'આવો ડર તો કોરોના વખતે પણ નહોતો' – જમ્મુ-કાશ્મીરમાં ફેલાયેલી ભેદી બીમારીથી 17 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR
જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જિલ્લાનું બડહાલ ગામ એક રહસ્યમય બીમારીના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
પાટનગર શ્રીનગરથી 180 કિલોમીટર દૂર રાજૌરી જિલ્લાના આ ગામમાં છેલ્લા દોઢ મહિનામાં એક રહસ્યમય બીમારીથી 17 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. તે પૈકી 12 મૃતકો તો બાળક છે.
પરંતુ, છ અઠવાડિયાં પહેલાં પ્રથમ કેસ સામે આવ્યો ત્યારથી અત્યાર સુધી, તે બાબતે એ વાતની સત્તાવાર પુષ્ટિ નથી થઈ કે આખરે આ બીમારીનું કારણ શું છે?
સ્થાનિક લોકો ડરેલા છે અને હાલની સ્થિતિની સરખામણી કોવિડ-19 દરમ્યાન ઊભી થયેલી પરિસ્થિતિ સાથે કરી રહ્યા છે. જોકે, રાજૌરીની સરકારી મેડિકલ કૉલેજના આરોગ્ય અધિકારીઓએ બુધવારે બીબીસીને કહ્યું કે, બીમારી સંક્રામક નથી અને એ મહામારી નહીં બને.
તેમણે જણાવ્યા અનુસાર, ભોજન અને પાણી દ્વારા મનુષ્યના શરીરમાં જતાં ન્યૂરોટૉક્સિન્સ આ બીમારીનું કારણ હોઈ શકે છે.
આ દરમિયાનમાં, રાજૌરી જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ બડહાલને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધો છે, જેથી બીમારીને ફેલાતી અટકાવી શકાય.
રાજૌરીની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ એ. એસ. ભાટિયાએ જણાવ્યું કે, હજુ પણ 10 ગ્રામજનો બીમાર છે.
તેમાંના છ લોકોને રાજૌરીની આ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના ઉપરાંત, ત્રણ દર્દીને જમ્મુ અને એકને વધુ સારવાર માટે ચંડીગઢ મોકલી દેવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોગ્ય અધિકારીઓએ બીબીસીને કહ્યું કે, બડહાલ ગામમાં 7 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી દરમિયાન મૃત્યુ થયાં છે.
ત્રણ મૃત્યુ એકબીજા સાથે સંબંધ ધરાવતા પરિવારોમાં થયાં છે. બીમારીથી પીડિત લોકોમાં પહેલાં તાવ, ગળામાં દુ:ખાવો, ઝાડા-ઊલટી જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં.
પરંતુ, ત્યાર પછી દર્દી અચાનક બેભાન થવા લાગ્યા અને કેટલાકનાં મૃત્યુ થયાં.

બીમારીનાં લક્ષણો કયાં છે?

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR
બડહાલના લોકોને અત્યારે સ્થાનિક ઝરણાંમાંથી પાણી લેતાં અટકાવી દેવાયા છે.
સોમવારે સ્થાનિક અધિકારીઓએ તપાસ માટે પાણીનાં નમૂના લીધાં હતાં. તપાસમાં તેમણે જોયું કે પાણીમાં કેટલાંક કીટનાશક હોઈ શકે છે.
બુધવારે જે કન્ટેનમેન્ટ ઑર્ડર જાહેર કરાયો, તેના અનુસાર, આ બીમારીથી પ્રભાવિત ત્રણે પરિવારોનાં ઘર સીલ કરી દેવામાં આવશે.
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, જે લોકો આ પરિવારોના નિકટના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ રાજૌરીની સરકારી હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવશે.
ત્યાં તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવામાં આવશે. આ આદેશમાં કહેવાયું છે કે, બડહાલના લોકો માત્ર વહીવટી તંત્ર તરફથી અપાતાં ભોજન અને પાણીનો જ ઉપયોગ કરશે.
આદેશમાં કહેવાયું છે કે, બીમારીથી સંક્રમિત પરિવારના ઘરમાંની બધી જ ખાદ્ય વસ્તુઓને સીઝ કરી લેવામાં આવશે.
બડહાલના લોકોને જાહેરમાં અને અંગત રીતે એકબીજાને મળતાં પણ અટકાવી દેવાયા છે.
શું છે મૃત્યુનું કારણ?

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીમારીના સૌ પ્રથમ કેસ ગયા વર્ષે 7 ડિસેમ્બરે જોવા મળ્યો હતો, પરંતુ, બીમારીના કારણ અંગે રહસ્ય જ રહ્યું.
ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ રાજૌરીના મહામારી વિશેષજ્ઞ ડૉ. શુજા કાદરીએ બીબીસીને કહ્યું કે, બીમારીનો સાચો સ્રોત હજુ સુધી જાણવા નથી મળ્યો, પરંતુ, પ્રારંભિક તપાસમાં એવા સંકેત મળે છે કે અસરગ્રસ્ત લોકોનાં ઘરોમાંની ખાદ્ય વસ્તુઓમાં રહેલા ન્યૂરોટૉક્સિન્સ તેનું કારણ હોઈ શકે છે.
તેમણે કહ્યું કે, "બની શકે કે, ગામના લોકોએ સંક્રમિત ભોજન એકસાથે નહીં, બલકે, થોડી થોડી વારે ખાધું હોય; તેથી, મૃત્યુ જુદા જુદા સમૂહોમાં થયાં છે."
તેમણે કહ્યું કે, બીમારી સ્થાનિક છે અને તે સંક્રામક પણ નથી. તેમણે આ બીમારી માટે વાઇરલ બૅક્ટેરિયા, પ્રોટોઝોલ કે ઝૂનોટિક સંક્રમણની આશંકાનો ઇન્કાર કર્યો છે.
ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ રાજૌરીના પ્રિન્સિપાલ ડૉક્ટર એ. એસ. ભાટિયાએ જણાવ્યા અનુસાર, કોઈ પણ ઝેરી પદાર્થ કે રસાયણ, જે નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે તેને ન્યૂરોટૉક્સિન્સ કહે છે.
તેમણે કહ્યું કે, આ બીમારી વાઇરલ કે બૅક્ટેરિયાનું સંક્રમણ નથી એવું જાણ્યા પછી આરોગ્ય અધિકારીઓને રાહત થઈ છે. તેનો અર્થ એ છે કે, કોઈ પ્રકારની મહામારીની આશંકાને નકારી શકાય છે.
ડૉ. ભાટિયાએ જણાવ્યું કે, સૌથી પહેલાં 7 ડિસેમ્બરે પાંચ દર્દી ઝાડા-ઊલટી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમાં ચાર બાળકો હતાં. એ બધા લોકોને તરત જ રાજૌરી હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ડૉ. ભાટિયાએ જણાવ્યું, "પહેલાં તો અમે વિચાર્યું કે આ ફૂડ પૉઇઝનિંગના કેસ છે. પરંતુ, બે કલાકમાં જ દર્દીઓનાં શરીરમાં એવાં લક્ષણો દેખાવાનાં શરૂ થયાં જે ફૂડ પૉઇઝનિંગનાં લક્ષણો સાથે મેળ નહોતાં ખાતાં."
તેમણે કહ્યું, "આ દર્દીઓનાં મગજના સીટી સ્કૅન કરાવવામાં આવ્યા હતા. તેમાં ઇન્સેફ્લાઇટિસ અને ટૉક્સિસ ઇન્સેફેલોપૅથી સાથે સંકળાયેલાં લક્ષણો જોવા મળ્યાં.
દર્દીઓમાં શરૂઆતમાં બે અલગ અલગ લક્ષણ જોવા મળી રહ્યાં હતાં."
ડૉ. ભાટિયાએ જણાવ્યું કે, "કેટલાક દર્દી તાવ, ખૂબ જ પરસેવો, ગભરામણ અને ઝાડા સામે ઝઝૂમી રહ્યા હતા; તો કેટલાક દર્દીઓનો સમૂહ ગળામાં દુ:ખાવો અને શ્વાસનળીમાં તકલીફની ફરિયાદ કરતા હતા."
"બાદમાં એ બધા દર્દીમાં એક જેવાં લક્ષણ દેખાવા લાગ્યાં. તે તેમની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલાં હતાં; કેમ કે, તેઓ અચાનક બેભાન થઈ રહ્યા હતા."
ડૉ. ભાટિયાના જણાવ્યા અનુસાર, દર્દીઓના જે બીજા જૂથને 12 ડિસેમ્બરે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યું હતું, તેમાં પણ પાંચ લોકો હતા. તેમાં એક વર્ષનું બાળક પણ હતું. પરંતુ, તેઓ સાજા થઈ ગયા હતા એ અમારા માટે આશાનું એક કિરણ છે.
લોકોમાં ભય વ્યાપ્યો

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR
જે 17 લોકોનાં મૃત્યુ થયાં છે, તેમાં બે પુરુષ, એક મહિલા અને 15 વર્ષથી ઓછી ઉંમરનાં 14 બાળકો છે.
મહામારીની આશંકા ભલે નકારી કાઢવામાં આવી હોય, પરંતુ, આ રહસ્યમય બીમારીએ લોકોને સાવચેત કરી દીધા છે.
બીમારીમાં પોતાનાં પત્ની અને ત્રણ બાળકોને ગુમાવનારા મોહમ્મદ રફીકે રાજૌરી હૉસ્પિટલમાં બીબીસીને જણાવ્યું કે બડહાલના લોકોમાં બીમારીનો ભય ફેલાઈ ચૂક્યો છે.
બડહાલના જ નિવાસી મોહમ્મદ ઇશાકે સોમવારે બીબીસીને કહ્યું કે, ગ્રામીણો એકબીજાને હળવામળવામાં પણ ડર અનુભવે છે

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR
ઇશાકે કહ્યું કે, "આવો ડર તો કોરોના દરમિયાન પણ જોવા નહોતો મળ્યો."
જોકે, બીબીસી સાથે વાત કરતાં ડૉ. ભાટિયાએ કહ્યું કે, આ પરિસ્થિતિની સરખામણી કોવિડ-19 મહામારી સાથે ન કરી શકાય. કેમ કે, આ બીમારી ફેલાતી નથી અને નથી તો એ ડૉક્ટરો કે મેડિકલ સ્ટાફને થઈ રહી.
આ મૃત્યુની તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિષ્ણાતોની એક ટીમ બનાવી છે.
18 ડિસેમ્બરના સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે, ટીમનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી કરી રહ્યા છે.
તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ખાતર અને રસાયણ, કૃષિ અને જળ સંસાધન મંત્રાલયના નિષ્ણાતો સામેલ છે.
આ નિવેદનમાં કહેવાયું છે કે, "પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને આ મૃત્યુનાં કારણોને સમજવા માટે દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતોને એકઠા કરાયા છે."
નિષ્ણાતોની આ ટીમ સોમવારથી જ આ મૃત્યુઓ પાછળનાં કારણોની તપાસ કરી રહી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ તરફથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવાયું છે કે, "જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ પણ આ મૃત્યુનાં કારણોની તપાસ માટે એક એસઆઇટી બનાવી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












