બાંગ્લાદેશનું અનામતવિરોધી આંદોલન હિંસક કેવી રીતે બન્યું? - બીબીસીએ નજરે જોયેલો અહેવાલ

ઇમેજ સ્રોત, Reuters
અનામતવિરોધી આંદોલનને કારણે બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં હિંસાની કેટલીક ઘટનાઓ સામે આવી છે.
ઢાકાના બાડ્ડા, નતૂનબજાર, રામપુરાસ ગુલશન, મહમકપુર, ઉત્તરા, મીરપુર, જાત્રા બાડી અને શનિના અખાડા જેવા વિસ્તારોમાં અનામતવિરોધીઓએ 19 જુલાઈની સવારથી જ અતિશય આક્રમક વલણ અપનાવ્યું હતું.
બાડ્ડા-નતૂન બજાર-રામપુરા રસ્તા પર અને જાત્રા બાડી વિસ્તારમાં હિંસાની અસર સૌથી વધારે છે. આ વિસ્તારોમાં જ અનામતવિરોધીઓ અને સુરક્ષાદળો વચ્ચે સૌથી વધારે ટકરાવ જોવા મળ્યો હતો.
શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી એટલે કે લગભગ બે કલાક આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ટકરાવ થયો હતો. આ દરમિયાન હાથગોળા, ટીયરગૅસ, કૉકટેલ અને ગોળીઓનો અવાજ સંભળાતો હતો.
આ પરિસ્થિતિ દરમિયાન કાયદામંત્રી અનીસુલ હકે બીબીસીની બાંગ્લા સેવાને કહ્યું, “આ અત્યંત દુખદ છે. હું હજું પણ માનું છું કે આ હિંસા અનામતવિરોધી આંદોલનકારીઓ તરફથી કરવામા આવી નથી.”
ઢાકામાં કેવી પરિસ્થિતિ છે?

નતૂનબજારમાં પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ ફાયરિંગ કરતી જોવા મળી હતી. આ દૃશ્ય બીબીસી સંવાદદાતાઓએ પણ જોયું.
હિંસક અથડામણો એટલી ભયાનક હતી કે એક તબક્કે તો પોલીસે પણ પાછું હઠી જવું પડ્યું. ઘટનાસ્થળે હાજર પોલીસે સ્થિતિને કાબૂમાં રાખવા માટે વધુ પોલીસદળને મોકલવાની માંગણી કરતી જોવા મળી રહી હતી.
આ વિસ્તારમાં થયેલી હિંસામાં મૃત્યુ પામનાર કે ઇજાગ્રસ્ત લોકોની ખબર વિશે પુષ્ટિ થઈ શકી નથી. જોકે, બપોરે લગભગ સાડા બાર વાગ્યે ગોળી લાગવાને કારણે ઇજાગ્રસ્ત થયેલા એક યુવકને ગુલશનસ્થિત સિકદાર મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમયે બીબીસીના સંવાદદાતા ત્યાં હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇજાગ્રસ્ત યુવકને જ્યારે ત્યાં લાવવામા આવ્યો ત્યારે હૉસ્પિટલનો મુખ્ય દરવાજો બંધ હતો અને આ યુવકને પણ અંદર જવા દેવામાં આવ્યો નહોતો.
આ કારણે ઇજાગ્રસ્ત યુવક સાથે આવેલા દસ-બાર લોકો ઉપરાંત હૉસ્પિટલના લોકોએ પણ આ વાતનો વિરોધ કર્યો હતો. વિવાદ વધતાં જ આંદોલનકારીઓ હૉસ્પિટલના ગેટ પર ધક્કા મારવા લાગ્યા. ત્યારબાદ હૉસ્પિટલના મૅનેજમૅન્ટે ઇજાગ્રસ્ત યુવાનને અંદર લાવવા માટે પરવાનગી આપી હતી.
બાડ્ડા-નતૂન બજારની પાસે જ રાજદ્વારી વિસ્તાર છે, જ્યાં અમેરિકા, બ્રિટેન, ફ્રાન્સ, તુર્કી અને કૅનેડા સહિત અલગ-અલગ દેશોના દૂતાવાસ છે. હિંસા દરમિયાન આ વિસ્તારની સુરક્ષાને મજબૂત કરવા માટે પોલીસે આખા વિસ્તારની મજબૂત ઘેરાબંધી કરી હતી.
બનશ્રી વિસ્તારના એક વ્યક્તિએ જણાવ્યું કે ત્યાં રહેણાક વિસ્તારોમાં સવારથી સરઘસ કાઢવામાં આવ્યાં હતાં. આ સરઘસમાં સામેલ થનાર લોકો અનામત રદ કરવાની માંગણી માટે નારા પોકારી રહ્યા હતા.
ઢાકાના જાત્રા બાડી વિસ્તારમાં પણ મોટા પાયે હિંસાની ઘટના જોવા મળી હતી. 19 જુલાઈની જેમ જ ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો.
જાત્રા બાડી વિસ્તારના એક પત્રકારે બીબીસીને જણાવ્યું કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સાઉન્ડ ગ્રૅનેડ, રબર બુલેટ અને ટિયરગૅસના શેલ પણ છોડવા પડ્યા હતા. પત્રકારે આપેલી માહિતી પ્રમાણે, હિંસામાં પોલીસ અને આંદોલનકારીઓ બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પત્રકારોનું કહેવું છે કે જાત્રા બાડી વિસ્તારમાં પોલીસની ગોળીથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. જોકે, કેટલાં લોકો ઇજાગ્રસ્ત થયા તે વિશે કોઈ પુષ્ટિ થઈ ન શકી.

ઢાકાના મહંમદપુર બસ સ્ટૅન્ડ વિસ્તારમાં એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે આંદોલનકારીઓમાં મદરેસાના વિદ્યાર્થીઓ સાથે સામેલ હતા. ત્યારબાદ કેટલાક ટ્રાન્સપોર્ટ મજૂરો પણ આંદોલનકારીઓની ભીડમાં સામેલ થઈ ગયા હતા.
ગુલશન ઍવેન્યૂમાં સવારે લગભગ સાડા દસ વાગ્યે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે જબરદસ્ત સંઘર્ષ થયો. આંદોલનકારીઓએ ગુલશન-1 વળાંક પર કેટલીક ઇમારતોના કાચ તોડી નાખ્યા હતા. એ સમયે પોલીસે સાઉન્ડ ગ્રૅનેડ અને ટિયરગૅસના શલની મદદથી ભીડને ભગાવી. જોકે, આંદોલનકારીઓ ત્યારબાદ ગુલસન શૂટિંગ ક્લબ અને ગુલશન-બાડ્ડા લિંક રોડ પર જમા થયા હતા.
પાટનગર ઢાંકા ઉપરાંત દેશના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ટકરાવના અહેવાલો મળ્યા છે.
સરકાર પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે તૈયાર

કાયદા અને વ્યવસ્થાપન મંત્રી અનીસુલ હકે બીબીસી બાંગ્લાને કહ્યું હતું કે સરકાર અનામતવિરોધીઓ સાથે વાતચીતની રાહ જોઈ રહી છે. તેમનું કહેવું હતું કે, “અમે વાતચીત માટે તૈયાર છીએ અને લોકો જ્યારે પણ વાતચીત માટે સહમત થાય, અમે એ જ સમયે ચર્ચા કરવા તૈયાર છીએ.”
શું સરકારે આંદોલનકારીઓનો સીધો સંપર્ક કર્યો છે?
આ સવાલ પર કાયદામંત્રીએ કહ્યું, “સીધો સંપર્ક કરવાનો જ સવાલ ઊભો નથી થતો. અમે મીડિયા મારફતે તેમના સુધી સંદેશ પહોંચાડ્યો છે. અમે સાર્વજનિક રૂપે આ વાત કહી દીધી છે.”
એ વચ્ચે જ આંદોલનકારીઓએ સરકારની વાતચીતની અપીલ ફગાવી દીધી છે. આ સાથે જ તેમના વચ્ચેનો ટકરાવ પણ શરૂ છે.
હિંસામાં 35 લોકોનાં મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે.
આવી પરિસ્થિતિ કેમ પેદા થઈ?

ઇમેજ સ્રોત, AFP
કાયદામંત્રીનો દાવો હતો કે, “પોલીસે 18 જુલાઈએ જરા પણ બળપ્રયોગ કર્યો ન હતો. વિધ્વંસક હિલાચાલની પરિસ્થિતિમાં પોલીસજવાનોએ કાબૂ મેળવવો એ એમનું કર્તવ્ય છે.”
જો પોલીસે બળપ્રયોગ ન કર્યો ન હતો તો આટલા લોકોનાં મૃત્યુ કેવી રીતે થઈ ગયાં?
આ સવાલ પર તેમનું કહેવું હતું કે, “હું મૃતકોનાં આ આંકડા સાથે સહમત થઈ શકતો નથી. પોલીસે ગોળી ચલાવી ન હતી. પોલીસની ગોળીથી કોઈનું મોત થયું નથી.”
આંદોલનકારીઓનું કહેવું છે કે સરકાર એક તરફ વાતચીતની અપીલ કરી રહી છે અને બીજી તરફ પોલીસ વિદ્યાર્થીઓ અને યુવાનો પર હુમલો કરી રહી છે. લોકોનું કહેવું છે કે આટલા લોકોનાં મોત થયાં પછી તેઓ વાતચીત માટે આગળ ન આવી શકે.
અનામતવિરોધીઓના મુકાબલા માટે સત્તારૂઢ પાર્ટીના કાર્યકર્તાઓ પણ વિભિન્ન વિસ્તારોમાં રસ્તા પર ઊતર્યા છે. એ લોકો રસ્તા પર કેમ ઊતર્યા છે?
કાયદામંત્રી કહે છે, “એક સમૂહ અનામતનો વિરોધ કરી રહ્યો છે. જ્યારે બીજો સમૂહ અનામતનું સમર્થન તો કરી જ શકે છે. આવું કેમ ન થઈ શકે? આ એક લોકશાહી દેશ છે. એ લોકો અનામતના સમર્થનમાં સક્રિય થયા છે.”
તેમણે કહ્યું હતું કે વડાં પ્રધાનનાં ભાષણમાં કરવામાં આવેલા વાયદાઓ અનુસાર કાયદાકીય તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સિવાય કોર્ટમાં આ મામલાની સુનાવણી નક્કી તારીખથી પહેલાં કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
ઇન્ટરનેટ બંધ થવાને કારણે પરેશાની

ઇમેજ સ્રોત, AFP
સરકારે હિંસક પ્રદર્શનો પર કાબૂ મેળવવા માટે અનેક પગલાંઓ ભર્યાં છે. તે હેઠળ બુધવાર રાત્રે સાડા આઠ વાગ્યાથી સમગ્ર દેશમાં ઇન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે.
તેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ટરનેટ આધારિત વિભિન્ન સેવાઓ પર તેની અતિશય પ્રતિકૂળ અસર પડી રહી છે.
ઑનલાઇન પૈસાકીય લેવડદેવડ લગભગ બંધ થઈ ગઈ છે. ખાસ કરીને મોબાઇલ ફોન મારફત થનારી લેવડદેવડમાં પણ ભારે મુશ્કેલી થઈ રહી છે.
જે લોકોનાં પરિજનો દેશની બહાર વસે છે, તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. મોટા ભાગના પ્રવાસી બાંગ્લાદેશીઓ પોતાનાં પરિજનો સાથે સંપર્ક કાયમ કરવા માટે રોજ મૅસેન્જર, વ્હૉટ્સઍપ, ઈ-મેઈલ અને ઇન્ટરનેટ આધારિત અન્ય ઍપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે.
એ સિવાય મીડિયા સંસ્થાનોને પણ કામકાજમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.
ઢાકામાં સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
ઢાકા મૅટ્રોપોલિટન પોલીસે શુક્રવારે સવારે વિભિન્ન વિસ્તારોમાં હિંસાની શક્યતાને ધ્યાનમાં રાખીને શહેરમાં દરેક પ્રકારની રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
તેમ છતાં પણ સત્તાધારી પક્ષ અવામી લીગે ઢાકાના બંગબંધુ ઍવન્યૂમાં ‘આતંકવાદવિરોધી રેલી’ આયોજિત કરવાનું કહ્યું છે. પાર્ટીના મહાસચીલ અને માર્ગ અને પરિવહન મંત્રી ઓબૈદુલ કાદરે પત્રકારોને તેની જાણકારી પણ આપી છે.
દેશના પ્રમુખ વિપક્ષી દળ બીએનપીએ પણ કહ્યું હતું કે તેઓ શુક્રવારે ઢાકામાં રેલીનું આયોજન કરશે પરંતુ પોલીસના પ્રતિબંધ બાદ પાર્ટીએ તેના અંગે કોઈ નિર્ણય કર્યો ન હતો.
પોલીસે 19મી જુલાઈની સવારે બીએનપીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રાહુલ કબીર રિઝવીની ધરપકડ પણ કરી હતી.












