You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મંકીપૉક્સ : આ મહામારીને રોકવા માટે વિશ્વ કેટલું સક્ષમ છે?
- લેેખક, જેમ્સ ગૅલેગર
- પદ, બીબીસી સંવાદદાતા
મંકીપૉક્સે વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. લાંબા સમયથી વાઇરસનું વહન કરતા મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ભાગોમાં જંગલ અને પ્રાણીઓની નજીક રહેતા લોકોમાં મંકીપૉક્સ જોવા મળતો હતો. પરંતુ હવે આ વાઇરસ વૈશ્વિક બની ગયો છે. વાઇરસ પહેલાં જોવા ન મળી હતી તેવી અભૂતપૂર્વ ગતિએ ફેલાઈ રહ્યો છે.
88 દેશમાં આ રોગના લગભગ 27,000 કેસની પુષ્ટિ થઈ છે. તેમાં મોટે ભાગે એવા પુરુષો છે જે અન્ય પુરુષો સાથે સેક્સ કરતા હોય છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન કહે છે કે આ વૈશ્વિક કટોકટી છે.
તો શું મંકીપૉક્સને રોકી શકાશે? અથવા હવે આ બીજા વાઇરસની વૈશ્વિક મહામારીના આપણે મૂકપ્રેક્ષક બનવા જઈ રહ્યા છીએ?
આ મુદ્દે આપણે ત્રણ બાબતો ધ્યાને લેવાની જરૂર છે:
- શું આ વાઇરસનો મુકાબલો કરવો મુશ્કેલ છે?
- શું આપણી પાસે તેને રોકવાની ક્ષમતા છે?
- શું મુખ્યત્વે ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષોને અસર કરતા આ રોગને ખાળવાની આપણી ઇચ્છાશક્તિ છે?
વાઇરસ
મંકીપૉક્સ વાઇરસના જૈવિક માળખમાં કોઈ ખાસ દમ નથી. એવું નથી કે તેને રોકી ન શકાય.
કોવિડ રોકી શકાય તેમ નહોતો. તે એટલી સરળતાથી ફેલાય છે કે મહામારીના શરૂઆતના તબક્કામાં તેને નિયંત્રિત કરવો શક્ય નહોતો.
પરંતુ મંકીપૉક્સ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી સંક્રમિત થતો નથી. તેમાં પરસ્પર શારીરિક સંપર્કની જરૂર પડે છે, જેમ કે ચેપગ્રસ્ત ત્વચા પથારી કે ટૂવાલ કે બેટશીટ દ્વારા લાંબા સમય સુધી સંસર્ગમા આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને વાઇરસ અલગ કક્ષાના છે અને આપણે ભૂતકાળમાં મંકીપૉક્સનો સામનો કર્યો છે.
આપણે મંકીપૉક્સના સગોત્ર વાઇરસ સ્મોલપૉક્સ (શીતળા)ને હરાવવાના સૌથી મોટા પડકારને પાર પાડવામાં સફળ થયા છીએ.
યુનિવર્સિટી ઑફ નૉટિંઘમના વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર જોનાથન બૉલ જણાવે છે, "મંકીપૉક્સ હળવો છે, કારણ કે તે શીતળા કરતાં ઓછો સંક્રમિત છે તેથી આપણે વધુ સારી સ્થિતિમાં છીએ."
જોકે, મંકીપૉક્સમાં એક સમસ્યા એ છે કે કેટલાક લોકોમાં હળવાં લક્ષણો હોઈ શકે છે અથવા એવાં લક્ષણો હોય છે જે ભૂલથી જાતીય સંક્રમિત રોગ અથવા અછબડામાં ખપી જાય. અર્થાત કે તે અજાણતા અન્ય લોકો સુધી ફેલાઈ શકે છે.
સંસાધનો
વાઇરસ એવા લોકોના જૂથમાં પ્રવેશી ગયો છે જેઓ તેને ફેલાવવા માટે પૂરતા પ્રમાણમાં સેક્સ અથવા ભાગીદારો સાથે પૂરતો ઘનિષ્ઠ સંપર્ક ધરાવે છે.
આ વાઇરસને જાતીય સંક્રમિત રોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવતો નથી. પરંતુ ન્યૂ ઈંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં એક અભ્યાસનો અંદાજ છે કે 95% મંકીપૉક્સ ચેપ સેક્સ દ્વારા ફેલાય છે, ખાસ કરીને પુરુષો વચ્ચેના સજાતીય સેક્સ દ્વારા.
સમાગમમાં સ્વાભાવિક રીતે ઘનિષ્ઠ ત્વચાનો સંપર્ક થાય છે જેનો ઉપયોગ વાઇરસ સંક્રમણ માટે કરે છે.
આના પરથી રોગને મર્યાદિત કરવા માટે બે વિકલ્પો મળે છે - લોકોને ઓછું સેક્સ કરવા માટે સમજાવવા અથવા સંપર્કમાં આવવા પર ચેપ લાગવાનું જોખમ ઘટાડવા માટે સમજાવવા.
યુનિવર્સિટી ઑફ ઈસ્ટ એંગ્લિયાના પ્રોફેસર પૉલ હન્ટર કહે છે, "તેને રોકવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તે દૂર ન થાય ત્યાં સુધી સક્રિય સેક્સની તમામ ગતિવિધિને થોડા મહિના માટે અટકાવી દેવામાં આવે, પરંતુ મને નથી લાગતું કે એ શક્ય બને."
કેટલાક લોકો મંકીપૉક્સની ચેતવણીઓ સામે તેમના સેક્સજીવનને નિયંત્રિત કરે છે. આ સલાહને સૌથી વધુ જોખમ ધરાવતા લોકો સુધી પહોંચાડવામાં આવી છે.
જોકે, પ્રોફેસર હન્ટર દલીલ કરે છે કે જાતીય સંક્રમિત રોગને લઈને આપણો બોધપાઠ એ છે કે ખતરો મધ્ય યુગથી લઈને અત્યાર સુધી સિફિલિસ જેવા રોગોનું જોખમ હોવા છતાં લોકો હજી પણ સેક્સ કરે છે અને "રસીકરણ તેનો એકમાત્ર વિકલ્પ છે".
આ વાઇરસની બાબતમાં એક સારી વાત એ છે કે સદનસીબે શીતળાની રસીનો ઉપયોગ એને નાબૂદ કરવા માટે કરવામાં આવ્યો અને એ મંકીપૉક્સને રોકવામાં લગભગ 85% અસરકારક સાબિત થઈ છે.
જોકે તેનો પુરવઠો મર્યાદિત છે, કારણ કે એવો તો કોઈને સપનેય ખ્યાલ નહોતો કે મંકીપૉક્સ ફાટી નીકળશે.
જોકે, જોખમમાં રહેલી દરેક વ્યક્તિને સંક્રમણથી બચાવવા માટે રસીકરણની જરૂર નથી. "હર્ડ ઇમ્યુનિટી" વિકસી જાય તો વાઇરસ ફેલાઈ શકતો નથી.
કોવિડ સહિત અન્ય રોગો કરતાં મંકીપૉક્સના કેસમાં હર્ડ ઇમ્યુનિટી ખૂબ સરળ રહેશે.
લોકો
ગે, બાયસેક્સ્યુઅલ અને અન્ય પુરુષો સાથે સમાગમ કરતા લોકો તત્કાલ મંકીપૉક્સની ચપેટમાં આવી શકે છે.
જોકે, આ જ હકીકત વાઇરસને નિયંત્રિત કરવાનું સરળ બનાવી શકે છે, કારણ કે એકંદરે વાઇરસ એવા જૂથને ટાર્ગેટ કરે છે જે જાતીય સ્વાસ્થ્ય સાથે વધુ જોડાયેલું છે. આનો ઉકેલ એ છે કે આખી વસ્તીને બદલે પુરુષો સાથે સંભોગ કરતા પુરુષોને રસી આપવી.
બીજી રાહતની વાત એ છે કે એવા દેશોમાં જ્યાં પુરુષો વચ્ચે સેક્સ ગેરકાયદેસર છે ત્યાં મંકીપૉક્સનો ફેલાવો આપોઆપ નિયંત્રિત રહી શકે છે.
બ્રિટનની યુનિવર્સિટી કૉલેજના પ્રોફેસર ફ્રાન્કોઈસ બેલોક્સ જણાવે છે કે, "કેટલાક દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને કેટલાક પાસે મંકીપૉક્સના પરીક્ષણની ઇચ્છાશક્તિ નથી, કારણ કે તેમાં એવા પુરુષો છે જે પુરુષો સાથે સેક્સ કરે છે."
એલજીબીટી - લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર - અધિકારોને સમર્થન આપતા દેશોમાં ફફડાટ છે. લોકોને 'દો ગજ દૂરી' રાખવાનો આગ્રહ પણ અણધાર્યાં પરિણામો લાવી શકે છે તે આપણે કોવિડમાં જોયું છે.
પ્રોફેસર હન્ટર કહે છે, "તેમાં પત્ની હોય કે માતાપિતા, તમારા શારીરિક સંપર્કો કોની સાથે હતા તે જાહેર ન કરવાનું ભારે દબાણ હોય છે."
તો શું મંકીપૉક્સને અટકાવી શકાશે?
પહેલેથી જ કેટલાક દેશોમા આ વાઇરસે માઝા મૂકી હોવાનું જણાય છે.
યુકે કહે છે કે ચેપની સંખ્યા રોજના લગભગ 35 હોવાનું જણાય છે. પરંતુ યુ.એસ. સહિત અન્યત્ર કેસો સતત વધી રહ્યા છે અને તેમણે કટોકટી જાહેર કરી છે.
માત્ર આ સમૃદ્ધ દેશો માટે વાઇરસની ટોચ પર પહોંચી જવું પૂરતું નથી, કેમ કે 80થી વધુ દેશોમાં આ રોગનો લાંબો ઇતિહાસ નથી.
પ્રોફેસર બેલોક્સ કહે છે, "એ કહેવું અઘરું છે કે શું તે સંપૂર્ણપણે નિયંત્રિત થઈ શકશે, કેટલાક દેશોમાં ઉછાળો આવશે, કેટલાકમાં કદાચ નહીં આવે."
મંકીપૉક્સ માટે ડબ્લ્યુએચઓના તકનીકી અગ્રણી ડૉ. રોસામંડ લુઈસ કહે છે કે મહામારી અટકાવવી "શક્ય" છે, પરંતુ સાથે એ ચેતવણી છે કે એ પણ સ્પષ્ટ નથી કે સંસ્થા મહામારીને રોકવા માટે દેશો અને સમુદાયોને પૂરતા પ્રમાણમાં સમર્થન આપી શકશે કે કેમ?"
જ્યાં મંકીપૉક્સની સતત હાજરી છે તે આફ્રિકાના દેશોમાં વાઇરસનો સામનો કરવાનો પડકાર રહેશે, કારણ કે ત્યાં વાઇરસનું સતત જંગલી પ્રાણીઓમાંથી લોકોમાં સંક્રમણ થાય છે.
અભ્યાસોએ બતાવ્યું છે કે શીતળા નાબૂદી કાર્યક્રમનો અંત આવ્યો ત્યારથી સમસ્યા વધુ વકરી રહી છે, કારણ કે 50 વર્ષથી ઓછી વયના જૂજ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હશે.
પ્રોફેસર હન્ટર કહે છે કે માત્ર એક જ વસ્તુ તેને અટકાવી શકે અને તે છે સામૂહિક રસીકરણ અભિયાન. પરંતુ આફ્રિકામાં એક મોટી ચર્ચા ચાલી રહી છે કે આવું અભિયાન યોગ્ય છે કે તે ખરેખર જરૂરી છે?"
સંક્ષિપ્તમાં: મંકીપૉક્સની મહામારી અટકાવી શકાય તેમ છે?
- મંકીપૉક્સની 88 દેશમાં આ રોગના લગભગ 27,000 કેસની પુષ્ટિ થઈ છે
- તેમાં મોટે ભાગે એવા પુરુષો છે જે અન્ય પુરુષો સાથે સેક્સ કરતા હોય છે
- વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન કહે છે કે આ વૈશ્વિક કટોકટી છે
- યુકે કહે છે કે ચેપની સંખ્યા રોજના લગભગ 35 હોવાનું જણાય છે
- યુ.એસ. સહિત અન્યત્ર કેસો સતત વધી રહ્યા છે અને તેમણે કટોકટી જાહેર કરી છે
- આપણે મંકીપૉક્સના સગોત્ર વાઇરસ સ્મોલપૉક્સ (શીતળા)ને હરાવવાના સૌથી મોટા પડકારને પાર પાડવામાં સફળ થયા છીએ
- શીતળાની રસીનો ઉપયોગ તે વાઇરસને નાબૂદ કરવા માટે કરવામાં આવ્યો હતો અને તે મંકીપૉક્સને રોકવામાં લગભગ 85% અસરકારક સાબિત થઈ છે
- અભ્યાસોએ બતાવ્યું છે કે શીતળા નાબૂદી કાર્યક્રમનો અંત આવ્યો ત્યારથી સમસ્યા વધુ વકરી રહી છે
- કારણ કે 50 વર્ષથી ઓછી વયના જૂજ લોકોનુ રસીકરણ કરવામાં આવ્યું હશે
- ચિંતા એ છે કે મંકીપૉક્સ ફક્ત ચેપગ્રસ્ત પ્રાણીઓ ધરાવતા દેશોમાં જ નહીં પરંતુ વિશ્વભરના લોકોમાં કાયમી ધોરણે હાજર રહેશે
- એવો ભય છે કે વાઇરસ અન્ય પ્રાણીઓમાં પગદંડો જમાવી શકે છે અને પ્રજાતિઓ વચ્ચે સંક્રમણ શરૂ કરી શકે છે
- યુ.એસ.માં 2003માં પાલતુ કૂતરાંઓ દ્વારા મંકીપૉક્સ ફેલાયો હતો જેના કારણે છ રાજ્યોમાં 47 કેસ નોંધાયા હતા
જો મંકીપૉક્સ પર નિયંત્રણ નહીં મેળવીએ તો શું થશે?
ચિંતા એ છે કે મંકીપૉક્સ ફક્ત ચેપગ્રસ્ત પ્રાણીઓ ધરાવતા દેશોમાં જ નહીં પરંતુ વિશ્વભરના લોકોમાં કાયમી ધોરણે હાજર રહેશે.
આ ક્ષણે તો તે સજાતિય પુરુષોમાં ફેલાય છે, પરંતુ તેનો ફેલાવો જેટલો લાંબો સમય ચાલશે, તેટલો વાઇરસ પોતાને વ્યાપક રીતે સ્થાપિત કરે તેવી શક્યતા વધારે છે.
બાળકો અને મહિલાઓમાં સંક્રમણના એકલદોકલ કિસ્સાઓ જોવા મળ્યા છે, પરંતુ તે વર્ગખંડો અથવા કાર્યસ્થળોમાં ફાટી નીકળ્યો નથી.
જોકે, જોખમ તો વધે જ છે, કારણ કે વાઇરસને લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ બનવા માટે સમય મળી રહે છે. કોવિડ કેવી રીતે વિકસિત થયો અને ઑમિક્રોન જેવા પ્રકારો આપણને ચેપ લગાડવામાં વધુ અસરકારક કેવી રીતે બન્યા તે આપણે જોયું છે.
પ્રોફેસર બેલોક્સે કહે છે, "જ્યાં સુધી વાઇરસનું સ્વરૂપ બદલાય નહીં ત્યાં સુધી હું નથી માનતો કે તે બાળકોમાં અથવા જેમની પાસે વધુ સેક્સ પાર્ટનર નથી એવા લોકોમાં ફેલાશે."
તેઓ ઉમેરે છે, "પરંતુ વાઇરસ જેટલો લાંબો સમય રહેશે, તેટલું તેમના વૅરિયન્ટનું જોખમ વધારે રહેશે."
બીજી સમસ્યા એ છે કે મંકીપૉક્સ આફ્રિકામાં ખિસકોલી, ઉંદર, ડોર્મિસ અને વાંદરાંઓ સહિતનાં સસ્તન પ્રાણીઓની વિશાળ શ્રેણીને ચેપ લગાડે છે.
એવો ભય છે કે વાઇરસ અન્ય પ્રાણીઓમાં પગદંડો જમાવી શકે છે અને પ્રજાતિઓ વચ્ચે સંક્રમણ શરૂ કરી શકે છે. યુ.એસ.માં 2003માં પાલતુ કૂતરાંઓ દ્વારા મંકીપૉક્સ ફેલાયો હતો જેના કારણે છ રાજ્યોમાં 47 કેસ નોંધાયા હતા.
મંકીપૉક્સના આ પ્રકોપનો સામનો કરવો શક્ય છે, પરંતુ આપણે તેને જેટલો લાંબો સમય સુધી રહેવા માટે જગ્યા આપીશું તેટલી મુશ્કેલી અને જોખમ વધશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો