અનુષ્કા શર્મા : વિરાટ કોહલીના ટેસ્ટ ટીમની કપ્તાની છોડવાના નિર્ણય પછી પત્ની અનુષ્કા શર્માએ લખી ભાવુક પોસ્ટ BBC TOP NEWS
ભારતીય ક્રિકેટ ટેસ્ટ ટીમના કૅપ્ટનપદ છોડવાના વિરાટ કોહલીના નિર્ણય વિશે તેમનાં પત્ની અનુષ્કા શર્માએ એક પોસ્ટ લખી છે.
તેમણે લખ્યું કે તેમને વિરાટ કોહલી પર ગર્વ છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે :
''મને 2014નો એ દિવસ યાદ છે જ્યારે તમે મને કહ્યું હતું કે તમને કૅપ્ટન બનાવવામાં આવ્યા છે, કારણ કે એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.''
''એ દિવસે ધોની, તમે અને હું વાતચીત કરી રહ્યા હતા અને મજાકમાં તેઓ કહી રહ્યા હતા કે જોજે હવે તારી દાઢી કેટલી જલદી સફેદ થવા લાગશે. એ દિવસે આપણે તમામ લોકો આ વાત પર ખૂબ હસ્યાં હતાં.''

ઇમેજ સ્રોત, Instagram/@AnushkaSharma
''એ દિવસ પછી, મેં તમારી દાઢીના સફેદ થવા સિવાય બીજું ઘણું જોયું છે. મેં તમારી અંદર અને તમારી આજુબાજુમાં ઘણી પ્રગતિ થતી જોઈ છે. અને હા, ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકે તમારી અને તમારા નેતૃત્વમાં ટીમે જે સિદ્ધિઓ મેળવી છે તેના પર મને ખૂબ જ ગર્વ છે, પરંતુ તમે તમારી અંદર જે મેળવ્યું, તેના પર વધારે ગૌરવ છે.''
"2014માં આપણે એટલા નાના અને ભોળા હતા કે આપણને એમ લાગતું હતું કે તમારો ઇરાદો સારો છે, સકારાત્મક વિચાર અને લક્ષ્ય જ જીવનમાં તમને આગળ લઈ જવા માટે જરૂરી છે. જીવનમાં આગળ વધવા માટે આ બાબતોની જરૂરિયાત છે, પરંતુ પડકારોનો સામનો કર્યા વિના તમે આગળ વધી શકતા નથી. આમાં ઘણા પડકારો છે જેનો તમે સામનો કર્યો છે, જે માત્ર મેદાન પર ન હતા. પરંતુ આજ જીવન છે, છે કે નહીં?"
"આ એ જગ્યાઓ પર તમારી પરીક્ષા કરે છે જ્યાં તમે બહુ ઓછી આની અપેક્ષા રાખી હોય છે, પરંતુ જ્યાં તમારે સૌથી વધારે જરૂર છે ત્યાં. મારા પ્રેમ, મને તમારા પર ખૂબ ગર્વ છે કે તમે ક્યારેય તમારા સારા ઇરાદાઓના માર્ગમાં કંઈપણ આવવા દીધું નથી."
"તમે જે રીતે ટીમનું નેતૃત્વ કર્યું તે એક મિસાલ છે અને તમે તમારા શરીરની બધી ઊર્જા જે રીતે મેદાન પર આપીને જીત મેળવી હતી. કેટલીક હાર પછી હું તમારી બાજુમાં બેસતી હતી અને તમારી આંખોમાં આવેલાં આંસુને જોતી, ત્યારે તમે વિચારતા હતા કે શું તમે હજી પણ વધુ કંઈક કરી શક્યા હોત?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
"આ તમે છો અને તમે દરેક પાસેથી આ જ અપેક્ષા રાખો છો. તમે બીજા કરતા અલગ છો અને તમે ખૂબ સ્પષ્ટવક્તા છો. દેખાડો તમારો દુશ્મન છે અને તે જ તમને મારી અને તમારા ચાહકોની નજરમાં મહાન બનાવે છે. કારણ કે આ બધા પાછળ તમારો હંમેશા સારો અને સ્પષ્ટ ઇરાદો હતો. અને દરેક જણ તેને સાચા અર્થમાં સમજી શકશે નહીં. ખરેખર ધન્ય છે એ લોકો જેમણે તમને નજીકથી જાણવાનો પ્રયત્ન કર્યો."
"તમે પરફેક્ટ નથી અને તમારામાં ખામીઓ છે પણ પછી તમે તેને છુપાવવાનો પ્રયાસ ક્યારે કર્યો? તમે હંમેશા યોગ્ય અને મુશ્કેલ કામ કરવા ઊભા રહ્યા છો. તમે લોભથી કંઈ કર્યું નથી, આ પદ પર પણ નથી રહ્યા અને હું જાણું છું. "
શનિવારે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ ટેસ્ટ કૅપ્ટનનું પદ છોડી રહ્યા છે. તેમણે લખ્યું હતું કે તેમણે ઇમાનદારીથી પોતાનું કામ કર્યું હતું.

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ કેસ હાર્યા, ઑસ્ટ્રેલિયાથી કરવામાં આવશે ડિપોર્ટ

ઇમેજ સ્રોત, Justin Setterfield
જાણીતા ટૅનિસ ખેલાડી નોવાક જોકોવિચ ઑસ્ટ્રેલિયામાં રહેવાની પોતાની અપીલનો કેસ હારી ગયા છે. જેના કારણે હવે ઑસ્ટ્રેલિયા તેમને ડિપોર્ટ કરશે.
કોરોના વૅક્સિન ન લગાવવાનાં કારણે સાર્વજનિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયાએ જોકોવિચની વિઝા અરજી રદ કરી હતી. જેના પર જોકોવિચે કોર્ટમાં અપીલ કરી હતી.
હવે જજોની બૅન્ચે જોકોવિચની અપીલ માનવાથી ઇનકાર કર્યો છે. કોર્ટનાં આ નિર્ણયે જોકોવિચનું ઑસ્ટ્રેલિયા ઓપનમાં પોતાના 21માં ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ માટે રમવાનું સપનું તોડી નાખ્યું છે.
કોર્ટનાં આ નિર્ણય અંગે જોકોવિચે કહ્યું કે તેમને ખૂબ જ નિરાશા સાંપડી છે, પરંતુ તેઓ કોર્ટનાં નિર્ણયને આવકારે છે.
તેમણે નિવેદન જારી કરીને કહ્યું કે, દેશમાંથી ડિપોર્ટ કરવા સંબંધમાં તેઓ સંબંધિત અધિકારીઓને સહયોગ આપશે.
ત્યારે જોકોવિચના દેશ સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્સાન્ડર વુકિકે બીબીસીને કહ્યું કે નોવાક જોકોવિચ સાથે ઑસ્ટ્રેલિયાની સરકારે જે કર્યું તે 'શોષણ અને અત્યાચાર' છે અને તેઓ 'સામૂહિક હત્યાઓ કરનાર હત્યારા' હોય તેવું વર્તન કરવામાં આવ્યું.
એસિસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપી)એ કહ્યું કે ઑસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચની ગેરહાજરી એ ટેનિસની રમતનું નુકસાન છે પરંતુ સંસ્થા ખેલાડીઓને રસી લેવાની ભલામણ કરે છે".

ભારતીય સેનાને નવો યુનિફોર્મ મળશે, કાપડ અને ડિઝાઇનમાં શું છે ખાસ?

ઇમેજ સ્રોત, Ani
ભારતીય સેનાનો નવો યુનિફોર્મ શનિવારે આર્મી ડે પરેડ દરમિયાન પરેડ ગ્રાઉન્ડ પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ભારતીય સેનાનો નવો કૉમ્બેટ યુનિફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નોલૉજી (એનઆઈએફટી)ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
એનઆઈએફટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની આઠ ડિઝાઇનરોની ટીમને આર્મીમાં પુરુષો અને મહિલાઓને પહેરવામાં સરળ અને આરામદાયક રહે તેવો યુનિફોર્મ બનાવવા કહેવાયું હતું.
હવે અલગઅલગ ભૂપ્રદેશો માટે અલગ-અલગ યુનિફોર્મ રાખવાની જરૂરિયાતને દૂર કરવામાં આવી છે. નવા યુનિફોર્મમાં હળવું અને આરામદાયક ફેબ્રિક હશે અને તેમ છતાં તે કઠોર આબોહવાની પરિસ્થિતિઓ સામે રક્ષણ આપવા માટે સક્ષમ હશે.
યુનિફોર્મના કાપડમાં 70 ટકા કોટન અને 30 ટકા પૉલિએસ્ટર વાપરવામાં આવ્યું છે. આ સંયોજનથી તે વિવિધ હવામાન પરિસ્થિતિઓમાં પહેરવાનું સરળ બનશે, કારણ કે તે સરળતાથી અને ઝડપથી સુકાઈ જશે અને વજનમાં હલકું છે.
કેટલાક દેશોના યુનિફોર્મનો અભ્યાસ કરીને અને વ્યાપક ચર્ચાવિચારણા બાદ નવા ફેરફારો કરવામાં આવ્યા છે.

અમેરિકામાં યહૂદી દેવળમાં લોકોને બંધક બનાવ્યા, પોલીસ ઘટનાસ્થળે

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકન શહેર કોલવિલેમાં એક યહૂદી દેવળમાં પ્રાર્થના દરમિયાન ચાર લોકોને એક વ્યક્તિએ બંધક બનાવ્યા હતા. આ વ્યક્તિ પાસે હથિયાર છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
અમેરિકાના ટેક્સાસ રાજ્યની પોલીસનું કહેવું છે કે તેઓ બંધક બનાવનાર વ્યક્તિ સાથે વાત કરી રહી છે.
રવિવારે સવારે આયોજિત પ્રાર્થનાનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ત્યારબાદ આ વીડિયોને ઇન્ટરનેટ પરથી હઠાવી દેવામાં આવ્યો છે.
જોકે, વીડિયોમાં એક વ્યક્તિ બૂમો પાડીને કહી રહી છે કે તે કોઈને નુકસાન પહોંચાડવા માગતી નથી.
તેણે કહ્યું, "મારી બહેનને ફોન પર બોલાવો, હું મરી જવાનો છું, અમેરિકા સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે."
પોલીસે વિસ્તારને કૉર્ડન કરી લીધો છે અને સ્પેશિયલ વેપન્સ ટીમ તહેનાત કરી છે. આ વિસ્તારમાંથી સામાન્ય લોકોને દૂર કરવામાં આવ્યા છે.
કાયદા અમલીકરણ વિભાગના બે અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે ઍસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બંધક બનાવવામાં આવેલા ચાર લોકોમાં એક પાદરીનો પણ સમાવેશ થાય છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને ઘટના અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












