ENG vs NZ : ત્રણ વખત તક ચૂકનાર ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપ લઈ જશે કે ન્યૂઝીલૅન્ડ મારશે બાજી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બીજી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડના વિજય સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે યજમાન દેશની ટીમ ઇંગ્લૅન્ડ વર્લ્ડ ચૅમ્પિયનના ખિતાબ માટે ટકરાશે.

ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ હજી સુધી એક પણ વખત વર્લ્ડ કપ જીતી નથી.

એટલે કે આ વખતે જે પણ ટીમ વર્લ્ડ કપ-2019ની ફાઇનલ મૅચ જીતશે તે પ્રથમ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનશે.

બન્ને ટીમ અત્યાર સુધી 12 વર્લ્ડ કપ રમી ચૂકી છે અને બન્ને ટીમ પહેલી વખત વર્ષ 1975 વર્લ્ડ કપ રમી હતી, પણ આ બન્ને ટીમ પૈકી કોની સ્થિતિ વધારે મજબૂત છે?

ન્યૂઝીલૅન્ડનાં મજબૂત પાસાં

બીબીસી મરાઠી સેવાના સંવાદદાતા પરાગ ફાટકે બન્ને ટીમના મજબૂત પાસાં અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

  • ન્યૂઝીલૅન્ડની ટીમની બૉલિંગ તેમનું સૌથી મજબૂત પાસું છે. તેમની ટીમમાં સ્પિનર, પેસર, લેફ્ટ આર્મર એમ તમામ પ્રકારના બૉલર્સ છે.
  • ન્યૂઝીલૅન્ડની ટીમે આ વર્લ્ડ કપમાં તેમના બેઝિક્સ પર કામ કર્યું છે અને એ તેમનાં બૅટ્સમૅન્સની રનિંગ અને ફિલ્ડિંગમાં દેખાય છે.
  • ન્યૂઝીલૅન્ડનું સૌથી આધારભૂત પાસું તેમના કપ્તાન વિલિયમ્સન છે, સ્થિતિના સચોટ મૂલ્યાંકનને લીધે જ તેઓ ફાઇનલ સુધી પહોંચી શક્યા છે.

ઇંગ્લૅન્ડનાં મજબૂત પાસાં

  • જેસન રોય અને બેરસ્ટ્રોની ઓપનિંગ જોડી ઇંગ્લૅન્ડની બેટિંગ લાઇનઅપની કરોડરજ્જુ છે, આ વર્લ્ડ કપમાં તેમની પાર્ટનરશિપ ઘણી સારી રહી છે.
  • બેટિંગ લાઇનઅપમાં 8માં ક્રમ સુધીના ખેલાડીઓ સારી બેટિંગ કરી શકે છે. સ્ટોક્સ જેવા બેલેન્સ ખેલાડી સદી પણ ફટકારી શકે છે અને ત્રણ એક મૅચમાં વિકેટ પણ લઈ શકે છે.
  • ઇંગ્લૅન્ડમાં જ મૅચ રમાઈ રહી હોવાથી તેઓ સ્થાનિક પરિસ્થિતિ, વાતાવરણ અને મેદાનથી વધારે પરિચિત છે.

ઇંગ્લૅન્ડ ત્રણ વખત ચૅમ્પિયનની તક ચૂકયું

વર્ષ 1979, 1987 અને 1992ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ વર્લ્ડ ચૅમ્પિયન બનવાની તક ચૂકી ગયું હતું.

આ ત્રણેય વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ ફાઇનલ સુધી પહોંચી ગયું હતું પણ ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ટીમ હારી ગઈ હતી.

1979ના વર્લ્ડ કપમાં 92 રનથી જીત મેળવીને વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું.

1987ના વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં માત્ર સાત રનથી ઑસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.

1992ના વર્લ્ડ કપની ફાઇનલમાં મૅચમાં ઇંગ્લૅન્ડ સામે 22 રનથી જીતીને પાકિસ્તાન વર્લ્ડ ચૅમ્પિયન બની ગયું હતું.

2015ની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડની હાર

વર્ષ 2015માં ન્યૂઝીલૅન્ડની ટીમ ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી.

ન્યૂઝીલૅન્ડની ટીમ 45 ઓવરમાં 183 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ મૅચમાં અર્ધસદી ફટકારનાર એલિયટ ન્યૂઝીલૅન્ડના એકમાત્ર બૅટ્સમૅન હતા, તેમણે 82 બૉલમાં 83 રન કર્યા હતા.

જોકે ઑસ્ટ્રેલિયાએ 33 ઓવરમાં જ આ નાનું લક્ષ્ય સાધી લીધું હતું અને ઑસ્ટ્રેલિયા 7 વિકેટથી ફાઇનલ મૅચ જીતીને વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું.

બન્ને ટીમ ત્રણ મૅચ હારી

ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ બન્ને ટીમ આ વર્લ્ડ કપમાં ત્રણ-ત્રણ મૅચ હારી છે.

જોકે આમ છતાં ન્યૂઝીલૅન્ડની ભારત સામેની મૅચ અનિર્ણિત રહી હોવાથી પૉઇન્ટ ટેબલમાં ઇંગ્લૅન્ડની ટીમ ઉપર છે.

આ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડની ટીમ નવ મૅચ રમી હતી, જેમાંથી છ મૅચમાં ઇંગ્લૅન્ડની જીત થઈ હતી અને ત્રણ મૅચમાં હાર થઈ હતી.

ન્યૂઝીલૅન્ડની ટીમ પણ નવ મૅચ રમી હતી, જેમાંથી પાંચ મૅચમાં જતી થઈ હતી અને ત્રણ મૅચમાં હાર થઈ હતી. જ્યારે એક મૅચ અનિર્ણિત રહી હતી.

ઇંગ્લૅન્ડ સામે ન્યૂઝીલૅન્ડનો કારમો પરાજય

આ વર્લ્ડ કપની 41મી મૅચ ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ન્યૂઝીલૅન્ડનો કારમો પરાજય થયો હતો.

ઇંગ્લૅન્ડે આ મૅચમાં 8 વિકેટ ગુમાવીને 306 રનનો મોટો લક્ષ્ય ન્યૂઝીલૅન્ડ સામે ખડકી દીધો હતો.

બેરસ્ટ્રોના 106 રન અને જેસન રોયના 60 રન આ ઇનિંગમાં મહત્ત્વના રહ્યા હતા.

જેની સામે ન્યૂઝીલૅન્ડની ટીમ 45 ઓવરમાં 186 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડના માર્ક વૂડે આ મૅચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો