Tokyo Olympics : ટોક્યો ઑલિમ્પિકમાં આ વખતે કઈ-કઈ નવી રમતો રમાશે?

રમતગમત
    • લેેખક, કેટી ફૉલિંગમ
    • પદ, બીબીસી સ્પોર્ટ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ટોક્યો 2020 ઑલિમ્પિકના આરંભને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

ઑલિમ્પિકમાં આ વખતે ઘણી નવી રમતો પણ સામેલ કરવામાં આવી છે, જે ચાહકોનો ઉત્સાહ વધારનારી છે.

ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીએ પાંચ નવી રમતો અને કુલ 34 નવી ઇવેન્ટ ટોક્યો રમતોત્સવમાં સામેલ કરી છે, જેથી યુવાનોને આકર્ષી શકાય અને "સ્પૉર્ટમાં શહેરીકરણના ટ્રૅન્ડ"ને સમાવી પણ શકાય.

આવી કઈકઈ નવી રમતો સામેલ થઈ છે? ચાલો જોઈએ ફટાફટ.

line

કરાટે

સાંડ્રા સાંચેઝ છ વખતનાં કાટા યુરોપિયન ચૅમ્પિયન છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંડ્રા સાંચેઝ છ વખતનાં કાટા યુરોપિયન ચૅમ્પિયન છે

કરાટે મૂળ જાપાનના ટાપુ ઓકિનાવાની રમત છે અને તેની બે શાખાઓ છે, જેની સ્પર્ધા ટોક્યોમાં યોજાશે - કેટા અને કુમીટે.

કેટાનો અર્થ થાય છે 'આકાર' અથવા 'નમૂનો' જે વ્યક્તિગત પ્રદર્શનની રમત છે. આમાં ભાગ લેનારા ખેલાડીઆક્રમણ અને સંરક્ષણના જુદાજુદા અગાઉથી નિર્ધારિત દાવપેચ પ્રદર્શિત કરે છે અને તેના આધારે વિજેતા નક્કી થાય છે.

કુમીટેમાં બે સ્પર્ધકો ટકરાય છે અને ત્રણ મિનિટ માટે તેમની વચ્ચે સ્પર્ધા થાય છે.

આ રમતમાં ત્રણ જૂથો પાડવામાં આવ્યાં છે અને ટક્કર દરમિયાન ટેકનિક અજમાવાય તે આધારે પૉઇન્ટ આપવામાં આવે છે.

ટોક્યો ઑલિમ્પિકમાં કરાટેના 80 ખેલાડીઓ ભાગ લેવાના છે - કુમીટેમાં 60 અને કેટામાં 20. બંનેમાં સ્ત્રી અને પુરુષોની અડધોઅડધ સંખ્યા છે.

કોના પર રહેશે નજર

કરાટે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં લાંબા સમયથી જાપાનનો દબદબો રહ્યો છે અને ઓકિનાવા ટાપુની રહેવાસી ર્યો કિયુના ત્રણ વાર કેટા વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે.

પરંતુ સ્પેનના ડૅમિયન ક્વિન્ટેરો અને વર્લ્ડ ચૅમ્પિયન સાન્ડ્રા સાન્ચેઝ પર પણ સૌની નજર રહેશે, કેમ કે તેઓ કેટામાં ટૉપ રૅન્ક ધરાવે છે.

શું તમે જાણો છો?

વિશ્વભરમાં અને યુરોપમાં મેડલ મેળવનાર સ્પેનના ડૅમિયન ક્વિન્ટેરો ઍરૉનોટિકલ એન્જિનિયર પણ છે.

ઑલિમ્પિકમાં તેનો સમાવેશ થયો ત્યારથી તેમણે નોકરી છોડીને પૂર્ણ સમય આ રમત પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

વીડિયો કૅપ્શન, ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા પીવી સિંધુ શું આ વખતે ગોલ્ડ મેડલ લઈ આવશે? – India
line

સ્કેટબૉર્ડિંગ

સ્કાય બ્રાઉન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્કાય બ્રાઉન જુનિયર ડાન્સિંગ વિધ ધ સ્ટાર્સ પણ જીતી ચૂક્યાં છે

સ્કેટબૉર્ડિંગમાં બે પ્રકાર છે સ્ટ્રીટ અને પાર્ક. વ્યક્તિગત રીતે ખેલાડીએ પ્રદર્શન કરવાનું હોય છે અને તે કેટલી મુશ્કેલ રાઇડ કેટલી મૌલિકતા સાથે પૂર્ણ કરે છે તે પ્રમાણે રૅન્ક આપવામાં આવે છે.

સ્ટ્રીટ સ્કેટબૉર્ડિંગમાં રેલિંગ, દાદરા, પગથિયાં, બેન્ચ, દીવાલ અને ઢાળ ધરાવતી જગ્યાએ ખેલાડીએ દેખાવ કરવાનો હોય છે.

આ દરેક જગ્યાએ પોતાનું કૌશલ દાખવવાનું હોય છે અને નિશ્ચિત સમયમાં પોતાની ટ્રીક રજૂ કરવાની હોય છે.

પાર્ક સ્કેટબૉર્ડિંગમાં બંને બાજુના ઢોળાવ તૈયાર કરાયેલા હોય ત્યાં પ્રદર્શન કરવાનું હોય છે. તેમાં સ્પીડ સાથે ઢાળ ચડવાનો અને ઊતરવાનો હોય છે અને સાથે હવામાં જુદાજુદા દાવપેચ દાખવવાના હોય છે.

મેડલ માટેની ચાર ઇવેન્ટ યોજાવાની છે, જેના માટે 80 સ્પર્ધકો મેદાનમાં છે, જેમાં સ્ત્રી અને પુરુષો બંને ભાગ લઈ રહ્યાં છે.

કોના પર રહેશે નજર

બ્રિટનનાં સ્કાય બ્રાઉન વિમેન્સ પાર્કમાં સ્પર્ધામાં છે. તેમણે 2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેળવ્યો હતો. તેઓ માત્ર 13 વર્ષનાં જ છે અને ગ્રેટ બ્રિટનની ટીમની સમર ઑલિમ્પિકનાં સૌથી નાનાં સભ્ય છે.

પુરુષો માટેની સ્પર્ધામાં અમેરિકન ખેલાડીઓ હૅમેન રેનોલ્ડ અને ટૉમ શાર સ્પર્ધામાં હશે. ટૉમ સૌ પ્રથમ વાર ત્રણ વાર ચક્કર ફરીને "1080" મેળવનારા પ્રથમ સ્કેટબૉર્ડર છે.

સ્ટ્રીટ માટેની છેલ્લી ત્રણ વર્લ્ડ સ્પર્ધા અમેરિકાના ન્યેજા હસ્ટને જીતેલી છે. જોકે તેમની સામે જાપાની ચાહકોને આશા છે કે યુટો હોરિગોમ ટક્કર આપી શકે છે.

બ્રાઝિલનાં લૅટિસિયા બુફોની વિમેન્સ સ્ટ્રીટમાં સૌથી ફેવરિટ ગણાય છે. જોકે બ્રાઝિલનાં જ પામેલા રોસા અને ટીનેજર રેયસા લીલ પણ સારો દેખાવ કરી રહ્યાં છે.

એ જ રીતે જાપાનનાં સ્કેટર એઓરી નિશીમુરા પણ હાલનાં વર્ષોમાં તેમને ટક્કર આપતાં આવ્યાં છે.

શું તમે જાણો છો?

ટોક્યો 2020ના સ્કેટબૉર્ડિંગના અડધોઅડધ મેડલ જાપાન જીતી જાય તેવી શક્યતા છે.

આમ છતાં જાપાનમાં આજેય આ રમતને "તોફાની છોકરાઓની રમત" ગણવામાં આવતી હોવાનું ટીમના કોચ ડાયસૂકે હાયાકાવા કહે છે.

વીડિયો કૅપ્શન, તણાવભર્યા બાળપણ બાદ કઈ રીતે ઑલિમ્પિક ક્વોલિફાયર તરીક ઊભર્યા હૉકી પ્લેયર નેહા ગોયલ?
line

સ્પોર્ટ ક્લાઇમ્બિંગ

શાઉના કૉક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રેટ બ્રિટનનાં શાઉના કૉક્સે સોલો ક્લાઇમ્બર છે અને મેડલ મેળવે તેવું માનવામાં આવે છે. તેમણે 2019ની વર્લ્ડ ચૅમ્પિયનશીપ્સમાં બ્રૉન્ઝ મેળવ્યો હતો.

ક્લાઇમ્બિંગના ત્રણ પ્રકાર છે - સ્પીડ, બૉલ્ડરિંગ અને લીડ, જેની સ્પર્ધાઓ યોજાશે.

સ્પીડ ઇવેન્ટમાં બે એથ્લિટ્સ બાજુબાજુમાં રહેલી એક સરખી 15 મીટરની દીવાલ ચડવાની સ્પર્ધા કરે છે. જે ઝડપથી ચડી જાય તે જીતે.

બૉલ્ડરિંગમાં અવરોધ તરીકે ગણાતા જુદાજુદા રૂટ પર સ્પર્ધકે ચઢાણ કરવાનું હોય છે. તેમાં ઓછામાં ઓછા પ્રયત્ને 4.5 મીટરના બૉલ્ડર્સ જેવા માળખાની ઉપર ચડી જાય તે વિજેતા બને.

ઇન્ડોર ક્લાઇમ્બિંગમાં લીડ સૌથી પ્રચલિત હોય છે. તેમાં 15 મીટરની દીવાલ પર છ મિનિટમાં વધુમાં વધુ ઉપર પહોંચી જવાનું હોય છે.

આ પ્રયત્નોના અંતે ખેલાડીને રૅન્ક અપાય છે, અને છેવટે તેનો સરવાળો થાય છે. આ રીતે સૌથી વધુ રૅન્ક મેળવનાર આઠ ખેલાડીઓ વચ્ચે ફાઇનલ રમાય છે, જ્યાં ફરી આ જ પ્રદર્શન કરવાનું હોય છે.

ટોક્યો 2020માં સ્ત્રી અને પુરુષની ઇવેન્ટમાં 40 ક્લાઇમ્બરો ભાગ લેવાનાં છે.

કોના પર રહેશે નજર

બૉલ્ડરિંગમાં સ્પેશ્યલિસ્ટ ગ્રેટ બ્રિટનનાં શાઉના કૉક્સે સોલો ક્લાઇમ્બર છે અને મેડલ મેળવે તેવી ધારણા છે. તેમણે 2019ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેળવ્યો હતો.

છ વાર વર્લ્ડ ચૅમ્પિયન જીતનારાં સ્લોવેનિયાનાં જૅન્જા ગૅમ્બર્ટ આ વખતે ગોલ્ડ માટે ફેવરિટ ગણાય છે. ઇટાલિયન રોગોરા પણ ઊગતી પ્રતિભા છે અને મેડલ જીતી શકે છે.

પુરુષોની સ્પર્ધામાં પાંચ વાર વર્લ્ડ ચૅમ્પિયન બનનારા ચેક રિપબ્લિકના ઍડમ ઑન્ડ્રા ફેવરિટ છે. ફ્રેન્ચ બંધુઓ માઇકલ અને બેસ્સા મેવેમ પણ અહીં સામસામે સ્પર્ધામાં ઊતરવાના છે.

સ્પેનના 18 વર્ષના ઉત્સાહી આલ્બર્ટો ગાઇન્સ પર પણ નજર રહેશે.

વીડિયો કૅપ્શન, અમદાવાદનાં સ્વિમર માના પટેલની ટોક્યો ઑલિમ્પિક સુધીની સફર

શું તમે જાણો છો?

ક્લાઇમ્બિંગના શૂઝ એટલાં સાંકડાં હોય છે કે અંગૂઠો અંદર વાંકો રહે. જોકે તેના કારણે ઝડપથી દીવાલ ચડી શકાય છે.

line

સર્ફિંગ

ગેબ્રિયલ મેડિના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગેબ્રિયલ મેડિના

ટોક્યોના ઑલિમ્પિક સ્ટેડિયમથી 100 કિમી દૂર સુરિગાસાકી બીચ પર સર્ફિંગ સ્પર્ધા યોજાશે.

30 મિનિટ માટેના સર્ફિંગમાં ખેલાડીએ વધુમાં વધુ મોજાં પર સવાર થવાનું હોય છે. સામાન્ય રીતે 10-12 મોજાં પર સવાર થઈ શકાય છે. તેમાંથી બે સૌથી ઊંચા મોજાંની ગણતરી થાય છે.

કોઈ પણ બે મોજાં સરખાં હોતાં નથી, તેથી પાંચ જજોની પેનલ ખેલાડીના દેખાવને પાંચ પૉઈન્ટની સિસ્ટમના આધારે નિર્ધારિત કરતી હોય છે. અડચણ, નવીનતા, ગતિ, તાકાત અને ફ્લૉ જેવી બાબતોના આધારે નિર્ણય લેવાતો હોય છે.

પ્રારંભિક રાઉન્ડમાં કોઈને દૂર નહીં કરાય, પણ તે સિવાય આ નૉકઆઉટ સ્પર્ધા હશે.

દરેક ઇવેન્ટમાં ચારથી પાંચ ખેલાડીઓ સ્પર્ધામાં હોય છે અને ત્રણ રાઉન્ડ પૂરા થાય તે પછી તેમાંથી પસંદગીના ખેલાડીઓ સામસામે સ્પર્ધામાં આવતા હોય છે.

આ વખતે 20 પુરુષો અને 20 મહિલા સર્ફર ભાગ લઈ રહ્યાં છે.

કોના પર રહેશે નજર

ટૉપ સર્ફર તરીકે ઑસ્ટ્રેલિયા અને અમેરિકાના ખેલાડીઓ છે, પણ બ્રાઝીલના ખેલાડીઓ પર પણ નજર રહેશે, કેમ કે છેલ્લા છ મૅન્સ વર્લ્ડ ટાઇટલ્સમાંથી ચાર તેઓ જીતી ગયા છે. તેમાંથી બે ગ્રૅબિયલ મેડિનાએ જિત્યા છે.

બે વખતના વર્લ્ડ ચૅમ્પિયન જ્હૉન જ્હૉન ફ્લોરેન્સે અમેરિકાની ફાઇનલમાં પ્રખ્યાત ખેલાડી કૅલી સ્લેટરને હરાવ્યા હતા. એ જ રીતે મહિલાઓમાં મૂળ હવાઈનાં કેરિસા મૂર પણ ચાર વર્લ્ડ ટાઇટલ્સ સાથે ટોક્યોમાં ભાગ લઈ રહ્યાં છે.

જોકે ઑસ્ટ્રેલિયાનાં સ્ટેફની ગીલમોરને ભૂલી શકાય નહીં, કેમ કે તેની પાસે સાત વર્લ્ડ ટાઇટલ છે અને સૌથી વધુ સ્પર્ધા જીતનારાં પ્રખ્યાત પ્રોફેશનલ સર્ફર છે.

શું તમે જાણો છો?

25 જુલાઈથી 1 ઑગસ્ટ દરમિયાન ઑલિમ્પિક સર્ફિંગ ફેસ્ટિવલ ચાર દિવસ માટે યોજાશે. સારાં મોજાં અને યોગ્ય વાતાવરણ માટે આટલો લાંબો સમયગાળો રાખવામાં આવ્યો છે.

line

બેઝબૉલ/સોફ્ટબૉલ

વીડિયો કૅપ્શન, વિનેશ ફોગટ : એ કુસ્તીબાજ જેમની પકડમાંથી છૂટવું અઘરું છે

આમ જુઓ તો બેઝબૉલ અને સોફ્ટબૉલ ઑલિમ્પિક માટે નવી રમતો નથી, પરંતુ બીજિંગ 2008 પછી તેની સ્પર્ધાઓ ઑલિમ્પિકમાં થઈ નથી.

બંનેના પાયાના મુદ્દા સરખા છે. બૉલને ફટકારવાનો અને ચારેય ખૂણે ફરીને વધુમાં વધુ રન કરી લેવાના.

બંનેમાં ફરક એટલો છે કે બેઝબૉલમાં પીચરે ઓવરઆર્મ બૉલ ફેંકવાનો હોય છે, જ્યારે સોફ્ટબૉલમાં અંડરઆર્મ બૉલ ફેંકવાનો હોય છે.

બંનેમાં રાઉન્ડ રૉબિન ફૉર્મેટથી શરૂઆત થશે અને તેમાંથી બેઝબૉલમાં નોકઆઉટ ગેમ થશે, જ્યારે સોફ્ટબૉલમાં સીધી મેડલ માટેની મૅચો થશે.

દરેક રમતમાં છ ટીમ હશે. જોકે એકેય રમતમાં બ્રિટનની ટીમ નથી. બેઝબૉલમાં પુરુષોની ટીમો છે, જ્યારે સોફ્ટબૉલમાં સ્ત્રીઓની ટીમ છે.

અમેરિકામાં મહત્ત્વની ગણાતી મેજર લીગ બેઝબૉલ આ જ સમયગાળામાં રમાઈ રહી હશે એટલે મહત્ત્વના ખેલાડીઓ ઑલિમ્પિકમાં જોવા નહીં મળે.

કોના પર રહેશે નજર

અમેરિકાએ છેલ્લી બે સોફ્ટબૉલ વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતેલી છે અને 2008માં જાપાન સામે ઑલિમ્પિક મેડલ ગુમાવ્યો હતો તે ફરી મેળવી લેવાની આશામાં રહેશે.

બેઝબૉલમાં જાપાને 2019માં પ્રિમિયર 12 ટુર્નામેન્ટ જીતી હતી.

વિશ્વની 12 સૌથી ટોચનો રૅન્ક ધરાવતી ટીમો આ સ્પર્ધામાં ભાગ લે છે. આ વખતે ઘર આંગણે મેડલની આશા જાપાની ખેલાડીઓ રાખશે.

line

શું તમે જાણો છો?

જાપાનમાં બેઝબૉલ બહુ લોકપ્રિય છે.

બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકાના સૈનિકો જાપાનમાં હતા તેથી લોકપ્રિયતા વધી હતી.

2018માં થયેલા એક અભ્યાસમાં ભાગ લેનારા 48% લોકોએ કહ્યું હતું કે બેઝબૉલ તેમની ફેવરિટ રમત છે.

આ સિવાય શું નવું હશે?

વીડિયો કૅપ્શન, દુતી ચંદની ગણતરી 100 મિટર દોડમાં એશિયાના સૌથી ઝડપી મહિલા દોડવીર તરીકે થાય છે.

સાત રમતગમતમાં સ્ત્રી પુરુષોની સંયુક્ત નવ સ્પર્ધાઓ હશે:

તીરંદાજી - સંયુક્ત ટીમ

ઍથ્લેટિક્સ - સંયુક્ત ટીમ 4x400m

જૂડો - સંયુક્ત ટીમ

શૂટિંગ - સંયુક્ત 10m ઍર રાઇફલ, સંયુક્ત 10m ઍર પિસ્તોલ, સંયુક્ત ટ્રેપ

સ્વિમિંગ - 4x100m સંયુક્ત ટીમ મેડલે રિલે

ટેબલ ટેનિસ - સંયુક્ત ટીમ ડબલ્સ

ટ્રાયથ્લૉન - સંયુક્ત ટીમ રિલે

2020 ઑલિમ્પિક્સમાં નીચેની નવી ઇવેન્ટ્સ પણ પ્રથમવાર યોજાશે:

બૉક્સિંગ - મહિલા ફેધરવેઇટ, મહિલા વેલ્ટરવેઇટ

કેનો સ્લેલોમ - મહિલા C1

કેનો સ્પ્રિન્ટ - મહિલા C1 200 મીટર, મહિલા C2 500 મીટર

સાયકલિંગ - મહિલા મેડિસન, BMX ફ્રિસ્ટાઇલ પાર્ક

રૉવિંગ - મહિલા કૉક્સલેસ ફૉર

સ્વિમિંગ - પુરુષોની 800m ફ્રિસ્ટાઇલ, મહિલાઓની 1500m ફ્રિસ્ટાઇલ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો