ચૅમ્પિયન્સ ટ્રૉફી સેમિફાઇનલ : ઑસ્ટ્રેલિયા સામે ભારતની ચાર નબળાઈ, જે માથાનો દુખાવો બની શકે

ઇમેજ સ્રોત, Getty Images
"કે. એલ. રાહુલ અને વિરાટ કોહલી બેટિંગ કરતા હતા ત્યારે અમે 270થી 280 રન સુધી પહોંચવાની આશા રાખતા હતા. પરંતુ અમે સતત વિકેટો ગુમાવી. ઑસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટો ગુમાવ્યા પછી મોટી ભાગીદારી કરી. બોર્ડ પર 240 રન હતા. અમને જલ્દી વિકેટો જોઈતી હતી. પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને અમને મૅચમાંથી બહાર કરી દીધા."
- રોહિત શર્મા, વન-ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હાર પછી.
"આગામી મૅચમાં કેવી ટીમ ઉતારવી છે તે વિશે આપણે વિચારવું પડશે. પરંતુ વધુ વિકલ્પો હોય તો આ માથાનો દુ:ખાવો સારો છે. આ એક સારી મૅચ હશે. આઈસીસી ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાનો રેકૉર્ડ ઘણો સારો છે. આપણે તે દિવસે બધું વ્યવસ્થિત રીતે કરવું પડશે. આ મૅચની રાહ જોઉં છું. આશા રાખું કે આ વખતે પરિણામો અમારી તરફેણમાં હશે."
- રોહિત શર્મા, ચૅમ્પિયન્સ ટ્રૉફી સેમિફાઇનલ 2024 અગાઉ.
સમયની સૌથી સારી વાત એ છે કે તે બદલાતો રહે છે.
15 મહિનાના ગાળામાં રોહિત શર્મા સમક્ષ બીજી તક ઊભી છે. ભલે આ વર્લ્ડકપની ફાઇનલ નથી, પરંતુ ચૅમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઇનલ જરૂર છે અને તે પણ ઑસ્ટ્રેલિયા સામે.
આ એક એવી ટુર્નામેન્ટ છે જેને ભારત છેલ્લે 15 વર્ષ અગાઉ જીતી હતી. છેલ્લે 2017માં જ્યારે ભારતીય ટીમ ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં પહોંચી હતી ત્યારે પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.
ત્રણ મૅચ, ત્રણ વિજય. ભારતીય ટીમ ફરી એકવખત આઈસીસી ટુર્નામેન્ટમાં જોરદાર ફૉર્મમાં દેખાય છે. હવે ટ્રૉફી સુધી પહોંચવા માટે બે અવરોધ પાર કરવાના છે. તેમાંથી પહેલો અવરોધ ઑસ્ટ્રેલિયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયાને હરાવવા માટે ભારતીય ટીમે લગભગ સવા વર્ષ અગાઉ આ ટીમ સામે જ શીખવા મળેલા પાઠને યાદ કરવા જોઈએ. આ પાંચ પાઠ આ મુજબ છે.
1. ટ્રેવિસ હેડનો કઈ રીતે ઉપાય શોધવો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રોહિત શર્માના મિસટાઇમ શૉટ પાછળ દોડીને શાનદાર કૅચ પકડવાનો હોય કે પછી મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની બૉલિંગ સામે મુકાબલો કરવાનો હોય, તાજેતરના દિવસોમાં ટ્રેવિસ હેડે ભારતીય ટીમને જેટલી પરેશાન કરી છે તેટલી પરેશાન કોઈ અન્ય ખેલાડીએ નથી કરી.
ફાઇનલ મૅચમાં પણ ટ્રેવિસ હેડે 120 બૉલમાં 137 રન બનાવ્યા જે મૅચ જીતાડનારી ઇનિંગ હતી.
ચૅમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઈનલમાં ભારતે ઑસ્ટ્રેલિયા પર હાવી થવું હોય તો ટ્રેવિસ હેડનો કોઈ ઉપાય શોધવો પડશે. જો તેઓ ક્રિઝ પર ટકી જશે તો તમામ સારા બૉલર્સ મળીને પણ હેડને ઝડપથી રન બનાવતા રોકવાનો રસ્તો નહીં શોધી શકે.
ઑસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ લેશે તો ટ્રેવિસ હેડ તેને મોટું ટોટલ બનાવવામાં મદદ કરી શકે છે. સાંજે બેટિંગ આવે તો તેમની આક્રમક ફટકાબાજી ભારતીય બૉલર્સને ભારે પડી શકે છે.
ભારતીય ટીમ વિરુદ્ધ હેડનો રેકૉર્ડ પણ મજબૂત છે. 2017થી 2023 વચ્ચે હેડ ભારત વિરુદ્ધ નવ ઇનિંગ રમ્યા છે જેમાં 43.12 રનની ઍવરેજથી 345 રન બનાવ્યા છે.
તેમાં એક સદી અને એક ફિફ્ટી પણ સામેલ છે. પરંતુ આ ઇનિંગમાં કેટલી ઝડપ હતી તે જોવું પણ જરૂરી છે.
તેમણે નવ ઇનિંગમાં 40 ચોગ્ગા અને સાત છગ્ગા લગાવ્યા હતા. તેમનો સ્ટ્રાઇક રેટ 101.76 હતો.
2. દુબઈમાં પહેલાં બૉલિંગ કરવી કે બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડકપ 2023ની ફાFનલમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પેટ કમિન્સ ટૉસ જીત્યા હતા અને તેમણે પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
કમિન્સે તે સમયે કહ્યું હતું કે, "આ સૂકી વિકેટ લાગે છે અને અમે બૉલિંગ કરીશું. ઝાકળ એક ફૅક્ટર છે અને રાતે તેની અસર જોવા મળશે."
બીજી તરફ ટૉસ હારવા છતાં રોહિત શર્માએ કહ્યું કે હું ટૉસ જીત્યો હોત તો પહેલાં બેટિંગ પસંદ કરી હોત. આ મોટી મૅચ છે અને અમે મોટો સ્કોર બનાવવા માંગીએ છીએ. ક્રિકેટની વાત કરીએ તો આનાથી મોટી તક બીજી કઈ હોય."
આ વાત પરથી જાણ થાય છે કે રોહિત શર્મા અને ટીમ મૅનેજમેન્ટે તે દિવસે પીચને સમજવામાં ભૂલ કરી હતી. બીજી તરફ વર્લ્ડકપ ફાઇનલના પ્રેશરને સાઇડમાં રાખીને કમિન્સ પીચને સમજી ગયા હતા અને ટૉસ જીતીને તે મુજબ જ નિર્ણય લીધો.
ભારતીય ટીમ વન-ડેમાં સતત 13 ટૉસ હારી છે. રોહિત શર્માએ છેલ્લે વર્લ્ડકપ 2023ની સેમિફાઇનલમાં ટૉસ જીત્યો હતો. જો આ ક્રમ તૂટે અને રોહિત શર્મા ચૅમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઇનલમાં ટૉસ જીતે, તો આ વખતે તેમણે તકના આધારે નહીં, પરંતુ પીચ અનુસાર નિર્ણય લેવો પડશે.
જોકે, દુબઈની પીચે છેલ્લી લીગ મૅચમાં બતાવ્યું કે ઝાકળના પરિબળથી બહુ ફરક પડતો નથી અને ફ્લડલાઇટમાં પણ ભારતના સ્પિન બૉલરોએ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનોને એટલી હદે બાંધી દીધા હતા કે તેઓ આગળ વધી શક્યા ન હતા.
આવામાં ભારત અને ઑસ્ટ્રેલિયાની મૅચમાં આ પીચ પર પહેલાં બૉલિંગ કરવી કે બેટિંગ તેનો નિર્ણય નક્કી કરશે કે આ મૅચમાં કોણ વિજેતા બનશે.
3. રોહિત શર્માએ જે માથાના દુ:ખાવાની વાત કરી તેનો ઇલાજ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ફાસ્ટ બૉલરોની શરૂઆતની ઓવરોને બાજુ પર રાખવામાં આવે તો ભારતીય બૉલરો ઑસ્ટ્રેલિયાના કોઈપણ બૅટ્સમૅનો પર દબાણમાં લાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
તે મૅચમાં રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને એક પણ વિકેટ નહોતી મળી.
અમદાવાદની સરખામણીમાં દુબઈની પીચે રવિવારે સ્પિનર્સને ઘણી મદદ કરી હતી. શું મંગળવારે પણ આવું જ થશે?
ન્યૂઝીલૅન્ડને હરાવ્યા પછી રોહિત શર્માને આગામી મૅચ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ટીમમાં કયા 11 ખેલાડીને સામેલ કરવા તેના વિશે વિચારવું પડશે. પરંતુ આ મુંઝવણ સારી વાત છે.
સ્પષ્ટ રીતે તેમની પાસે ઘણા બધા વિકલ્પો છે.
ભારતીય ટીમમાં હાલમાં મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા જેવા ફાસ્ટ અને મિડિયમ પેસ બૉલર્સ છે. ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ હર્ષિત રાણા અને અર્શદીપસિંહ જેવા સારા બૉલર્સને બહાર રાખવા પડ્યા કારણ કે ટીમના મૅનેજમેન્ટે અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને મિસ્ટરી સ્પિનર કહેવાતા વરુણ ચક્રવર્તીને તક આપી હતી.
હવે સવાલ એ ઊભો થાય છે કે શું ભારતીય ટીમ બે પેસ બૉલર અને ચાર સ્પિનરો સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે કે પછી ત્રણ પેસર-ત્રણ સ્પિનરોનું કૉમ્બિનેશન સારું રહેશે.
ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનો ભારતના સ્પિન બૉલરો સામે અસહાય દેખાતા હતા. પરંતુ રેકૉર્ડ દર્શાવે છે કે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનો પ્રેશરમાં ન્યૂઝીલૅન્ડ કરતાં વધુ સારી રીતે રમે છે.
રવિવારે સ્પિન બૉલરોએ જ્યારે પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું, ત્યારે ન્યૂઝીલૅન્ડે ડૉટ બૉલ રમીને વિકેટ બચાવવાની રણનીતિ અપનાવી હતી. તેમના પર દબાણ એટલું વધી ગયું કે કિવી બૅટ્સમૅનોને પાછળથી વાપસી કરવાની કોઈ તક જ ન મળી.
પરંતુ ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅનો વિકેટ ગુમાવ્યા પછી આક્રમકતા દેખાડવા માટે જાણીતા છે.
4. હેડ સિવાયના બીજા ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનોનું શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં હેડની આ ઇનિંગ્સને કોઈ ભારતીય ભૂલી ન શકે. ન્યૂઝીલૅન્ડને હરાવ્યા પછી જ્યારે નક્કી થઈ ગયું કે સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે, ત્યારે ઘણા મીમ્સ ફરવા લાગ્યા જેમાં ટ્રેવિસ હેડને ભારતીય ટીમ માટે માથાનો દુ:ખાવો બનતો બતાવવામાં આવ્યો હતો.
ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયાના હેડ શાનદાર રમે છે તે વાત સાચી છે. પરંતુ તેના પર બધું ધ્યાન આપવામાં આવે અને બીજાને ભૂલી જવાય તે પણ ન ચાલે.
કારણ કે ઑસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટીવ સ્મિથ, જૉશ ઇંગ્લિશ, માર્નસ લાબુશેન અને ગ્લેન મૅક્સવેલ જેવા બૅટ્સમૅનો પણ છે.
મૅક્સવેલ જ્યારે ફૉર્મમાં હોય ત્યારે તેઓ એકલા હાથે જ મૅચની દિશા બદલી શકે છે. તેઓ ઝડપથી આ ટીમના મજબૂત સ્થંભ સાબિત થઈ રહેલા ઇંગ્લિશે આ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં હાલમાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ મૅચ જીતાડનાર ઇનિંગ રમ્યા હતા.
ઑસ્ટ્રેલિયાની કૅપ્ટનશિપ સંભાળતા સ્ટીવ સ્મિથને પણ અવગણી શકાય તેમ નથી. ભારત વિરુદ્ધ બેટિંગ કરવી સ્મિથને પસંદ છે. ભારત સામે તેમણે 29 મૅચમાં 25 ઇનિંગમાં 1310 રન બનાવ્યા છે. તેમાં 6 સદી, પાંચ અર્ધસદી સામેલ છે. તેમણે 132 ચોગ્ગા અને 18 સિક્સર ફટકારી છે.
ભારત વિરુદ્ધ સ્મિથની ઍવરેજ પણ જોરદાર છે. તેમણે 52.40ની ઍવરેજ અને 100થી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. બીજી તરફ ગ્લેન મૅક્સવેલ છે જેણે ભારત વિરુદ્ધ ઓછા રન બનાવ્યા છે, પરંતુ હંમેશા ઝડપી રન બનાવ્યા છે.
ટીમ ઇન્ડિયા વિરુદ્ધ તેમનો સ્ટ્રાઇક રેટ 134 કરતા વધારે રહ્યો છે.
5. વચ્ચેની ઓવરોમાં બેટિંગ કોણ સંભાળશે?

ઇમેજ સ્રોત, Getty Images
નવેમ્બર 2023માં અમદાવાદમાં રમાયેલી મૅચમાં ભારતીય ટીમે જે રીતે શરૂઆત કરી હતી તે જોતા એવું લાગતું હતું કે ભારતીય ટીમ મોટો સ્કોર કરશે. રોહિત શર્મા અને શુભમન ગિલે ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ જ્યારે આ બંને આઉટ થયા, ખાસ કરીને રોહિતે વિકેટ ગુમાવી, ત્યારે બાકીના ભારતીય બૅટ્સમૅનો ઑસ્ટ્રેલિયન બૉલર પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ મૅચમાં ભારત તરફથી કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીએ સારી પાર્ટનરશિપ કરી હતી. એવું લાગતું હતું કે બંને મળીને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતને 270થી 280ના સ્કોર સુધી લઈ જશે. તે વખતે બંને એક પછી એક આઉટ થઈ ગયા અને ભારતે માંડ 240 રન બનાવ્યા. અંતમાં ઑસ્ટ્રેલિયા માટે આ રન બહુ ઓછા પડ્યાં.
ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતના શરૂઆતના બૅટ્સમૅનો નિષ્ફળ જાય અથવા ઓછા રન બનાવીને આઉટ થાય તો મધ્યમ ક્રમના બૅટ્સમૅનો પર જવાબદારી આવશે.
શરૂઆતમાં વિકેટ બચાવીને રમવું પડશે. ત્યાર પછી આક્રમક બેટિંગ કરીને ટીમને એવા ટોટલ સુધી લઈ જવી પડે જ્યાંથી બૉલર્સને લડવાની તક મળી શકે.
જો પાછળથી બેટિંગ આવે તો રન ચેઝ કરતી વખતે અલગ પ્રકારનું દબાણ હશે. તે સમયે વિરાટ કોહલી પર ભારે દારોમદાર રહેશે. ચેઝ કરતી વખતે તેઓ પોતાની ઇનિંગને શાનદાર રીતે આગળ લઈ જવા માટે જાણીતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












