વર્લ્ડ કપ 2019 : મલિંગાની ઘાતક બૉલિંગ સામે વર્લ્ડ કપની દાવેદાર ટીમ હારી ગઈ

મલિંગાની ઘાતક બૉલિંગે ઇંગ્લૅન્ડને હરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મલિંગાની ઘાતક બૉલિંગે સામે ઇંગ્લૅન્ડ ટકી ના શક્યું

21મી જૂન એટલે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને તેમાંય ઇંગ્લૅન્ડમાં તો મોડે સુધી અજવાળું રહેતું હોય છે.

જોકે, શ્રીલંકાએ આ દિવસે ઇંગ્લૅન્ડના ક્રિકેટ પર અંધકાર પાથરી દીધો હતો.

આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની લીગ મૅચમાં શુક્રવારે અનુભવી બૅટ્સમૅન એન્જેલો મેથ્યુઝની અડધી સદી બાદ લસિત મલિંગા અને ધનંજય ડી સિલ્વાની ઘાતક બૉલિંગની મદદથી શ્રીલંકન ક્રિકેટ ટીમે ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર ઇંગ્લૅન્ડની ટીમ સામે 20 રને વિજય નોંધાવી મેજર અપસેટ સર્જ્યો હતો.

આ સાથે વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે છેલ્લાં 20 વર્ષથી નહીં હારવાની પરંપરા શ્રીલંકાએ જાળવી રાખી હતી.

20 વર્ષમાં બંને વચ્ચે વર્લ્ડ કપમાં આ પાંચમો મુકાબલો હતો અને તમામમાં શ્રીલંકન ટીમ વિજયી બની છે.

ટુર્નામેન્ટમાં નિરાશાજનક પ્રદર્શન કરનારી શ્રીલંકન ટીમે આ મૅચમાં પણ બૅટિંગમાં નિરાશાજનક પ્રદર્શન જારી રાખ્યું હતું.

line

ઇંગ્લૅન્ડની જીતની આશા કઈ રીતે પલટી ગઈ?

આ વર્લ્ડ કપમાં સામાન્ય ગણાતો સ્કોર પણ ઇંગ્લૅન્ડ પાર ના કરી શક્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્લ્ડ કપમાં સામાન્ય ગણાતો સ્કોર પણ ઇંગ્લૅન્ડ પાર ના કરી શક્યું

દિમુથ કરુણારત્નેએ ટોસ જીતીને પ્રથમ બૅટિંગ લીધા બાદ શ્રીલંકન ટીમ 50 ઓવરમાં નવ વિકેટે 232 રન જ નોંધાવી શકી હતી.

યજમાન બૅટ્સમૅનનું ધમાકેદાર ફૉર્મ જોતાં આ લક્ષ્યાંક ઇંગ્લૅન્ડ માટે આસાન રહેશે તેવું માનવામાં આવી રહ્યું હતું.

લસિત મલિંગાએ તેની પુરાણી શૈલી મુજબ ઘાતક સ્પેલ નાખ્યો હતો.

તેણે અને ધનંજય ડી સિલ્વાએ તરખાટ મચાવતા ઇંગ્લૅન્ડની ટીમ 47 ઓવરમાં 212 રનમાં આઉટ થઈ ગઈ હતી.

બેન સ્ટોક્સે લડાયક બૅટિંગ કરતાં 89 બૉલમાં સાત બાઉન્ડ્રી અને ચાર સિક્સર સાથે અણનમ 82 રન ફટકાર્યા હતા પરંતુ તેની આ આક્રમક ઇનિંગ્સ એળે ગઈ હતી.

લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મૅચમાં 233 રનના આસાન લક્ષ્યાંક સામે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનો શ્રીલંકા સામે લાચાર જોવા મળ્યા હતા.

વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર માનવામાં આવતી યજમાન ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ ઇંગ્લૅન્ડની આ બીજી હાર છે.

line

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનો શ્રીલંકા સામે ટક્યા નહીં

વર્લ્ડ કપ માટે દાવેદાર ગણાતા ઇંગ્લૅન્ડની આ બીજી હાર છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્લ્ડ કપ માટે દાવેદાર ગણાતા ઇંગ્લૅન્ડની આ બીજી હાર છે

ઇંગ્લૅન્ડની ટીમે હજી ખાતું જ ખોલાવ્યું હતું ત્યારે જોની બેરસ્ટો આઉટ થયો હતો. તે પોતાના પ્રથમ બૉલ પર જ આઉટ થયો હતો.

ત્યારબાદ જો રૂટ અને બેન સ્ટોક્સે સંઘર્ષ કર્યો હતો અને લડાયક અડધી સદી નોંધાવી હતી.

જોકે, સામે અન્ય બૅટ્સમૅનો પિચ પર ટકીને રમી શક્યા ન હતા. ઓપનર વિન્સી 14 રન નોંધાવીને આઉટ થયો હતો.

જ્યારે અફઘાનિસ્તાન સામે ઝંઝાવાતી બૅટિંગ કરનારો સુકાની ઓઇન મોર્ગન 21 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.

જોસ બટલર 10 અને મોઈન અલી 16 રનનું યોગદાન આપી શક્યા હતા.

શ્રીલંકા માટે લસિત મલિંગાએ ચાર તથા ડી સિલ્વાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઈસુરુ ઉદાનાને બે સફળતા મળી હતી.

line

શ્રીલંકાએ ટૉસ જીત્યો, શરૂઆત ખરાબ

શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કર્યો પરંતુ રન બનાવી ન શક્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કર્યો પરંતુ વધારે રન બનાવી ન શક્યું

અગાઉ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય કર્યા બાદ શ્રીલંકાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી.

ટીમે ત્રણ રનના સ્કોરે તેના બંને ઓપનર ગુમાવી દીધા હતા. સુકાની દિમુથ કરૂણારત્ને એક અને કુસલ પરેરા બે રન નોંધાવીને આઉટ થયા હતા.

ત્યારબાદ અવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસે બાજી સંભાળી હતી. આ બંને બૅટ્સમૅનોએ ઇંગ્લૅન્ડના બૉલર્સનો મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો.

જોકે, બંને ખેલાડી પોતાની અડધી સદી ચૂકી ગયા હતા. ફર્નાન્ડો 49 રનો નોંધાવીને આઉટ થયો હતો જ્યારે મેન્ડિસે 46 રન ફટકાર્યા હતા.

ત્યારબાદ અનુભવી બૅટ્સમૅન એન્જેલો મેથ્યુસે દમદાર બેટિંગ કરી હતી.

તેણે અંત સુધી એક છેડો જાળવી રાખ્યો હતો અને કોઈ પણ જોખમ ઉપાડ્યા વગર પોતાની બૅટિંગ જારી રાખી હતી.

સામે છેડે ઉપરા ઉપરી વિકેટો પડતી રહી હતી. મેથ્યુસે 115 બૉલનો સામનો કરતા પાંચ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 85 રન ફટકાર્યા હતા અને અંત સુધી નોટ આઉટ રહ્યો હતો.

આ ઉપરાંત ધનંજય ડી સિલ્વાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લૅન્ડ માટે જોફ્રા આર્ચર અને માર્ક વૂડે ત્રણ-ત્રણ અને આદિલ રાશિદે બે વિકેટ ઝડપી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો