યમનમાં રમજાન માટે અપાઈ રહેલા દાન દરમિયાન ભાગદોડ, 78નાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
યમનની રાજધાની સનાની એક સ્કૂલમાં રમઝાન માટે દાન આપવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 78 લોકોનાં મોત થયાં છે.
અધિકારીઓએ આ દુર્ઘટનાની માહિતી આપી છે.
શહેરના બાબ-અલ-યમન વિસ્તારમાં થયેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે, જેમાં લોકો ગભરાયેલા અને નાસભાગ કરતા જોવા મળી રહ્યા છે.
સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ અનુસાર, સેંકડો લોકો દાન લેવા માટે સ્કૂલમાં ભેગા થયા હતા.
અહીં એક વ્યક્તિદીઠ લગભગ 9 ડૉલર (લગભગ 740 રૂપિયા)ની રકમ આપવામાં આવી રહી હતી.
જે લોકો દાન આપવામાં માટે જવાબદાર હતા, તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે. દેશના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે.
ઍસોસિએટેડ પ્રેસ સમાચાર એજન્સીએ બે પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે, હૂતી લડવૈયાઓએ ભીડને કાબૂમાં કરવાના પ્રયાસમાં હવામાં ગોળીબાર કર્યો હતો, દેખીતી રીતે તે ગોળીઓ ઇલેક્ટ્રિક વાયરને અથડાઈ અને વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે તેનાથી ગભરાટ ફેલાયો હતો, જેના કારણે આ ઘટના ઘટી હતી.
વર્ષ 2015માં દેશની સરકારને શહેરમાંથી હટાવ્યા પછીથી ત્યાં હૂતી વિદ્રોહીઓનું નિયંત્રણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2015થી યમનમાં યુદ્ધ ચાલુ છે. આ વર્ષે હૂતી વિદ્રોહીઓએ દેશમાંથી સરકાર હટાવીને મોટા ભાગને પોતાના કબજામાં કરી લીધું હતું.
કથિત રીતે 150,000થી વધુ લોકો લડાઈમાં માર્યા ગયા છે અને 23 મિલિયનથી વધુ લોકો - ત્રણ-ચતુર્થાંશ વસતીને- કોઈને કોઈ પ્રકારની સહાયની જરૂર છે.

આઠ વર્ષથી સંઘર્ષ ચાલુ

ઇમેજ સ્રોત, Reuters
યમન છેલ્લાં ઘણાં વર્ષોથી હિંસક સંઘર્ષ ભોગવી રહ્યું છે. વર્ષ 2015માં હૂતી વિદ્રોીઓએ યમનના પશ્ચિમના મોટા ભાગના ભાગ પર નિયંત્રણ સ્થાપિત કરી લીધું હતું. આ સાથે જ તત્કાલીન રાષ્ટ્રપતિ મંસૂર હાદીએ વિદેશમાં શરણ લીધું હતું.
આ પછી સાઉદી અરબના નેતૃત્વમાં અરબ દેશોની ગઠબંધન સેનાએ હાદીનું શાસન પુનસ્થાપિત કરવા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો.
ત્યારથી યમનમાં સંઘર્ષ ચાલુ છે, જેમાં ડોઢ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.
એ સાથે યમનની 75 ટકા વસતી એટલે કે લગભગ 2.3 કરોડથી વધુ લોકોને કોઈને કોઈ પ્રકારની જરૂર છે.
ગયા અઠવાડિયે બંને પક્ષો વચ્ચે થયેલી કેદીઓની અદલાબદલીને આઠ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવાના પ્રયાસના રૂપમાં જોવાઈ હતી.
હૂતી સુપ્રીમ ઇવૉલ્યૂશનરી કમિટીના પ્રમુખ મોહમ્મદ અલી અલ-હૂતીએ બુધવારે થયેલી નાસભાગ માટે દેશના માનવીય સંકટને જવાબદાર ગણાવ્યું છે.
તેઓએ ટ્વિર પર લખ્યું છે કે, "જે કંઈ પણ થયું છે, અમે તેના માટે આક્રમણકારી દેશને જવાબદાર ઠેરવીએ છીએ. આ કડવા સત્ય માટે પણ તેમને જવાબદાર ઠેરવીએ છીએ કે યમનનાં લોકો પ્રતિબંધ અને આક્રમણના કારણે આ સ્થિતિમાં રહેવા માટે મજબૂર છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













