મહારાણી એલિઝાબેથ દ્વિતીયનાં અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર ક્યારે થશે?

મહારાણી એલિઝાબેથ દ્વિતીય હવે નથી રહ્યાં. તેમના નિધન સાથે બ્રિટિશ ઇતિહાસના સૌથી લાંબા શાસનકાળનો અંત આવ્યો છે.
તેમના અંતિમ દિવસોમાં તેમના પરિવારના સભ્યો તેમની સાથે સ્કૉટલૅન્ડના બાલમોરલ મહેલમાં હાજર હતા. આગામી થોડા દિવસો સુધી દેશની જનતા તેમના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કરશે, ત્યાર બાદ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મહારાણીના અંતિમ દર્શન

પ્રથમ, મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મૃતદેહને સ્કૉટલૅન્ડના બાલમોરલ કિલ્લાથી લંડન લાવવામાં આવશે, જ્યાં અંતિમ સંસ્કાર પહેલાં તેમના પાર્થિવ દેહને લગભગ ચાર દિવસ સુધી વેસ્ટમિન્સ્ટર હૉલમાં રાખવામાં આવશે. આ દરમિયાન લોકો તેમનાં દર્શન કરી શકશે અને તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે.
આ હૉલ પૅલેસ ઑફ વેસ્ટમિન્સ્ટરનો સૌથી જૂનો ભાગ છે, જેને બ્રિટિશ સરકારનું હૃદય કહેવામાં આવે છે.
છેલ્લે વખત વેસ્ટમિન્સ્ટર હૉલમાં કોઈ રાજવી પરિવારના સભ્યના નશ્વર દેહને 2002માં મૂકવામાં આવ્યો હતો. જે સમયે ક્વીન એલિઝાબેથનાં માતા 'ક્વીન મધર'ના પાર્થિવ દેહને ત્યાં રાખવામાં આવ્યો હતો. ત્યારે બે લાખથી વધુ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મહારાણીના પાર્થિવ શરીરના તાબૂતને 11મી સદીમાં બનેલા વેસ્ટમિન્સ્ટર હૉલમાં એક પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવશે.
શાહી પરિવારની સેવા કરતા સૈનિકો પ્લૅટફૉર્મના દરેક ખૂણા પર તહેનાત રહેશે.
વેસ્ટમિન્સ્ટર હૉલ પહેલાં મહારાણીના પાર્થિવ દેહને શાહી મહેલ બકિંઘમ પૅલેસમાં રાખવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાંથી તેમના પાર્થિવ દેહને ધીમી ગતિએ તેમના પાર્થિવ દેહને વેસ્ટમિન્સ્ટર હૉલમાં લઈ જવામાં આવશે. દરમિયાન સૈનિકોની પરેડ યોજાશે અને રાજવી પરિવારના સભ્યો પણ ભાગ લેશે.

જ્યારે આ જુલૂસ લંડનના રસ્તાઓ પરથી પસાર થશે ત્યારે લોકો તેને સામેથી પણ જોઈ શકશે.
આ ઉપરાંત યાત્રા જોવા માટે લંડનના શાહી બગીચાઓમાં પણ મોટી સ્ક્રીન લગાવી શકાય છે.
મહારાણીના પાર્થિવ દેહને રાજવી પરિવારના રિવાજ અનુસાર શાહી ધ્વજમાં લપેટીને રાખવામાં આવશે.

વેસ્ટમિન્સ્ટર હૉલમાં તેમના પાર્થિવ દેહને લવાયા બાદ, શાહી તાજ (ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન), શાહી આભૂષણ અને રાજદંડ કફન પર મૂકવામાં આવશે.
પાર્થિવ દેહને હૉલમાં રાખતી વખતે એક નાની ધાર્મિક વિધિ કરવામાં આવશે. તે પછી, સામાન્ય લોકોને મહારાણી એલિઝાબેથ દ્વિતિયનાં અંતિમ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.

મહારાણીના અંતિમ સંસ્કાર ક્યારે થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાંના ઐતિહાસિક ચર્ચ વેસ્ટમિન્સ્ટર એબેમાં બે અઠવાડિયાંમાં મહારાણીની રાજકીય અંત્યેષ્ટિ અપેક્ષિત છે.
જોકે, અંતિમ સંસ્કારની તારીખ બકિંઘમ પૅલેસમાંથી જાહેર કરવામાં આવશે.
વેસ્ટમિન્સ્ટર એબે એ ઐતિહાસિક ચર્ચ છે જ્યાં બ્રિટનનાં ઘણાં મહારાજા અને મહારાણીનો રાજ્યાભિષેક થયો છે.
1953માં, મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો રાજ્યાભિષેક પણ અહીં થયો હતો. એટલું જ નહીં 1947માં પ્રિન્સ ફિલિપ સાથે મહારાણીનાં લગ્ન પણ આ ચર્ચમાં જ થયાં હતાં.
2002માં મહારાણીનાં માતા 'ક્વીન મધર'ના અંતિમ સંસ્કાર સિવાય 18મી સદીથી અત્યાર સુધી અહીં કોઈ મહારાજા કે મહારાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી.
વિશ્વભરના દેશોના વડા શાહી પરિવારની મુલાકાત લેવા અને મહારાણી એલિઝાબેથ દ્વિતીયનાં જીવન અને યોગદાનને યાદ કરવા લંડન પહોંચશે.
આ સમયે બ્રિટનના વરિષ્ઠ નેતાઓ અને તમામ પૂર્વ વડા પ્રધાનો પણ ત્યાં હાજર રહેશે.
મહારાણીના અંતિમ સંસ્કારના દિવસે મહારાણીના પાર્થિવ દેહને રૉયલ નૅવીની 'સ્ટેટ ગન કૅરેજ' (રાજકીય તોપગાડી) પર મૂકીને વેસ્ટમિન્સ્ટર હૉલથી વેસ્ટમિન્સ્ટર એબે સુધી લઈ જવામાં આવશે.

આ 'સ્ટેટ ગન કૅરેજ'નો છેલ્લે ઑગસ્ટ 1979માં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તે સમયે તેનો ઉપયોગ પ્રિન્સ ફિલિપના કાકા અને ભારતના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટનના નશ્વર દેહને લઈ જવા માટે થયો હતો.
તે સમયે આ ગાડીને રૉયલ નૅવીના 142 સૈનિકોએ ખેંચી હતી.
બ્રિટનના નવા કિંગ ચાર્લ્સ તૃતીય સહિત શાહી પરિવારના તમામ વરિષ્ઠ સભ્યો મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી સંભાવના છે.
વેસ્ટમિન્સ્ટરના ડીન ડેવિડ હૉયલ દ્વારા મહારાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા છે.
તે સમયે કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી પ્રાર્થના કરશે. આ દરમિયાન વડાં પ્રધાન લિઝ ટ્રસને પણ વક્તવ્ય આપવા માટે આમંત્રિત કરવામાં આવે તેવી સંભાવના છે.

અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા પછી, રાણીના પાર્થિવ દેહને લંડનના હાઈડ પાર્ક કૉર્નરમાં વેસ્ટમિન્સ્ટર એબેથી વેલિંગ્ટન આર્ક સુધી એક સરઘસમાં પગપાળા લઈ જવામાં આવશે.
અંત્યેષ્ટિ કાર્યક્રમ પૂરો થયા બાદ મહારાણીના પાર્થિવ શરીરને ખુલ્લી ગાડીમાં વિંડસર કિલ્લા સુધી લઈ જવામાં આવશે, જ્યાં તેમની અંતિમ યાત્રા સેન્ટ જ્યોર્જ ચૅપલમાં શરૂ થશે.

કિંગ ચાર્લ્સ તૃતીય સહિત શાહી પરિવારના વરિષ્ઠ સભ્યો, મહારાણીના પાર્થિવ દેહને વિંડસર કિલ્લાના પ્રાંગણમાં લાવવામાં આવે તે પહેલેથી ત્યાં હાજર રહી શકે છે.
ત્યાર બાદ મહારાણીને સેન્ટ જ્યોર્જ ચૅપલમાં દફનાવવામાં આવશે.
શાહી પરિવારનાં લગ્ન, નામકરણ અને અંતિમ સંસ્કાર આ સેન્ટ જ્યોર્જ ચૅપલમાં જ કરવામાં આવે છે.
અહીં જ સસેક્સના ડ્યૂક અને ડચેસ, પ્રિન્સ હેરી અને મેગન મર્કેલનાં લગ્ન થયાં હતાં. મહારાણીના પતિ પ્રિન્સ ફિલિપને પણ ગયા વર્ષે અહીં જ દફનાવવામાં આવ્યા હતા.

મહારાણીના પાર્થિવ શરીરને સેન્ટ જ્યોર્જ ચૅપલની અંદર સ્થિત કિંગ જ્યોર્જ ષષ્ઠમ મેમોરિયલ ચૅપલમાં રૉયલ વૉલ્ટમાં દફનાવવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













