આર્મેનિયા-અઝરબૈજાન : નાગોર્નો-કારાબાખમાં સમજૂતી બાદ રશિયાએ તહેનાત કર્યા શાંતિ સૈનિક

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેની સમજૂતી પછી નાગોર્નો-કારાબાખના વિવાદિત ભાગોમાં રશિયાએ સેંકડો શાંતિ સૈનિક ટુકડીઓ તહેનાત કરી દીધી છે.

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 27 સપ્ટેમ્બરથી યાંથી ભીષણ લડાઈ ચાલતી હતી. જે બાદ સોમવારે રશિયાએ આ બંને દેશો વચ્ચે શાંતિસમજૂતી કરાવી હતી.

રશિયા દ્વારા કરાવાયેલી સમજૂતી બાદ અઝરબૈજાનમાં ખુશીની લહેર જોવા મળી પણ આર્મેનિયામાં લોકો આ અંગે રોષ પ્રગટ કરી રહ્યા છે.

અઝરબૈજાનની રાજધાની બાકુથી બીબીસી સંવાદદાતા ઓરલા ગુએરિન જણાવે છે કે 'સરવાળે, આ સમજૂતીને અઝરબૈજાનની જીત અને આર્મેનિયાની હાર તરીકે જોવાય છે.'

આર્મેનિયાના લોકો આ સમજૂતીથી નિરાશ છે, તેઓ પ્રદર્શન કરવા માટે બહાર નીકળી આવ્યા છે.

કેટલાક પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે અને તેઓ વડા પ્રધાન નિકોલ પાશિન્યાનના રાજીનામાંની માગ કરી રહ્યા છે.

આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સ્તર પર અઝરબૈજાનનો ભાગ માનવામાં આવે છે પરંતુ 1994થી આ વિસ્તાર અહીં રહેનારા વંશીય આર્મેનિયન લોકોના હાથમાં છે.

સપ્ટેમ્બરમાં ફરીથી યુદ્ધ શરૂ થયા પછી સંઘર્ષ વિરામની કેટલીક સમજૂતી થઈ છે પરંતુ તે પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે.

આ સમજૂતીમાં શું છે?

સોમવારે મોડી રાત્રે આ સમજૂતી હેઠળ અઝરબૈજાન નાગોર્નો-કારાબાખના એ ક્ષેત્રોને પોતાની પાસે રાખશે, જે તેમણે સંઘર્ષ દરમિયાન કબજે કર્યાં હતાં.

આવનારા દિવસોમાં આસપાસના કેટલાક વિસ્તારો પરથી આર્મેનિયાએ પરથી પાછા હઠવું પડશે.

ટેલિવિઝનના માધ્યમથી સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને કહ્યું કે 1960માં અહીં રશિયાએ શાંતિ સૈનિક મોકલ્યા હતા.

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલીયેવે કહ્યું કે આ શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં તુર્કી પણ ભાગ લેશે.

એ સિવાય સમજૂતી પ્રમાણે યુદ્ધ બંદીઓને પણ એકબીજાને સોંપવામાં આવશે.

પ્રતિક્રિયા?

રાષ્ટ્રપતિ અલીયેવે કહ્યું કે આ સમજૂતીનું ઐતિહાસિક મહત્ત્વ છે, જેના પર આર્મેનિયા પણ 'ન ઇચ્છતું હોવા' છતાં તૈયાર થઈ ગયું છે.

ત્યારે આર્મેનિયાના વડા પ્રધાન પાશિન્યાને કહ્યું, "આ સમજૂતી, પરિસ્થિતિને જોતાં આ વિસ્તારના જાણકારો સાથે વાત કરી અને 'ગંભીર વિશ્લેષણ' પછી કરવામાં આવ્યું છે."

તેમણે કહ્યું, "આ વિજય નથી પરંતુ જ્યાર સુધી તમે પોતાને હારેલા નથી માનતા ત્યાં સુધી આ હાર પણ નથી.''

આર્મેનિયાની રાજધાની યેરેવાનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને આ સમજૂતીનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સંસદ અને સરકારી ઇમારતોમાં પ્રવેશી ગયા હતા, તેઓ કહી રહ્યા હતા કે 'અમે જવા નહીં દઈએ.'

નાગોર્નો-કારાબાખમાં આર્મેનિયન નેતા આરાયિક હારુત્યુયને કહ્યું કે યુદ્ધને જેમ બને તેમ જલદી ખતમ કરવા માટે આ સમજૂતી માટે તૈયાર થયા હતા.

સંઘર્ષમાં શું થયું?

આર્મેનિયન લોકોએ આ સંઘર્ષમાં ઘણોખરો વિસ્તાર ગુમાવ્યો છે અને અઝેરી સેનાએ વિસ્તારના સૌથી મોટા શહેર શુશા જેને આર્મેનિયન ભાષામાં 'શુશી' કહેવાય છે તેના પર કબજો કર્યો હતો.

અઝરબૈજાને ભૂલથી રશિયાનાં એક મિલિટ્રી હેલીકૉપ્ટરને શૂટ કરવાનું પણ સ્વીકાર કર્યું હતું જેમાં બે ક્રૂ સભ્યોનું મૃત્યુ થયું અને ત્રીજી વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી

હજી આ સંઘર્ષમાં કેટલા લોકોનું મૃત્યુ થયું છે એ વિશે કંઈ સ્પષ્ટતા નથી. બંને તરફની સેનાઓએ નાગરિકોને નિશાન બનાવવાના આરોપને ફગાવી દીધો છે પરંતુ તેઓ એકબીજા પર આ પ્રકારના આરોપ સતત કરી રહ્યા છે.

45 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. બંને દેશો વચ્ચે 27 સપ્ટેમ્બરે શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી કેટલા લોકોનો ભોગ લેવાયો એ વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ. નાગોર્નો-કારાબાખના અધિકારીઓનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન સેનાના ઓછામાં ઓછા 1200 લોકોનો ભોગ લેવાયો છે. તેમનું કહેવું છે કે યુદ્ધમાં સામાન્ય નાગરિકોનાં પણ મૃત્યુ થયાં છે.

અઝરબૈજાને અત્યાર સુધી યુદ્ધમાં માર્યા ગયેલા લોકોનો આંકડો જાહેર નથી કર્યો. તેમનું કહેવું છે કે યુદ્ધમાં 80થી વધારે નાગરિકોનું મૃત્યુ થયું છે. આમાં ગત મહિને બર્દામાં મિસાઇલ હુમલામાં માર્યા ગયેલા 21 નગારિકો પણ સામેલ છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગત મહિને કહ્યું હતું કે અત્યાર સુધી યુદ્ધમાં આશરે પાંચ હજાર લોકોનો ભોગ લેવાયો છે.

નાગોર્નો-કારાબાખ વિશે ખાસ વાતો

  • નાગોર્નો-કારાબાખ 4,400 વર્ગ કિલોમિટર એટલે 1,700 વર્ગ મીલનો પહાડી વિસ્તાર છે.
  • પારંપરિક રીતે અહીં ખ્રિસ્તી આર્મેનિયન અને તુર્ક મુસ્લિમો રહે છે.
  • સોવિયેટ સંઘના વિઘટન પહેલાં આ એક સ્વાયત્ત ક્ષેત્ર બની ગયું હતું જે અઝરબૈજાનનો ભાગ હતો.
  • આંતરરાષ્ટ્રીય સ્તર પર આ વિસ્તારને અઝરબૈજાનના ભાગના રૂપમાં માન્યતા આપવામાં આવી છે પરંતુ અહીંની મોટાભાગની વસતિ આર્મેનિયન છે.
  • આર્મેનિયા સહિત સંયુક્ત રાષ્ટ્રના કોઈ સભ્ય સ્વ-ઘોષિત અધિકારીને માન્યતા નથી આપતું.
  • 1980 ના દાયકાના અંતથી 1990ના દાયકા સુધી યુદ્ધમાં 30 હજારથી વધારે લોકોના જીવ ગયા હતા. તે દરમિયાન અલગાવવાદી તાકાતને અમુક વિસ્તાર પર કબજો કરી લીધો.
  • તે દરમિયાન અલગતાવાદી તાકાતોએ નાગોર્નો-કારાબાખના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો. 1994માં અહીં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, ત્યાર બાદ ગતિરોધ ચાલુ છે અને અવારનાવર આ ક્ષેત્રમાં તણાવ પેદા થઈ જાય છે.
  • 1994માં અહીં યુદ્ધવિરામ થયું ત્યાર બાદ અહીં ગતિરોધ ચાલુ છે.
  • તુર્કી ખુલીને અઝરબૈજાનનું સમર્થન કરતું હતું.
  • અહીં રશિયાનું એક સૈન્ય ઠેકાણું છે.
  • આ વિસ્તારને લઈને 27 સપ્ટેમ્બર 2020ના એક વખત ફરી અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું.
  • સમાચાર એજન્સી એએફપી પ્રમાણે અત્યાર સુધી યુદ્ધમાં 1,200 લોકોનું મૃત્યુ થયું છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા આના કરતાં વધારે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો