T20 World Cup 2022: ભારત-પાકિસ્તાનની આજની મૅચ કોની હશે? સૂર્યકુમાર, શાહિન આફ્રીદી કે વરસાદ?


- ટી-20 વર્લ્ડ કપમાં 23 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયાના મૅલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફરી એક વખત ભારતની સામે પાકિસ્તાનની ટીમ હશે
- ટી-20 વર્લ્ડકપ, 2021માં પાકિસ્તાન સામે 10 વિકેટથી મળેલી હારનો બદલો લેવાનો અવસર ભારત પાસે છે
- ભારત અને પાકિસ્તાન બંનેએ છેલ્લે રમેલી 5 ટી-20 મૅચમાંથી 4 મૅચમાં જીત અને માત્ર એક મૅચમાં હાર મેળવી હતી
- વર્ષ 2012-13થી અત્યાર સુધી બંને ટીમો વચ્ચે એકપણ સિરીઝ થઈ નથી પરંતુ આઈસીસીની ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે મૅચો યોજાતી રહે છે
- પાકિસ્તાન તરફથી શાહીનશાહ આફ્રીદી હુકમનો એક્કો છે તો ભારતના હુકમનો એક્કો સૂર્યકુમાર યાદવ છે.
- સૂર્યકુમાર યાદવ હાલમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ટી-20 બેટર છે, પરંતુ વર્લ્ડ કપમાં તેમણે ક્ષમતા પુરવાર કરવાની હજુ બાકી છે
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મૅચમાં ફરી એક વખત લોકોની નજર બાબર આઝમ અને વિરાટ કોહલી પર ટકેલી હશે

ટી-20 વર્લ્ડ કપમાં 23 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયાના મૅલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફરી એક વખત ભારતની સામે પાકિસ્તાનની ટીમ હશે.
બન્ને ટીમોના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમ, શાહિન આફ્રિદી, સૂર્યકુમાર યાદવ આ મૅચનું પરિણામ બદલી શકનારા ખેલાડીઓ ઉપરાંત એક બીજું એક પરિબળ બની રહેશે વરસાદ.
મૅલબૉર્નમાં આજે વાદળછાયુ હવાાન રહેવાનું છે અને વરસાદની સંભાવનાઓ પણ પ્રબળ છે. પરંપરાગત કટ્ટર હરિફ ગણાતી આ ટીમો વચ્ચે છેલ્લે એશિયા કપમાં બે મૅચ રમાઈ હતી જેમાં એકમાં ભારત અને બીજીમાં પાકિસ્તાનની જીત થઈ હતી.
ભારતે પહેલી મૅચ બે બૉલ બાકી રહ્યા હતા ત્યારે જીતી હતી અને પાકિસ્તાને બીજી મૅચ એક બૉલ બાકી રહ્યો ત્યારે જીતી હતી.
ભારતે રમેલી તાજેતરની 5 ટી-20 મૅચમાંથી 4 મૅચમાં જીત અને એક મૅચમાં હાર મળી હતી.
પાકિસ્તાને પણ છેલ્લે રમેલી 5 ટી-20 મૅચમાંથી 4 મૅચમાં જીત અને એક મૅચમાં હાર મેળવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મૅચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
સ્થિતિ એવી છે કે વર્ષ 2012-13થી અત્યાર સુધી બંને ટીમો વચ્ચે એકપણ સિરીઝ થઈ નથી પરંતુ આઈસીસીની ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે મૅચો યોજાતી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બાબર આઝમ વિ. વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મૅચમાં ફરી એક વખત લોકોની નજર બાબર આઝમ અને વિરાટ કોહલી પર ટકેલી હશે. બાબર આઝમ એશિયા કપની બંને મૅચોમાં કંઇ ખાસ કરી શક્યા નથી.
એશિયા કપ અગાઉ તેઓ તાબડતોડ બેટિંગ કરી રહ્યા હતા.
ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં તેઓ સતત રન ફટકારી રહ્યા હતા. આ વર્ષે જ જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી 10 હજાર રન પૂરા કરવાનો રૅકોર્ડ બાબરે પોતાના નામે કર્યો હતો. બાબરે આ રૅકોર્ડ 228 ઇનિંગ્સમાં બનાવ્યો છે.
તેમના પહેલા આ રૅકોર્ડ પાકિસ્તાનના જ ખેલાડી જાવેદ મિયાદાદના નામે હતો. તેમણે 248 ઇનિંગ્સમાં આ રૅકોર્ડ સર્જ્યો હતો.
બાબર આઝમે જ વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલીની બાદશાહતનો ખાતમો કર્યો હતો.
ઑગસ્ટ 2017થી ઍપ્રિલ 2021 વચ્ચે વિરાટ કોહલી નિસંદેહ વિશ્વ ક્રિકેટના ટોચના ખેલાડીઓમાંના એક હતા પરંતુ આઈસીસી વર્લ્ડ રૅન્કિંગમાં તેમની 1258 દિવસની બાદશાહતને બાબર આઝમે જ ખતમ કરી હતી.
હાલમાં વિરાટ કોહલી પોતાનું ફોર્મ હાંસલ કરવા માટે મથી રહ્યા છે અને તાજેતરની મૅચોમાં લાગી રહ્યુ છે કે તેમણે ફોર્મ પાછું મેળવી લીધું છે.
બાબર આઝમે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું ત્યારે વિરાટ કોહલી 150થી વધુ વન-ડે રમી ચૂક્યા હતા અને 20થી વધુ સદી તેમના નામે હતી પરંતુ સમય સાથે બાબર તેમનાંથી આગળ નીકળી ગયા.
2022માં બાબર આઝમે સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરવાનો રૅકોર્ડ બનાવ્યો હતો. તેમણે 47 મૅચોમાં આ રૅકોર્ડ સર્જ્યો હતો. જ્યારે કોહલી 56 મૅચો બાદ આ મુકામે પહોંચ્યા હતા.

2021ની હારનો બદલો લેવાનો મોકો

ઇમેજ સ્રોત, ANI
ટી-20 વર્લ્ડકપ, 2021માં પાકિસ્તાન સામે 10 વિકેટથી મળેલી હારનો બદલો લેવાનો અવસર ભારત પાસે છે.
પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં ફાઇનલ-ફોરમાં સ્થાન બનાવી શકી ન હતી.
રોહિત શર્મા અને ટીમના અન્ય ખેલાડીઓનું મનોબળ એટલે પણ વધ્યું છે કારણ કે ટી-20 ક્રિકેટમાં ભારતનો પક્ષ પાકિસ્તાન સામે ભારે રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 10 ટી-20 મૅચો રમાઈ છે. જેમાંથી સાતમાં ભારતનો વિજય થયો છે.
ભારત માટે સૌથી મોટો પડકાર પાકિસ્તાનના સૌથી ફાસ્ટ બૉલર શાહીનશાહ આફ્રીદીનો છે. એશિયા કપમાં તેઓ અનફિટ થઈને ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા હતા પરંતુ લાંબી ઈજા બાદ તેઓ પરત ફરી રહ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ પ્રમાણે તેઓ ફિટનેસ જાળવવા માટે યુકે જતા રહ્યા હતા જેથી ટી-20 વર્લ્ડ કપ પૂરો થતાં પહેલા સંપૂર્ણપણે ફીટ થઈને પાછા આવી શકે.
શાહીનશાહ આફ્રીદી 2021ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની પાકિસ્તાનની જીતના હિરો રહ્યા હતા.

આફ્રીદી વિ. સૂર્યકુમાર

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન તરફથી શાહીનશાહ આફ્રીદી હુકમનો એક્કો છે તો ભારતના હુકમનો એક્કો સૂર્યકુમાર યાદવ છે.
સૂર્યકુમાર યાદવ હાલમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ટી-20 બેટર છે, પરંતુ વર્લ્ડ કપમાં તેમણે ક્ષમતા પુરવાર કરવાની હજુ બાકી છે.
સૂર્યકુમાર યાદવને વહેલા આઉટ કરવા એ પાકિસ્તાનના સારા પ્રદર્શન માટે ચાવીરૂપ બની શકે છે. સૂર્યકુમાર ફાસ્ટ અને સ્પિન બંને આક્રમણને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે અને મેદાનની ચારે બાજુ બાઉન્ડ્રી ફટકારે છે, કારણ કે તે સીધા બેટ વડે શોર્ટ-ઑફ-લેન્થ બોલને ફટકારી શકે છે અને ફૂલ-લેન્થ બૉલને સ્વીપ અને સ્લાઇસ કરી શકે છે.
તેમણે અત્યાર સુધી ભારત માટે માત્ર 32 ટી-20 મૅચો રમી છે પરંતુ તેમાં તેમણે એક સદી અને નવ અર્ધસદી ફટકારી છે. તેમનો સ્ટ્રાઇક રેટ 176થી વધુ છે. તેમને વર્લ્ડ ટી-20 દૃષ્ટિએ પણ ભારતના સર્વશ્રેષ્ઠ બૅટર માનવામાં આવે છે.
ઘણા વિશ્લેષકો તેમને વિરાટ કોહલીના સ્થાને નંબર ત્રણ પર મોકલવાની માગ કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે ટીમની જરૂરિયાત પ્રમાણે પેસ અને સ્પિન બૉલિંગ પર એક સમાન રીતે રન મારનાર અન્ય બૅટર ટીમમાં જોવા મળતો નથી.
મીડિયા અહેવાલો અનુસાર, ભારતની સંભવિત ટીમમાં રોહિત શર્મા, કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ અથવા મોહમ્મદ શામી, યુઝવેન્દ્ર ચહલ અથવા આર, અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને અર્શદિપસિંહનો સમાવેશ થઈ શકે છે.
જ્યારે મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનની સંભવિત ટીમમાં મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, શાન મસુદ, હૈદર અલી, ઇફ્તિખાર અહમદ, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ કાન, નસીમ શાહ, શાહીનશાહ આફ્રીદી અને હેરિસ રઉફનો સમાવેશ થઈ શકે છે.
માથામાં ઈજાને પગલે ફખર જમાન રમી શકે તેમ લાગતું નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














