પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી સૌથી વધુ પરેશાન કોણ?

ઇમેજ સ્રોત, Empics
- લેેખક, શુમાએલા જાફરી
- પદ, ઇસ્લામાબાદથી, બીબીસી સંવાદદાતા
એ ઉનાળાની સવાર હતી. શમૂન મસિહ પોતાના હાથે રજાઈ સીવી રહ્યા હતા. રજાઈનું રૂ ફર્શ પર ફેલાયેલું હતું. તેઓ નીચે વળેલા હતા અને તેમના હાથ ઝડપથી ચાલતા હતા.
આ જ રજાઈના બીજા છેડે શમૂનના ભાઈ સિલાઈ કરી રહ્યા હતા. શમૂન વચ્ચે-વચ્ચે ઉપર જુએ અને ભાઈ સાથે વાતો કરે. શમૂનનું આ પાર્ટટાઇમ કામ હતું. ખરેખર તેઓ પાકિસ્તાની આર્મીમાં પેઇન્ટર તરીકે કામ કરતા હતા.
તેઓ આ જ રીતે કેટલાંક નાનાં-નાનાં છૂટક કામો કરતાં રહે છે.
શમૂન કહે છે, "બાળકો હંમેશાં કંઈ ને કંઈ માગ્યા કરે છે, જો મારાં ખિસ્સાં જ ખાલી હશે તો એમને હું બધું કઈ રીતે લઈ આપીશ."
શમૂનની દીકરી હવે શાળાએ જવા લાયક થઈ ગઈ છે. પરંતુ શમૂન હજુ તેનું ઍડમિશન લઈ શક્યા નથી, કારણ કે તેમની પાસે ફી ભરવાના પૈસા નથી.
શમૂન કહે છે, "વીજળી, ગૅસ, પેટ્રોલ બધું જ મોંઘું છે. મારા જેવા પિતા જ આ વાત સમજી શકે છે કે બાળકોને શાળાએ ન મોકલી શકવાની પીડા શું હોય છે."
શમૂન પોતાની વાત કરતા કહે છે, "ડૉલર સતત ઉપર જઈ રહ્યો છે, 141 રૂપિયા થઈ ગયો છે. લોકો કહે છે કે 150 રૂપિયા થઈ જશે. હું પહેલાંથી જ ત્રણ નોકરીઓ કરું છું. છતાં પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકતો નથી."

મોંઘવારીનો માર

છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાનમાં મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માત્ર એક જ વર્ષમાં પાકિસ્તાની રૂપિયો ડૉલર સામે 23 ટકા નીચે ગયો છે.
લોકો માની રહ્યા છે કે આવનારાં બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થા પર કડક વલણ અપનાવી શકે છે.
તાજેતરમાં જ 'સાઉથ એશિયા ઇકૉનૉમિક ફોક ઍક્સ્પૉર્ટ વૉન્ટેડ' શીર્ષક સાથે છપાયેલા વર્લ્ડ બૅંકના એક રિપોર્ટમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં આ નાણાકીય વર્ષમાં મોંઘવારીનો દર સરેરાશ 7.1ટકા વધી શકે છે અને આવતા વર્ષે 13.5 ટકાએ પહોંચી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?


જાફરા મુસ્તફા એક સિંગલ મધર છે. ઇસ્લામાબાદના પોતાના ઘરમાં તેઓ એક નાનો બિઝનેસ ચલાવે છે. તેઓ ઘરે બનાવેલું ભોજન વેચે છે.
જાફરા કહે છે કે, તેમના કામ પર મોંઘવારીની બહુ અસર થઈ છે.
પોતાના નુકસાન વિશે તેઓ કહે છે, "જે લોકો અઠવાડિયામાં ત્રણ વખત ખાવાનું ખરીદતા હતા એ હવે બે જ વખત ખરીદે છે."
"લોકોની પસંદગી પણ બદલાઈ ગઈ છે. મોંઘી વસ્તુ જેવી કે પનીરમાંથી બનેલી વાનગીઓ હવે ઓછી ખરીદે છે."
જાફરા માને છે કે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો એમનો આ નાનો ધંધો ઠપ થઈ જશે.

જાફરા કહે છે, "મધ્યમ વેપારી, મધ્યમ વર્ગના લોકો અને લઘુ ઉદ્યોગોને સૌથી વધુ અસર પહોંચી છે. જો આ જ રીતે મોંઘવારી વધતી રહી તો નાના વેપારી તેને સહન કરી શકશે નહીં."
"ઘણી મહિલાઓ નાના-નાના બિઝનેસ કરે છે. તેમની પાસે બહુ આર્થિક ટેકો નથી હોતો. તેઓ પોતાની બચત ઉપર જ ગુજરાન ચલાવતી હોય છે, પણ હાલની સ્થિતિમાં એ બચત વપરાઈ રહી છે."



પાકિસ્તાન પર દેવું

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ બૅંકના રિપોર્ટમાં વધુ એક વાત સામે આવી છે. ડિસેમ્બર 2018ના અંત સુધીમાં પાકિસ્તાની જનતા પરનું દેવું તેની જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન)ના 73.2 ટકા સુધી પહોંચી ગયું હતું અને આ વર્ષે તે વધીને 82.3 ટકા પર પહોંચી જાય તેવી શક્યતા છે, જે છેલ્લાં વર્ષોમાં ટોચ પર હશે.
ખરાબ આર્થિક રણનીતિઓના કારણે ઇમરાન ખાન સરકારની સતત ટીકા થઈ રહી છે.
પાકિસ્તાનની તહરીફ-એ-ઇન્સાફ પાર્ટીના નાણા મંત્રી અસદ ઉમરને ગયા અઠવાડિયે પદ પરથી રાજીનામું આપવાનું કહી દેવાયું છે.
હવે સરકાર ઇન્ટરનેશનલ મની ફંડમાંથી બેલઆઉટ પૅકેજ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ દેશના અર્થશાસ્ત્રીઓ માને છે કે આઈએમએફ સાથેની આ ડીલ એટલી સરળ નહીં હોય.
પાકિસ્તાનના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. તલત અનવર માને છે કે આઈએમએફ સાથે થનારી ડીલથી સામાન્ય લોકોની સમસ્યા વધી જશે.
તેઓ કહે છે, "જો આઈએમએફ શરતો મૂકીને પાકિસ્તાની નાણાંનું મૂલ્ય ઘટાડી દેશે તો રોજબરોજની વસ્તુઓની કિંમત વધી જશે. જો આઈએમએફ સરકારને વ્યાજના દરો વધારવાનું કહેશે તો રોકાણ મંદ પડી જશે. દેશમાં પહેલાંથી જ વ્યાજના દર 10.75 ટકા છે."
ડૉ. તલત માને છે કે રોકાણમાં ઘટાડો થશે તો દેશના વિકાસના દર સાથે રોજગારી પણ ઘટશે.

ચીનનો સહારો

વર્લ્ડ બૅંકના રિપોર્ટ મજબ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ વર્ષે 3.4 ટકાના દરે આગળ વધી રહી છે. આવતા વર્ષે તે ધીમી પડીને 2.7 ટકા સુધી નીચે જવાની શક્યતા છે.
એવી સ્થિતિ છે કે પાકિસ્તાન માટે ચીનનો સહારો વધી જશે. પાકિસ્તાન પહેલાંથી જ ચીનના સહારે પોતાની અર્થવ્યવસ્થા ચલાવી રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વધુ એક વખત ચીનના બીજિંગની મુલાકાત લેવાના છે.
ગયા વર્ષે ઑગસ્ટમાં સત્તા પર આવ્યા બાદ આ તેમની ચીનની બીજી મુલાકાત હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાન ત્યાં 'બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ ફોરમ'માં ભાષણ આપી શકે છે, જેમાં 40 દેશોના નેતાઓ સામેલ હશે.
તે ઉપરાંત ઇમરાન ખાન ચીન સાથે બીજા કેટલાક વેપારી સોદાઓ પણ કરી શકે છે. પાકિસ્તાનની મહત્ત્વની બેલ્ટ ઍન્ડ રોડ યોજનામાં ચીનની હિસ્સેદારી અગત્યની છે. પાકિસ્તાનને વિશ્વાસ છે કે ચીન પોતાની આ યોજનાથી પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થાને સુધારશે.
પરંતુ આ સ્થિતિમાં સવાલ એ ઊઠે છે કે શું પાકિસ્તાન-ચીન ઇકૉનૉમિક કૉરિડોર જ પાકિસ્તાનની તમામ આર્થિક સમસ્યાઓનો એકમાત્ર જવાબ છે?

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












