રાસ બિહારી બોઝ : એ ભારતીય ક્રાંતિકારી જેણે સુભાષ બોઝને હજારો સૈનિકોની સેના આપી જે આઝાદ હિંદ ફોજ બની
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
'આઝાદ હિંદ ફોજ'ની કમાન સુભાષચંદ્ર બોઝના હાથમાં હતી અને તેમણે 'ચલો દિલ્હી'નો નારો આપ્યો હતો, પરંતુ શું તેમણે આ સંગઠનની સ્થાપના કરી હતી ? વાસ્તવમાં તેના પાયામાં પાયામાં 'ઇન્ડિયન નેશનલ આર્મી' હતી, જેની સ્થાપનાના પાયામાં રાસબિહારી બોઝ હતા.
રાસબિહારી બોઝ એવા ચળવળકર્તાઓમાંથી હતા, જેઓ માનતા હતા કે બ્રિટિશ શાસનમાંથી દેશને મુક્ત કરવા માટે સશસ્ત્ર સંગ્રામની જરૂર છે અને એટલે જ તેમણે 15-16 વર્ષની ઉંમરથી ઉગ્રવાદનો રસ્તો અખત્યાર કર્યો હતો.

ઇમેજ સ્રોત, KimHaokipINC/twitter
રાસબિહારી બેવડું જીવન જીવતા હતા. એક તરફ તેઓ સરકારી નોકરિયાત હતા, તો બીજી તરફ દેશના ક્રાંતિકારીઓને મદદ કરતા ક્રાંતિકારી હતા.
બ્રિટિશ ભારતના તત્કાલીન વાઇસરૉય હાર્ડિગ્સની પર હુમલો થયો ત્યારે તેને વખોડતી સભા તેમણે યોજી હતી, પણ વાસ્તવમાં એ હુમલામાં તેમની પ્રત્યક્ષ સંડોવણી હતી.

વાઇસરૉય પર બૉમ્બ

ઇમેજ સ્રોત, Getty Images
1857ના સંગ્રામ પછી ભારતમાંથી કંપનીરાજનું પતન થયું અને તે સીધું જ બ્રિટનની મહારાણીને આધીન આવ્યું હતું. ત્યારથી જ તેનો તમામ વહીવટ કલકત્તાથી (હાલનું કોલકત્તા) થતો હતો.
1905માં ધર્મના આધારે બંગાળનું બે પ્રાંતમાં વિભાજન કરાયું, જેના કારણે સ્થાનિકોમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આક્રોશ ફાટી નીકળ્યો. એને પગલે શહેરમાં બૉમ્બધડાકા તથા રાજકીય હત્યાઓ વધી જવા પામ્યાં હતાં.
આથી, 1911માં વાઇસરૉય હાર્ડિંગે તત્કાલીન રાજા જ્યોર્જ પંચમને પત્ર લખીને રાજધાની બદલવા માગ કરી, જેને સ્વીકારવામાં આવી.
ડિસેમ્બર-1911ની જ્યોર્જ પંચમની ભારતયાત્રા દરમિયાનના બહુચર્ચિત 'દિલ્હીદરબાર' વેળાએ નવી રાજધાનીનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. અવિભાજીત પંજાબમાંથી 'નવી દિલ્હી' માટે જગ્યા તારવવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાધાનાથ રથ તથા સાબિત્રી ચેટરજી દ્વારા સંપાદિત પુસ્તક રાધાનાથ રથ તથા સાબિત્રી ચેટરજી દ્વારા સંપાદિત પુસ્તક રાસબિહારી બાસુ : હિસ સ્ટ્રગલ ફૉર ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડૅન્સમાં લખાયું છે, "લાલ હરદયાળ અમેરિકામાં ગદ્દર આંદોલનને ફરીથી જાગૃત કરવા માટે પ્રયાસરત હતા, એવા સમયે દિલ્હીમાં રહેલા તેમના સાથીઓ માટે અનપેક્ષિત સ્થિતિ ઊભી થઈ. દેશની રાજધાનીને કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી રહી હતી. એમને લાગતું હતું કે આ તકે પરચો બતાવવો જોઈએ."
"23 ડિસેમ્બર 1912ના દિવસે અંબાડીનશીન થઈને વાઇસરૉય હાર્ડિંગની સવારીની નીકળી રહી હતી. તેમની સાથે રાજા-મહારાજા તેમના સેનાપતિઓ અને સૈનિકો હતા. એક લાખ લોકો આ કાર્યક્રમને જોવા માટે એકઠાં થયાં હતાં."
"જ્યારે સવારી ચાંદનીચોક પહોંચી ત્યારે સ્થાનિક પ્રતિનિધિઓ પુષ્પવર્ષા કરીને તથા નાળિયેર ફોડીને તેને આવકારી રહ્યા હતા. આવા સમયે વાઇસરૉયની અંબાડી સાથે એક વસ્તુ અથડાઈ અને જોરદાર વિસ્ફોટ થયો. પાસેની છત પરથી રાસબિહારી બોઝે બૉમ્બ ફેંક્યો હતો. આનંદનો માહોલ અચાનક જ માતમમાં ફેરવાઈ ગયો હતો. બોઝની સાથે બસંતકુમાર બિશ્વાસ પણ હતા."
આ હુમલામાં વાઇસરૉયની છતરી પકડનારનું મૃત્યુ થયું, જ્યારે હાર્ડિંગને ખભામાં ઈજા પહોંચી, જ્યારે તેમનાં પત્નીને કશું નહોતું થયું.
'દિલ્હી-લાહોર કાવતરા' તરીકે પંકાયેલા આ કેસ ની તપાસ એ સમયના ભારતના હોનહાર અધિકારી મનાતા ડેવિડ પેટરીને સોંપવામાં આવી, જેઓ આગળ જતાં બ્રિટનની ગુપ્તચર સંસ્થા MI5ના વડા પણ બન્યા. તેમણે કેટલાય આરોપીઓને કાયદા સામે ઊભા કરી દીધા, પરંતુ તેની પાછળના 'મુખ્ય ભેજાબાજ'ને પકડી શક્યા ન હતા.
દેહરાદૂનની ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા બોઝ એ રાત્રે જ પોલીસની નજર ચૂકવીને કામ પર પહોંચી ગયા. એટલું જ નહીં, હુમલાને વખોડતા કાર્યક્રમનું આયોજન કર્યું અને તેમાં સ્થાનિકોને એકઠા પણ કર્યાં.

ગદ્દર આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images
એ અરસામાં કૅનેડા પણ બ્રિટિશરાજને આધીન હતું, એટલે ભારતીયોને ત્યાં જવા માટે મંજૂરીની જરૂર પડતી નહોતી. અનેક ભારતીયો બ્રિટિશ સંસ્થાનોમાં કામ, અભ્યાસ અને વેપાર-રોજગાર અર્થે સ્થાયી થયા હતા.
આવા વખતે શીખ ગુરુદ્વારા તથા ભારતીય સંઘો ઉદ્વીપકની ભૂમિકા ભજવતાં. પાર્ટીના સભ્યો મલય (હાલનું મલેશિયા), ચીન, જાપાન, સિંગાપોર અને થાઇલૅન્ડ સુધી ફેલાયેલા હતા.
કૅનેડા તથા અમેરિકામાં વસતા ભારતીયોને એક કરીને લાલા હરદયાળ અને તારકનાથે આવા લોકોને એક કર્યા. કરતારસિંહ સરાબા, પંડિત કાંશીરામ, વિષ્ણુ ગણેશ પિંગળે અને ભાઈ પરમાણંદ જેવા લોકો આ ચળવળની નીપજ હતા.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ સરકાર લડાઈના મોરચે વ્યસ્ત હોય ત્યારે લાહોર, દિલ્હી, કલકત્તા અને ઢાકામાં એકસાથે બગાવતનું બ્યૂગલ ફૂંકવાનું આયોજન હતું. જર્મની દ્વારા હથિયારોની મદદ આપવામાં આવી રહી હતી.
આ પ્રવૃત્તિઓના સંકલનનું કામ બોઝને સોંપવામાં આવ્યું હતું. સંકલિત રીતે બળવાની (ગદ્દર) યોજના નિષ્ફળ રહી, જીવિત પકડાયેલાઓની જુબાનીઓને કારણે અન્યો પણ પકડાતા ગયા.
ટૂંકી સુનાવણી અનેકને ભારતમાં તથા અન્ય દેશોમાં ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા અથવા તો કાળાપાણીની સજા કરવામાં આવી.
તત્કાલીન સરકાર દ્વારા ઉદ્દામવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે કલકત્તા પોલીસમાં સ્પેશિયલ બ્રાન્ચ ઊભી કરવામાં આવી. 'ડિફેન્સ ઑફ ઇન્ડિયા ઍક્ટ, 1915' તથા બીજા વિશ્વયુદ્ધ પછી દમનકારી 'રૉલેટ ઍક્ટ' જેવા કાયદા પણ પસાર કરવામાં આવ્યા.
દિલ્હીની ઘટનાને બે વર્ષ જેટલો સમય થઈ ગયો હતો, છતાં તેઓ આઝાદ ફરી રહ્યા હતા, પરંતુ ગદ્દર પ્રવૃત્તિઓનું પગેરું દાબતી વખતે તેમનો ભાંડાફોડ થઈ ગયો હતો. આ વાતનો અણસાર આવી જતાં રાસબિહારી બોઝ બંગાળ ગયા.

બોઝનું જાપાનાયન

ઇમેજ સ્રોત, AmritMahotsav/Twitter
'ટુ ગ્રેડ ઇન્ડિયન રિવૉલ્યુશનરીઝ : રાસબિહારી બોઝ ઍન્ડ જ્યોતિન્દ્રનાથ મુખરજી' (પેજ નંબર 135-142) પુસ્તકમાં ઉમા મુખરજીએ તેમના ભારતમાંથી નિર્ગમન અંગે વિવરણ આપ્યું છે.
જે મુજબ મેરઠમાં પિંગળેની ધરપકડ બાદ નલિની મોહન મુખરજીની સાથે ગુપ્ત રીતે બોઝ હુગલીના ચંદ્રનગર આવી ગયાં, જે એ સમયે ફ્રેન્ચ સંસ્થાન હતું. અહીં મોતીલાલ રૉયની સાથે પરામર્શ બાદ તેમણે જાપાન જવું એવું નક્કી થયું.
વિખ્યાત કવિ રવિન્દ્રનાથ ટાગોર જાપાનની મુલાકાત લેવા માગે છે એટલે સંબંધી પીએન ઠાકુર આગોતરી તૈયારી કરવા માટે પહોંચ્યા છે, એવી કહાણી ઘડી કાઢવામાં આવી. ચંદ્રપુરમાં તેઓ સાગરકાલી ઘોષને ત્યા રહ્યા.
આ માટે તેમણે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો, તેઓ તિલક કરતા અને જનોઈ ધારણ કરતા.
અનુકૂલ ચક્રવર્તીએ ઢાકામાંથી રાસબિહારી ઘોષની યાત્રા માટેના પૈસાની વ્યવસ્થા કરી. 'સામૂકી મારુ' નામના જહાજમાં 'પીએન ઠાકુર'ની ટિકિટ બૂક કરવામાં આવી.
12મે, 1915ના દિવસે તેઓ ભારતમાંથી નીકળ્યા અને 5 જૂને જાપાન પહોંચ્યા.
શરૂઆતમાં આમતેમ ભટક્યા અને નાના-મોટા કામ કર્યા બાદ ટોક્યોમાં તેમની મુલાકાત આઈઝો સોમા સાથે થઈ. જેઓ જમણેરી વિચારસરણી ધરાવતા હતા.
તેઓ 'એશિયનો માટે એશિયા'નો વિચાર ધરાવતા હતા. તેમનાં પત્ની કોકો સોમા પણ અગ્રણી સામાજિક કાર્યકર હતાં.
આ અરસામાં બ્રિટિશ જાસૂસોથી બચીને રાસબિહારી બોઝ શંઘાઈ ખાતેના જર્મનીના દૂતાવાસના સંપર્કમાં હતા અને ભારતમાં હથિયાર, ગોળીઓ અને વિસ્ફોટક કૅમિકલ મોકલતા હતા.
બોઝ જાપાનમાં છે એમ જાણીને તેમના પ્રત્યાર્પણ માટે જાપાનની સરકારને પત્ર મોકલવામાં આવ્યા હતા. જાપાન આમ કરવા માટે બંધાયેલું ન હતું અને ઇચ્છુક ન હતું, છતાં દબાણ તો રહેતું જ.
બ્રિટિશ એજન્ટો તેમની હત્યા કે અપહરણ કરી શકે તેવું જોખમ સતત રહેતું. આ માટે તેમણે વારંવાર વેશ બદલવો પડતો અને નામ બદલીને મુસાફરી કરતા.
વારંવાર ભટકવું ન પડે, નામ ન બદલવા પડે એટલે માટે આઈઝો સોમા પોતાની દીકરી તોશિકોનો (Toshiko) હાથ રાસબિહારી બોઝના હાથમાં સોંપ્યો.
દંપતીને ત્યાં માશાહિદે (Masahide) નામના પુત્ર તથા તત્સુકો Tetsuko નાથી પુત્રીનો જન્મ થયો. બોઝને જાપાનનું નાગરિકત્વ મળી ગયું એ પછી તેમનું જીવન પ્રમાણમાં સરળ બન્યું. તેઓ બ્રિટનને આધીન વિસ્તારોમાં સરળતાથી અવરજવર કરી શકતા.

બે બોઝ, બે કહાણી
સુભાષચંદ્ર બોઝે તેમની રાજકીય કારકિર્દી દરમિયાન ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. આ દરમિયાન તેમની ધરપકડ થઈ અને તેમને માંડલેની જેલમાં મોકલવામાં આવ્યા. એટલું જ નહીં, તેઓ કલકત્તાના ઘરેથી ગુપ્તવેશે ફરાર થઈને જર્મની પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમણે ડાબેરી વિચારસરણી ધરાવતા ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લૉકનું નેતૃત્વ પણ કર્યું.
રાસબિહારી અંગ્રેજી, હિંદી, બંગાળી, ઉર્દૂ અને જાપાનિઝ ભાષા સારી રીતે જાણતા હતા. પોલીસને થાપ આપવા તેમણે પંજાબી, ઉત્તર ભારતીય કે બંગાળી વેશ ધારણ કર્યો હોવાના ઉલ્લેખ તેમના જીવનપ્રસંગોમાંથી મળે છે.
બીજી બાજુ, સુભાષબાબુ વેશપલટો કરીને ઘરેથી ગુપ્તરીતે નીકળી ગયા હતા. તેમણે અફઘાનિસ્તાનના રસ્તેથી યુરોપનો પ્રવાસ ખેડવા માટે મૂકબધીર પઠાણનો વેશ ધારણ કર્યો હતો. તેઓ અંગ્રેજી, જર્મન, બંગાળી, હિંદી તથા ઉર્દૂ અસ્ખલિત રીતે બોલી શકતા.
સુભાષનો તેમનાં જર્મન સેક્રેટરી એમિલિ શેકલ સાથે સંબંધ બંધાયો અને અનિતા નામનાં બાળકીના પિતા બન્યા.
સુભાષચંદ્ર બોઝને 1992માં મરણોપરાંત ભારત રત્ન એનાયત થયો. બીજી બાજુ, રાસબિહારી બોઝને જાપાનના બીજા ક્રમાંકના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા, જેને તેમના મૃત્યુ (21 જાન્યુઆરી, 1945) પછી તેમના પુત્રીએ સ્વીકાર્યો હતો.

IIL, INA, AHF

ઇમેજ સ્રોત, NETAJI RESEARCH BUREAU
રાસબિહારી બોઝે 1924માં 'ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'ની સ્થાપના કરી હતી. તેઓ માનતા હતા કે બ્રિટિશરોને પરાસ્ત કરવા માટે સેના હોવી જરૂરી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને આ તક દેખાઈ. તેમણે પોતાના વિશ્વાસુ પ્રતિમસિંહને આ કામ સોંપ્યુ.
તેમણે જ જાપાન સાથે અધિકારી સાથે મળીને ઇન્ડિયન નેશનલ આર્મીનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
'માય ઍડ્વેન્ચર્સ વિથ આઈએનએ'માં આર. એન. પાલટા (પેજ નં. 23-53) લખે છે, "ઑક્ટોબર-1943માં કૅપ્ટન મોહનસિંહ નામના અધિકારીને તેનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. લેફટનન્ટ કર્નલ તથા મેજર દરજ્જાના અધિકારી હતા. આથી, તેમના હોદ્દાને વધારીને મેજર-જનરલ કરી દેવામાં આવ્યો.
જાપાનીઝ તથા ભારતીય સૈનિકોની વચ્ચે તણાવ રહેતો. આ સિવાય નીચા દરજ્જાના જાપાની સૈનિકોને લાગતું હતું કે એક સમયે તેમણે જેને બંદી બનાવ્યા હતા, તેઓને હવે સૅલ્યુટ કરવું પડી રહ્યું છે."
અંતે મતભેદો વકરતા જાપાનીઓ દ્વારા જનરલ મોહનસિંહની ધરપકડ કરવામાં આવી અને તેમને સુમાત્રામાં નજર કેદ કરી લેવામાં આવ્યા. એ સેના સંબંધિત દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા.
આ ઘટનાક્રમ માટે જનરલ મોહનસિંહના આપખુદ વર્તનને પણ જવાબદાર માનવામાં આવે છે.
9 ડિસેમ્બરે તેમણે આઈએનએની કમાન પોતાના હાથમાં લઈ લીધી.
પરિસ્થિતિને થાળે પાડતાં તેમને થોડો સમય થયો. સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી હતી, સ્થાનિકોમાંથી દેશને કાજે કુર્બાની આપવા નવી ભરતી થઈ રહી હતી અને તેમને તાલીમ આપવામાં આવી રહી હતી.
બીજી બાજુ, જર્મનીમાં સુભાષબાબુની મુલાકાત હિટલર સાથે થઈ હતી. એ સમયે હિટલરનું ધ્યાન રશિયા ઉપર કેન્દ્રિત હતું.
તેમણે ભારતમાંથી અંગ્રેજ સરકારના પતન માટે જાપાનિઝોની મદદ લેવા કહ્યું. આફ્રિકામાં બંધક બનાવાયેલા અમુક હજાર બ્રિટિશ-ભારતીય સૈનિકોની મદદથી તેમણે સેના ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
રાસબિહારીના આમંત્રણને પગલે સુભાષચંદ્ર બોઝે જર્મન સબમરીનમાં હિંદ મહાસાગરમાં આવેલા મડાગાસ્કર સુધી અને પછી જાપાનિઝ સબમરીનમાં ટોકિયોનો પ્રવાસ ખેડ્યો, ત્યારબાદ સિંગાપોર પહોંચ્યા.
અહીં રાસબિહારી બોઝે યુવા સુભાષના હાથમાં લગભગ 15 હજાર સૈનિકો સાથેની સેના તેમને સોંપી હતી, જે આઝાદ હિંદ ફોજ તરીકે પણ ઓળખાઈ.
મલય, થાઇલૅન્ડ, સિંગાપોર જેવાં સ્થળોએ વસતા ભારતીયો તેમાં જોડાયા અને તેમને સુભાષચંદ્ર બોઝે તાલીમબદ્ધ કર્યા. 21 ઑક્ટોબર, 1943ના રોજ તેમણે 'આરઝી હુકુમતે હિંદ'ની સ્થાપનાની જાહેરાત કરી દીધી. તેઓ સર્વોચ્ચ નેતા હતા.
ઊર્જાવાન નેતૃત્વ મળતાં ફોજને અંદમાન નિકોબાર દ્વીપસમૂહને બ્રિટિશ કબજામાંથી મુક્ત કરાવવામાં સફળતા મળી. પૂર્વોત્તરમાં આઝાદ હિંદ ફોજને પ્રારંભિક સફળતા મળી. પાછળથી વરસાદ, અપૂરતી તાલીમ, અપૂરતા સંસાધનો, યુદ્ધમાં જાપાનીઓની પીછેહઠ વગેરે કારણોથી તેમનો પરાજય થયો.
આ ઘટનાક્રમે બ્રિટિશ સેનામાં કરતા ભારતીય સૈનિકોમાં વિદ્રોહની ચિંગારી ચાંપી દીધી હતી. જેનો નમૂનો બૉમ્બેમાં નૌસૈનિકોના બળવા વખતે પણ જોવા મળ્યો હતો.
આગળ જતાં આવી ઘટનાઓએ જ અંગ્રેજ સરકારને સમય કરતાં વહેલાં દેશ છોડી દેવા મજબૂર કર્યાં. આઝાદી પછી આ સૈનિકોને ભારતની નિયમિત સેનાઓમાં સ્થાન આપવામાં નહોતું આવ્યું.

ક્રાંતિ અને કઢીની કહાણી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આઇઝો સોમા નાકામુરાયા બેકરી ચલાવતા, તેમને જમાઈ રાસબિહારી બોઝે કઢીની રૅસિપી આપી, જે તેમની આગવી ઓળખ બની ગઈ.
આજે ટોકિયોમાં 'ઇન્ડો કરી' નામનું એક વ્યંજન ખૂબ જ લોકપ્રિય છે. https://www.youtube.com/watch?v=dJfDo1184Tc નાકામુરાયા નામની રેસ્ટોરાં છેલ્લાં 95 વર્ષથી આ વાનગી સ્થાનિકોને પીરસી રહી છે, જેનો સ્વાદ દિલ્હી કે કોલકત્તામાં મળતી કરી જેવો જ છે. એનું એક કારણ છે રાસબિહારી બોઝ.
નાકામુરાયાના રેસ્ટોરાંના શેફ સુયોશી ઈશીજાકીના કહેવા પ્રમાણે, "અમે 1927થી આ કઢી પીરસીએ છીએ. રાસબિહારી બોઝે તેની રૅસિપી આપી હતી અને અમે જાપાનિઝ લોકોના હિસાબે તેમાં થોડો ફેરફાર કર્યો."
આજે કઢી જાપાનિઝના જીવનના ભાગરૂપ બની ગઈ છે. દર વર્ષે છ અબજ કઢી પીરસવામાં આવે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












