સંયુક્ત રાષ્ટ્ર સંઘ : ઇઝરાયેલમાં UNની કારમાં રસ્તા વચ્ચે સેક્સ, વીડિયો વાઇરલ થતા તપાસનો આદેશ

સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક અધિકૃત કારમાં સેક્સનો એક વીડિયો વાઇરલ થયો છે જેના પર સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે અચંબો વ્યક્ત કર્યો છે.

વીડિયોમાં યુએનની કારની પાછળની સીટ પર એક મહિલા અને એક પુરૂષ સેક્સ કરતાં દેખાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

તેલ અવીવમાં દરિયાકિનારે આ વીડિયો શૂટ થયો છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે તે આ પ્રકરણની પૂરી તપાસ કરશે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે આ વીડિયોમાં દેખાઈ રહેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વીડિયોમાં દેખાઈ રહેલા લોકો ઇઝરાયેલમાં એક શાંતિરક્ષક દળના સભ્યો હોઈ શકે છે. આ વીડિયોમાં આગળની સીટ પર એક વ્યક્તિ બેસેલી છે પરંતુ ડ્રાઇવર ગાડી ચલાવતો નથી દેખાતો.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટરેસના પ્રવક્તા સ્ટિફન દુજારિકે 18 સેકંડના આ વીડિયોને બિભત્સ ગણાવ્યો છે. દુજારિકે બીબીસીને કહ્યું કે જો સંયુક્ત રાષ્ટ્રનો સ્ટાફ જ આ કરશે તો પછી આપણે જે દુરાચારો સામે લડીએ છીએ એનો કોઈ અર્થ નહીં સરે. પછી બધું અમારી જ સામે જશે.

કારમાં સેક્સ એ બેઉ લોકોની સહમતીથી હતો કે પૈસા આપીને કરવામાં આવી રહ્યો હતો એ સવાલના જવાબમાં દુજારિકે કહ્યું કે એની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોતાના સ્ટાફના આચરણ અને વહેવારને લઈને સંયુક્ત રાષ્ટ્રની નીતિ ખૂબ કડક રહી છે. જો કોઈ સ્ટાફ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે.

યુએનના શાંતિરક્ષક દળના સ્ટાફને પરત મોકલી દેવાય છે અથવા તેના પર પાબંદી લગાવી દેવાય છે. જોકે, આવી વ્યક્તિ પર પછીથી કાર્યવાહી કરવાની જવાબદારી જેનું નાગરિકત્વ હોય તે દેશની હોય છે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષક દળના સભ્યો અને અન્ય સ્ટાફ પર યૌન દુરાચારના આરોપો લાંબા સમયથી લાગતા આવ્યા છે. તાજેતરના વર્ષોમાં આવા આરોપનું પ્રમાણ ખૂબ વધ્યું છે. યુએનના મહાસચિવ ગુટરેસે વચન આપ્યું હતું કે તેઓ પોતાના સ્ટાફના યૌન દુરાચારોને લઈને સહેજ પણ રહેમ નહીં રાખે.

સંયુક્ત રાષ્ટ્રનું વીડિયો પર શું કહેવું છે?

દુજારિકે કહ્યું અમે અચંબિત છીએ. આ ખૂબ પરેશાન કરનારી બાબત છે. સંયુક્ત રાષ્ટ્ર આખા મામલાની તપાસ કરી રહ્યું છે. અમે જલદી આની તપાસ પૂરી કરીશું. ઘટનાની જગ્યાને લઈને કોઈ સંદેહ નથી અને વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યાં છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે.

વીડિયોમાં જે બિલ્ડિંગ દેખાય છે તેનાથી સમજાય છે કે તે હયારકોન સ્ટ્રીટ પર શૂટ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ એક ખૂબ વ્યસ્ત વિસ્તાર છે અને લોકોની હરવા-ફરવાની જગ્યા છે.

દુજારિકે બીબીસીને કહ્યું અમને આશા છે કે આ તપાસ જલદી પૂર્ણ થશે અને દોષિતો સામે ઉચિત કાર્યવાહી થશે.

આ વીડિયોમાં જે સામેલ છે તે કદાચ સંયુક્ત રાષ્ટ્રની ટ્રૂસ સુપરવિઝન ઑર્ગનાઇઝેશનનો સ્ટાફ હોઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ મિશન આ વિસ્તારમાં 1984થી કાર્યરત છે.

યૌન દુરાચારનો સંયુક્ત રાષ્ટ્રનો રૅકર્ડ કેવો છે?

હ્યુમન રાઇટ્સ વૉચની મહિલા અધિકાર પાંખના સહનિદેશક હીદર બાર્ર કહે છે કે તેઓ ઇઝરાયેલમાં આ પ્રકારના વીડિયોને જોઈને અચરજ નથી પામતાં. હીદર સંયુક્ત રાષ્ટ્ર માટે બુરુંડી અને અફઘાનિસ્તાનમાં કામ કરી ચૂક્યાં છે.

એમણે કહ્યું એની તપાસ કરાવાઈ રહી છે એ સારી વાત છે પરંતુ સંયુક્ત રાષ્ટ્ર આ વીડિયોથી વધારે પરેશાન છે.

એમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના સ્ટાફ પર યૌન શોષણનો આરોપ એ ગંભીર સમસ્યા છે.

2019માં સંયુક્ત રાષ્ટ્રના સ્ટાફ પર યૌન શોષણના કુલ 175 આરોપ લાગ્યા હતા જે પૈકી 16 કેસો સાચા દેખાયા, 15માં કોઈ પુરાવાઓ ન મળ્યા અને બાકીના કેસોની તપાસ હજી ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો