પાકિસ્તાન સૈન્યના ઉચ્ચ અધિકારીને મૃત્યુદંડ, એકને ઉમરકેદ

    • લેેખક, શુમાઇલા જાફરી
    • પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ

જાસૂસીના આક્ષેપ હેઠળ પાકિસ્તાની સેનાએ પોતાના બે ઉચ્ચ અધિકારીઓને મૃત્યુદંડ અને જનમટીપની સજા કરવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા કેટલાક સમયમાં રાજકારણીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના અભિયાન વચ્ચે ન્યાયતંત્ર અને સેના જેવી સંસ્થાઓને જવાબદાર બનાવવાની પણ માગ ઊઠી રહી છે.

પાકિસ્તાની સેના તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર સૈન્યના બે નિવૃત્ત અધિકારીઓ અને એક બિનલશ્કરી અધિકારીને વિદેશી એજન્સીઓને સંવેદનશીલ માહિતી પહોંચાડવા આરોપસર સજા કરવામાં આવી છે.

કોણ છે આ અધિકારીઓ?

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ જાવેદ ઇકબાલને 14 વર્ષની સશ્રમ જન્મટીપની સજા કરવામાં આવી છે.

પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ખૂબ ઊંચા હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. દેશમાં સૈન્ય સંચાલનમાં રણનીતિ અને યોજનાઓ માટે જવાબદાર વિંગમાં તેઓ ડિરેક્ટર જનરલ હતા.

એડજુટેન્ટ જનરલ તરીકે સેનામાં શિસ્ત અને જવાબદારી નિશ્ચિત કરનારા વિભાગની પણ તેઓ આગેવાની કરી ચૂક્યા છે.

અન્ય લશ્કરી અધિકારી છે, નિવૃત્ત બ્રિગેડિયર રઝા રિઝવાન. તેઓ જર્મનીમાં પાકિસ્તાન મિલિટરીના આગેવાન રહી ચૂક્યા છે.

તેમને જાસૂસીના આક્ષેપ હેઠળ મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો છે. રઝા રિઝવાન ગયા વર્ષે ઇસ્લામાબાદના જી-10 વિસ્તારમાંથી ગાયબ થઈ ગયા હતા.

તેમના લાપતા થવાથી તેમના પરિવારે ઇસ્લામાબાદ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

ત્યારબાદ રક્ષા મંત્રાલયે કોર્ટને જણાવેલું કે તેઓ સૈન્યની કેદમાં છે અને ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ હેઠળ તેમના પર કેસ ચલાવવામાં આવી રહ્યો છે.

ડૉ. વસીમ અકરમ બિનલશ્કરી અધિકારી છે. સેનાના નિવેદન અનુસાર તેઓ એક સંવેદનશીલ સંસ્થામાં કામ કરતા હતા.

ડૉ. અકરમને પણ મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. તેમના પર અન્ય દેશોની ગુપ્તચર સંસ્થાઓને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો આરોપ હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

મામલો શું છે?

છેલ્લા બે અઠવાડિયાથી સૈન્યના બે ઉચ્ચ અધિકારીઓની ઘરપકડના સમાચાર આવી રહ્યા છે.

પત્રકાર પરિષદમાં સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે આ ધરપકડની પુષ્ટિ કરી હતી.

તેમણે કહ્યું હતું, "સૈન્યના વડાએ કોર્ટ માર્શલનો આદેશ આપ્યો હતો, જે હાલ ચાલુ છે. પરંતુ આ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી નથી અને આ કોઈ સાથે નેટવર્કનો મુદ્દો નથી."

તેમણે એમ પણ કહ્યું કે જ્યારે કાર્યવાહી પૂરી થશે, ત્યારે તેની પણ જાહેરાત કરશે.

જાસૂસી અંગેનો પાકિસ્તાની કાયદો શું છે?

આ પકડાયેલા અધિકારીઓ વિરુદ્ધ ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો.

સરકારી સેવામાં જોડાનાર દરેક વ્યક્તિએ પછી તે લશ્કરી હોય કે બિનલશ્કરી, તેમણે ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ પર સહી કરવાની હોય છે.

આ કાયદા હેઠળ દરેક અધિકારી પર સંવેદનશીલ માહિતી ગોપનીય રાખવાની જવાબદારી હોય છે.

આ કાયદાના ઉલ્લ્ઘંનની સજા જન્મટીપ અથવા ફાંસી હોય છે.

લશ્કરી અધિકારીઓએ પાકિસ્તાન આર્મી ઍક્ટ અંતર્ગત અલગ અલગ કેસમાં ફીલ્ડ જનરલ કોર્ટ માર્શલ દ્વારા સજા કરવામાં આવી.

પહેલાં પણ સજા થઈ છે

આવું પહેલી વખત નથી બન્યું કે કોર્ટે ઉચ્ચ અધિકારીઓને સજા કરી હોય.

વર્ષ 2012માં ચાર લશ્કરી અધિરારીઓને પ્રતિબંધિત સંગઠન હિઝબુલ તહરીર સાથે સંબંધ રાખવા માટે સજા કરવામાં આવી હતી.

તેમાં બ્રિગેડિયર અલી ખાનનું નામ પણ સામેલ હતું. ખાન પર સરકારના તખ્તાપલટના કાવતરામાં સામેલ હોવાનો પણ આક્ષેપ હતો.

સાથે જ તેમના પર સેનામાં વિદ્રોહ અને પાકિસ્તાની સેનાના મુખ્યાલય પર હુમલાની યોજના કરવાનો આરોપ હતો.

વર્ષ 2015માં સૈન્યના બે નિવૃત્ત જનરલ પર ભ્રષ્ટાચારના આરોપસર સૈન્યની કોર્ટે સજા કરી હતી.

એક વર્ષ પછી એક લેફ્ટનન્ટ જનરલ, એક મેજર જનરલ, પાંચ બ્રિગેડિયર, ત્રણ કર્નલ અને એક મેજર સહીત 11 લશ્કરી અધિકારીને જાહેર સંપત્તિમાં ગડબડના આરોપસર સેનામાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા.

તેમનો રૅન્ક અને નિવૃતિ બાદ મળનારી સેવાઓ છીનવી લેવાઈ હતી.

આ વર્ષની શરૂઆતમાં આઈએસઆઈના પૂર્વ આગેવાન અસદ દુર્રાની સાથે પણ આવું જ થયું હતું. તેમના પર સેનાની આદર્શ આચારસંહિતા ભંગ કરવાનો આરોપ હતો.

તેમના પર ભારતીય ગુપ્તચર સંસ્થા રૉના અધિકારી એ. એસ. દુલત સાથે મળીને એક પુસ્તક 'ધ સ્પાઈ ક્રૉનિકલ્સ' લખવાનો આરોપ હતો.

અસદ દુર્રાનીનું નામ દેશની બહાર ન જવા દેવાના લોકોની યાદીમાં મૂકી દેવામાં આવ્યું હતું.

જોકે, હાલના સમયમાં સેના પર જવાબદાર સંસ્થા હોવાનું અને તેના ઉપર બીજી કોઈ જ સંસ્થા નથી એ સાબિત કરવાનું દબાણ રહેલું છે.

રક્ષા વિશ્લેષક ઇમ્તિયાઝ ગુલના જણાવ્યા અનુસાર, "સેનામાં ચાલતી આ સતત પ્રક્રિયા છે. પરંતુ સેનાએ તેની જાહેરાત કરી હોય તેવું પહેલી વખત બન્યું છે. તેનાથી તેમની છાપ સુધરશે એ નક્કી છે."

તેઓ માને છે કે આ પગલા સામાન્ય જનતામાં સેના અંગેની ગેરમાન્યતાઓ અને રાજકીય દબાણને ઓછું કરવાનું કામ કરશે. તે ઉપરાંત તેઓ દેશની અંદર અને બહાર પણ એક સંદેશ આપવા માગે છે.

ડૉ. સલમા મલિક ઇસ્લામાબાદની કાયદે આઝમ યુનિવર્સિટીમાં રક્ષા અને રણનીતિ સંબંધી અધ્યયનમાં આસિસ્ટંટ પ્રોફેસર છે.

તેઓ કહે છે, "સંદેશ સ્પષ્ટ છે કે રાષ્ટ્રિય સુરક્ષા મુદ્દે કોઈ જ સમાધાન થશે નહીં. પછી તેના માટે કોઈ નાગરિક જવાબદાર હોય કે સેનાના અધિકારી."

ડૉ. સલમાએ આગળ કહ્યું, "સેનાની જવાબદારી સાબિત કરવી અને સેના અન્ય સંસ્થાઓથી ઉપર છે તે ગેરમાન્યતા તોડવી એ તેનો હેતુ હતો."

સલમા કહે છે, "ઉચ્ચ અધિકારીઓને પણ કાયદા હેઠળ પ્રશ્નો પૂછી શકાય છે એ સંદેશ આપવાના આ શરૂઆતના પગલાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો