ટ્રમ્પે અમેરિકાના ભારતીયોને લોભાવવા અમદાવાદનો ઉપયોગ કર્યો?

ભારતીય મૂળના અમેરિકન મતદારોને લોભાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 107 સેકન્ડનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના પણ કેટલાક અંશ છે.

આ વીડિયોમાં અમદાવાદમાં મોદીએ અને ટ્રમ્પે આપેલાં ભાષણોને પણ દર્શાવાયાં છે. વીડિયોનું શીર્ષક છે - 'ફૉર મૉર યર્સ'

મોદી અને ટ્રમ્પે આ જ વર્ષ ફેબ્રુઆરીમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભાષણ આપ્યું હતું, જેમા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

એ વખતે ટ્રમ્પ સાથે તેમનાં પત્ની મૅલાનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઈ જૅરડ કુશનર અને તેમના તંત્રના ટોચના અધિકારીઓ પણ હાજર હતાં.

અમેરિકામાં જ આ જ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.

'ટ્રમ્પ વિકટરી ફાઇનાન્સ કમિટી'નાં અધ્યક્ષ કિમ્બેરલી ગ્યુલફ્યૉલેએ આ વીડિયો ટ્વિટર પર શૅર કરતાં લખ્યું, "અમેરિકાનો ભારત સાથે જાજરમાન સંબંધ છે અને અમારા પ્રચારને ભારતીય અમેરિકનો દ્વારા શાનદાર સમર્થન મળી રહ્યું છું."

ટ્રમ્પના ચૂંટણીઅભિયાનની આગેવાની કરનારા રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે પણ આ ટ્વીટને રિટ્વીટ કર્યું છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરાતાં જ વાઇરલ થઈ ગયો છે અને અમુક કલાકોમાં જ તેને 70 હજાર વખત જોવામાં આવ્યો છે.

વીડિયોની શરૂઆત હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમના ફૂટેજ સાથે થાય છે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે.

ગત વર્ષે મોદીએ અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારેના આ ફૂટેજ છે.

એ વખતે બન્ને નેતાઓને સાંભળવા માટે સ્ટેડિયમમાં પચાસ હજાર ભારતીયોની ભીડ એકઠી થઈ હતી.

મોદી અમેરિકન ભારતીયો વચ્ચે બહુ લોકપ્રિય હોવાનું માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો