શ્રીલંકા : સુરક્ષાદળોના પ્રદર્શનકારીઓના કૅમ્પ પર દરોડા, બીબીસીના પત્રકાર પર હુમલો
- લેેખક, જ્યૉર્જ રાઇટ
- પદ, બીબીસી ન્યૂઝ
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં સરકારવિરોધી પ્રદર્શનકારીઓના કૅમ્પ પર સુરક્ષાદળોએ દરોડા પાડ્યા છે અને તંબુઓ તોડવાનું શરૂ કર્યું છે. સેંકડો સૈનિકો અને પોલીસકર્મીઓ રાષ્ટ્રપતિ કાર્યાલયની બહાર પ્રદર્શનકારીઓને ખસેડી રહ્યા છે, એવાં દૃશ્યો સામે આવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના એક વીડિયો જર્નાલિસ્ટ પર પણ હુમલો થયો હતો અને તેમનો ફોન છીનવીને તેમાંથી વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.
રનિલ વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા એ બાદ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આ પગલાં લેવાનું સેના અને સુરક્ષાદળોએ શરૂ કર્યું છે.
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ગયા અઠવાડિયે જ દેશ છોડીને ચાલ્યા ગયા હતા.
પૂર્વ વડા પ્રધાન અને વર્તમાન રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે સામેનો રોષ લોકોમાં દેખાય છે, તેમણે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારને તોડી પાડવા કે પછી સરકારી ઇમારતો પર કબજો કરવાનો કોઈ પણ પ્રયાસ લોકશાહી નથી અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાયદા અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે.
પ્રદર્શનકારીઓમાં ચિંતા છે કે સરકાર ધીમેધીમે વિરોધ આંદોલનને વહેલા કે મોડા તોડી નાંખશે.

બીબીસી સંવાદદાતા પર હુમલો
અનબરાસન એથિરાજન દ્વારા, બીબીસી ન્યૂઝ કોલંબો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે અમે સાંભળ્યું કે કોલંબોમાં વહેલી સવારે સૈનિકોએ સરકારવિરોધી પ્રદર્શનકારીઓના કૅમ્પ પર દરોડા પાડવાનું શરૂ કર્યું ત્યારે અમે શ્રીલંકાના રાષ્ટ્રપતિના કાર્યાલય સામે જ હતા.
જોતજોતામાં રમખાણો રોકવા માટેનાં શસ્ત્રસરંજામ સાથે સૈનિકો બંને બાજુએથી ત્યાં આવવા લાગ્યા, તેમના ચહેરા ઢાંકેલા હતા.
જ્યારે પ્રદર્શનકારીઓએ વાંધો ઉઠાવ્યો તો તેઓ આક્રમક બનીને આગળ વધ્યા અને લોકોને પાછળ ધકેલવા લાગ્યા.
ગણતરીની સેકંડોમાં અમે સૈનિકોને બૂમો પાડતા, ફૂટપાથ પરના તંબુઓ અને સ્ટેજ તોડતા જોયા. સૈનિકો રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પણ પહોંચી ગયા હતા અને આસપાસથી લોકોને દૂર કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે તેઓ શુક્રવારે રાષ્ટ્રપતિ કાર્યાલય પાછું સોંપી દેશે.
રાષ્ટ્રપતિ કાર્યાલયની આસપાસથી પ્રદર્શનકારીઓને દૂર ખસેડવામાં આવી રહ્યા હતા. અમે જ્યારે આ વિસ્તારમાંથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે સૈનિકોથી ઘેરાયેલી અને સાદાં કપડાંમાં ઊભેલી વ્યક્તિએ મારા સાથીને બૂમ પાડી.
બૂમો પાડી રહેલી વ્યક્તિએ ફોનમાંથી વીડિયો ડિલીટ કરવા કહ્યું. ગણતરીની સેકંડોમાં તેણે મારા સાથીદારને મુક્કો માર્યો અને તેનો ફોન ઝૂંટવી લીધો.

શ્રીલંકા વિશે આ જાણો

- શ્રીલંકા, ભારતના દક્ષિણમાં સ્થિત એક દ્વીપ છે. 1948માં અંગ્રેજી શાસનથી આઝાદી મળી હતી. અહીં મુખ્યત્વે સિંહલી, તામિલ અને મુસ્લિમ લોકો રહે છે. દેશની કુલ 2.2 કરોડની વસતીમાં આ ત્રણેયનો ભાગ 99 ટકા છે.
- શ્રીલંકાની સત્તા પર ગત કેટલાંય વર્ષોથી એક જ પરિવારનો કબજો છે. 2009માં તામિલ અલગતાવાદીઓનો પૂર્ણ રીતે સફાયો કર્યા બાદ મહિંદા રાજપક્ષે દેશના બહુમતી સિંહલીઓ વચ્ચે એક હીરો બની ગયા.
- તેમના ભાઈ ગોટબાયા રાજપક્ષે અત્યારે દેશના રાષ્ટ્રપતિ છે અને દેશની બહાર જતા રહ્યા છે.
- શ્રીલંકા આઝાદી બાદ અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનું લક્ષ્ય

ઇમેજ સ્રોત, Reuters
રનિલ વિક્રમસિંઘેએ રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે તેમણે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઈએમએફ) પાસેથી આશરે ત્રણ બિલિયન ડૉલરના બેલઆઉટ પૅકેજ માટે વાટાઘાટો ફરી શરૂ કરી છે.
શ્રીલંકામાં છેલ્લા ઘણા મહિનાઓથી વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે કારણ કે દેશ નાદાર થઈ ચૂક્યો છે અને ખોરાક, ઈંધણ અને અન્ય મૂળભૂત ચીજવસ્તુઓના પુરવઠાની તીવ્ર અછત છે.
હજારો પ્રદર્શનકારીઓએ ગયા અઠવાડિયે કોલંબોમાં રાજપક્ષે અને વિક્રમસિંઘેના વિરોધમાં રેલીઓ યોજીને તેમના રાજીનામાની માગ કરી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ વહેલી સવારે દેશ છોડીને ભાગી ગયા હતા. દેશ છોડીને તેઓ સૌથી પહેલાં માલદિવ્સ અને ત્યાંથી સિંગાપોર ગયા હતા. સિંગાપોરથી તેમણે સત્તાવાર રીતે પોતાનું રાજીનામું મોકલાવ્યું હતું.
રાજપક્ષેના રાજીનામા બાદ રનિલ વિક્રમસિંઘે કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા અને જાહેર વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા જરૂરી પગલાં લેવાનો સેનાને આદેશ આપ્યો હતો. આ સાથે દેશમાં જાહેર કરાયેલી ઇમર્જન્સીની મુદ્દત વધારી હતી.
અગાઉ છ વખત વડા પ્રધાન રહી ચૂકેલા રનિલ વિક્રમસિંઘે હવે નવેમ્બર 2024 સુધી રાષ્ટ્રપતિપદ પર રહેશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













