખાતાં હતાં. એમને ઘણા પરિચિતો પાસેથી પૈસા ઉધાર પૈસા માગ્યા હતા. છેવટે એમણે પોતાનું મકાન વેચી પૈસા ભેગા કરવાની વાત કરી ત્યારે અમે લોકોએ ભારપૂર્વક એમને પૂછ્યું અને ત્યારે એમણે આખી વાત જણાવી. અંતે પોલીસમાં જાણ કરાઈ અને નિખિલને છોડાવી લેવાયો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












