You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ફુગાવો 30 વર્ષની ટોચે, મોંઘવારીના મારથી અમેરિકનો કેટલા ત્રસ્ત?
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
અમેરિકામાં જીવનનિર્વાહ કરવો વધારે મોંઘો બન્યો છે. ઑક્ટોબરમાં ફુગાવાનો દર 6.2% પહોંચી ગયો છે, જે છેલ્લાં 30 વર્ષનો સૌથી ઊંચો દર છે. આ આંકડા અમેરિકાના બ્યૂરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સે જાહેર કર્યા છે.
અનાજ, બળતણ, કાર અને મકાનો સહિતની કેટલીક વસ્તુઓના ભાવોમાં થયેલા વધારાને કારણે આ ફુગાવો સર્જાયો છે.
ગ્રાહકો માટે વધતી મોંઘવારી ચિંતાનું કારણ છે, કેમ કે તેમની ખરીદશક્તિ ઘટી જાય છે. બીજા ખાદ્ય પદાર્થો કરતાં માંસ, મચ્છી અને ઈંડાંના ભાવ વધારે ઊંચા ગયા છે, જ્યારે છેલ્લાં સાત વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ સૌથી ઊંચે પહોંચ્યા છે.
કોરોના સંકટ પછી અર્થતંત્ર હવે ફરી બેઠું થઈ રહ્યું છે ત્યારે ફુગાવો પણ વધી રહ્યો છે. લોકો વધારે ઉપભોગ કરતા થયા અને માગ વધી પણ વૈશ્વિક પુરવઠાના પ્રવાહમાં એટલો ઝડપી વધારો થયો નથી તેથી તંગી જેવી સ્થિતિ ઊભી થઈ છે.
ફુગાવાના આંકડા જાહેર થયા તે પછી અમેરિકાના પ્રમુખ જો બાઇડને ખાતરી આપી કે તેમની "મુખ્ય અગ્રતા" મોંઘવારીને ઘટાડવાની રહેશે.
વિવિધ પરિબળો
ફુગાવો વધ્યો તેનું એક કારણ છે કામદારોની અછત. પૂરતા પ્રમાણમાં કામદારો ના મળતા હોવાથી અમુક સૅક્ટરમાં તેમને વધારે પગાર આપીને રાખવા પડે છે અને તેના કારણે તે સૅક્ટરની વસ્તુઓના ભાવો વધારી દેવાયા છે.
એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્ઝ' નામની કન્સલ્ટિંગ ફર્મનાં સિનિયર અર્થશાસ્ત્રી ઍલીજા ઑલિવેર્સ-રોસેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ઊર્જાઉત્પાદનોના ભાવ વધ્યા તેના કારણે પણ ફુગાવો વધ્યો છે." વૈશ્વિક પુરવઠાનો પ્રવાહ પણ પૂર્વવત્ નથી થયો અને મકાનોની કિંમતો વધી છે તે પણ મોંઘવારીના દર માટે કારણભૂત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે "આગામી મહિનામાં પણ ઊર્જાકિંમતોમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ પુરવઠાની બાબતમાં થોડી રાહત મળી શકે છે ખરી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન નાગરિક બૅસ્સી ક્લાર્ક બીબીસીને કહે છે કે તેને ગૅસોલીનના વધેલા ભાવ ભારે પડી રહ્યા છે.
તેઓ કહે છે, "સતત, દર અઠવાડિયે ભાવ વધી જ રહ્યા છે." તેમના વાહનની ટાંકી 23 ડૉલરમાં ફુલ થઈ જતી હતી, પણ હવે તેના $30 ડૉલર આપવા પડે છે.
ન્યૂ ઑર્લિન્સમાં વેઇટ્રેસ તરીકે કામ કરતાં બૅસ્સી કહે છે કે "મારે હવે ઓછું ફરવાનું વિચારવું પડે તેમ છે." જીવનજરૂરી વસ્તુઓ ખરીદતી વખતે ખર્ચવા પડતાં વધુ નાણાંનો બોજ બૅસ્સીને જણાવા લાગ્યો છે.
"હું જે રેસ્ટોરાંમાં કામ કરું છું ત્યાં અમને મળતા માંસના ભાવ વધી ગયા એટલે અમારે તેનો બોજ ગ્રાહકો પર જ નાખવો પડ્યો છે."
મોંઘવારીનો માર
મોંઘવારીને કારણે આમ આદમીના જીવનનિર્વાહ પર સીધી અસર થાય છે અને સાથે જ બિઝનેસમાં પણ ખર્ચ વધી જાય છે.
વિક્રમજનક ફુગાવાના દર પછી અમેરિકાની ફેડરલ રિઝર્વને નિર્ધારિત સમય કરતાં વહેલાં વ્યાજના દર વધારવાની ફરજ પડી છે.
'ફાલ્કમ ઍસેટ મૅનેજમેન્ટ કંપની'ના હ્યુગો ઓસોરિયોએ બીબીસીને જણાવ્યું કે "ફેડરલ રિઝર્વ માટે પણ સ્થિતિ સંભાળવી અઘરી છે."
દુનિયાના સૌથી મોટા અર્થતંત્રની નાણાકીય નીતિ નક્કી કરનારી આ એજન્સીએ આગામી વર્ષ માટે વ્યાજના દરમાં વધારો જાહેર કરી દીધો છે.
સાથે જ તબક્કાવાર બૉન્ડની ખરીદી પણ ઘટાડવાનું શરૂ કર્યું છે. કોરોના સંકટ વખતે અર્થતંત્રને ટેકો આપવા માટે અબજો ડૉલરનાં બૉન્ડ ખરીદવાનું શરૂ થયું હતું.
બજારને ધારણા હતી જ કે ફુગાવાના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજના દરો વધારશે. અમેરિકામાં વ્યાજના દર વધે ત્યારે તેની સીધી અસર નાણાબજાર અને વૈશ્વિક અર્થતંત્ર પર થતી હોય છે.
હાલના દરની બે ટકાની આસપાસ જ ફુગાવાનો દર જળવાઈ રહે તે માટે ફેડરલ રિઝર્વ કોશિશ કરી રહ્યું છે.
ઓસોરિયો કહે છે, "ફુગાવામાં વધારો ચિંતાનું કારણ છે, પણ આપણે ધીરજ રાખવાની જરૂર છે. એવું જરૂરી નથી કે સતત આ રીતે મોંઘવારી વધતી રહેશે."
ફેડરલ રિઝર્વના અધિકારીઓ પણ માને છે કે હાલમાં ફુગાવો વધ્યો છે તે કામચલાઉ છે અને તે ગણતરી પ્રમાણે જ તે વ્યાજના દરો નક્કી કરતું રહેશે.
જોકે અન્ય અર્થશાસ્ત્રીઓની દલીલ છે કે ફુગાવો લાંબા ગાળાનો હોઈ શકે છે અને મોંઘવારી જલદી નહીં જાય.
ફુગાવાના દરમાં વધારાની અસરરૂપ વૉલ સ્ટ્રીટમાં સૂચકાંકો નીચે આવ્યા છે અને હૂંડિયામણ બજારમાં ડૉલર વધારે મજબૂત બન્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો