મોદી સરકારના કાર્યકાળમાં બૅન્કોના સાડા પાંચ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ મુજબ છેલ્લાં દસ વર્ષોમાં બૅન્કોના સાત લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી અખબારે આરટીઆઈ હેઠળ માગેલી માહિતીમાં સંબંધિત જાણકારી મળી છે.

અખબાર લખે છે કે માત્ર વર્ષ 2018ના નવ મહિનામાં જ બૅન્કોએ 1,56,702 કરોડ રૂપિયાનું દેવું 'રાઇટ ઑફ' કર્યું છે, મતલબ કે તેમણે આ રકમ એનપીએ(નોન પર્ફૉર્મિંગ ઍસેટ્સ)માં નાખી દીધી છે.

આ બાબતને એ રીતે પણ કહી શકાય કે બૅન્કો આ દેવાની ઉઘરાણી તો કરે છે, પરંતુ પોતાનાં ખાતાં ક્લિયર રાખવાં માટે આ રકમને એનપીએ જાહેર કરી દેવામાં આવે છે.

આ અહેવાલ અનુસાર એપ્રિલ 2014થી લઈને આજ સુધી એટલે કે પાંચ વર્ષમાં બૅન્કોના પાંચ લાખ 55 હજાર 603 કરોડ રૂપિયા ડૂબ્યા છે.

line

સુદાનમાં સત્તા ઉથલાવનારા નેતાએ પણ રાજીનામું ધરી દીધું

મિલિટરી કાઉન્સિલના ચીફ બન્યાના બીજા જ દિવસે ઇબ્ન ઔફે પદ છોડ્યું

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મિલિટરી કાઉન્સિલના ચીફ બન્યાના બીજા જ દિવસે ઇબ્ન ઔફે પદ છોડ્યું

આફ્રિકન દેશ સુદાનમાં ઝડપથી બદલાઈ રહેલી રાજકીય સ્થિતિ વચ્ચે સંરક્ષણ મંત્રી (સૈન્ય વડા) અવાદ ઇબ્ન ઔફે પદ છોડી દીધું છે.

અવાદ 'સુદાન મિલિટરી કાઉન્સિલ'ના પ્રમુખ હતા અને તેમની આગેવાનીમાં બુધવારે દેશમાં સત્તા ઉથલાવાઈ હતી.

અવાદે પદ છોડવાની જાહેરાત સરકારી ટીવી ચેનલ પર કરી. તેમણે લેફ્ટનન્ટ જનરલ અબ્દુલ ફતહ અબ્દુર્રહમાન બુરહાનને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે.

અવાદનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે ઉમર અલ બશીરે રાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ લોકોનો વિરોધ અટક્યો નથી.

સુદાનના લોકોનું કહેવું છે કે તેમને આ સત્તાપરિવર્તન મંજૂર નથી, કારણ કે તેની આગેવાની કરનારા નેતાઓ પણ બશીરના અંગત છે.

line

ઇઝરાયલનું યાન બૅરેસેટ ચંદ્રની સપાટીથી 15 કિમી દૂર ક્રૅશ થયું

દૂર્ઘટનાગ્રસ્ત થતાં પહેલાં બેરેસેટ દ્વારા લેવાયેલી ચંદ્રની સપાટીની અંતિમ તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દૂર્ઘટનાગ્રસ્ત થતાં પહેલાં બૅરેસેટ દ્વારા લેવાયેલી ચંદ્રની સપાટીની અંતિમ તસવીર

બીબીસી સંવાદદાતા રૅબેકા મૉરેલના અહેવાલ મુજબ ઇઝરાયલનું પ્રથમ ચંદ્ર અભિયાન નિષ્ફળ થઈ ગયું છે. ચંદ્રની સપાટી પર ઊતરતાં જ 'બૅરેસેટ યાન' ક્રૅશ થઈ ગયું છે.

યાનના એન્જિનમાં ખરાબી સર્જાતા લૅન્ડિંગ કરતી વખતે રૉવરની બ્રૅકિંગ સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ હતી.

આ અભિયાનનો મુખ્ય હેતુ કેટલીક તસવીરો લેવાનો અને કેટલાક પ્રયોગો પાર પાડવાનો હતો.

અભિયાન નિષ્ફળ જતાં રશિયા, અમેરિકા અને ચીન બાદ આ સિદ્ધિ હાંસલ કરવાનું ઇઝરાયલનું સપનું અધૂરું રહી ગયું છે.

આ મિશનના પ્રમુખ મૉરિસ કાનએ કહ્યું, "અમે સફળ ન થઈ શક્યા, પરંતુ અમે કોશિશ તો કરી. મને લાગે છે કે અમે જ્યા સુધીં પહોંચ્યા છીએ ત્યાં સુધી પહોંચવાની ઉપલબ્ધિ પણ ખરેખર જબરદસ્ત છે."

તેલ અવીવના કંટ્રોલ રૂમમાંથી યાન પર નજર રાખનારા ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું, "પહેલી વખતમાં સફળતા ન મળે તો તમારે ફરી પ્રયત્ન કરવો જોઈએ."

અમેરિકાના ફ્લોરિડાથી છોડવામાં આવેલું યાન ચંદ્રની સપાટીથી 15 કિલોમિટર દૂર હતું, ત્યારે જ તેના એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું હતું.

આ અભિયાન પાછળ 100 મિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.

લાઇન
લાઇન

અલ્જીરિયામાં વિરોધ પ્રદર્શન બાદ 108 લોકોની ધરપકડ

પોલીસે અલ્જિરિયામાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોને ઘૂસણખોરો ગણાવ્યા હતા.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પોલીસે અલ્જીરિયામાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોને ઘૂસણખોરો ગણાવ્યા હતા.

અલ્જીરિયામાં સરકાર વિરોધી-પ્રદર્શનોનો અંત આવે કોઈ સંકેત નથી જણાઈ રહ્યા.

શુક્રવારે પોલીસે 100 જેટલા પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.

રાજધાની અલ્જીરીયસમાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ અબ્દેલકાદર બેનસાલાહના પદ છોડવાની માગ કરી રહેલા લોકો પર પોલીસે વૉટર-કૅનન અને ટીઅર-ગૅસનો ઉપયોગ કર્યો હતો.

છેલ્લા બે મહિનાથી દેશનાં વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.

આ પહેલાં માર્ચ મહિનાના અંતમાં યોજાયેલાં પ્રદર્શનો દરમિયાન 27 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા બાદ 108 લોકોની ધરપકડ કરાઈ હતી.

પૂર્વ નેતા અબ્દેલઝીઝ બૂત્લેફિકાએ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યા બાદ બેનસાલાહએ તેમનું સ્થાન લીધું હતું.

તેમણે 4 જુલાઈના રોજ ચૂંટણીની જાહેરાત કરી હતી, પરંતુ લોકોને તેઓ પણ પોતાના પૂર્વ નેતા જેવા જ લાગી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો