You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયાં - પ્રેસ રિવ્યૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં બુધવારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં કલાકારો ભાજપમાં જોડાયાં છે.
ભાજપ ગુજરાતે ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે.
અભિનેત્રી કામિની પટેલ, અભિનેત્રી જ્યોતિ શર્મા, અભિનેત્રી ફાલ્ગુની રાવલ, અભિનેત્રી મમતા સોની, અભિનેત્રી ભક્તિ કુબાવત, ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક સનીકુમાર, ગુજરાતી ફિલ્મનિર્માતા હેતલ ઠક્કર અને નાટ્ય કલાકાર પ્રશાંત બારોટ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયાં હતાં.
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના પગલે ભાજપ મતદારો પર પકડ જમાવવા તમામ મોરચે સક્રિય થયો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિસ્થાપિત શ્રમિકોના સ્થળાંતર માટેની અરજી હાઈકોર્ટે ફગાવી
અમદાવાદસ્થિત ટ્રેડ યુનિયન 'બાંધકામ મઝદૂર સંગઠન' દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થયેલા 75 જેટલા શ્રમિકોને રહેવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી મંગળવારે ફગાવી દેવામાં આવી હતી.
સંગઠન દ્વારા અમદાવાદમાં રહેતા 75 જેટલા શ્રમિકો માટે આ અરજી કરવામાં આવી હતી, જેમનાં રહેઠાણ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે હઠાવી દેવાયાં હતાં.
આ હુકમ ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રી દ્વારા આપવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીઆઈએલમાં જણાવ્યા પ્રમાણે, આ ઝૂંપડપટ્ટી 1991માં બની હતી. જ્યારે શહેર તેમજ રાજ્ય બહારથી આવતાં લોકોએ ત્યાં રહેવાનું શરૂ કરી દીધું હતું.
સમય જતાં અહીં વર્ષ 2021માં 350 જેટલા લોકો રહેવા લાગ્યા હતા, જેમને પહેલી વખત વર્ષ 2018માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ત્યાંથી હઠાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, પણ મૃત્યુ વધ્યાં
ગુજરાતમાં મંગળવારે 8,338 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે સતત પાંચમા દિવસે 30થી વધુ નવાં મૃત્યુ પણ થયાં છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં સોમવારની સરખામણીએ મંગળવારે 25 ટકા વધુ કોરોના કેસ નોંધાયા છે.
અહેવાલમાં સત્તાધીશોને ટાંકીને લખવામાં આવ્યું છે કે, આ વધારો છેલ્લા થોડાક દિવસોમાં યોજાયેલા લગ્નપ્રસંગો અને અન્ય જાહેર કાર્યક્રમોનાં કારણે હોઈ શકે છે.
મંગળવારે નોંધાયેલા 8,338 કેસોમાંથી 66 ટકા કેસ રાજ્યની આઠ પાલિકાઓમાં નોંધાયા છે. જ્યારે બાકીના રાજ્યમાં માત્ર ત્રીજા ભાગના કેસો નોંધાયા છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, મંગળવારે નોંધાયેલાં 38 મૃત્યુમાંથી 21 શહેરી વિસ્તારોનાં છે. મૃત્યુનો આ આંક છેલ્લા સાત મહિનામાં પહેલી વખત ચોપડે નોંધાયો છે અને રાજ્યમાં સતત પાંચમા દિવસે મૃત્યુઆંક 30ની ઉપર રહ્યો છે.
ધોરણ 1થી 9ની શાળાઓ ખોલવાનો નિર્ણય પાંચ ફેબ્રુઆરીએ લેવાશે
ગુજરાતમાં શાળાઓ ફરીથી ઑફલાઇન રીતે શરૂ કરવા અંગેનો નિર્ણય 5 ફેબ્રુઆરી સુધીમાં લેવા શકે છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં પાંચ ફેબ્રુઆરી સુધી ઑનલાઇન વર્ગો શરૂ રાખવાનો નિર્ણય કર્યો હતો.
ટાઇમ્સ નાઉના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ઉછાળો આવ્યા બાદ શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
હાલમાં પરિસ્થિતિ ધીમેધીમે થાળે પડી રહી હોવાથી રાજ્યમાં ફરી વખત શાળાઓ શરૂ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
આ વચ્ચે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ ધોરણ 1થી 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો, જે પાંચમી ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
પાંચ ફેબ્રુઆરી સુધીમાં સરકાર દ્વારા આગામી દિવસોમાં કોરોના ગાઇડલાઇન સાથે ઑફલાઇન શિક્ષણ શરૂ કરવું કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.
- મ્યાનમારમાં તખ્તાપલટ બાદની એ હિંસક લડાઈઓ, જેણે ગૃહયુદ્ધ શરૂ કરી દીધું
- મુઝફ્ફરનગર : જ્યાં રમખાણો થયાં હતાં એ વિસ્તારના લોકો આ વખતે ભાજપને સાથ આપશે કે અખિલેશ સાથે ઊભા રહેશે?
- બજેટ 2022 : ભારત પોતાનો ડિજિટલ રૂપિયો કેમ લાવવા માગે છે?
- એ ઓલિયા પ્રોફેસર જેમણે અમેરિકાનું ગ્રીન કાર્ડ ત્યજી ગુજરાતમાં માનવતાની ધૂણી ધખાવી
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો