અફઘાનિસ્તાન ભૂકંપ : સેંકડો બાળકોનાં મૃત્યુની આશંકા, હજારો લોકો બેઘર

ઇમેજ સ્રોત, EPA

- આ ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને 1500થી વધુ લોકો ઘાયલ થયા છે.
- કાટમાળમાં હજુ અસંખ્ય લોકો ફસાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
- ભૂકંપે પક્તિકા પ્રાંતમાં ભારે તારાજી સર્જી છે અને ગયાનમાં એક આખેઆખું ગામ જમીનદોસ્ત થઈ ગયું છે.
- તાલિબાને આંતરરાષ્ટ્રીય સહાય માટે ટહેલ નાખી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અફઘાનિસ્તાનમાં મદદ પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

અફઘાનિસ્તાનના તબીબોએ બીબીસીને જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં બુધવારે આવેલા ભૂંકપનો સૌથી મોટો ભોગ બાળકો બન્યાં છે.
રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતાના ભૂકંપ અને ત્યાર બાદ ભારે વરસાદથી અત્યાર સુધી એક હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે મોટાભાગનાં કાચા મકાનો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે.
છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાન માટે આ સૌથી ભયાનક ભૂકંપ છે.
આ હોનારતમાં સંચાર સંસાધનો પણ પ્રભાવિત થયા છે. તાલિબાનની સરકારે આંતરરાષ્ટ્રીય મદદની માગ કરી છે.
તાલિબાનના પ્રવક્તાએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે અમે લોકો સુધી પહોંચી શકતા નથી. વાર્તાલાપના સંસાધનો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

ઇમેજ સ્રોત, EPA
યુનાઇટેડ નેશન્સ સહિતની એજન્સીઓ હાલ રાહતકાર્ય કરી રહી છે. તેઓ વિસ્થાપિતોને રહેવા માટે જગ્યા અને ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.
આ હોનારત પહેલાં જ અફઘાનિસ્તાનની સ્વાસ્થ્ય પડી ભાંગેલી હાલતમાં હતી.
બચાવકર્તાઓ અને બચેલાં લોકોએ બીબીસીને જણાવ્યું કે ભૂકંપના ઍપિસેન્ટર પાસેના ગામ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. રસ્તા, મોબાઇલ ટાવર તૂટી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સત્તાધીશોને ભય છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે 1500થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.

ઇમેજ સ્રોત, Reuters
મોટાભાગની જાનહાનિ પક્તિકા પ્રાંતના ગયાન અને બરમાલ જિલ્લામાં નોંધાઈ છે. સ્થાનિક અહેવાલો અનુસાર, આ જિલ્લામાં એક ડઝનથી વધુ ગામડાંઓ પ્રભાવિત થયા છે.
હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલી એક મહિલાએ પત્રકારોને જણાવ્યું કે આ હોનારતમાં તેમનાં પરિવારના 19 સદસ્યો મૃત્યુ પામ્યાં છે.
હૉસ્પિટલની પથારીએથી તેણે જણાવ્યું, "એક રૂમમાં સાત, બીજા રૂમમાં પાંચ, ત્રીજા રૂમમાં ચાર અને ચોથા રૂમમાં ત્રણ લોકો હતાં. પરિવારનાં બધા જ લોકો મૃત્યુ પામ્યાં."
હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલા અન્ય એક વ્યક્તિ શાબિરે કહ્યું, "અચાનક ઝટકો અનુભવાયો અને મારો પલંગ હલવા લાગ્યો. ઘરની સીલિંગ પડી અને હું તેની નીચે ફસાઈ ગયો. મને આકાશ દેખાતું હતું. મારો ખભો ખસી ગયો હતો. મારું માથું દુખતું હતું પણ હું જેમતેમ કરીને બહાર નીકળ્યો. હું ચોક્કસ છું કે મારા પરિવારના સાતથી નવ લોકો મૃત્યુ પામ્યાં છે જે તે સમયે મારી સાથે તે જ રૂમમાં હાજર હતા."


અફઘાનિસ્તાનમાં હાલની પરિસ્થિતિ

- તાલિબાનનું શાસન: અમેરિકન સૈન્યની 20 વર્ષની હાજરી બાદ ગયા વર્ષે ઇસ્લામિક જૂથ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો અને ત્યાર બાદથી તેઓ શાસન કરી રહ્યા હતા
- અન્ન સંકટ: અફઘાનિસ્તાનમાં ત્રીજા ભાગના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને દેશનું અર્થતંત્ર પણ પડી ભાંગ્યુ છે. તાલિબાને સત્તા આંચકી તે સમયથી વિદેશી હૂંડિયામણ અને રોકડ ન હોવાથી મોટાભાગના લોકોને પૂરતું અન્ન પણ મળી રહ્યું નથી
- મહિલા અધિકારો પર પ્રતિબંધ: મહિલાઓને જાહેરમાં પોતાના મ્હોં છૂપાવીને ફરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે સગીરાઓને શાળામાં જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે

ભારત સુધી અનુભવાયો આંચકો

ઇમેજ સ્રોત, AFP
પક્તિકા પ્રાંતમાં મોટી સંખ્યામાં મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. તાલિબાનના નેતા હિબ્તુલ્લાહ અખુંદઝાદાએ જણાવ્યું છે કે અસંખ્ય ઘર બરબાદ થઈ ગયાં છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
તાલિબાનના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટના ઉપમંત્રી શરફુદ્દીન મુસ્લિમે પત્રકારપરિષદમાં જણાવ્યું છે કે ઓછાંમાં ઓછાં 1000 લોકો માર્યાં ગયા છે અને 1500થી વધુ ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વમાં આવેલા ખોસ્ત શહેરથી 44 કિલોમીટર દૂર નોંધાયું છે.
રૉયટર્સ યુરોપિયન મેડિટેરિયન સિસ્મૉલૉજી સેન્ટર અનુસાર ભૂકંપના આંચકા 500 કિલોમીટર દૂર સુધી અફઘાનિસ્તાનનાં વિવિધ શહેરો, પાકિસ્તાન અને છેક ભારત સુધી અનભુવાયો છે.

ફૉલ્ટલાઇનો પર વસેલું અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, EPA
અફઘાનિસ્તાન ભૂકંપસંભવિત વિસ્તારમાં આવે છે. ચમન ફૉલ્ટ, હારી રુદ ફૉલ્ટ, સૅન્ટ્રલ બદાખસ્તાન, દરવાઝ ફૉલ્ટ જેવી કેટલીય ફૉલ્ટલાઇનો ઉપર અફઘાનિસ્તાન વસ્યું છે.
યુએનની 'ઑફિસ ફૉર ધ કૉ-ઑર્ડિનેશન ઑફ હ્યુમાનિટેરિયન અફેર્સ'ના અહેવાલ અનુસાર ગત એક દાયકામાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે 7,000 કરતાં વધુ લોકોનો ભોગ લીધો છે.
આ આંક અનુસાર અફઘાનિસ્તાનમાં દર વર્ષ ભૂકંપના લીધે 560 લોકોનાં મૃત્યુ થયાં છે.
તાજેતરમાં જ જાન્યુઆરી મહિનામાં અફઘાનિસ્તાનમાં ઉપરાઉપર બે ભૂકંપ આવ્યા હતા, જેમાં 20 લોકો માર્યા ગયા હતા અને કેટલાંય મકાનો તારાજ થઈ ગયાં હતાં.
તાલિબાને દેશ પર કબજો કર્યો એ પહેલાં અફઘાનિસ્તાનમાં કુદરતી હોનારતને પહોંચી વળવા માટે ઇમર્જન્સી સેવા ઉપલબ્ધ હતી. એ અંતર્ગત રાહતકર્મીઓ માટે કેટલાંક ઍરક્રાફ્ટ અને હેલિકૉપ્ટરો પણ ફાળવાયાં હતાં.
જોકે, હાલમાં દેશ સ્વાસ્થ્ય ઉપરાંત સંબંધિત સુવિધાઓના અભાવનો પણ સામનો કરી રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં 93 ટકા ઘરોમાં ભોજનની અછત છે. દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













