શ્રીલંકા સંકટ : દેવાળિયા થયેલા દેશમાં લોકોનું જીવન કેવું હોય છે?
- લેેખક, ઍન્ડ્ર્યુ ફિદેલ ફર્નાન્ડો
- પદ, લેખક અને પત્રકાર, કોલંબોથી
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ પોતાનું રાજીનામું શ્રીલંકાની સંસદના અધ્યક્ષને ઈમેલ દ્વારા મોકલી આપ્યું છે.
શ્રીલંકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા રાજીનામા પત્ર પર હસ્તાક્ષર કરીને મોકલ્યા પછી રાજીનામાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. પરંતુ ત્યાર બાદ પણ રનિલ વિક્રમસિંઘે શપથ ન લે ત્યાં સુધી વચગાળાના રાષ્ટ્રપતિ નહીં બને. ત્યાં સુધી તેઓ કાર્યવાહક પ્રમુખ રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો અહીં વીજકાપને કારણે ભેજવાળા વાતાવરણમાં રાત્રે સૂવું મુશ્કેલ છે.
દેશના નાદાર થવા અને ઈંધણની કમીને કારણે વીજકાપ દરરોજની વાત છે અને તેના કારણે લોકોનું જીવન ખોરવાઈ ગયું છે.
આ પરિસ્થિતિમાંથી જલદી બહાર નીકળાય એવું લાગતું નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતો એક મહિનામાં બમણી થઈ ગઈ છે.
આવા માહોલમાં ગત અઠવાડિયામાં જ જાણે લોકોની મુશ્કેલીઓમાં અનેક ગણો વધારો થયો છે.
લોકોને ન તો સવારનો નાસ્તો અને ન તો બપોરનું ભોજન સરખી રીતે નસીબ થઈ રહ્યું છે. લોકો માટે કામ કરવું પણ જરૂરી છે. પરંતુ ઘરેથી નીકળીને કામ પર જવા માટે લોકોને પરિવહનની સુવિધા પણ મળવામાં અડચણો છે, કારણ કે જાહેર પરિવહન વ્યવસ્થા પણ ઈંધણના સંકટને કારણે ખોરવાઈ ગઈ છે.

શ્રીલંકા વિશે આ જાણો

- શ્રીલંકા, ભારતના દક્ષિણમાં સ્થિત એક દ્વીપ છે. 1948માં અંગ્રેજી શાસનથી આઝાદી મળી હતી. અહીં મુખ્યત્વે સિંહલી, તામિલ અને મુસ્લિમ લોકો રહે છે. દેશની કુલ 2.2 કરોડની વસતીમાં આ ત્રણેયનો ભાગ 99 ટકા છે.
- શ્રીલંકાની સત્તા પર ગત કેટલાંય વર્ષોથી એક જ પરિવારનો કબજો છે. 2009માં તામિલ અલગતાવાદીઓનો પૂર્ણ રીતે સફાયો કર્યા બાદ મહિંદા રાજપક્ષે દેશના બહુમતી સિંહલીઓ વચ્ચે એક હીરો બની ગયા.
- તેમના ભાઈ ગોટબાયા રાજપક્ષે અત્યારે દેશના રાષ્ટ્રપતિ છે અને દેશની બહાર જતા રહ્યા છે.
- શ્રીલંકા આઝાદી બાદ અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

પેટ્રોલ-ગૅસ માટે લાંબી લાઇનો

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાનાં શહેરોમાં આ સમયે ઈંધણની એટલી બધી અછત છે કે તેના માટે લાગેલી લાઇનો આખા મહોલ્લામાં ફેલાયેલી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લાઇનો ઘટવાને બદલે દિવસેદિવસે વધુ લાંબી થઈ રહી છે. આનાથી રસ્તા પર ટ્રાફિકજામ પણ વધી રહ્યો છે અને કેટલાય લોકોની રોજગારી પણ પ્રભાવિત થઈ રહી છે.
ટુક-ટુક એટલે કે ઑટો રિક્ષાના ડ્રાઇવર પોતાના આઠ લિટરના ટૅન્ક સાથે લાંબી લાઇનોમાં કેટલાય દિવસો સુધી રાહ જોવા માટે મજબૂર બને છે. તેમને ઇંધણ હાંસલ કરવામાં 48 કલાક પણ લાગી જતા હોય છે.
ફરીથી લાઇનમાં ન લાગવું પડે તે માટે તેઓ પોતાની સાથે સૂવાનો સામાન, કપડાં અને ખાવા-પીવાનો સામાન પણ લઈને આવે છે.
મધ્ય અને અમીરવર્ગના લોકો કેટલાંક સ્થળો પર પોતાના પાડોશમાં લાઇનોમાં ઊભા લોકો વચ્ચે ભોજનનાં પૅકેટ અને ઠંડાં પીણાં વહેંચતાં હોય છે.
છેલ્લા કેટલાક દિવસોમાં શ્રીલંકન રૂપિયાનું મૂલ્ય ઘટી જતાં દેશમાં ખાદ્યપદાર્થો, રાંધણગૅસ, કપડાં, પરિવહન, સરકાર તરફથી મળતી મર્યાદિત વીજળી... આ બધું જ એટલું મોંઘું થઈ ગયું છે કે પૈસાનું મહત્ત્વ ઘટી ગયું છે.

દાળ હવે વિલાસની વસ્તુ

ઇમેજ સ્રોત, Getty Images
કામદારોના મહોલ્લામાં લોકો હવે સંયુક્ત રસોઈ કરી રહ્યા છે જેથી સરળતાથી ચોખા અને નારિયેળનું સાંબોલ તૈયાર થઈ શકે.
પરિસ્થિતિ એવી છે કે દાળ જેવી વસ્તુ પણ હવે વિલાસની વસ્તુઓમાં ગણાય છે.
શ્રીલંકામાં ક્યારેક તાજી માછલીઓ ભરપૂર માત્રામાં મળતી હતી અને તે પણ સસ્તી હતી.
પરંતુ હવે માછલીઓ પડકવા માટે બૉટ સમુદ્રમાં પહોંચે એ જ મુશ્કેલ બન્યું છે, કારણ કે ડીઝલ છે જ નહીં. અને જે માછીમારો માછલી પકડી શકે છે તે પોતાનો માલ હોટલ કે રેસ્ટોરાંમાં ખૂબ મોંઘો વેચી રહ્યા છે.
માછલીના ભાવ એટલા વધી ગયા છે કે મોટા ભાગના લોકો માટે માછલી ખરીદવી એ તેમના ગજાની વાત નથી રહી.

બાળકોની એક પેઢીને પ્રોટીનયુક્ત ભોજન નસીબ નહીં

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકામાં હાલની પરિસ્થિતિમાં મોટાં ભાગનાં બાળકોની થાળીમાં લગભગ પ્રોટીનયુક્ત ભોજન નથી હોતું. આ સંકટ એટલું ગંભીર છે કે આનાથી દેશની મૅક્રોઇકૉનૉમીથી લઈને મૉલિક્યૂલર ઇકૉનૉમી સુધી બધી વસ્તુઓ પ્રભાવિત થઈ છે.
બાળકોનાં શરીરને એ પોષણ નથી મળી રહ્યું જે તેમના માટે જરૂરી છે. દેશમાં મિલ્ક પાઉડરની જેટલી કુલ જરૂર છે તેમાંથી મોટા ભાગના મિલ્ક પાઉડરની આયાત કરાય છે એટલે બજારમાં મિલ્ક પાઉડર પણ મુશ્કેલીથી મળે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘે હવે શ્રીલંકામાં કુપોષણ અને માનવીય સંકટની ચેતવણી આપી છે. મહિનાઓથી લોકો ભોજનના સંકટનો સામનો કરી રહ્યા છે.

પરિવહનની વ્યવસ્થા ખોરવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
જે લોકો હજી અહીં આવનજાવન કરી શકે છે, તેમનો મુખ્ય સહારો બસ અને ટ્રેન છે. બસો અને ટ્રેનોની હાલત એટલી ખરાબ છે કે ભીડને કારણે ક્યાંક આ પરિવહનતંત્ર ખોરવાઈ ન જાય તેવી આશંકા છે.
યુવા લોકો તો બહારની તરફ લટકીને બસ અને ટ્રેનમાં હવા લઈ શકે છે પરંતુ અંદર બેસતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બને છે.
શ્રીલંકામાં કેટલાક દાયકાઓમાં જાહેર પરિવહનતંત્રમાં પૂરતું રોકાણ નથી કરવામાં આવ્યું. ત્યાં જ બસ અને રિક્ષાચાલકો મનમરજી કરી રહ્યા હોવાની ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે.

જરૂરી દવા ન મળતાં કેટલાંયનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાની આવી હાલત માટે રાજકીય અને આર્થિક જગતના સમૃદ્ધ લોકોને જવાબદાર ગણાવાઈ રહ્યા છે. પરંતુ આની સૌથી ખરાબ અસર નિમ્ન મધ્યમ અને કામદારવર્ગ પર થઈ છે.
ખાનગી હૉસ્પિટલ તો કોઈ રીતે કામ ચલાવી રહી છે પરંતુ સરકારી હૉસ્પિટલોની હાલત ખરાબ છે. હાલમાં જ અનુરાધાપુરામાં 16 વર્ષના એક કિશોરનું સાપ કરડ્યા બાદ સારવાર ન મળવાને કારણે મૃત્યુ થયું હતું.
તેમના પિતા સરકારી હૉસ્પિટલમાં 'ઍન્ટી વેનમ' ઇન્જેક્શન ન મળતાં કેટલીક દવાની દુકાનોમાં તેને શોધતા રહ્યા પરંતુ તેમને ક્યાંક આ દવા ન મળી.
દેશનું આરોગ્યતંત્ર હવે જીવનરક્ષક દવાઓ ખરીદવામાં સક્ષમ નથી. મે મહિનામાં જૉન્ડિસથી પીડાતા બે દિવસના એક બાળકનું મૃત્યુ થયું હતું. તેનું કારણે એ હતું કે તેનાં માતાપિતા હૉસ્પિટલ જવા માટે રિક્ષા શોધતાં રહી ગયાં પણ હૉસ્પિટલ પહોંચવાનું સાધન ન મળ્યું.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું કે 2019માં શ્રીલંકાની સરકાર તરફથી ટૅક્સમાં છૂટ આપવાને કારણે દેશનો ખજાનો ખાલી થઈ ગયો અને દેશની આવી હાલત થઈ.
ઉલ્લેખનીય છે કે આ છૂટની વકીલાત કૉર્પોરેટ અને પ્રોફેશનલ સંસ્થાનોએ કરી હતી.
બ્લૅક માર્કેટમાં ઈંધણ અત્યારે પણ ખૂબ મોંઘું છે. આ ઈંધણ મોટી ખાનગી ગાડીઓ અને જનરેટર ચલાવવા માટે વપરાઈ રહ્યું છે.
નબળી આર્થિક સ્થિતિને કારણે લોકો કામ પર જવા માટે સાઇકલ ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કરન્સીનું મૂલ્ય તળિયે પહોંચી જવાથી હવે લોકોને સાઇકલ પણ ખરીદવી પોસાતી નથી.

વીજળી ગાયબ અને લોકોનો રોષ

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચના અંતમાં શરૂ થયેલો વીજકાપ હવે અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાં છે. સતત વીજકાપને કારણે કોલંબોમાં વિરોધપ્રદર્શન થયાં છે. વર્ષના સૌથી ગરમ ગણાતા દિવસોમાં રોજ 13 કલાકના વીજકાપથી લોકો કંટાળી ગયા છે.
આ અનુભવ એટલો બિહામણો છે કે આખા દેશમાં ભયંકર રોષની લહેર ફરી વળી છે. કોલંબોના પૂર્વમાં આવેલા રાષ્ટ્રપતિભવન પર લોકો ઘૂસી ગયા હતા. ગત એક વર્ષમાં શ્રીલંકામાં જેટલાં વિરોધપ્રદર્શન થયાં છે તેમાં આ સૌથી મોટું પ્રદર્શન હતું.
મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિએ રાજકીય સંગઠનો, પાદરીઓ અને મીડિયાની બેઠકમાં કહ્યું કે આ સરકાર કેટલીક પેઢીઓની સૌથી સ્વાર્થી અને અયોગ્ય સરકાર છે.
પછી, સુદારા નદીશ નામની તે વ્યક્તિને પોલીસે બેરહેમીથી મારી હતી. કેટલાક અન્ય લોકોની સાથે તેમની ધરપકડ કરાઈ હતી.
અગાઉ શ્રીલંકા 26 વર્ષ સુધી ગૃહયુદ્ધમાં સંપડાયેલું રહ્યું પરંતુ ગૃહયુદ્ધ સમાપ્ત થયા બાદ ગોટબાયા રાજપક્ષે જેટલા સેનાની નજીક રહ્યા તેટલા અન્ય કોઈ રાષ્ટ્રપતિ નથી રહ્યા.

ઇમેજ સ્રોત, EPA
દક્ષિણ શ્રીલંકાના લોકોને છેલ્લા કેટલાક મહિનામાં એ સમજાયું કે ઉત્તરી શ્રીલંકાના લોકોનો દૃષ્ટિકોણ કેમ અલગ છે.
ગત કેટલાક મહિનાઓ દરમિયાન શ્રીલંકામાં થયેલા કેટલાંક શાંતિપૂર્ણ પ્રદર્શનોમાં પોલીસે ગોળીબાર કર્યો. બાળકોની ઉપસ્થિતિમાં ભીડ પર અશ્રુગૅસ છોડ્યા.
જરૂરી સામાન ખરીદવા માટે લાઇનમાં ઊભા લોકો દ્વારા થોડી પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી તો તેમને ઢોર માર મારવામાં આવ્યો.
પોલીસ અનુસાર પ્રદર્શન કરનારાઓ તરફથી ફેકવામાં આવેલા પથ્થરથી કેટલાક અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે પોલીસે જવાબમાં કરેલી કાર્યવાહીમાં કેટલાક પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં અને કેટલાક ઘાયલ થયા. માનવામાં આવ્યું કે પોલીસની કાર્યવાહી જરૂર કરતાં વધારે કડક હતી.
નેતાઓએ પણ સોશિયલ મીડિયામાં પ્રદર્શનકારીઓની તસવીરો પોસ્ટ કરીને લોકોને ઉશ્કેર્યા હતા.
જનતાએ જ્યારે રાષ્ટ્રપતિ અને તેમની પાર્ટીને સત્તા પરથી હટાવવાની માગ કરી તો પણ તેઓ જીદ્દ કરીને સત્તા પર રહ્યા છે.
જનતાના રોષ છતાં પરદા પાછળ સમજૂતી કરવાના પ્રયત્ન થયા. કેટલાક લોકોનું માનવું છે કે આ દેશના રાજકારણમાં ઝેર ભેળવવા જેવું કામ હતું.
શ્રીલંકાને આ ખાડામાં ધકેલનાર નેતાઓએ જ દાવો કર્યો કે તેઓ જ દેશને આ પાયમાલીમાંથી બહાર લાવી શકશે. જોકે તેમણે જે નીતિઓ બનાવી તેની ખૂબ ટીકા થતી રહી છે.

મુશ્કેલીનો અંત ક્યારે આવશે?

ઇમેજ સ્રોત, EPA
દાખલા તરીકે ઘરેલુ નોકરી, ડ્રાઇવરો અને મેકનિકનું કામ કરવા માટે પશ્ચિમ એશિયા મોકલવાનો પ્રયત્ન થયા જેથી આ લોકો ત્યાંથી પૈસા શ્રીલંકા મોકલી શકે.
પરંતુ આ દેશમાં નબળા વર્ગના ઘા પર મીઠું ભભરાવવા જેવું હતું, કારણ કે ઓછા ભણેલા અને ગરીબ લોકો માટે દેશમાં રોજગાર નથી અને તેમણે પોતાના પરિવારજનોને બહાર મોકલવા પડે છે.
ઍન્થ્રોપોલૉજીના એક જાણકારે આ નીતિને જોતાં શ્રીલંકાને 'વૅમ્પાયર સ્ટેટ' ગણાવ્યું છે.
આ રીતે શ્રીલંકામાં લોકો સવારથી સાંજ સુધી 'જિંદગી એક જંગ'ની જેમ જીવી રહ્યા છે. લોકોને સમજાતું નથી કે તેમની મુશ્કેલીઓનો અંત કેવી રીતે અને ક્યારે આવશે.
શિક્ષણ, રોજગાર, દવાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી પણ શ્રીલંકામાં દુર્લભ છે.
દેશમાં શાળાઓ હાલમાં બંધ છે, કારણ કે બાળકોને બસોમાં શાળાએ લઈ જવા માટે ઈંધણ નથી. સતત ત્રણ વર્ષથી ક્લાસ ઑનલાઇન ચાલી રહ્યા છે.
સરકારે પણ જે વાયદા કર્યા તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ થતી રહી છે. જનતા એટલી હદે હતાશ છે કે ગત અઠવાડિયએ એક માતા પોતાનાં બે બાળકો સાથે નદીમાં કૂદી ગયાં. આ રીતે શ્રીલંકામાં લોકોનાં હૃદય દરરોજ તૂટે છે.
(શ્રીલંકામાં રહેનારા ઍન્ડ્ર્યુ ફર્નાન્ડો પુરસ્કાર વિજેતા લેખક અને પત્રકાર છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













