ICC WC: બાંગ્લાદેશે સાઉથ આફ્રિકાને હરાવતા મેજર અપસેટ

ઇમેજ સ્રોત, Getty Images
મૅન ઑફ ધ મૅચ અને અનુભવી બેટ્સમૅન સાકીબ અલ હસન અને મુશ્ફિકૂર રહીમની દમદાર બેટિંગ બાદ મુસ્તાફિઝુર રહેમાનની વેધક ઑલિંગની સહાયથી બાંગ્લાદેશે આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં મેજર અપસેટ સર્જીને સાઉથ આફ્રિકાને 21 રનથી હરાવ્યું.
આમ વર્તમાન ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાનો આ સતત બીજો પરાજય હતો અને હવે તેને પાંચમી જૂને મજબૂત ભારતીય ટીમ સામે રમવાનું છે.
ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ આપવાનો જુગાર ખેલ્યો હતો. જોકે, એશિયન ટીમ વધુ મજબૂત નીકળી અને તેણે વન-ડે ઇતિહાસનો પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવતા 50 ઓવરમાં છ વિકેટે 330 રન નોંધાવી દીધા હતા.
યોગાનુયોગે 30મી મેએ ઇંગ્લૅન્ડે પણ સાઉથ આફ્રિકા સામે આ જ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં પ્લસિસે કૅપ્ટન ઇનિંગ્સ રમી હોવા છતાં સાઉથ આફ્રિકા 50 ઓવરને અંતે આઠ વિકેટે 309 રન કરી શક્યું હતું.
ઇંગ્લૅન્ડ સામેની પ્રારંભિક મૅચના પરાજય બાદ પ્લેસિસની ટીમ આ બીજી મૅચ હારી છે. આમ આગામી મૅચો તેના માટે કપરા ચઢાણ સમાન બની રહેશે.
331 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી સાઉથ આફ્રિકન ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવતા તેને મેચ પણ ગુમાવવી પડી હતી.
સાઉથ આફ્રિકા માટે સુકાની પ્લેસિસે સૌથી વધુ 53 બૉલમાં 62 રન ફટકાર્યા હતા. જેમાં પાંચ બાઉન્ડ્રી અને એક સિક્સ સામેલ હતી.
જ્યારે ડ્યુમિની અને માર્કરામે 45-45 અને વાન ડેર ડુસેને 41 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે મુસ્તાફિઝુર રહેમાને ત્રણ તથા મોહમ્મદ સૈફુદ્દીને બે વિકેટ ઝડપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંના ઓવલ મેદાન પર સળંગ બીજી મેચમાં સાઉથ આફ્રિકાની હરીફ ટીમે 300થી વધુનો સ્કોર કર્યો છે.

બાંગ્લાદેશની સારી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
તમિમ ઈકબાલ અને સૌમ્ય સરકારની જોડીએ બાંગ્લાદેશને સારી શરૂઆત અપાવી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી.
તમિમ 16 રન નોંધાવીને આઉટ થયા હતા. બાંગ્લાદેશની બેટિંગમાં મોટા ભાગના બેટ્સમૅનોએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
સરકારે આક્રમક બેટિંગ કરી હતી અને 30 બૉલમાં નવ બાઉન્ડ્રીની મદદથી 42 રન ફટકાર્યા હતા.
જોકે, બાંગ્લાદેશી ઇનિંગ્સનું મુખ્ય આકર્ષણ બે ભૂતપૂર્વ સુકાનીઓ સાકીબ અને મુશ્ફિકૂ રહીમની બેટિંગ રહી હતી.
આ અનુભવી બેટ્સમૅનોએ સાઉથ આફ્રિકન બૉલર્સને હંફાવ્યા હતા. તેમણે ત્રીજી વિકેટ માટે 142 રનની ભાગીદારી નોંધાવી હતી જેની મદદથી ટીમ વન-ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી.
સાકિબે 84 બૉલમાં 75 રનની ઇનિંગ્સ રમી હતી જેમાં તેણે આઠ બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી જ્યારે મુશ્ફિકુરે 80 બૉલમાં 78 રન ફટકાર્યા હતા જેમાં આઠ બાઉન્ડ્રી સામેલ હતી.
સાઉથ આફ્રિકન બૉલર્સ બાદમાં મહેમુદૂલ્લાહ અને મોસાડેક હુસૈનની જોડીને પણ રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ જોડીએ 66 રનની ભાગીદારી નોંધાવી હતી. સાકિબ અને મુશ્ફિકુર કરતાં આ બંને બેટ્સમૅન વધારે આક્રમક રહ્યા હતા.
મહેમુદૂલ્લાહ ત્રણ બાઉન્ડ્રી અને એક સિક્સરની મદદથી 46 રને અણનમ રહ્યા હતા જ્યારે મોસાદ્દેકે 20 બૉલમાં 26 રન ફટકાર્યા હતા.
આ ઉપરાંત મોહમ્મદ મિથુને 21 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા માટે ફેલુકવાયો, ક્રિસ મોરિસ અને ઈમરાન તાહિરને બે-બે સફળતા મળી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

નબળી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
331 રનના ટાર્ગેટ સામે પ્રારંભથી જ સાઉથ આફ્રિકન બેટ્સમૅન ગૂંચવણમાં જણાતા હતા.
બાંગ્લાદેશી બૉલિંગ આક્રમણ સામે તેઓ મુક્તપણે રમી શકતા ન હતા જેને પરિણામે તેઓ સેટ થયા બાદ વિકેટ ગુમાવતા રહ્યા હતા.
માર્કરામ, પ્લેસિસ, ડેવિડ મિલર અને ડુસાન પાસેથી લાંબી ઇનિંગ્સની અપેક્ષા રખાતી હતી પરંતુ તમામ બેટ્સમૅન સેટ થયા બાદ ટીમને જરૂર હતી ત્યારે જ વિકેટ ગુમાવી બેઠા હતા.
આ પરિણામ સાથે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હવે રસપ્રદ બની ગઈ છે. સાઉથ આફ્રિકા હવે પાંચમી જૂને ભારત સામે રમશે એ જ દિવસે બાંગ્લાદેશનો મુકાબલો ન્યૂઝીલૅન્ડ સામે થશે. એ મુકાબલામાં બંને ટીમ એક એક મેચ જીતીને રમતી હશે.
આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની સતત બીજી હાર છે, આ પહેલાં 2019ના વર્લ્ડ કપનો પ્રથમ મૅચ જ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ સામે હારી ગયું હતું.
બાંગ્લાદેશ તરફથી મુસફિકુર રહીમે સૌથી વધારે 78 રન તથા શાકિબ અલ હસને 75 રન કર્યા હતા.
જ્યારે બાંગ્લાદેશના બૉલર મુસ્તફિઝુર રહેમાને 3 વિકેટ અને મોહમ્મદ સફિદ્દુદીને 2 વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધારે ડુ પ્લેસીસે 62 રન તથા જેપી ડુમીનીએ 45 રન કર્યા હતા.
વન-ડેમાં બાંગ્લાદેશના સર્વોચ્ચ સ્કોર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












