You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : પાર્ટી કહેશે તો ચૂંટણી પણ લડીશ - પ્રિયંકા ગાંધી વાડ્રા
કૉંગ્રેસે પૂર્વ ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ બનાવ્યા બાદ ચૂંટણી લડવા અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે જો પાર્ટી કહેશે તો તેઓ લડશે.
સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.
શું તેઓ ચૂંટણી લડશે એવા સવાલના જવાબ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મે હજી કંઈ નક્કી નથી કર્યું પરંતુ કૉંગ્રેસ કહેશે તો તેઓ ચૂંટણી પણ લડશે. હું ફકત પાર્ટી માટે કામ કરવા માગુ છું.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી અમેઠી પ્રચાર માટે પહોંચેલા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ એમની મંદિરની મુલાકાતો અંગે ટિપ્પણી કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે હું ક્યારે મંદિર જાઉ છું અને ક્યારે નથી જતી એની એમને કેવી રીતે ખબર?
ભાજપે વિઠ્ઠલ રાદડિયા સહિત ત્રણ સાંસદોની ટિકિટ કાપી
લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપે અન્ય ત્રણ બેઠકો પર નામોની જાહેરાત કરી છે. જેમાં પોરબંદરમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ કાપી તેમને સ્થાને નવા ઉમેદવાર રમેશ ધ઼ડૂકને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કપાઈ છે જ્યારે બનાસકાંઠાથી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંચમહાલ બેઠક પરથી રતન સિંહ અને બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલના નામની પસંદગી કરવામાં આવી છે.
અગાઉ ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારનાં નામ જાહેર કર્યા હતા.
અલ્જીરિયા: રાષ્ટ્રપતિને અયોગ્ય જાહેર કરી દેવા જોઈએ - આર્મી ચીફ
અલ્જીરિયાના આર્મી ચીફ ઑફ સ્ટાફે માગ કરી છે કે રાષ્ટ્રપતિ અબ્દેલ અઝીઝને શાસન માટે અયોગ્ય જાહેર કરી દેવા જોઈએ, જેમના વિરુદ્ધ ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.
ટેલિવિઝન પર પોતાના સંબોધનમાં લેફ્ટનન્ટ જનરલ અહમદ જી. સાલેહે કહ્યું, "આ સંકટમાંથી બહાર નીકળવાનો એવો કોઈ રસ્તો શોધવો જોઈએ કે જે બંધારણની અંતર્ગત હોય."
તેમણે એવું પણ કહ્યું કે સ્થાનિક રાજકીય સ્થિતિ સંદર્ભે બંધારણના આર્ટિકલ 102 અંગે પણ વાત કરાઈ.
જો રાષ્ટ્રપતિ યોગ્ય ન હોય તો આ આર્ટિકલ અંતર્ગત બંધારણીય પરિષદ રાષ્ટ્રપતિ પદ ખાલી કરવાની જાહેરાત કરી શકે છે.
જો આવું થાય તો સૅનેટેના પ્રમુખને આગામી ચૂંટણી સુધી રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે.
અલ્જીરિયાના 82 વર્ષના રાષ્ટ્રપતિને છ વર્ષ પૂર્વે સ્ટ્રોક આવ્યો હતો, ત્યારથી તેઓ માંડ બોલી કે ચાલી-ફરી શકે છે. પ્રદર્શનકારીઓને પ્રશ્ન છે કે તેઓ દેશ ચલાવી કેવી રીતે શકે?
નરેન્દ્ર મોદીની બાયોપિક અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ થઈ શકશે કે નહીં એ અંગે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે.
આ પ્રશ્ન એટલે ઊઠી રહ્યો છે કે ચૂંટણી પંચમાં આ બાયોપિક અંગે ફરિયાદ નોંધાવાઈ છે.
'ઇંડિયા ટુડે'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચે ફિલ્મ-મેકરને નોટિસ પાઠવી છે.
પૂર્વ દિલ્હીના રિટર્નિંગ ઑફિસર દ્વારા ફિલ્મના પ્રોડક્શન હાઉસ અને મ્યુઝિક કંપનીને તથા ફિલ્મની જાહેરાત કરનાર બે અખબારોને સુઓ મોટો નોટિસ પાઠવવામાં આવી હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.
આ ફિલ્મ આગામી 5 એપ્રિલે રિલીઝ થનાર હતી.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીનં કહેવું છે કે ફિલ્મ-મેકર્સના જવાબની રાહ જોવાઈ રહી છે. તેમને 30 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
હાર્દિક પટેલની સ્ટેની અરજીનો રાજ્ય સરકારનો વિરોધ
કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે અદાલતમાં સજા પર સ્ટે મેળવવા માટે અરજી કરી હતી, જેથી તેઓ લોકસભાની ચૂંટણી લડી શકે.
'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારે હાર્દિક પટેલની આ અરજીને પડકારી છે.
રાજ્ય સરકારની અરજીનો સાર એવો છે કે સેશન કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા હાર્દિકને સજા આપવા માટે પૂરતા છે.
સેશન કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવા માટે હાઈકોર્ટમાં આ અરજી કરાઈ છે.
અરજીમાં એવો પણ ઉલ્લેખ છે કે કેટલાક પુરાવાઓના આધારે એ પણ સ્પષ્ટ થાય છે કે અરજી કરનાર ગુનેગાર(હાર્દિક પટેલ) ઘટવાસ્થળે ટોળામાં હાજર હતા.
બ્રેક્સિટ મામલે બ્રિટિશ સાંસદોનો નવો વૈકલ્પિક પ્લાન
બ્રિટિશ સાંસદોએ બ્રેક્સિટ મામલે કેટલાક વિકલ્પોનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે બ્રેક્સિટ મામલે બ્રિટશ સંસદમાં બહુમતિ મેળવવાના વડાં પ્રધાન થેરેસા મેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
સાંસદોના બ્રેક્સિટ અંગેના વિકલ્પો મામલે બુધવારથી મતદાન થનાર છે.
યુરોપિયન યુનિયન સાથેના યુકેના આગામી દિવસોના સંબંધોને ધ્યાનમાં રાખીને સાંસદો અલગ-અલગ વિકલ્પો રજૂ કરશે.
ગોવામાં અડધી રાત્રે એમજેપી ભાજપમાં વિલીન
મંગળવારે અડધી રાત્રે સહયોગી પક્ષ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી(એમ.જે.પી.) ભાજપમાં વિલીન થઈ ગયો.
'એનડીટીવી ઇંડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે મંગળવારે રાત્રે 1.45 વાગ્યે આ રાજકીય ગતિવિધિ થઈ.
એમજેપીના બે તૃતીયાંશ ધારાસભ્યો પોતાના પક્ષને ભાજપમાં વિલીન કરવાના નિર્ણય સાથે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ પહોંચ્યા હતા.
અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે નિયમો પ્રમાણે જો કોઈ પક્ષના બે તૃતીયાંશ જેટલા ધારાસભ્યો પાર્ટી બદલે તો તેમને ધારાસભામાંથી પોતાનું સભ્યપદ છોડવું પડતું નથી.
ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભામાં આ પાર્ટીના 3 ધારાસભ્યો છે, જે પૈકી બે ધારાસભ્યોએ ભાજપમાં જોડાવાનો પત્ર સ્પીકર માઇકલ લોબોને સોંપ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો