ભારત-ચીન સેનાની પીછેહઠ : કૂટનીતિથી યુદ્ધ ટળ્યું કે હજી કંઈ બાકી છે?

ઇમેજ સ્રોત, MIKHAIL METZEL
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ બોર્ડર પર હાલમાં તણાવ ઘટાડવાના પ્રયાસ થઈ રહ્યા છે અને ભારત અને ચીનની સેનાએ અમુક ક્ષેત્રોમાં પીછેહઠ શરૂ કરી છે. ગુરૂવારે હૉટ સ્પ્રિંગમાંથી બેઉ દેશોની સેનાએ પીછેહઠ કરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આની શરૂઆત સોમવારથી થઈ હતી. એ વખતે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઑ લિજીયાને કહ્યું હતું કે, "ચીન અને ભારતની સેનાએ 30મી જૂને કમાન્ડર-સ્તરની વાતચીતના ત્રીજા રાઉન્ડનું આયોજન કર્યું હતું. બંને પક્ષો વચ્ચે સહમતી થઈ હતી કે તેઓ એ બાબતોનો અમલ કરશે કે જેના માટે કમાન્ડર સ્તરની વાતચીતના છેલ્લા બે રાઉન્ડમાં કરાર થયો હતો અને અમે સરહદ પર તણાવ ઓછો કરવાની દિશામાં અસરકારક પગલાં લીધાં છે.
જોકે, હજી પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. પહેલો મહત્વનો સવાલ એ છે કે જો ભારતી સેના તેની પોતાની ભૂમિ પર જ હતી તો કેમ પીછેહઠ કરી?

આખરે શું બન્યું હતુ?

ઇમેજ સ્રોત, YAWAR NAZIR/GETTY IMAGES
ભારતીય અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે ગલવાન, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સના વિસ્તારોમાંથી ચીની સૈનિકોએ પીછેહઠ શરૂ કરી છે.
એવું કહેવામાં આવ્યું છે કે હવે સૈનિકો એકદમ આમને-સામને એટલે કે 'આઇબોલ ટૂ આઇબોલ' તરીકે ઓળખાય છે એવી પરિસ્થિતિમાં નથી. છતા તણાવ ઘટાડવાનું કામ હજી પણ મર્યાદિત સ્તરે કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે આ કામ ત્રણ સ્થળોએ ચાલી રહ્યું છે, આ સ્થાન છે ગલવાન, ગોગરા અને હૉટ સ્પ્રિંગ્સ છે. ગુરૂવાર સુધી હૉટ સ્પ્રિંગથી બેઉ દેશોની સેનાએ પીછેહઠ કરી હોવાના સમાચાર છે.
બીબીસીને માહિતી આપનારા અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે તે દેપસાંગ અથવા પેંગોંગ ત્સો તળાવ વિશે વાત નથી કરી રહ્યા. બીજા અધિકારીએ કહ્યું હતું કે, "બંને તરફથી તંબુ અને અસ્થાયી બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે અને સૈનિકો પીછેહઠ કરી રહ્યા છે."
તેમણે કહ્યું હતું કે, "આ એ પ્રક્રિયાની શરૂઆત છે જેનો નિર્ણય 30મી જૂને યૂસુલમાં બંને પક્ષના કમાન્ડરોની બેઠક બાદ લેવામાં આવ્યો હતો."
ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ પ્રમાણે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજીયાને બેઇજિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે "બંને પક્ષો સરહદ પર તણાવ ઓછો કરવા પ્રયાસ કરી રહ્યા છે અને તેમના સૈનિકોને સરહદથી પાછા ખસેડી રહ્યા છે,"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત રવિવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ પછી, ભારતમાં ચીનના રાજદૂત સૂન વાયડૉંગે આ વાતચીતની વિગતો જાહેર કરી હતી.
આ વાતચીતમાં, મુખ્યત્વે ચાર બાબતો પર સહમતી બની છે:
1) બંને દેશો વચ્ચે કરવામાં આવેલા સહમતી કરારનો અમલ થશે. બંને દેશો સરહદી વિસ્તારોમાં શાંતિ સાથે વિકાસ માટે લાંબા સમય સુધી સાથે મળીને કામ કરશે.
2) પરસ્પર કરાર મુજબ, બંને દેશો સંયુક્ત રીતે સરહદ પરના તણાવને ઘટાડવાનો પ્રયાસ કરશે.
3) વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા, બંને પક્ષો પરસ્પરના સંવાદને સુધારશે. ભારત અને ચીન વચ્ચે સલાહ અને સંકલન માટેની કાર્યકારી પદ્ધતિની વ્યવસ્થાને નિયમિત બનાવીને સુધારવામાં આવશે. તેનાથી બંને પક્ષો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધુ દૃઢ બનશે.
4) બંને પક્ષોએ તાજેતરમાં યોજાયેલી કમાન્ડર કક્ષાની બેઠકમાં સહમત થયેલી બાબતોનું સ્વાગત કર્યું છે. પહેલી જુલાઇએ કમાન્ડર કક્ષાની બેઠકમાં બંને પક્ષો સરહદ પરના તણાવને ઘટાડવા સહમતી દર્શાવી છે.
સાથે, ભારતીય વિદેશ મંત્રાલયે પણ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે બંને પક્ષોએ LAC (લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ) પર જાહેર કરાયેલ ડિસ-ઍન્ગેજમૅન્ટની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરી લેવી જોઈએ.
પરંતુ શાંતિ તરફ આગળ વધવાના નિવેદનો અને સકારાત્મક સમાચારો વચ્ચે, ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હજી સુધી આ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ મળી શક્યો નથી કે શું આ સર્વ સહમતીના આધારે ભારતીય સૈનિકો પણ પીછેહઠ કરી રહ્યા છે?
અને જો આવું થઈ રહ્યું છે તો તે શા માટે થઈ રહ્યું છે જ્યારે ચીની સૈનિકો પેંગોંગ સો તળાવથી પીછેહઠ નથી કરી રહ્યા. આ સાથે ચીનના સૈનિકો દેપસાંગ વિસ્તારમાં પણ પોતાની હાજરી જાળવી રાખી છે.

ચીનના સૈનિકો ગલવાનમાં કેમ પીછેહઠ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, MEA
પહેલો પ્રશ્ન એ ઉભો થાય છે કે ચીનના સૈનિકો ગલવાન ક્ષેત્રમાં કેમ પીછેહઠ કરી રહ્યા છે?
વરિષ્ઠ પત્રકાર અને ચીન પર ઘણા પુસ્તકો લખનારા લેખક પ્રેમશંકર ઝાના મત મુજબ, તેનો ઉત્તર વડા પ્રધાન મોદીની લેહ યાત્રામાં છૂપાયેલો છે.
તેઓ કહે છે, "ચીન વિશે એક વાત સ્પષ્ટ છે કે તે સંકેતોને ખૂબ સારી રીતે સમજે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લેહ ગયા અને તેમના સૈનિકોને પ્રોત્સાહન આપ્યું પણ તેમણે ચીનનું નામ લીધું નહીં. ચીને તેનો એવો અર્થ કાઢયો કે ભારત યુદ્ધ નથી ઇચ્છતું. કૂટનીતિમાં ઇશારા ખૂબ સૂક્ષ્મ હોય છે અને તેને સમજવા પડે છે. ચીન આ ઇશારો સમજી ગયુ હતું. પણ આપણે સમજવું જોઈએ કે આ બાબતનો અંત નથી આ તો એક શરૂઆત છે."
ચીન-ભારત સંબંધો પર નજર રાખનારા જેએનયુના પ્રોફેસર સ્વર્ણ સિંહનું માનવું છે કે આ ક્ષણે એમ કહી શકાય કે બંને પક્ષ વાટાઘાટોનું વલણ બતાવી રહ્યા છે, એ સિવાય બીજું કશુ નથી.
સ્વર્ણ સિંહ કહે છે કે, "બંને દેશોના પ્રતિનિધિઓથી લઇને લદ્દાખ બોર્ડર પર બ્રિગેડ કમાન્ડર અને કોર કમાન્ડરના સ્તર સુધીની વાતચીત ચાલી રહી છે. બંને પક્ષોના મંતવ્ય છે કે તેઓ સંવાદમાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ આ આખી વાતચીત દરમિયાન પણ સૈનિકો અને સૈન્ય ઉપકરણો આવવાનું ચાલુ જ છે તેથી સરકાર દ્વારા જયાં સુધી નિવેદન બહાર ન પાડવામાં આવે ત્યાં સુધી સ્થિતિ મૂંઝવણ ભરી અને તંગ રહેશે. ડૉકટરો કહેતા હોય છે એવી સ્ટેબલ બટ ક્રિટિકલ એટલે કે સંતુલિત છતા જોખમી પરિસ્થિતિ છે હાલ."

પેંગોંગ ત્સો અને દેપસાંગમાં ચીની સૈનિકોની હાજરી શા માટે છે?

ઇમેજ સ્રોત, VEER KAUR/INDIAPICTURES/UNIVERSAL IMAGES GROUP
ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે વધતા અંતરના સમાચારથી સોશિયલ મીડિયાથી લઈને મીડિયા અહેવાલોમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. પરંતુ પ્રેમશંકર ઝા માને છે કે આને સમસ્યાના અંત તરીકે ન જોવું જોઈએ કારણ કે ચીની સૈનિકોએ હજી પણ દેપસાંગ અને પેંગોંગ વિસ્તારમાંથી પીછેહઠ નથી કરી.
તેઓ કહે છે કે, "દેપસાંગમાં તેમની હાજરી સૂચવે છે કે તેઓ કારાકોરમ વિશે ખૂબ જ ચિંતિત છે. વ્યૂહાત્મક રૂપે ચીને પેંગોંગ તળાવ ક્ષેત્રમાં તેની સ્થિતિ મજબૂત કરી છે, જેના પર તેણે અત્યાર સુધી દાવો કર્યો હતો. અને જ્યાં સુધી બંને દેશો વચ્ચે નવા કરાર ન થાય ત્યાં સુધી તે વિસ્તારમાંથી પાછા નહીં હઠે."
'ભારત અને ચીન'ના લેખક પ્રેમેશંકર ઝા કહે છે કે, "ચીની સેનાએ પેંગોંગ તળાવ વિસ્તારમાં ફિંગર 4 પર કબજો જમાવી લીધો છે, જેના પર તેઓ પોતાનો દાવો કરતા હતા. તે જ સમયે, ભારત ફિંગર 8 સુધી પોતાનો દાવો નિશ્ચિત રીતે રજૂ કરે છે. એવી જ રીતે ચીને ચાર પર્વતમાળાઓમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે જે અત્યાર સુધીના વિવાદિત વિસ્તારોમાં હતી. આવી સ્થિતિમાં મોદીજીએ સાચા અર્થમાં કહ્યું હતું કે ચીનીઓ ભારતીય સરહદ પર નથી આવ્યા કારણ કે જ્યાં તેઓ આવ્યા છે તે એક વિવાદિત વિસ્તાર છે."

ત્રણ મહિનામાં જમીનની પરિસ્થિતિમાં શું તફાવત હતો?

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA
ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો, દેપસાંગ અને પેંગોંગ તળાવ ક્ષેત્રમાં ચીની સૈનિકોની હાજરી પહેલાં કરતા વધારે મજબૂત બની છે, પરંતુ પ્રેમશંકર ઝા માને છે કે આને જમીન હડપવાના દૃષ્ટિકોણથી ન જોવું જોઈએ.
તેઓ કહે છે કે, "બંને દેશો પાસે જમીનની અછત નથી. આવી સ્થિતિમાં જમીનથી કોણે કેટલા પગલાં આગળ ભર્યા તે જોવું યોગ્ય નહીં રહેશે. મારું માનવું છે કે તેને વ્યૂહાત્મક સંદેશાઓના સ્તરે જોવું જોઈએ. ભારત અને ચીન વચ્ચેની સમજ વર્ષ 2014 પહેલા ઘણી સારી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકારના કેટલાક પગલાંએ ચીનને એવી સ્થિતિમાં મૂકી દીધું છે કે તેને આવા પગલાં ભરવાની ફરજ પડી છે."
પોતાનો મુદ્દો સમજાવતાં, પ્રેમશંકર ઝા કહે છે, "બંધારણની કલમ 37૦ પર નિર્ણય લેવો, લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો અને નકશો બહાર પાડીને તેમાં અકસાઇ ચીનનો(ચીન અને તિબેટ વચ્ચેનો ચીન દ્વારા સંચાલિત છતા સ્વંતત્ર પ્રદેશ) સમાવેશ કરવાનો નિર્ણયો ભારત સરકાર વતી લેવાયાં છે. તે ચીનને નિરાશ કરી દે તેવી બાબત છે. ત્યારપછી, ચીનને તેના ચીન-પાકિસ્તાન આર્થિક પ્રોજેક્ટ (સીપેક)ની સુરક્ષા અંગે પણ ચિંતામાં છે, ચીને આ હેતુ માટે એટલું બધું રોકાણ કર્યું છે કે જો પશ્ચિમી દેશો ક્યારેય દરિયાઈ માર્ગે વેપારની અવરજવરમાં અવરોધ ઉભો કરે તો તેઓ આ રસ્તે પોતાનો માલ-સામાન પહોંચાડી શકે."
"પરંતુ ભારતની તાજેતરના પગલાંઓને જોતા ચીનને પોતાની આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ભવિષ્ય મુશ્કેલીમાં મુકાતું જોવા મળ્યું. તેથી જ અગાઉ ચીન વાતચીતના સ્તરથી સંકેતો મોકલી રહ્યું હતું કે આ બધુ સારું નથી થઈ રહ્યું, અને હવે લશ્કરી શૈલીમાં સંકેત મોકલી રહ્યું છે."

તો પછી ભારત કેમ પીછેહઠ કરી રહ્યું છે?
નેપાળમાં ત્રિભુવન યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના અધ્યાપક અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર પુષ્પ અધિકારીનું માનવું છે કે જો ભારતીય સેના પીછેહઠ કરી રહી છે, તો તેની પાછળ આંતરરાષ્ટ્રીય દબાણ હોઈ શકે છે.
અધિકારી કહે છે કે, "શરૂઆતમાં હું નહોતો માનતો કે ગલવાન પરના મીડિયા રિપોર્ટ્સમાં જે આવે છે તે સંપૂર્ણ રીતે સાચું છે. પણ જો એક ક્ષણ પણ માની લેવામાં આવે કે તેવું થઈ રહ્યું છે, તો મારા અનુસાર આંતરરાષ્ટ્રીય દબાણ આ માટે જવાબદાર હોઈ શકે છે. આનું એક કારણ એ છે કે ભારત એ સમજવા માગે છે કે તેની રણનૈતિક ક્ષમતા કેટલી છે, તેના કારણે ભારત સરકાર આ પગલાં લઈ શકે છે."
તેઓ કહે છે, "આ સમયે સમગ્ર ઉપ-ખંડમાં ગતિરોધનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, તે કોઈની તરફેણમાં નથી. અને વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થા અને આગામી મહાસત્તાઓએ સામસામે ટકરાવું ન જોઇએ એ બાબત બંને દેશો જાણે છે."
"હાલની પરિસ્થિતિ જોઈએ તો લાગે છે કે ભારત-ચીન સંબંધોના મામલે આ અર્ધવિરામ છે, આવનારા સમયમાં તેમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













