ગુજરાતમાં ડી.જે વગાડવા અને સાફો પહેરવા બદલ દલિત વ્યકિતના વરઘોડામાં પથ્થરમારો - BBC TOP NEWS

વરઘોડામાં ડી.જે. વગાડવા અને સાફો પહેરવા બદલ અરવલ્લી જિલ્લાના લીંચ ગામમાં દલિત યુવકના વરઘોડા પર લોકોના એક જૂથ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે નવ લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે.

આઉટલુકના અહેવાલ અનુસાર દલિત યુવકનો વરઘોડો જ્યારે લીંચ ગામમાં પ્રવેશી રહ્યું હતું ગામના અમુક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો કરનાર લોકોએ ડી.જે. વગાડવા અને સાફો પહેરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

અંબાલીયારા પોલીસ સ્ટેશનના આર. એમ. ડામોરે જણાવ્યું કે મંગળવાર સાંજે આ ઘટના બનવા પામી છે. પથ્થરમારો કરવાની સાથે-સાથે વરઘોડામાં સામેલ વ્યક્તિઓ સામે જાતિવાચક અપશબ્દો પણ કહેવામાં આવ્યાં હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે વરઘોડામાં સામેલ વ્યક્તિઓએ પથ્થરમારો ન કરવા માટે કહેતા ઘટનામાં સામેલ લોકોએ કન્યાના પિતરાઇ ભાઈ સાથે મારઝૂડ કરી હતી. કન્યાના પિતરાઇ ભાઈએ આ મામલે ફરીયાદ નોંધવતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

અત્રે નોંધવું રહ્યું કે 17 ફેબ્રુઆરીએ પાટણ તાલુકાના કમલીવાડા ગામે વિશ્વજીત પરમારનો વરઘોડો નિકળ્યો હતો ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે બંને પક્ષોના લોકો ઉશકેરાઈ ગયા હતા. પોલીસે મામલો થાળે પાડતા વરઘોડો નિકળ્યો હતો.

ઍલન મસ્કે વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિનો તાજ ગુમાવ્યો

ઇલેક્ટ્રિક કાર કંપની 'ટૅસ્લા'ના મુખ્ય કાર્યકારી અધિકારી ઍલન મસ્ક આ વર્ષે જાન્યુઆરીમાં વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. જોકે, એક મહિના બાદ જ તેમણે આ ખિતાબ ગુમાવી દીધો છે.

એક મહિના પહેલાં 'ટૅસ્લા'ના શૅરની કિંમતોમાં આવેલા ભારે ઉછાળાને કારણે ઍલન મસ્કની કુલ સંપત્તિ 1 ખર્બ 85 અબજ ડૉલરને પાર પહોંચી ગઈ હતી.

જોકે, મસ્ક હવે પોતાના જ શૅરો તૂટતાં બીજા ક્રમે પહોંચી ગયા છે.

ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ 'ઍમેઝોન'ના સંસ્થાપક જૅફ બેસોઝ વધુ એક વાર વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

જાણકારોનું માનવું છે કે બે દિવસ બિટકોઇન તૂટતા સમીકરણો બદલાયાં છે.

હિંદુ મહિલા પિતાના પરિવારને આપી શકે છે સંપત્તિ

'હિંદુસ્તાન'ના એક અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના નિર્ણયમાં જણાવ્યું છે કે હિંદુ મહિલાના પિતાની તરફથી આવેલા લોકોને તેની સંપત્તિમાં વારસ ગણાવી શકાય. આવા પરિવારજનોને પરિવારની બહારની વ્યક્તિ ગણી શકાય નહીં. આ પરિવારજનો હિંદુ ઉત્તરાધિકારી કાયદાની કલમ 15.1 ડી અંતર્ગત આવશે અને સંપત્તિના હકદાર ગણાશે.

સમાચાર અનુસાર જસ્ટિસ અશોક ભૂષણની પીઠે કહ્યું છે, "કલમ 13.1 ડીને વાંચતા સ્પષ્ટ થાય છે કે પિતાના વારસદારોને વારસ માનવામાં આવે છે, જે સંપત્તી લઈ શકે છે."

"પણ જ્યારે મહિલાના પિતા તરફથી આવેલા વારસદારોને સામેલ કરી શકાય, જે સંપત્તિ હાંસલ કરી શકે છે, ત્યારે એવું ન કહી શકાય કે તેઓ પરિવારના અજાણ્યા લોકો છે. મહિલાના પરિવારના સભ્ય નથી."

સમાચારમાં જણાવાયું છે કે 'સુપ્રીમ કોર્ટે હિંદુ ઉત્તરાધિકાર કાયદાની કલમ 15.1 ડીની વ્યખ્યા કરી છે અને કહ્યું છે કે હિંદુ મહિલાના પિતા તરફથી આવેલા પરિવારજનો અજાણ્યા નથી, તેઓ પરિવારનો ભાગ છે. કાયદામાં આવેલા શબ્દ કુટુંબને સંકીર્ણ ન કરી શકાય.'

પ્રિન્સ ફિલિપને સંક્રમણને લીધે કેટલાય દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે

બકિંઘમ પૅલેસે કહ્યું છે કે ડ્યુક ઑફ ઍડિનબરો પ્રિન્સ ફિલિપને સંક્રમણ થયું છે, જેની સારવાર ચાલી રહી છે. સારવાર માટે તેમણે કેટલાય દિવસો સુધી હૉસ્પિટલમાં રહેવું પડશે.

પ્રિન્સ ફિલિપ અસહજ અનુભવી રહ્યા હતા, જેને પગલે 17 જાન્યુઆરીએ તેમને કિંગ ઍડવર્ડ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

99 વર્ષના પ્રિન્સ ફિલિપ મહારાણી ઍલિઝાબેથના પતિ છે. બકિંઘમ પૅલેસના જણાવ્યા અનુસાર પ્રિન્સ ફિલિપ હવે સારા છે અને સારવારની તેમના પર અસર થઈ રહી છે.

પ્રિન્સ ફિલિપ અને મહારાણી ઍલિઝાબેથને જાન્યુઆરીમાં કોવિડ-19ની રસી અપાઈ હતી. જોકે, તેમને કોરોના વાઇરસ સંબંધિત મુશ્કેલીઓને લીધે હૉસ્પિટલમાં દાખલ નથી કરાયાં.

પ્રિન્સ ફિલિપ અને મહારાની ઍલિઝાબેથે ગત વર્ષ નવેમ્બરમાં જ પોતાનાં લગ્નનાં 72 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. પ્રિન્સ ફિલિપ આ વર્ષ જૂનમાં 100 વર્ષના થઈ જશે.

મહાનગરપાલિકામાં કમળ ખીલ્યું

ગુજરાતમાં રવિવારે યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીનું મંગળવારે પરિણામ આવ્યું હતું. જેમાં સત્તાપક્ષ ભાજપે ફરી વાર વિજયી પરફોર્મન્સ કરી બતાવ્યું હતું.

આમ આદમી પાર્ટી સુરતમાં વિપક્ષમાં આવી ગઈ અને ગુજરાતમાં મુખ્ય વિપક્ષ ગણાતી કૉંગ્રેસ પાર્ટી છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૈકી સુરત, રાજકોટ અને ભાવનગરમાં ડબલ ડિજિટ સુધી પણ નથી પહોંચી શકી.

પહેલી વાર સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવનાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને પણ અનુક્રમે અમદાવાદ અને સુરતમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે.

સાથે જ જામનગરમાં ત્રણ બેઠકો પર બહુજન સમાજ પાર્ટી (BSP)ને સફળતા સાંપડી છે.

સુરતમાં આમ આદમી પાર્ટીને મળેલી જીતને રાજકીય વિશ્લેષકો કૉંગ્રેસના વિકલ્પ તરીકે પણ જોઈ રહ્યા છે.

જોકે, આમ આદમી પાર્ટી આ સફળતાને ભવિષ્યમાં કેટલી યુટિલાઇઝ કરી શકશે તે અંગે પ્રશ્ન બરકરાર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો