પાકિસ્તાનમાં 'હિંદુઓ સાથે મારપીટ'ના વીડિયોની હકીકત શું છે?

ઇમેજ સ્રોત, VIRAL VIDEO SCREENGRAB
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, ફૅક્ટ ચેક ટીમ, નવી દિલ્હી
પાકિસ્તાનમાં કથિત રીતે પોલીસ દ્વારા હિંદુઓની પીટાઈ કરતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક પર 15 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. પરંતુ વીડિયો ખરેખર સાચો છે?
વાયરલ થયેલા આ વીડિયો પર લખ્યું છે, 'જુઓ, પાકિસ્તાનમાં હિંદુઓ સાથે શું થઈ રહ્યું છે.'
'ભાજપા : મિશન 2019' નામના ફેસબુક પર આ વીડિયોને બે દિવસ પહેલાં પોસ્ટ કરવામાં આવ્યો હતો.
માત્ર આ પેજ પર આ વીડિયોને 11 લાખથી વધુ વખત જોવાયો છે.
અમુક લોકોએ આ વીડિયોને શેર કરતા લખ્યું છે, "જો 2019માં નરેન્દ્ર મોદીને નહીં લાવો, તો ભારતમાં પણ હિંદુઓના આવા હાલ થશે."
આ વીડિયોમાં પાકિસ્તાનની એલીટ ફોર્સના અમુક જવાનો એક ઘરમાં ઘૂસતા હોય તેવું દેખાય છે અને ત્યારબાદ તેઓ લાઠીચાર્જ કરે છે.
બીબીસીએ આ વીડિયોની તપાસ કરી જેમાં જાણવા મળ્યું કે આ વીડિયોને ખોટા સંદર્ભ સાથે જોડીને વાયરલ કરવામાં આવ્યો છે.
આ વીડિયો ભારત સહિત યુરોપ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ વાયરલ થઈ ચૂક્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇસ્લામાબાદ (પાકિસ્તાન) સ્થિત બીબીસી સંવાદદાતા ઉમર દરાઝે આ વીડિયોની પુષ્ટિ કરતા કહ્યું છે કે આ વીડિયો પાકિસ્તાનના ફેસલાબાદનો છે, પરંતુ આ મામલો લઘુમતી હિંદુઓની પીટાઈનો બીલકુલ નથી.

કેવી રીતે કરાઈ તપાસ?

ઇમેજ સ્રોત, VIRAL VIDEO SCREENGRAB
રિવર્સ સર્ચમાં માલૂમ પડ્યું કે યૂ-ટ્યૂબ પર આ વીડિયોની સૌથી જૂની પોસ્ટ 5 ઑક્ટોબર 2014ના રોજની છે.
આ વીડિયોને બિલાલ અફઘાન નામની એક વ્યક્તિએ તેમના યૂ-ટ્યૂબ પેજ પર પોસ્ટ કર્યો હતો.
તેમણે લખ્યું હતું, "સામાન્ય નાગરિકોનાં ઘરમાં ઘૂસીને તેમને માર મારતી પાકિસ્તાની પોલીસ." તેમણે પોતાની પોસ્ટમાં કોઈ પણ ધર્મનો ઉલ્લેખ કર્યો નહોતો.
બિલાલના આ વીડિયો પર દરી/ફારસી ભાષામાં ન્યૂઝ વેબસાઇટ 'શિયા ન્યૂઝ ઍસોસિયેશન' દ્વારા નવેમ્બર 2014માં એક વીડિયો સ્ટોરી કરી હતી જેનું શિર્ષક હતું, 'અફઘાન શર્ણાર્થીઓ કે સાથ બર્બર સુલૂક કરતી પાકિસ્તાની પુલીસ.'
આ વીડિયો સ્ટોરી સંદર્ભે અમે કાબુલ સ્થિત બીબીસી પશ્તો સેવાના સંવાદદાતા નૂર ગુલ શફાક સાથે વાતચીત કરી.
તેમણે વીડિયોમાં લોકોની ભાષા, પહેરવેશ અને વર્ષ 2014માં નોંધાયેલી ઘટનાઓને આધારે જણાવ્યું કે આ વીડિયો અફઘાન શરણાર્થીઓ સાથેની હિંસાનો નથી અને વીડિયોમાં દેખાતા લોકો પણ અફઘાન નથી.
જોકે, નૂર ગુલ શફાકે કહ્યું, "આ વીડિયો વર્ષ 2014-15માં અફઘાનિસ્તાનમાં વાયરલ થઈ ચૂક્યો છે. તે સમયે લોકો આ વીડિયોને એવું કહીને શેર કર રહ્યા હતા કે પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન શરણાર્થીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે."

તમે આ વાંચ્યું કે નહીં?


શું છે હકીકત?

ઇમેજ સ્રોત, VIRAL VIDEO SCREENGRAB
બીબીસી સંવાદદાતા ઉમર દરાઝના જણાવ્યા અનુસાર આ વીડિયો ફૈસલાબાદનો અને મે અથવા જૂન 2013ના વર્ષનો છે.
તેમણે ઉમેર્યું, "ફૈસલાબાદમાં વીજળીનો પશ્ન શરૂઆતથી જ છે પરંતુ વર્ષ 2013માં પરિસ્થિતિ વણસી ગઈ હતી. લોકોની ફરિયાદ હતી કે તેમને દિવસના 14-16 કલાક વીજળી નથી મળતી. આને લઈને શહેરમાં મોટું પ્રદર્શન થયું હતું જેમાં લોકોએ એક પેટ્રોલ પંપ સહિત સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું."
"પોલીસે પોતાની કાર્યવાહીમાં પ્રદર્શનકારીઓનાં ઘરમાં ઘૂસીને તેમની સાથે મારામારી કરી હતી."
તે સમયે નવાઝ શરીફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી હતા. તેમણે પણ પોલીસની આ કાર્યવાહીની નિંદા કરી હતી અને પોલીસ પાસે રિપોર્ટ માગ્યો હતો.
પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલ 'દુનિયા ન્યૂઝ'ના એક રિપોર્ટ મુજબ, આ મામલામાં ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મીઓને મહિલા સાથે ખરાબ વર્તન કરવાના આરોપમાં બરતરફ કરી દેવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર હિંસામાં પીડિત સ્થાનિક મુસ્લિમ પરિવાર હતો અને ત્રણ મુખ્ય અપરાધી બાબર, તૌસીફ અને આબિદ હતા.



વાયરલ વીડિયો

ઇમેજ સ્રોત, TWITTER
અમારી તપાસમાં જાણવા મળ્યું કે રાજસ્થાનના અલવર અને અજમેર સહિત પશ્ચિમ બંગાળના ઉલુબેરિયા લોકસભા બેઠક પર જાન્યુઆરી 2018માં થયેલી ચૂંટણી પહેલાં પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો.
જાન્યુઆરી 2018માં જે લોકોએ ફેસબુક અને ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો હતો તેમનો દાવો હતો કે પાકિસ્તાનમાં એક હિંદુ નાગરિકે તેમના મકાન પર ભગવો ઝંડો લહેરાવ્યો તો પોલીસે હિંસક કાર્યવાહી કરી હતી.
આ વીડિયોને શેર કરનારા મોટાભાગના લોકોએ લખ્યું હતું કે ભારતમાં કથિત ધર્મનિરપેક્ષ રાજનૈતિક પક્ષોના દબાણમાં એવા લોકો પર ક્યારેય કાર્યવાહી નથી થતી જેઓ ભારતમાં પાકિસ્તાનનો ઝંડો ફરકાવે છે.
વર્ષ 2017માં આ વીડિયો યુરોપના અમુક દેશોમાં વાયરલ થયો હતો. આ અંગે કેટલાક માનવાધિકારી કાર્યકર્તાઓએ પણ ટ્વિટર પર ટિપ્પણી કરી હતી.

ઇમેજ સ્રોત, Ashraf Sherjan Twitter
અમુક લોકોએ નાગરિકો સાથે થયેલી આ પોલીસ હિંસાને 'ઇસ્લામિક રિપલ્બિક ઑફ પાકિસ્તાન'નો અંશ ગણાવ્યો હતો.
યુરોપમાં આ વીડિયો અંગે દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો વિરુદ્ધ પોલીસે હિંસક કાર્યવાહી કરી છે તે દરેક લઘુમતી સમુદાયના લોકો હતા.
'પીસ વર્લ્ડવાઇડ' નામના એક યૂ-ટ્યૂબ પેજ પર મે, 2015માં આ જ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને પીડિતો ઈસાઈ સમુદાયના હોવાનું જણાવાયું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














