મુગાબેનું નિધન : જ્યારે તેમણે ભારતમાં ભારતીય પોશાક નહોતો પહેર્યો

ઇમેજ સ્રોત, EPA/THE HERALD
આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ રૉબર્ટ મુગાબેનું 95 વર્ષની વયે મૃત્યુ નીજપ્યું છે.
સિંગાપોરની એક હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મુગાબેએ અંતિમ શ્વાસ લીધો. ઝિમ્બાબ્વેનાં શિક્ષણમંત્રી ફદઝાઈ મહેરેએ ટ્વિટર પર મુગાબેને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઝિમ્બાબ્વે સ્વતંત્ર થયું ત્યારથી મુગાબે આફ્રિકન દેશના શાસક હતા.
ઝિમ્બાબ્વેની સ્વતંત્રતા બાદ 1980માં યોજાયેલી પ્રથમ ચૂંટણી દરમિયાન તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને દેશના વડા પ્રધાન બન્યા હતા.
જોકે, 1987માં વડા પ્રધાનનું પદ નાબૂદ કરીને તેઓ જાતે રાષ્ટ્રપતિ બની ગયા હતા.
વર્ષ 2017માં સૈન્યબળવા બાદ મુગાબેને પદભ્રષ્ટ કરાયા હતા.

કોણ હતા રૉબર્ટ મુગાબે?

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાના કેટલાક એવા નેતાઓમાં મુગાબેનો સમાવેશ થતો, જેમણે ખૂબ લાંબા સમય સુધી સત્તામાં ભોગવી હોય.
ઝિમ્બાબ્વે સ્વતંત્ર થયું ત્યારથી એટલે કે 1980થી વર્ષ 2017 સુધી તેઓ સત્તા પર રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2000માં દેશના અર્થતંત્રની હાલત ખરાબ થઈ, જેમાંથી ઝિમ્બાબ્વે હજુ પણ બહાર નીકળી શક્યું નથી.
અર્થતંત્રની સ્થિતિ માટે મુગાબેની જમીન સંબંધિત નીતિને જવાબદાર ગણવામાં આવે છે.
આ પરિસ્થિતિએ ઝિમ્બાબ્વેને ઘણું કંગાળ બનાવ્યું છે. જોકે સમર્થકો માટે તેઓ બ્રિટિશ સંસ્થાનવાદ સામે લડનારા હીરો જ હતા.
1960ના દાયકામાં સ્વતંત્રતાની લડતના નેતા તરીકે રૉબર્ટ મુગાબે ઊભરી આવ્યા હતા.
લડત વખતે જ્યારે મુગાબેને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે તેમને પોતાના ચાર વર્ષના મૃત દીકરાની અંતિમવિધિ માટે પણ જેલ બહાર આવવાની પરવાનગી મળી નહોતી.
સ્વતંત્રતા પછી ઝિમ્બાબ્વેમાં શિક્ષણને પ્રાથમિક્તા મળી. તેમની નવી બનેલી સરકારે ઝિમ્બાબ્વેનો સાક્ષરતા આંક ઘણો ઉપર પહોંચાડ્યો હતો.

જ્યારે ભારતીય પોશાક નપહેર્યો

ઇમેજ સ્રોત, TWITTER/MEA
2015માં ત્રીજી ઇન્ડિયા-આફ્રિકા સમિટનું આયોજન થયું હતું. 26થી 29 ઑક્ટોબર સુધી ચાલેલી આ સમિટમાં 54 આફ્રિકન દેશના નેતાઓ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
આ નેતાઓમાં ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે પણ સામેલ હતા.
આ સમિટમાં ડિપ્લોમસીના ભાગરૂપે સમિટના અનૌપચારિક ડિનરમાં આ આફ્રિકન નેતાઓ માટે ભારતીય પહેરવેશ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પહેરવેશમાં સિલ્કના કુર્તા-પાયજામા સાથે મોદી-જેકેટ અને સાફાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ડિનર વખતે દરેક સમિટની જેમ ફેમિલી ફોટો પણ લેવામાં આવ્યો હતો.
પરંતુ આ ફોટોમાં ધ્યાન ખેંચે એવી વાત એ હતી કે તેમાં બે દેશના વડાએ આ પહેરવેશ પહેર્યો નહોતો.
એક હતા સાઉથ આફ્રિકાના વડા જેકોબ ઝુમા અને બીજા ઝિમ્બાબ્વેના વડા રોબર્ટ મુગાબે.
આ બન્ને દેશના વડા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજુબાજુ ઊભા હતા.
મુગાબેએ આ ડિનરમાં સફેદ શર્ટ અને કાળી ટાઈ સાથે ગ્રે રંગનો શુટ પહેર્યો હતો.
નાઇજીરિયાના પ્રમુખ મુહામ્માદુ બુહારીએ સાફાની બદલે તેમની પરંપરાગત ટોપી જ પહેરી હતી.
શા માટે મુગાબેએ ભારતીય પહેરવેશ નહોતો પહેર્યો તેનું કારણ જાહેર કરવામાં નહોતું આવ્યું.
પરંતુ એ સમયે મીડિયાએ આ વાતની નોંધ લીધી હતી.

જ્યારે મહાભિયોગ પહેલાં રાજીનામું ધર્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઝિમ્બાબ્વે સ્વતંત્ર થયું ત્યારથી રાષ્ટ્રપતિપદે રહેલા રોબર્ટ મુગાબેએ વર્ષ 2017માં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
મુગાબેએ આ અંગે એક પત્ર લખ્યો હતો, જે સંસદના સ્પીકર જૅકોબ મુદેન્દા સંસદમાં વાંચી સંભળાવ્યો હતો.
પત્રમાં મુગાબેએ લખ્યું હતું કે કે સત્તાનું સરળતાથી હસ્તાંતરણ થાય તે માટે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું પણ કહ્યું હતું.
રાજીનામાને પગલે સંસદમાં મુગાબે સામે હાથ ધરવામાં આવેલી મહાભિયોગની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.
સાંસદોએ ગૃહમાં અને નાગરિકોએ રસ્તા ઉપર ઊતરીને મુગાબેની જાહેરાતને હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












