માચુ પિચુ: જ્યારે ફક્ત એક ટૂરિસ્ટ માટે પેરુએ ખોલ્યું પોતાનું ઐતિહાસિક સ્થળ

પેરુએ પોતાના જાણીતા પ્રયટન સ્થળ માચુ પિચુને માત્ર એક પર્યટક માટે ખોલ્યું છે. જાપાનના જેસી કાતાયામા આ વર્ષે માર્ચમાં માચુ પિચુ ફરવા આવ્યા હતા, પરંતુ કોરોના વાઇરસના કારણે માચૂ પિચૂને બંધ કરી દેવામાં આવ્યું હતું.

પરંતુ કાતાયામાએ પણ સાત મહિના સુધી માચુ પિચુ જવા માટે રાહ જોઈ.

માચુ પિચુ પેરુમાં ઇંકા સભ્યતાનું જાણીતું સ્થળ છે. અહીંના ખંડેર ઇંકા સભ્યતાની નિશાની છે. દૂર-દૂરથી લોકો આ સભ્યતાના અવશેષોને જોવા આવે છે.

પેરુના સાંસ્કૃતિક મંત્રી એલેજાંડ્રો નેયરાએ કહ્યું કે, કાતાયામના વિશેષ અનુરોધને કારણે તેમને માચુ પિચુ જવાની પરવાનગી આપવામાં આવી છે.

પેરુનું સૌથી ચર્ચિત પ્રવાસન સ્થળ માચુ પિચુ આવતા મહિનાથી ખૂલવાનું છે પરંતુ અહીં આવનારાની સંખ્યા સીમિત કરી દેવાઈ છે.

હાલ માચુ પિચુ ખોલવાની કોઈ તારીખ નક્કી નથી થઈ.

જાપાની પર્યટક જેસી કાતાયામાએ પેરુમાં કેટલાંક દિવસો પસાર કરવાની યોજના બનાવી હતી. પરંતુ માર્ચના મધ્યમમાં તે કોરોના વાઇરસના કારણે ઑગસ કેલિએંટ્સ શહેરમાં ફસાઈ ગયા. આ શહેર માચુ પિચુથી નજીક છે.

જાપાનીઝનું સપનું કર્યું પૂર્ણ

પેરુના સાંસ્કૃતિક મંત્રી નેયરાએ એક વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "કાતાયામા માચુ પિચુ ફરવાનું સપનું લઈને પેરુ આવ્યા હતા."

તેમણે કહ્યું કે કાતાયામાને માચુ પિચુ જવાની પરવાનગી એટલે આપવામાં આવી જેથી તે જાપાન પરત ફરતા પહેલાં પોતાનું સપનું પૂર્ણ કરી શકે.

કાતાયામાએ પણ માચુ પિચુ જઈને એક વીડિયો રેકર્ડ કર્યો જેમાં તે ત્યાં પહોંચવાની ઉજાણી કરતા જોવા મળે છે. કાતાયામા કહે છે આ મુસાફરી હકીકતમાં ગજબ હતી આભાર.

જોન હૉપકિન્સ યુનિવર્સિટીના આંક પ્રમાણે પેરુમાં હાલ સુધી કોરોના વાઇરસના સંક્રમણના 8,49,000 કેસ સામે આવ્યા છે અને અંદાજે 33 હજાર લોકોના જીવ ગયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો