મહાકાય કંપનીઓ પર ટૅક્સ લાદવા 136 દેશો વચ્ચે શું ઐતિહાસિક સમજૂતી થઈ?

યુકેના નાણાંમંત્રી ઋષિ સુનક અને અમેરિકાના નાણા સેક્રેટરી જૅનેટ યેલને આ સંધિને આવકારી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુકેના નાણાંમંત્રી ઋષિ સુનક અને અમેરિકાના નાણા સેક્રેટરી જૅનેટ યેલને આ સંધિને આવકારી છે.

આ સમજૂતી હેઠળ દુનિયાના 136 દેશો વચ્ચે મોટી કંપનીઓ પર કમ સે કમ 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ લાદવાની સહમતી સાધવામાં આવી છે. આ ઉપરાંત નફા ઉપર પણ વાજબી ટૅક્સ લગાવવાની સહમતી થઈ છે.

આ એક મોટો આર્થિક બદલાવ જોવામાં આવી રહ્યો છે. મલ્ટિનેશનલ કંપનીઓ પોતાનો ટૅક્સ બચાવવા માટે નફાને ઓછો ટૅક્સ હોય ત્યાં બતાવતી હતી અને તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી. આને કારણે આ વૈશ્વિક સમજૂતી થઈ છે.

જોકે, આ સમજૂતી છતાં ટીકાકારોનું કહેવું છે કે 15 ટકા કૉર્પોરેટ ટૅક્સ ખૂબ ઓછો છે અને કંપનીઓ આમાંથી બચવાનો રસ્તો પણ કાઢી લેશે.

બ્રિટનના નાણાંમંત્રી ઋષિ સુનકનું કહેવું છે કે આ નવી સંધિથી વૈશ્વિક કર માળખું અપગ્રેડ થશે અને તેને નવા સમયને અનુરૂપ ઢાળી શકાશે.

એમણે કહ્યું, "હવે મોટી કંપનીઓ જ્યાં પણ કારોબાર કરશે ત્યાં તેણે પોતાના ભાગનો વાજબી ટૅક્સ ભરવો પડશે."

આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઈસીડી) અનેક દાયકાઓથી લઘુતમ ટૅક્સ દર નિયત કરવા માટે અભિયાન ચલાવતું હતું.

ઓઈસીડીનું કહેવું છે કે આ સમજૂતી બાદ ટૅક્સ તરીકે વર્ષે કમ સે કમ 150 અબજ ડૉલર વધારાનું ધન મળશે અને તેનાથી મહામારીમાંથી પસાર થઈ રહેલી દુનિયાના દેશોની અર્થવ્યવસ્થાઓને મજબૂતી મળશે.

line

મહાકાય ડિજિટલ કંપનીઓને થશે અસર

જે અનેક દેશોમાં ધંધો કરે છે અને નફાનું માર્જિન પણ વધારે છે એવી ઍમેઝોન, ફેસબુક, ગૂગલ વગેરે જેવી ડિજિટલ કંપનીઓને અસર થશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જે અનેક દેશોમાં ધંધો કરે છે અને નફાનું માર્જિન પણ વધારે છે એવી ઍમેઝોન, ફેસબુક, ગૂગલ વગેરે જેવી ડિજિટલ કંપનીઓને અસર થશે.

ઓઈસીડીનો પ્રસ્તાવ 100 દેશોએ જુલાઈમાં સ્વીકારી લીધો હતો. આર્યલૅન્ડ, કેન્યા, નાઇજીરિયા, પાકિસ્તાન અને શ્રીલંકા આ સંધિમાં હજી જોડાયા નથી.

આ સમજૂતી 2023માં અમલમાં આવવાની છે. આ સમજૂતીને કારણે દેશોને પોતાના દેશમાં કામ કરતી હોય પણ સ્થૂળ હાજરી ન ધરાવતી હોય એવી મલ્ટિનેશનલ કંપનીઝ પાસેથી ટૅક્સ લેવા માટે સરળતા થશે. આ સંધિથી એમેઝોન, ફેસબુક જેવી કંપનીઓને અસર થશે જેમને વેશ્વિક કારોબાર ખૂબ મોટો છે અને નફાનું માર્જિન પર 10 ટકાથી વધારે છે.

બીબીસીના બિઝનેસ સંવાદદાતા થિયો લૅગૅટનું આકલન:

આ સંધિ મોટી કંપનીઓ પાસેથી ટૅક્સ વસૂલવા માટેની રીતમાં મોટી અસર કરશે.

ભૂતકાળમાં દેશો મલ્ટિનેશનલ કંપનીઓને આકર્ષવા માટે એકબીજાની હરિફાઈ કરતા હતા. જો કંપનીઓ આવે અને ફેકટરી સ્થાપે અને નોકરીઓનું સર્જન કરે તો તે કંઈક વળતર આપે છે એ રીતે એ ઠીક હતું પણ હવે સમય બદલાયો છે.

ડિજિટલ યુગની મહાકાય કંપનીઓએ નફાનું સ્થાન તેઓ જ્યાં ધંધો કરે છે ત્યાંથી તેઓ જ્યાં સૌથી ઓછો કર ચૂકવે છે ત્યાં બદલીને કર બચાવવાનો સરળ રસ્તો અપનાવ્યો. આ નવી વ્યવસ્થાને લીધે નફાની સ્થાન બદલીની તકો ઘટી જશે અને એ એની ખાતરી રહેશે કે મોટી કંપનીઓ જ્યાં ધંધો કરે છે ત્યાં થોડો તો કર ચૂકવે ભલે ને પછી એની હેડઑફિસ ગમે ત્યાં હોય.

સમજૂતી પર 136 દેશોએ સહી કરી એ સિદ્ધિ છે પણ એ નક્કી છે કે એમાં વિજેતાની સાથે ગુમાવનારા પણ છે.

line

ભારતને શું અસર થશે?

જે વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરે છે પણ તેમની ઑફિસ ભારતમાં નથી અને નફો રળીને અલગ દેશમાં લઈ જાય છે તેમને અસર થશે. એની સામે ભારતની મોટી કંપની વિદેશમાં નફો રળતી હશે તો તેને પણ અસર થશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જે વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરે છે પણ તેમની ઑફિસ ભારતમાં નથી અને નફો રળીને અલગ દેશમાં લઈ જાય છે તેમને અસર થશે. એની સામે ભારતની મોટી કંપની વિદેશમાં નફો રળતી હશે તો તેને પણ અસર થશે.

વિશ્વના 136 દેશોએ મળીને આ નિર્ણય કરી નીતિ બનાવી છે. જેને હવે આગામી જી-20 સંમેલનમાં રજૂ કરવામાં આવશે. ભારત પણ તેમાં સામેલ છે. જોકે પાકિસ્તાન-શ્રીલંકાએ તેમાં હજુ સુધી હસ્તાક્ષર નથી કર્યાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ તમામ વાટાઘાટોમાં ભારત સક્રિયપણે ભાગીદાર રહ્યું છે. ભારત માટે 'પિલર 1' હેઠળની શ્રેણી મામલે ટૅક્સના અધિકારો આવકની દૃષ્ટિએ મહત્ત્વ પુરવાર થઈ શકે છે. પછી ભલે કંપનીની દેશમાં ભૌતિક હાજરી હોય કે ન હોય કે પછી ભલે નાનો કસ્ટમર બૅઝ હોય.

જેમ કે ફેસબુર-ગૂગલ જેવી એકદમ ડિજિટલી અદ્યતન કંપનીઓને ભારતમાં પ્રત્યક્ષ હાજરીની જરૂર ન હોય પણ તેનો ગ્રાહક વર્ગ મોટો છે. વપરાશકર્તાઓનો વર્ગ ખૂબ મોટો છે.

વિશ્વની સૌથી વધારે નફો રળતી 100 કંપનીઓનો અંદાજિત 125 બિલિયન ડૉલર્સનો ટૅક્સ હવે અલગ રીતે ફાળવવામાં આવશે. ભલે કંપની પ્રત્યક્ષ હાજરી ધરાવે કે ન ધરાવે પણ જો ત્યાં ગ્રાહક વર્ગ હોય તો એક યોગ્ય ટૅક્સ ચૂકવવો પડી શકશે.

અને તેમાં ભારત જેવા વિકાસશીલ દેશોની ટૅક્સની આવક વધવાનું અનુમાન છે. જોકે તે કેટલા પ્રમાણમાં વધશે તે હાલ કહી શકાય તેમ નથી.

ભારતમાં પહેલાં ઇક્વિલાઇઝેશ ટૅક્સ લાગતો હતો. જેના હેઠળ ભારતીય ચૂકવણીકર્તાએ ફેસબુક-ગૂગલ જેવી કંપનીને જાહેરાત માટે ચૂકવાતા નાણામાંથી 6 ટકા ટૅક્સ પેટે કાપી લેવાના રહેતા હોય છે. (જો ચૂકવણી વિદેશી કંપનીને વર્ષે 1 લાખ રૂપિયાથી વધુની હોય). વિદેશી ઑનલાઇન ઇ-કૉમર્સ કંપનીઓએ જો વર્ષે ટર્નઑવર 2 કરોડથી વધુ હોય તો ઑનલાઇન વેચાણ પર 2 ટકા ટૅક્સ ચૂકવવો પડતો હોય છે.

આમ ભારતની ટૅક્સ આવક વધવાની શક્યતા છે. જોકે ટૅક્સ મામલેની તકરાર મુદ્દેના માળખાની સ્પષ્ટતા નથી કરાઈ આથી તે એક જટિલ વાત પુરવાર થઈ શકે છે.

આ નવી સમજૂતીને પગલે કોઈ પણ નવો ડિજિટલ ટૅક્સ કંપનીઓ પર લાગુ નહીં પાડી શકાય અને પછી 2023થી સંધિ લાગુ થઈ જશે.

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો