50 વર્ષ બાદ સુરક્ષા પરિષદમાં ચર્ચાયો કાશ્મીરનો મુદ્દો, સંયમ રાખવા સલાહ

સુરક્ષા પરિષદની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

લગભગ 50 વર્ષ બાદ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને નાબૂદ કરવાનો મુદ્દો ચર્ચાયો હતો, પાકિસ્તાને લખેલા પત્રને આધારે આ બેઠક બોલાવવામાં આવી હતી.

બંધબારણે યોજાયેલી બેઠક બાદ ચીન, પાકિસ્તાન અને ભારતના સંયુક્ત રાષ્ટ્ર ખાતેના પ્રતિનિધિઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી.

યૂએનમાં ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે અનુચ્છેદ 370નો મુદ્દો એ ભારતની આંતરિક બાબત છે તથા બહારના લોકોએ તેની સાથે કોઈ લેવાં-દેવાં નથી, આ પગલું જમ્મુ-કાશ્મીરની જનતાના આર્થિક અને સામાજિક વિકાસ માટે લેવાયું છે.

તેમણે સ્વીકાર્યું કે રાજ્યમાં સ્થિતિ સામાન્ય બને તે માટે અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રને યોગ્ય લાગશે ત્યારે તેને હટાવી લેવાશે. આ અંગે પત્રકારો કે ડિપ્લોમેટ્સ કોઈ નિર્ણય ન લઈ શકે.

અકબરુદ્દીને ઉમેર્યું કે જો પાકિસ્તાને ભારત સાથે વાટાઘાટો કરવી હોય તો પહેલાં આતંકવાદને અટકાવવો પડશે.

line

પાકિસ્તાને શું કહ્યું?

શાહ મહમૂદની તસવીર

ઇમેજ સ્રોત, EPA

યૂએન ખાતે પાકિસ્તાનના પ્રતિનિધિ મલિહા લોધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારત સાથે વાતચીત માટે પાકિસ્તાન તૈયાર છે, પરંતુ આ મુદ્દે બેઠક બોલાવવામાં આવી તે જ દર્શાવે છે કે કાશ્મીર એ ભારતની આંતરિક બાબત નથી.

લોધીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની જનતા સાથે છે અને તેમનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવતું રહ્યું છે અને રહેશે.

ભારત અને પાકિસ્તાન સુરક્ષા પરિષદના સભ્ય ન હોવાને કારણે તેઓ આ બેઠકમાં સામેલ થઈ શક્યા ન હતા.

line

સંયમ રાખવા સલાહ

વિદેશપ્રધાન જયશંકરની તસવીર

ઇમેજ સ્રોત, Twitter/Dr Jaishankar

ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયે હાજર બીબીસી સંવાદદાતા સલીમ રિઝવીના કહેવા પ્રમાણે ચીનના ડિપ્લોમેટે કહ્યું કે સુરક્ષા પરિષદના સભ્યો માને છે કે આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.

એકતરફી નિર્ણય ન લેવા જોઈએ. સાથે જ ઉમેર્યું કે સિક્યુરિટી કાઉન્સિલના પ્રસ્તાવો મુજબ ઉકેલ લાવવો જોઈએ અને કાશ્મીરમાં સ્થિતિ ગંભીર બનશે.

ચીનના પ્રતિનિધિએ કહ્યું કે અનુચ્છેદ-370ને કારણે લદ્દાખની સ્થિતિ બદલી છે, જે ચીનની સંપ્રભૂતા ઉપર હુમલા સમાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો