પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ : ઇમરાન ખાન માટે આવનારા દિવસો કેટલા મુશ્કેલ?

પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિમાં ખૂબ ઝડપથી ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. સરકારથી લઈને વિપક્ષી દળો તમામ અલગઅલગ સ્તર પર બેઠકોમાં વ્યસ્ત છે.

ઇમરાન ખાન પાકિસ્તાન

ઇમેજ સ્રોત, GHULAM RASOOL

જ્યાં એક તરફ ઇમરાન ખાન સરકાર અવિશ્વાસ પ્રસ્તાવના પડકારને પાર કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે બીજી તરફ વિપક્ષી દળ ઇમરાન ખાન સરકારને સત્તા પરથી દૂર કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનમાં વિપક્ષી દળ પહેલેથી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી ચૂક્યું છે. તે જ નહીં, વિપક્ષી દળે આવનારા દિવસોમાં રસ્તા પર ઊતરીને વિરોધ કરવાની પણ જાહેરાત કરી છે.

માનવામાં આવે છે શુક્રવારે નેશનલ ઍસેમ્બલીમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે.

line

અવિશ્વાસનો પ્રસ્તાવ કેટલી મોટી સમસ્યા?

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ

આ પ્રસ્તાવને રજૂ કરવાથી લઈને પાસ કરાવવા વચ્ચે વિપક્ષે એક મોટો રસ્તો પાર કરવો પડશે. કારણ કે 342 સાંસદો ધરાવતી પાકિસ્તાની સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરવા માટે વિપક્ષે ઓછામાં ઓછા 172 સાંસદોના સમર્થનની જરૂરિયાત રહેશે. હાલમાં પાકિસ્તાનનાં તમામ વિપક્ષી દળો પાસે તેટલા સાંસદ નથી.

વળી ઇમરાન ખાનની સરકાર પાસે 155 સાંસદ છે અને સહયોગી દળો સાથે મળીને કુલ 176 સાંસદ છે.

એવામાં વિપક્ષી દળ ઇમરાન સરકારનાં સહયોગી દળો સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. વળી સરકાર પણ પોતાના સહયોગીઓને સાથે જોડીને રાખવાનો પ્રયત્ન કરી રહી છે.

પરંતુ સહયોગી દળોના કેટલાક સાંસદોએ સરકાર વિરુદ્ધ કરેલાં નિવેદનોથી સરકાર પર દબાણ ઊભું થયું છે.

સરકાર આ સમસ્યાના સમાધાન માટે કોર્ટના દ્વારે પહોંચી હતી. જોકે, ત્યાં પણ તેમને નિરાશા સાંપડી હતી.

એવામાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે હવે ઇમરાન ખાન સરકાર પાસે ક્યા વિકલ્પ બાકી છે અને આવનારા દિવસો કેટલા મુશ્કેલ રહેશે.?

line

ઇમરાન ખાન શું કરશે?

AAMIR QURESHI

ઇમેજ સ્રોત, AAMIR QURESHI

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં રાજીનામું આપવાથી ઇનકાર કરતાં કહ્યું કે તેઓ પોતાનાં પત્તાં જલદી જ ખોલશે.

જ્યાં વિપક્ષી દળ 26 માર્ચે ઇસ્લામાબાદ પહોંચવાની વાત કરી રહ્યું છે, ત્યાં જ ઇમરાન ખાન પણ 27 માર્ચે ઇસ્લામાબાદમાં એક મોટી રેલી યોજવા જઈ રહ્યા છે.

એવામાં પ્રશ્ન એ છે કે સરકાર માટે આવનારા દિવસો કેટલી મોટી સમસ્યા લાવી શકે છે?

ગુરુવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં હાજર બીબીસી ઉર્દૂના સંવાદદાતા શાહઝાદ મલિક જણાવે છે, "આ વાત સાચી છે કે સરકાર માટે આવનારા દિવસો સરળ નહીં રહે કારણ કે પાકિસ્તાનનાં તમામ વિપક્ષી દળો એક થઈ ગયા છે અને એવા સંકેત મળી રહ્યા છે કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવમાં હારી શકે છે."

line

બળવાખોર સાંસદોને પાછા બોલાવવાનો પ્રયત્ન

ઇમરાન સરકારે પોતાની વિરુદ્ધ નિવેદનો કરનારા સાંસદોને કારણદર્શક નોટિસ પાઠવી હતી

ઇમેજ સ્રોત, FAROOQ NAEEM

ઇમેજ કૅપ્શન, ઇમરાન સરકારે પોતાની વિરુદ્ધ નિવેદનો કરનારા સાંસદોને કારણદર્શક નોટિસ પાઠવી હતી

ઇમરાન સરકારે પોતાની વિરુદ્ધ નિવેદનો કરનારા સાંસદોને કારણદર્શક નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં પાકિસ્તાનના સંવિધાનના અનુચ્છેદ 63(એ)નો ઉલ્લેખ હતો. જે પક્ષપલટા સાથે જોડાયેલ છે.

સરકાર આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પણ ગઈ જ્યાં તેમણે 63(એ)ને લઈને સ્પષ્ટીકરણ માગ્યું છે કે શું સરકાર વિરુદ્ધ મતદાન કરવા પર આ સાંસદોને આજીવન ચૂંટણી લડવાથી રોકી શકાય?

તેને સરકાર દ્વારા બળવાખોર સાંસદો પર દબાણ બનાવવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ આ પ્રયત્નમાં ઇમરાન ખાન સરકારને અસફળતા હાથ લાગી છે.

શાહઝાદ કહે છે, "પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશે આ મામલે કહ્યું કે જે ગુનો થયો જ નથી, તેના આધારે અમે કઈ રીતે કોઈને દોષી ઠેરવી શકીએ?"

આ સાથે જ અદાલતે કહ્યું કે જો સાંસદોને મતદાન ન કરવા દેવામાં આવ્યું તો એ તેમની સાથે અન્યાય હશે. કોર્ટ પ્રમાણે સાંસદ વોટ નાખી પણ શકે છે અને સ્પીકર તેમના વોટની ગણતરી કરવા માટે બંધાયેલા છે.

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઇમરાન ખાન

પણ પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ પર ધ્યાન રાખતા વરિષ્ઠ પત્રકાર હારુન રશીદ માને છે કે સરકાર હાલમાં માત્ર સમય મેળવવામાં લાગેલી છે.

તેઓ કહે છે, "પાકિસ્તાન સંસદની એક પ્રથા રહી છે. જ્યારે પણ સંસદના સભ્યનું નિધન થાય તો સંસદની કાર્યવાહી શરૂ થતાં જ તેમના માટે દુઆ કરવામાં આવે છે અને ત્યાર બાદ ગૃહને સ્થગિત કરવામાં આવે છે પરંતુ વિપક્ષી દળો કહે છે કે જલદી જ સ્પીકરે સંસદનું સત્ર બોલાવવું જોઈએ. જેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થઈ શકે.

પરંતુ સરકારની પરિસ્થિતિ જોઈને એમ લાગે છે કે સરકાર ઇચ્છે છે કે તેમને પોતાના બચાવ માટે થોડો સમય મળી જાય પરંતુ વિપક્ષે જાહેરાત કરી છે કે કેટલાક લોકો 26 માર્ચે ઇસ્લામાબાદ તરફ કૂચ કરશે. આ રીતે વિપક્ષ પણ સરકાર પર દબાણ લાવવા ઇચ્છે છે કે જલ્દીથી જલદી સંસદનું સત્ર બોલાવવામાં આવે.

ઇમરાન ખાન 27 માર્ચે ઇસ્લામાદમાં એક મોટી રેલી યોજવાના છે. જેને લઈને તેઓ લોકોને કહી રહ્યા છે કે તેઓ આવે અને જણાવે કે તેઓ કોણી સાથે છે? "

line

પાકિસ્તાની સેનાનું શું છે વલણ?

ઇમરાન ખાન પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ISHARA S. KODIKARA

ઇમેજ કૅપ્શન, માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં જે પાર્ટી સત્તામાં હોય તેમાં પાકિસ્તાની સેનાની દરમિયાનગિરી હોય છે

માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં જે પાર્ટી સત્તામાં હોય તેમાં પાકિસ્તાની સેનાની દરમિયાનગિરી હોય છે અને પાકિસ્તાનના વિપક્ષી દળ એક લાંબા સમય સુધી ઇમરાન ખાનની ટીકા કરતા આવ્યા છે.

પરંતુ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને સેના વચ્ચેના સંબંધમાં તિરાડ પડી છે? કારણ કે આ મુદ્દે અત્યાર સુધી સેના તરફથી ઇમરાન ખાનને રાહત મળે તેવું એકપણ નિવેદન આવ્યું નથી.

હારુન રશીદ કહે છે,"પાકિસ્તાનના ઇતિહાસથી અલગ આ વખતે પાકિસ્તાની સેનાએ આ મામલે એક તટસ્થ વલણ રાખ્યું છે. અફવાઓ જે પણ ઊડી રહી હોય, પરંતુ અત્યાર સુધી સેનાએ કંઈ પણ કહ્યું નથી."

એવામાં જાણકારોનું એ જ માનવું છે કે આવનારો સમય ઇમરાન ખાન માટે સરળ નહીં રહે. હાલના સંકટથી બહાર આવવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડી શકે છે અને તેઓ નહીં ઇચ્છે કે કોઈપણ કાળે તેમની સરકાર પડી ભાંગે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો