યુક્રેન-રશિયા યુદ્ધ : 'અમેરિકા યુક્રેનને શાંતિમંત્રણામાં આગળ વધતા રોકી રહ્યું છે'- યુક્રેનમાં અત્યાર સુધીમાં શું-શું થયું?
યુક્રેનની રાજધાની કિએવમાં રશિયના હુમલા ચાલુ છે. રશિયાએ રાજધાની કિએવમાં રહેણાક મકાનો પર હવાઈ હુમલા કર્યા છે.
તો રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવનું કહેવું છે કે યુક્રેન અને રશિયા વચ્ચેની શાંતિમંત્રણામાં આગળ વધતા અમેરિકા યુક્રેનને રોકી રહ્યું છે.
તેમણે કહ્યું કે અમેરિકા યુક્રેનને રશિયાની માગણીઓ સ્વીકારવાથી રોકી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાની ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સી અનુસાર લાવરોવે કહ્યું, "અમને સતત એવું લાગે છે કે યુક્રેનિયન પ્રતિનિધિમંડળનો હાથ દાબવામાં આવી રહ્યો છે, તેમાં ઘણી શક્યતા છે કે અમેરિકા આવું કરી રહ્યું છે, તે યુક્રેનને અમારી લઘુતમ માગણીઓ પણ સ્વીકારવા દેતું નથી."
જોકે, લાવરોવે યુક્રેનની પરિસ્થિતિને યુએસ પ્રભાવિત કરી રહ્યું છે તે દર્શાવતા કોઈ પુરાવા આપ્યા નથી. અમેરિકા કે યુક્રેન બંનેમાંથી કોઈએ એવો કોઈ સંકેત આપ્યો નથી કે આવી કોઈ બાબત છે.
તેમના તાજેતરના વીડિયો નિવેદનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ યુક્રેન સાથે ફળદાયી શાંતિમંત્રણા કરવી જોઈએ.
પુતિન સાથે સીધી વાટાઘાટની માગ કરતા ઝૅલેન્સ્કીએ કહ્યું, "મળવાનો સમય આવી ગયો છે, વાત કરવાનો સમય આવી ગયો છે."

રશિયાનો યુક્રેન પર હાઇપરસોનિક મિસાઇલથી હુમલો, શસ્ત્રાગારનો નાશ

ઇમેજ સ્રોત, Reuters
રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેમણે પશ્ચિમ યુક્રેનમાં ભૂગર્ભ શસ્ત્રાગારને તબાહ કરવા માટે હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં યુક્રેનના ઇવાનો-ફ્રેન્કિવસ્ક ક્ષેત્રમાં આવેલાં હથિયારોનો ભંડાર નાશ પામ્યો છે.
રશિયાએ યુક્રેન યુદ્ધ દરમિયાન હાઇપરસોનિક મિસાઇલોના ઉપયોગનો સ્વીકાર કર્યો હોય એવું પહેલી વાર બન્યું હોવાનું મનાઈ રહ્યું છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે ઠેકાણાંઓને ટાર્ગેટ કરાયાં હતાં ત્યાં યુક્રેનિયન સૈન્યની મિસાઇલો અને હવાઈ શસ્ત્રો રાખવામાં આવ્યાં હતાં.
હાઇપરસોનિક મિસાઇલ અદ્યતન મિસાઇલો છે જે ઉપલા વાતાવરણમાં મુસાફરી કરે છે. આવી ક્રૂઝ મિસાઈલ અવાજ કરતાં પાંચ ગણી વધુ ઝડપથી આગળ વધે છે.
રશિયાના મતે યુક્રેન વિરૂદ્ધ ઉપયોગમાં લેવાતી કિંજહાલ મિસાઈલ બે હજાર કિલોમીટર દૂર સુધીના તેમનાં લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.
રશિયાનો દાવો છે કે આ મિસાઇલો તમામ પ્રકારની એર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને થાપ આપી શકે છે. જોકે રશિયાના આ દાવાની સ્વતંત્ર રીતે ખરાઈ થઈ શકી નથી.

અમેરિકાના થિંક ટૅન્કની ચેતવણી - 'યુદ્ધના કારણે ચાર કરોડ કરતાં વધુ લોકો ભયંકર ગરીબીમાં ધકેલાશે'

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેન પર રશિયાના હુમલાની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે, 24 ફેબ્રુઆરીના રોજ જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે બાદથી વિશ્વમાં મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને ઊર્જાની કિંમતોમાં ભારે વધારો થયો છે.
અમેરિકન થિંક ટૅન્ક, "સેન્ટર ફૉર ગ્લોબલ ડેવલપમેન્ટ (સીજીડી)" હવે ચેતવણી આપી રહ્યું છે કે જે પ્રમાણે કીમતોમાં વધારો થઈ રહ્યો છે તેનાથી વિશ્વના લગભગ ચાર કરોડ લોકો ભયંકર ગરીબીમાં ધકેલાઈ જશે.
સીજીડી એ વાત તરફ ઇશારો કરે છે કે પૂર્વ સોવિયેત ક્ષેત્ર કેવી રીતે કૃષિ વેપાર માટે મહત્ત્વપૂર્ણ છે. રશિયા અને યુક્રેનમાં વિશ્વના 29% ઘઉંનું ઉત્પાદન થાય છે. વિશ્વમાં ઉત્પાદન થતા ખાતરનો છઠ્ઠો ભાગ રશિયા અને બેલારુસ તરફથી આવે છે.
થિંક ટૅન્કનું કહેવું છે કે આ ફટકાની અસર વ્યાપકપણે અનુભવાશે પરંતુ ગરીબ દેશોને તે વધુ અસર કરેશે. સીજીડીના વિશેષજ્ઞોએ એવી સલાહ આપી છે કે જી-20 સહિત અનાજઉત્પાદકોને પોતાનાં બજાર ખુલ્લાં રાખવાં જોઈએ સાથે જ આના પર અમુક પ્રકારનો પ્રતિબંધ લાદવો જોઈએ. આ દરમિયાન સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને માનવીય જરૂરિયાતો માટે ઝડપથી કામ કરવું જોઈએ.

પોતાની ભૂલોથી થનાર નુકસાનને મર્યાદિત રાખવા રશિયા પાસે અંતિમ તક : યુક્રેન

ઇમેજ સ્રોત, EPA
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ શનિવારે એક વીડિયો સંબોધનમાં રશિયા સાથે તાત્કાલિક ધોરણે શાંતિ અને સુરક્ષા માટે વાતચીતનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે રશિયા પાસે પોતાની ભૂલોથી થનારા નુક્સાનને મર્યાદિત બનાવવા માટે આ એકમાત્ર તક છે.
તેમણે આગળ કહ્યું, "આ મળવાનો સમય છે, વાતચીત કરવાનો સમય છે, આ યુક્રેન માટે ક્ષેત્રીય અંખડિતતા અને ન્યાયનો સમય છે. જો આમ નહીં કરવામાં આવે તો રશિયાને એવું નુકસાન પહોંચશે કે તેની બહાર નીકળવામાં પેઢીઓ લાગી જશે."
પોતાના સંબોધનમાં ઝૅલેન્સ્કીએ મૉસ્કોમાં યોજાયેલી વિશાળ રેલીનો પણ ઉલ્લેખ કર્યો, જેનું ક્રાઇમિયા પર રશિયાના કબજાની આઠમી વરસી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંબોધિત કરી હતી. ઝૅલેન્સ્કીએ કહ્યું, "ક્રાઇમિયા પર રશિયાના કબજાની વરસી પર ઘણું સાંભળવા મળ્યું."
"આ એક મોટી રેલી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે બે લાખ લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. જેમાંથી એક લાખ લોકો સડકો પર અને આશરે 95 હજાર જેટલા લોકો સ્ટેડિયમમાં હતા."
તેમણે આગળ કહ્યું, "અંદાજે આટલા જ રશિયન સૈનિકો યુક્રેન પર હુમલામાં સામેલ હતા. જરા વિચારો કે મૉસ્કો સ્ટેડિયમમાં 14 હજાર મૃતદેહો અને હજારો ઘાયલ સૈનિકો પડ્યા હોય. આ હુમલામાં રશિયાને પહેલાં જ મોટી જાનહાનિ થઈ ગઈ છે."
"આ યુદ્ધની કિંમત છે અને તે રોકાવું જ જોઈએ."

રશિયાના ક્રાઇમિયા પર કબજાની આઠમી વરસીએ વ્લાદિમીર પુતિનનું સંબોધન

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મૉસ્કોના લુઝ્હનિકી સ્ટેડિયમ ખાતે ક્રાઇમિયા પર રશિયાના કબજાની આઠમી વરસી ઊજવી હતી.
પુતિન આ રીતે વરસીઓ ઊજવીને જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ દર્શાવતા રહે છે.
સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે અંદાજે બે લાખ લોકો સ્ટેડિયમમાં એકઠા થયા હતા. જોકે, આ આંકડાની પુષ્ટિ થઈ શકી નથી. સ્ટેડિયમની સત્તાવાર દર્શકો માટેની ક્ષમતા 81 હજાર છે પરંતુ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ બહાર પણ એકઠા થયા હતા.
ઘણા લોકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ જાહેર ક્ષેત્રમાં કામ કરે છે અને તેમના ઉપલા અધિકારીઓએ તેમને રેલીમાં જોડાવા ફરજ પાડી છે.
મૉસ્કો મેટ્રો સ્ટેશનમાં કામ કરતી એક વ્યક્તિએ કહ્યું કે તેમને અને તેમના સહકર્મીઓને ફરજિયાતપણે રેલીમાં જોડાવા સૂચના આપવામાં આવી છે.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે અમને ખબર છે હવે આગળ શું કરવાનું છે. અમે ચોક્કસપણે જે યોજના ઘડી હતી તે મુજબ કામ કરીશું.
જોકે, રાષ્ટ્રપતિના ભાષણનું પ્રસારણ અધવચ્ચેથી અટકી ગયું હતું. જેને બાદમાં ક્રૅમલિન દ્વારા "તકનીકી ખામી ગણાવવામાં આવી હતી."

મારિયુપોલમાં ભયાવહ સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનના દક્ષિણમાં આવેલા શહેર મારિયુપોલમાં રશિયન સૈનિકો પ્રવેશી ચૂક્યા છે. શહેરમાં ચોતરફ ગોળીબાર અને મિસાઇલોના અવાજ ગૂંજી રહ્યા છે.
મારિયુપોલના મેયરે અગાઉ બીબીસી સમક્ષ પુષ્ટિ કરી હતી કે રશિયન સૈનિકો શહેરના મધ્યમાં પહોંચી ચૂક્યા છે.
છેલ્લાં બે અઠવાડિયાથી મારિયુપોલમાં ચાર લાખથી વધારે લોકો ફસાયેલા હતા. શુક્રવારે જ શહેરમાંથી પાંચ હજાર જેટલા લોકોને સુરક્ષિતપણે બહાર કાઢવામાં આવ્યા હોવાનો યુક્રેનિયન સત્તાધીશોએ દાવો કર્યો હતો.
મારિયુપોલ છેલ્લા ઘણા સમયથી સતત બૉમ્બમારા અને ગોળીબારનો સામનો કરી રહ્યું છે. શહેરમાં વીજળી અને પાણીનો પુરવઠો પણ ઠપ થઈ ચૂક્યો છે.
યુક્રેનિયન સત્તાધીશોનું કહેવું છે કે મારિયુપોલનો 'અઝરોવ સી' સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
બુધવારના રોજ રશિયાએ મારિયુપોલના સિટી થિયેટર પર મિસાઇલ છોડી હતી. ત્યાર બાદથી અત્યાર સુધી બચાવકર્તાઓ થિયેટરની ઇમારતનો કાટમાળ હઠાવીને તપાસ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીના કહેવા પ્રમાણે, આ થિયેટરના બેઝમેન્ટમાં અંદાજે 1,300 લોકો આશરો મેળવી રહ્યા હતા.
મારિયુપોલ શહેરમાં આશરે 80 ટકા જેટલી ઇમારતો રશિયાના હુમલાના કારણે પ્રભાવિત થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












