ICC WC 2019 : 1992 પછી વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત ક્યારેય હાર્યું નથી?

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ

ઇમેજ સ્રોત, Getty Images/BBC

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ગુરુવારે માંચેસ્ટર ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મુકાબલો થશે.

વેસ્ટ ઇન્ડીઝ ની ટીમ એક જમાનામાં ખતરનાક હતી પરંતુ અત્યારે તેની સ્થિતિ એવી છે કે તેને કોઈ પણ ટીમ હરાવી શકે છે.

તેના કેટલાક સ્ટાર ખેલાડી ફૉર્મમાં હોય તો તે કોઈ પણ ટીમને હરાવી શકે છે.

જોકે, આ વખતે સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશ અને ન્યૂઝીલૅન્ડ સામે પણ કેરેબિયન ટીમ હારી ગઈ છે તો તેણે પાકિસ્તાનને હરાવ્યું પણ છે.

આમ છતાં આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ માત્ર એક જ મૅચ જીતી શક્યું છે અને ગુરુવારે ભારત સામે તે હારે તો તેને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવું પડશે.

વર્લ્ડ કપમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેના આઠ મુકાબલામાંથી વેસ્ટ ઇન્ડીઝ ત્રણ મૅચ જીતી શક્યું છે જેમાંથી ત્રીજો વિજય છેક 1992માં મળ્યો હતો. આમ 1992 બાદ ભારત સામે તે એકેય મૅચ જીતી શક્યું નથી.

line

9 જૂન 1979 એજબસ્ટન વિન્ડીઝનો નવ વિકેટે વિજય

બોલિંગ માટેનું ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, bbc\Getty Images

ક્લાઇવ લોઇડની ટીમ એ વખતે અત્યંત મજબૂત હતી તો ભારત હજી વન-ડેમાં પા-પા પગલી કરી રહ્યું હતું.

માઇકલ હોલ્ડિંગની ખતરનાક બૉલિંગ સામે ગુંડપ્પા વિશ્વનાથના 75 રનને બાદ કરતાં ભારત નિષ્ફળ રહ્યું હતું.

ભારતે 190 રનનો સ્કોર નોંધાવ્યો હતો જે ગોર્ડન ગ્રિનીજની સદીની મદદથી કૅરેબિયન ટીમે માત્ર એક વિકેટે વટાવી દીધો હતો.ડેસમન્ડ હેઇન્સે 47 અને વિવિયન રિચાર્ડ્સે 28 રન ફટકાર્યા હતા.

line

9 જૂન 1983 માંચેસ્ટર : ભારતનો 34 રનથી વિજય

સર્વોચચ્ સ્કોર કોનો

ઇમેજ સ્રોત, bbc\Getty Images

બંને ટીમ બરાબર ચાર વર્ષ બાદ ફરીથી વર્લ્ડ કપમાં રમી અને આ વખતે કપિલ દેવની ટીમનો 34 રનથી વિજય થયો.

હકીકતમાં 1983ના વર્લ્ડ કપની સફળતામાં આ વિજયનો ફાળો મોટો છે કેમ કે અહીંથી જ ભારતીય ટીમમાં એ આત્મવિશ્વાસ જાગ્યો હતો કે આપણે આગળ વધી શકીએ છીએ.

યશપાલ શર્માએ 89 રન ફટકાર્યા હતા. સંદીપ પાટિલે તેને સહયોગ આપીને 36 રન નોંધાવ્યા.

વેસ્ટ ઇન્ડીઝ ની બેટિંગ દરમિયાન વરસાદ પડ્યો અને મૅચ બીજા દિવસ પર ઠેલાઈ ગઈ હતી.

રોજર બિન્ની અને રવિ શાસ્ત્રીએ ભારતને સતત સફળતા અપાવી.

કૅરેબિયન ટીમ માટે નવમા ક્રમના એન્ડી રોબર્ટ્સ અને 11મા ક્રમના જોએલ ગાર્નરે 37-37 રન નોંધાવ્યા અને છેલ્લી વિકેટ માટે 72 રન ઉમેર્યા હતા.

ઘણા સમય સુધી આ ભાગીદારીનો વિક્રમ તેમના નામે રહ્યો હતો.

line

15 જૂન ઓવલ : વિન્ડીઝનો 66 રનથી વિજય

સૌથી વધુ રન કરનારાઓની યાદી

ઇમેજ સ્રોત, bbc\Getty Images

1983ના વર્લ્ડ કપમાં દરેક ટીમે ગ્રૂપમાં બે વખત સામસામે રમવાનું હતું. પ્રથમ મૅચના પરાજય બાદ વેસ્ટ ઇન્ડીઝ ચોંકી ગયું હતું.

આ વખતે વિવિયન રિચાર્ડ્સ તોફાની બન્યો હતો અને તેણે 119 રન ફટકારી દીધા. ક્લાઇવ લોઇડે 41 રન નોંધાવ્યા હતા.

બિન્નીએ ત્રણ વિકેટ લીધી પરંતુ તેણે 12 ઓવરમાં 71 રન આપી દીધા હતા. 283 રનનો ટારગેટ ભારત માટે પહાડસમાન બની રહ્યો.

ભારત 216 રન કરી શક્યું જેમાં 80 રન તો મોહિન્દર અમરનાથના હતા. ભારત એ મૅચ હારી ગયું.

line

25 જૂન 1983, લોર્ડઝ, ભારતનો 43 રનથી વિજય

સર્વશ્રેષ્ઠ બોલિંગનું ગ્રાફિક્સ

ઇમેજ સ્રોત, bbc\Getty Images

ભારતીય ક્રિકેટ ઇતિહાસની આ સૌથી યાદગાર મૅચ છે. આ મૅચ જીત્યા બાદ ભારતીય ક્રિકેટમાં ક્રાંતિ આવી હતી.

ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતામાં આ મૅચ અને સફળતાનો મોટો ફાળો છે. ફાઇનલ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત કચડાઈ જશે તેમ લાગતું હતું.

તેમાંય ભારતે માંડ 183 રન કર્યા હતા. શ્રીકાન્તે સાત બાઉન્ડ્રી અને એક સિક્સર (34 રન બાઉન્ડ્રીના) સાથે 38 રન ફટકાર્યા જે ટીમનો સર્વોચ્ચ સ્કોર હતો.

આ સમયે કપિલદેવે ટીમના ખેલાડીઓને કહ્યું કે ચાલો, ફાઇટ આપીએ અને પછી ઇતિહાસ રચાઈ ગયો.

બલવિન્દર સંધુને ગ્રિનીજને બૉલ્ડ કર્યો, કે કપિલદેવે 15-20 મીટર દોડીને રિચાર્ડ્સનો કૅચ કર્યો, છેલ્લે અમરનાથની બૉલિંગમાં હોલ્ડિંગ લેગબિફોર થયો આ તમામ બાબતો આજેય રમતપ્રેમીઓને યાદ હશે.

વેસ્ટ ઇન્ડીઝ માંડ 140 રન કરી શક્યું હતું અને ભારત પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યું.

line

10 માર્ચ 1992, વેલિંગ્ટન, વેસ્ટ ઇન્ડીઝ નો પાંચ વિકેટે વિજય

સ્કોર

ઇમેજ સ્રોત, Getty Images/BBC

1983ની ફાઇનલ બાદ બંને ટીમ વર્લ્ડ કપમાં પહેલી વાર સામસામે રમી હતી. આ વખતે વેસ્ટ ઇન્ડીઝનો ચળકાટ ઘટી ગયો હતો તેમ છતાં રિચી રિચર્ડસનની ટીમ પાસે પ્રતિભાની કમી ન હતી.

કેપ્ટન અઝહરુદ્દીનના 61 રનની મદદથી ભારતે 197 રન નોંધાવ્યા હતા જે કેરેબિયન ટીમ માટે સાવ આસાન હતા. તેમણે દસ ઓવર બાકી રાખીને પાંચ વિકેટે સ્કોર વટાવી દીધો.

જોકે વરસાદ બાદ વેસ્ટ ઇન્ડીઝ નો ટારગેટ ઘટાડી દેવામાં આવ્યો હતો. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેના મુકાબલામાં ખાસ યાદ નહીં રાખવા જેવો નિરસ મુકાબલો હતો.

line

21 ફેબ્રુઆરી 1996, ગ્વાલિયર, ભારતનો પાંચ વિકેટે વિજય

1992ના વર્લ્ડ કપની મૅચનું લગભગ પુનરાવર્તન હોય તેવી આ મૅચ હતી જેમાં ફરક એટલો કે અગાઉની મૅચમાં પાંચ વિકેટે હારી જનારી ભારતીય ટીમ આ વખતે પાંચ વિકેટે જીતી હતી.

બ્રાયન લારા નિષ્ફળ રહ્યો અને વેસ્ટ ઇન્ડીઝ માત્ર 173 રન કરી શકી જે ભારતે દસ ઓવર બાકી રાખીને પાંચ વિકેટે વટાવી દીધો.

સચિન તેંડુલકરે 70 રન ફટકાર્યા તો વિનોદ કાંબલી અને અઝહરે ઉપયોગી યોગદાન આપ્યું હતું.

line

20 માર્ચ 2011, ચેન્નાઈ, ભારતનો 80 રનથી વિજય

ભારતીય ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

2011નો વર્લ્ડ કપ ભારતનો હતો અને લગભગ તમામ મૅચમાં ભારતે વર્ચસ્વ જમાવી દીધું હતું.

વિરાટ કોહલી એ વખતે નવોસવો હતો અને યુવરાજનો સિતારો ચમકતો હતો.

આ ડે-નાઇટ મૅચમાં યુવરાજે સદી ફટકારી તો કોહલીએ તેના સહયોગીની ભૂમિકા અદા કરીને 59 રન ફટકારવાની સાથે સાથે 122 રનની ભાગીદારી નોંધાવી હતી.

કેરેબિયન બૅટ્સમૅનમાં એકમાત્ર ડ્વેઇન સ્મિથ જ ઝહિર ખાન અને રવિચંદ્રન અશ્વિનની બૉલિંગ સામે ટકી શક્યો અને 81 રન ફટકાર્યા હતા.

line

6 માર્ચ 2015, પર્થ, ભારતનો ચાર વિકેટે વિજય

2011ની સફળતા બાદ ભારતીય ટીમ આસમાન પર હતી. આ વખતે વેસ્ટ ઇન્ડીઝ ની ટીમમાં ક્રિસ ગેઇલ જેવો ખેલાડી હતો પરંતુ તેમ છતાં કેરેબિયન ટીમ માત્ર 182 રન કરી શકી.

ભારતે છ વિકેટ ગુમાવી દીધી પરંતુ કેપ્ટન ધોનીએ મૅચ ફિનિશરની પોતાની છબી કાયમ રાખતાં ટીમને ટારગેટ સુધી પહોંચાડી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો