પેલેસ્ટાઇન : ઇઝરાયલ સાથે સંબંધ બનાવનાર યુએઈએ ચિંતા વ્યક્ત કરી

ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓ વચ્ચે સતત પાંચમા દિવસે પણ સંઘર્ષ ચાલુ છે. ઇઝરાયલે ગાઝામાં કાર્યવાહીને વેગ આપ્યો છે તો બીજી બાજુ પેલેસ્ટાઇનવાસીઓ પણ ઇઝરાયલ પર રૉકેટ છોડી રહ્યા છે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વધતા ઘર્ષણને લઈને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ - UAE)ના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બીન ઝાયદ અલ નાહ્યાનએ ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે એ પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે, જેમને આ હિંસક ઘર્ષણમાં સ્વજનો ગુમાવ્યાં છે.

સંયુક્ત આરબ અમીરાતએ કહ્યું કે શક્ય તેટલું જલદી બંને દેશોએ ઘર્ષણ ઘટાડવું જોઈએ, હિંસક કાર્યવાહી અટકાવવી જોઈએ અને તે માટે દરેક પક્ષોએ સાથે મળીને ઉકેલ લાવવો પડશે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે રાજકીય વાર્તા શરૂ કરવાની જરૂરિયાત પર યુએઈએ ભાર મૂક્યો છે.

યુએઈ દ્વારા બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "આ અઠવાડિયામાં જે હિંસક ઘર્ષણ જોવા મળ્યું છે, તેને શાંતિપૂર્ણ રીતે અને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. તેની શરૂઆત કરવી જોઈએ."

"અમે ઇચ્છીએ છીએ કે પાડોશી દેશો એક-બીજા પ્રત્યે શાંતિ અને સન્માન જાળવી રાખે. અત્યાર સમયની માગ છે કે બંને દેશના નેતાઓ પરિસ્થિતિને સામાન્ય કરવા માટે કામ કરે અને કોઈ પણ ઉકેરણીજનક કાર્યવાહી ન કરે. તણાવ તો જ ઘટાડી શકાશે."

ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત સંબંધોને સામાન્ય કરવા માટે સહમત થયા હતા, જેની જાહેરાત તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી.

બધી જગ્યાએથી વિરોધ છતાં યુએઈએ ઇઝરાયલ સાથે રાજકીય સંબંધો સ્થાપિત કર્યાં હતા. યુએઈ બાદ બહેરીને પણ ઇઝરાયલ સાથે સંબંધ બનાવ્યા હતો.

એ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ અલ નાહ્યાને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, "આ ઐતિહાસિક સફળતાથી મધ્ય-પૂર્વમાં શાંતિ વધશે."

એ સમયે કહેવામાં આવ્યું હતું કે, આ સમજૂતીને કારણે ઇઝરાયલ વેસ્ટ બૅન્કના મોટા હિસ્સાને પોતાના વિસ્તારમાં ભેળવી દેવાની યોજના પડતી મૂકી દેશે.

આ સમજૂતી પહેલાં ઇઝરાયલનો ખાડી દેશો સાથે કોઈ સત્તાવાર રાજકીય સંબંધ ન હતો.

આ સમજૂતી બાદ અમેરિકામાં યુએઈના રાજદૂત યુસુફ અલ ઓતૈબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રાજનીતિ અને આ વિસ્તાર માટે એક જીત છે. આ આરબ અને ઇઝરાયલના સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ વધારો છે, જે તણાવ ઓછો કરશે અને સકારાત્મક પરિવર્તન માટે નવી ઉર્જા ઉત્પન્ન કરશે."

પરતું હાલમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેમાં ઇઝરાયલમાં રહેતાં લઘુમતી આરબ સમુદાયના લોકો પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યાં છે.

આ સંકટના સમયમાં ઇઝરાયલની સરકારે લઘુમતી આરબ સમુદાયના લોકોને એક મુસીબત તરીકે ગણાવી છે અને દેશમાં જે આંતરિક અશાંતિ છે તે માટે આ લોકોને જવાબદાર ઠેરવ્યાં છે.

હાલના અહેવાલ અનુસાર પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન કરવા બદલ ઇઝરાયલમાં રહેતા 400થી વધુ આરબ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે આ સમજૂતી થઈ હતી ત્યારે પેલેસ્ટાઇનના અધિકારીઓ ગુસ્સે ભરાયા હતા.

પેલેસ્ટાઇના નેતૃત્વએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આ સમજૂતીથી પેલેસ્ટાઇનના અધિકારો અને આરબો દ્વારા ઉઠાવવામાં આવેલા સંયુક્ત પગલાંને નુકસાન થશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો